દિવાળીની રજાઓમાં કંઈક ખરેખર મજા પડે એવું કરવું છે? ‘ફાયરબોય એન્ડ વોટરગર્લ’ ગેમ રમી જુઓ!

ઇન્ટરનેટ પર ગેમ્સનો તો કોઈ પાર નથી, એક શોધો ત્યાં હજાર મળે એવી સ્થિતિ છે, પણ એમાંની કેટલીક ગેમ લોકોની એવી નજરે ચઢી જાય છે કે ન પૂછો વાત. એવી એક ગેમ એટલે ‘એન્ગ્રી બર્ડ’. મોબાઇલ અને બ્રાઉઝર બંનેમાં રમી શકાતી આ ગેમ એટલી લોકપ્રિય થઈ છે કે કીચેઇનથી માંડીને બાળકોના ટુવાલ કે બેડશીડ સુદ્ધાંમાં એન્ગ્રીબર્ડનો કલબલાટ નજરે ચઢે છે.
પણ આપણે વાત કરવી છે ‘ફાયરબોય એન્ડ વોટરગર્લ’ની. કેમ? પહેલું કારણ એ કે આ ટુ-પ્લેયર ગેમ છે. ગેમ એકલા એકલા રમવામાં મજા નથી. બીજું કારણ એ કે એમાં કોઈ હારતું કે જીતતું નથી! હાર-જીત વિના કશું પણ રમવાની મજા શું એવી દલીલ સાચી, પણ આ ગેમમાં હાર-જીત નથી છતાં મજો-મજો થઈ જાય એમ છે. પરિવારના કોઈ પણ બે સભ્ય, દાદા-પૌત્રી, પતિ-પત્ની કે ભાઈ-બહેન કોઈ પણ ગેમ રમે તો બે વાત બને, કાં તો મોટેરાંએ જાણી જોઈને હારવું પડે અથવા નાનાં ભાઈ-બહેન રમે તો મોટા ભાગે એમની ગેમ એક પાર્ટીના રીસામણાથી જ પૂરી થાય (પતિ-પત્ની વચ્ચે શું થાય એની વાત જવા દો!).
જ્યારે આપણી આ ‘ફાયરબોય એન્ડ વોટરગર્લ’માં બંને પાર્ટીએ એકબીજાની મદદ લઈને જ આગળ વધવાનું અને વધુમાં વધુ પોઇન્ટ સ્કોર કરવાના છે. ચડસાચડસી છે, ધમાલ-મસ્તી છે ને છતાં દિમાગને જરા કસવું- દોડાવવું પડે એવું પણ છે.
ઓસ્લો આલ્બેટ નામના ડેવલપરે આ ગેમ ડેવલપ કરી અને સૌથી પહેલાં www.miniclip.com પર આ ગેમ લોન્ચ થઈ. અત્યારે તો કેટલીય સાઇટ પર આ ગેમ જોઈ શકાય છે.
આ ગેમ કેવી રીતે રમશો?
‘ફાયરબોય એન્ડ વોટરગર્લ’ ગેમની સ્ટોરી સિમ્પલ છે, ફાયરબોય અને વોટરગર્લ બંને નાનાં નાનાં કેરેક્ટર છે. દરેક વર્ઝનમાં બંને કેરેક્ટર જુદા જુદા પ્રકારના, ભૂલભૂલામણીવાળા મંદિરમાં ભૂલાં પડે છે. આ ગેમનાં પાંચ વર્ઝન આવી ચૂક્યાં છે – ફોરેસ્ટ ટેમ્પલ, લાઇટ ટેમ્પલ, ફરી ફોરેસ્ટ ટેમ્પલ, આઇસ ટેમ્પલ અને ક્રિસ્ટલ ટેમ્પલ.
એક પ્લેયર ચારેય એરો કીની મદદથી એક કેરેક્ટરને ભૂલભૂલામણીમાં આગળ ધપાવે છે, બીજા પ્લેયરે એ, એસ, ડી અને ડબલ્યુ કીનો ઉપયોગ કરવાનો છે. વોટરગર્લ લાલ પ્રવાહીમાં પડે તો ગેમ ફરી શરુ કરવી પડે અને ફાયરબોયે વાદળી પાણીથી બચવાનું. રસ્તામાં કેટલીય આડશ આવે, ઊંચી-નીચી થાય એવી લિફ્ટ આવે, એ બધું જુદા જુદા લીવર અને મીરરના ચોક્કસ એંગલ ગોઠવીને ખોલવાનું કે ચાલુ-બંધ કરવાનું, એકબીજાના અંતરાય દુર કરવાના અને છેવટે પોતપોતાના દરવાજા સુધી પહોંચીને લેવલ પૂરું કરવાનું.
ગેમની મજા એ છે કે કોઈ એક કેરેક્ટર પોતાના દરવાજા સુધી પહોંચી જાય તો લેવલ પૂરું ન થાય, બંનેએ પહોંચવું પડે! પહેલી નજરે નાનાં છોકરાંની રમત લાગશે, પણ નાના બનીને રમશો તો ઓર મજા આવશે!

