(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યુટરમાં આપણા અવાજને પારખીને તે અનુસાર ટાઇપ કરવાની કે યોગ્ય પગલાં લેવાની સગવડ – સ્પીચ રેકગ્નિશન – આમ તો વર્ષો જૂની છે, પરંતુ ઉચ્ચારો પારખવાની તેની પ્રમાણમાં મર્યાદિત ક્ષમતાને કારણે આ સુવિધા ખાસ જાણીતી થઈ નથી. પરંતુ હવે સ્માર્ટફોનના આગમન સાથે વાત બદલાઈ છે.

આગળ શું વાંચશો?

  • વોઈસ સર્ચ વિશે વધુ જાણો

  • વોઈસ એકશન વિશે વધુ જાણો

  • વોઈસ ટાઇપિંગ કેવી રીતે કરી શકાય

  • પીસી/લેપટોપમાં વોઈસનો ઉપયોગ કેવી રીતે કરશો

  • જાણીને અજમાવવા જેવા વોઈસ કમાન્ડસ

તમારા સ્માર્ટફોન, એન્ડ્રોઇડ ટેબલેટ, આઇફોન, આઇપેડ કે વિન્ડોઝ ૮ ડિવાઇસમાં ગૂગલ સર્ચ એપને તમે માત્ર મૌખિક સૂચનાઓ આપીને ગૂગલ અને તમારા ડિવાઇસ પાસેથી ઘણું બધું કામ લઈ શકો છો. અહીં આપણે એન્ડ્રોઇડ ડિવાઇસ ધ્યાનમાં રાખીને વાત કરીશું.

જો તમારી પાસે એન્ડ્રોઇડ ૪.૧ જેલી બીન કે તેના પછીનું વર્ઝન હોય તો તમને ગૂગલ નાઉ સર્વિસનો વધારાનો લાભ પણ મળશે. ગૂગલ નાઉ અને ગૂગલ સર્ચ બંનેમાં આપણે વોઇસ સર્ચનો ઉપયોગ કરી શકીએ છીએ.

હવે સૌથી પહેલાં તમારા ડિવાઇસમાં ગૂગલ સર્ચ એપ છે કે નહીં તે તપાસી લો. મોટા ભાગે તો બાય ડિફોલ્ટ આ એપ તમારા ડિવાઇસમાં ઇન્સ્ટોલ્ડ હશે જ. એન્ડ્રોઇડના ૨.૩ વર્ઝન અને તેના પછીનાં બધાં વર્ઝનમાં વોઇસ ઇનપૂટની સગવડ છે. જો તમારા સાધનમાં એન્ડ્રોઇડ ૪.૧ કે તેના પછીનું વર્ઝન હોય તો ગૂગલ સર્ચ એપ ઓપન કરી, માત્ર ‘ગૂગલ’ બોલવાથી તેનું માઇક્રોફોન એક્ટિવેટ થશે. તમે સર્ચ બોક્સમાં આપેલ માઇક્રોફોનના આઇકનને ક્લિક કરીને પણ આ કામ કરી શકો છો.

વોઇસ ઇનપૂટથી આપણે બે પ્રકારનાં કામ કરી શકીએ છીએ, વોઇસ સર્ચ અને વોઇસ એક્શન્સ.

વોઇસ સર્ચ

વોઇસ સર્ચમાં ગૂગલ નોલેજ ગ્રાફ સર્વિસ કામે લગાડવામાં આવી છે. સાયબરસફરના અંક-૧૨, ફેબ્રુઆરી ૨૦૧૩ના અંકમાં આપણે તેની વિગતવાર વાત કરી ગયા છીએ અને કહ્યું હતું કે આ પહેલથી ગૂગલ સર્ચનું ભાવિ બદલી નાખશે. એ જ સુવિધાની મદદથી, ગૂગલ વોઇસ સર્ચમાં આપણે હવામાનની સ્થિતિ, શેરની કિંમત, સ્પોર્ટ્સનો સ્કોર, ફ્લાઇટનું સ્ટેટસ, ગણતરી વગેરે અનેક બાબતની માહિતી મેળવી શકીએ છીએ.

જેનો સ્પષ્ટ જવાબ શક્ય હોય તે માહિતી ગૂગલ આપણને આપશે, મતલબ કે અમિતાભ બચ્ચનની હાઇટ પૂછો તો ગૂગલ તરત પાક્કો જવાબ આપશે, પણ આપણા મુખ્યમંદ્રી નરેન્દ્ર મોદીનું રાજકીય વજન કેટલું એવું પૂછતાં ગૂગલ ગૂંચવાશે!

વોઇસ એક્શન

વોઇસ એક્શનની મદદથી ડિવાઇસમાં એલાર્મ સેટ કરવો, જીમેઇલ જેવી એપ ઓપન કરવી કે કોઈને મેસેજ કે ઇમેલ મોકલવો, ડિરેક્શન મેળવવી વગેરે કામ કરી શકાય છે.

વોઇસ સર્ચ અને વોઇસ એક્શન સુવિધાનાં ઉદાહરણો આગળનાં પાનાં પર આપ્યાં છે.

વોઇસ ટાઇપિંગ

મૌખિક સૂચનાઓ ઉપરાંત, તમારા ડિવાઇસમાં ટાઇપિંગનું બધું કામ પણ તમે મૌખિક રીતે કરી શકો છો. એક વાર આ રીતે વોઇસ ટાઇપિંગની આદત પડશે તો પછી તમને સાદું ટાઇપિંગ ગમશે નહીં એ નક્કી.


સર્ચબોક્સ કે એસએમએસ કે મેઇલ કમ્પોઝ કરવા માટે જ્યારે પણ ટેક્સ્ટ બોક્સમાં કર્સર મૂકવાથી કીબોર્ડ ઓપન થાય ત્યારે તેમાં તમે સ્પેસબારની ડાબી બાજુએ માઇક્રોફોનનું આઇકોન જોઈ શકશો. તેને પ્રેસ કરી, બોલવાનું શરુ કરવાથી વોઇસ ટાઇપિંગ થશે.

આ પદ્ધતિમાં, આપણે બોલેલા શબ્દો ઇન્ટરનેટ દ્વારા ગૂગલની સ્પીચ રેકગ્નિશન સર્વિસ સુધી પહોંચે છે, જ્યાં તેને તપાસીને ટેક્સ્ટમાં ફેરવીને લખાયેલા શબ્દો આપણા ફોનમાં મોકલવામાં આવે છે. મતલબ કે વોઇસ ટાઇપિંગ માટે આપણને ઇન્ટરનેટ કનેક્શનની જરુર પડે છે, પણ આ બોલાયેલા અને લખાયેલા શબ્દોની આપલેનું આ કામ અત્યંત તેજ ગતિએ થઈ જાય છે. કોમા, ક્વેશ્ર્ચન માર્ક, એક્સ્કલેમેશન માર્ક વગેરે ચિહ્નો માટે જે તે શબ્દ – જેમ કે ‘કોમા’ – બોલવાથી ટાઇપ થાય છે!

એન્ડ્રોઇડ ૪.૨ કે તેથી ઉપરનું વર્ઝન હોય તો તેમાં નેટ કનેક્શન વિના પણ, ઓફલાઇન વોઇસ ટાઇપિંગ શક્ય છે. જોકે એ માટે અત્યારે માત્ર યુએસ ઇંગ્લિશનો સપોર્ટ મળે છે. નેટ કનેક્શન ચાલુ હોય ત્યારે તમે ઇન્ડિયન ઇંગ્લિશનો ઉપયોગ કરી શકો છો અને સ્પષ્ટ ઉચ્ચાર હોય તો ‘શ્રીકૃષ્ણ’ કે ‘ભાર્ગવ ચતુર્વેદી’ જેવા શબ્દો પણ સહેલાઇથી અને ચોક્સાઇથી વોઇસ ટાઇપ કરી શકો છો.

તેના સેટિંગ્સ ડિવાઇસના સેટિંગ્સ સેક્શનમાં, ‘લેંગ્વેજ એન્ડ ઇનપૂટ’ ટેબમાં મળશે. વોઇસ સર્ચ માટેનાં સેટિંગ્સ એ જ ટેબમાં વોઇસ સર્ચમાં, તેમ જ ગૂગલ સેટિંગ્સમાં પણ મળશે.

પીસી/લેપટોપમાં વોઇસ

જે મજા હાથમાં પકડેલા સ્માર્ટફોનને મોં આગળ લાવીને તેની પાસેથી જાતભાતનું કામ કઢાવવામાં છે એવી મજા હજી પીસી કે લેપટોપમાં નથી. માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં સ્પીચ રેકગ્નિશન સિસ્ટમ છે, પણ એ ખાસ લોકભોગ્ય બની શકી નથી. ગૂગલે પણ તેના બ્રાઉઝર ક્રોમમાં વોઇસ સર્ચની સુવિધા ઉમેરી છે. આમ તો હવે આપણે ઘણી અલગ અલગ જગ્યાએથી ગૂગલિંગ કરી શકીએ છીએ, એ માટે ગૂગલ.કોમ પર જવાની જરૂર રહી નથી, પણ જો તમે ગૂગલ.કોમ પર ગયા હો તો ક્યારેક તેના સર્ચ બોક્સના જમણા ખૂણે રહેલા માઇક્રોફોનના આઇકન તરફ તમારું ધ્યાન ગયું હશે.

જો તમારા પીસી કે લેપટોપમાં માઇક્રોફોન યોગ્ય રીતે સેટ કરેલાં હોય તો આ આઇકન પર ક્લિક કરી, તમે પીસી/લેપટોપમાં પણ વોઇસ સર્ચ કરી શકો છો. અલબત્ત, મોબાઇલની જેમ દરેક ટેક્સ્ટ બોક્સમાં વોઇસ ટાઇપિંગ કરવાની સગવડ હજી મળી નથી.

જો તમારે ઇંગ્લિશમાં લાંબું ડોક્યુમેન્ટ લખવાનું હોય તો તમે મોબાઇલમાં જીમેઇલ કે ગૂગલ ડ્રાઇવમાં એક નવું ડોક્યુમેન્ટ ઓપન કરી, બધા જ લખાણનું વોઇસ ટાઇપિંગ કરી શકો છો. સ્માર્ટફોન અને તમે પોતે, બંને એકબીજાથી ટેવાઈ જશો પછી આ કામ રમતવાત બની જશે!

જાણીને અજમાવવા જેવા વોઇસ કમાન્ડ્સ

સ્માર્ટફોન કે ટેબલેટમાં વોઇસ ઇનપૂટથી આપણું ઘણું બધું કામ સહેલું બની શકે છે.

ગૂગલ સર્ચમાં જઈને માત્ર મૌખિક સૂચના આપીને આપણે ફોનમાંની કોઈ એપ્લિકેશન ઓપન કરવી, કોલ જોડવા, એસએમએસ કરવા, એલાર્મ સેટ કરવા, કેલેન્ડરમાં ઇવેન્ટ ઉમેરવી વગેરેથી માંડીને મેપ, નેવિગેશન કે ડિરેક્શન મેળવવી, ક્યુઆર કોડ કે બારકોડ સ્કેન કરવા, માંડીને બીજે ક્યાંક સંભળાઈ રહેલા ગીત વિશે વધુ માહિતી મેળવવા સુધીનાં કેટલાંય કામ કરી શકીએ છીએ.

હાલમાં આ સુવિધા ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને ઇટાલિયન ભાષામાં ઉપલબ્ધ છે. અહીં કેટલાક વોઇસ એક્શન કમાન્ડ્સ યથાવત ઇંગ્લિશમાં આપ્યા છે.

શેરબજારની ઊથલપાથલમાં તમને ઊંડો રસ હોય અને હાલતાં-ચાલતાં કોઈ ચોક્કસ શેરમાં આજે કેવી વધઘટ થઈ તે જાણવું હોય તો ગૂગલ સર્ચને પૂછી લેવાથી ગૂગલ તરત એ શેરના તાજા આંકડા, ચાર્ટ સહિત બતાવશે. તમારા ડિવાઇસમાં ગૂગલ નાઉની સગવડ હોય તો તે તમારી સર્ચ યાદ રાખીને, ભવિષ્યમાં તમે પૂછો નહીં તોય એ ચોક્કસ કંપનીના આંકડા તમને જણાવવાનું ચાલુ કરી દેશે.

ગૂગલ સર્ચને આપણે કોઈ પણ જાણીતી વ્યક્તિ કે સ્થળ વિશેની માહિતી પૂછી શકીએ છીએ, શરત એટલી કે આપણા સવાલનો સ્પષ્ટ જવાબ હોવો જરુરી છે. જેમ કે અમિતાભ બચ્ચનની હાઇટ મીટરમાં જાણી શકાય, પણ એમની એક્ટિંગની હાઇટ જાણી ન શકાય! એમની નવી ફિલ્મ આવે ત્યારે એના વિશે ગૂગલ નાઉ સામેથી જાણ કરે એવી સૂચના આપણે આપી શકીએ છીએ.

આપણે ફ્લાઇટમાં અમદાવાદથી મુંબઈ જવાનું હોય તો આપણી ફ્લાઇટનું કરન્ટ સ્ટેટસ પૂછી શકાય છે. વિગતવાર જવાબ મળી જશે. એથી વધુ મજાની વાત એ છે કે આપણા કેલેન્ડર કે જીમેઈલમાં આ ટ્રીપની માહિતી હોય તો ફ્લાઇટના શેડ્યુઅલમાં ફેરફાર થાય તો ગૂગલ નાઉ સામે ચાલીને આપણને અગાઉથી જાણ કરી દે છે!

૬ ફૂટ ૨ ઇંચ એટલે કેટલા સેન્ટીમીટર એ જાણવું હોય તો એ પણ પૂછી શકાય. ટૂંકમાં, કોઈ પણ પ્રકારનું યુનિટ કન્વર્ઝન – જે આપણે સામાન્ય રીતે ગૂગલના સર્ચબોક્સમાં લખીને જાણી શકીએ છીએ તે વોઇસ સર્ચમાં પણ શક્ય છે.

મોબાઇલમાંથી કોઈને ઈ-મેઇલ મોકલવો હોય તો એ માટે જરુરી બધી સૂચના મૌખિક આપી શકાય છે. કઈ વ્યક્તિને, કયા વિષય સાથે શું લખાણ મેઈલ કરવું છે એ જણાવી દેવાથી બાકીનું બધું જ કામ સિસ્ટમ પોતાની રીતે કરી લે છે. હા, જો એકથી વધુ સરખાં નામના કોન્ટેક્ટ્સ હોય તો સિસ્ટમ આપણને પૂછશે કે કોને ઈ-મેઇલ કરવાનો છે. આ જ રીતે મેસેજ મોકલી શકાય છે.

તમારે કોઈ જાણીતા સ્થળનો સંપર્ક કરવો હોય અને એનો ફોનનંબર તમારી પાસે ન હોય તો પણ તમે ગૂગલ સર્ચને જે તે સ્થળને કોલ કરવાની સૂચના આપો તો ગૂગલ એ સ્થળનો નંબર સર્ચ કરી તેને કોલ જોડી આપશે. તમે કોઈ રેસ્ટોરાં કહ્યું હોય જેની બે-ત્રણ બ્રાન્ચ હોય, તો તમને બધી બ્રાન્ચની ફોનનંબર સાથેની યાદી જોવા મળશે, એક ક્લિક કરતાં ફોન જોડાશે.

તમે કોઈ અજાણ્યા સ્થળે હો અને કોઈ ચોક્કસ બેન્કનું એટીએમ શોધી રહ્યા હો તો ગૂગલ સર્ચને પૂછતાં એ, જે તે બેન્કનાં નજીકનાં બધાં એટીએમ નકશા પર બતાવશે, એટલું જ નહીં, તેનું પૂરું સરનામું, તમારા સ્થળથી એ કેટલા અંતરે છે તે અને ત્યાં પહોંચવા માટેનું દિશાસૂચન પણ કરશે.

એ જ રીતે આપણે કોઈ પણ સ્થળ માટેની ડિરેક્શન જાણી શકીએ છીએ કે નેવિગેશનની મદદ પણ મેળવી શકીએ છે. ગૂગલ નાઉની સગવડ હોય તો આપણે સર્ચ કરેલા સ્થળ તરફ હાલમાં હળવો, મધ્યમ કે ભારે ટ્રાફિક છે તે અને જે તે સ્થળે પહોંચતાં અત્યારે કેટલો સમય લાગશે એ પણ ગૂગલ નાઉ આપણે પૂછીએ તે પહેલાં જણાવવાનું ચાલુ કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!