જર્મન સરમુખત્યાર હિટલરના નાઝી સૈન્યે પાડોશી દેશ પોલેન્ડ પર ચઢાઈ કરી, એ સાથે જ માનવ ઇતિહાસના સૌથી વિનાશક યુદ્ધનાં મંડાણ થયાં. એક તરફ બ્રિટન અને ‘મિત્રરાષ્ટ્રો’, તો બીજી તરફ જર્મની, ઇટાલી તથા જાપાન- એવી બે છાવણીઓમાં અમેરિકા ‘તટસ્થ’ હતું, પણ જાપાને પર્લ હાર્બર પર હવાઈ હુમલો કર્યા પછી અમેરિકાને યુદ્ધમાં દાખલ થવું પડ્યું. ૩૦ એપ્રિલ, ૧૯૪૫ના રોજ હિટલરે આત્મહત્યા કર્યા પછી મે, ૧૯૪૫માં જર્મની પડ્યું અને ઓગસ્ટ, ૧૯૪૫માં અમેરિકાના અણુહુમલા પછી સપ્ટેમ્બર, ૧૯૪૫માં જાપાન શરણે આવી ગયું.
પહેલા વિશ્વયુદ્ધમાં હારેલા જર્મની પર લદાયેલી આકરી શરતો અને કમરતોડ દંડ સરવાળે જર્મનીમાં રાષ્ટ્રવાદના નામે કટ્ટરવાદના અને હિટલરના ઉદયમાં પરિણમ્યો. યહૂદીવિરોધી અને ‘શુદ્ધ આર્ય રક્ત’નો ખ્યાલ ધરાવતા હિટલરનાં નાઝી સૈન્યો અને અફસરોએ અકલ્પનીય પાશવતાથી ઠંડા કલેજે લાખો યહૂદીઓનો સામૂહિક જનસંહાર કર્યો. ઘાતકીપણામાં જાપાન પણ જરાય ઊતરતું ન હતું. તેણે બ્રિટન પાસેથી કબજે કરેલા આંદામાન-નિકોબાર ટાપુઓ પર હિંસાનો ઘાતકી દૌર ચલાવ્યો. ભારત ત્યારે ગુલામ હતું, પણ ભારતીય સૈન્ય બ્રિટન વતી વિવિધ મોરચે લડ્યું. આઝાદ ભારતના કેટલાક ઉત્તમ લશ્કરી સેનાપતિઓ બીજા વિશ્વયુદ્ધમાં લડી ચૂક્યા હતા.
બીજા વિશ્વયુદ્ધના અંતે જાનમાલની અગણિત ખુવારી ઉપરાંત વિશ્વની સત્તાનો નકશો બદલાઈ ગયો. જેના સામ્રાજ્યમાંથી સૂરજ કદી આથમતો ન હતો એ બ્રિટન યુદ્ધ જીત્યું, પણ આર્થિક રીતે ખોખરું થઈ ગયું. અમેરિકા અને રશિયા નવી મહાસત્તાઓ તરીકે ઊભર્યાં. યુદ્ધ પછીના થોડા દાયકા રશિયન સામ્યવાદ અને અમેરિકન મૂડીવાદ વચ્ચે શીતયુદ્ધના રહ્યા. જર્મન પાટનગર બર્લિનમાં અમેરિકન ફોજ અને રશિયન ફોજ બન્નેએ જુદી જુદી દિશામાં કબજો જમાવ્યો હોવાથી, એક જ નગરના બે ભાગ થઈ ગયા અને તે નવી કરુણતાના સર્જક બન્યા. હિટલરપ્રેરિત સામૂહિક જનસંહારમાંથી બચી ગયેલા યહૂદીઓના ધસારા અને ભારતની જેમ પેલેસ્ટાઇનમાંથી પણ ઉચાળા ભરવાના બ્રિટનના નિર્ણયના પરિણામે, ૧૯૪૮માં યહૂદી રાષ્ટ્ર ઇઝરાયલ અસ્તિત્ત્વમાં આવ્યું.
બીજા વિશ્વયુદ્ધના બનાવોની પ્રસંગવાર, દિવસવાર, સાલવાર અને દેશવાર માહિતી :http://www.secondworldwarhistory.com/
‘લાઇફ’ સામયિકના તસવીરકારોએ લીધેલી કેટલીક યાદગાર તસવીરો : http://goo.gl/U96hv

