આજે કમ્પ્યુટર વિનાની જિંદગીની કલ્પના મુશ્કેલ છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે આ ક્ષેત્રના કેટલાક દિગ્ગજો પણ કમ્પ્યુટરની ક્ષમતા પારખવામાં થાપ ખાઈ ગયા હતા, તો કેટલાક સચોટ ભવિષ્ય પણ ભાખી શક્યા. આવાં કેટલાંક જાણીતાં અને પાછળથી જેમની ખરાઈ વિશે વિવાદો પણ થયા એવાં અવતરણો, કમ્પ્યુટર વિશેનાં બીજાં કેટલાંક રસપ્રદ અવલોકનો સાથે…
“મને તો એવું કોઈ કારણ દેખાતું નથી કે જેને કારણે લોકો પોતાના ઘરમાં કમ્પ્યુટર રાખે.
– કેન ઓલ્સન,
બિઝનેસ મેઇનફ્રેમ કમ્પ્યુટર્સ બનાવનાર ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન નામની કંપનીના અધ્યક્ષ અને સ્થાપક, ૧૯૭૭માં, પર્સનલ કમ્પ્યુટરના ભાવિ વિશે
“ભવિષ્યનાં કમ્પ્યુટર્સ ૧.૫ ટન કરતાં વધુ વજનનાં નહીં હોય.
– પોપ્યુલર મિકેનિક્સ,
એક લોકપ્રિય મેગેઝિન, ૧૯૪૯માં કમ્પ્યુટરના ભાવિ વિશે
“મને લાગે છે કે બધા માટે ૬૪૦કેબીની મેમરી તો પૂરતી થઈ રહેશે.
– બિલ ગેટ્સ,
માઇક્રોસોફ્ટના સ્થાપક, ૧૯૮૧માં
“કમ્પ્યુટર્સ ઘણું બધું કામ સહેલું બનાવી દે છે, પણ એ જે કંઈ સહેલું બનાવે છે, એમાંનું મોટા ભાગનું કામ કરવા જેવું જ હોતું નથી.
– એન્ડી રુની, અમેરિકન રેડિયો અને ટેલિવિઝન રાઇટર
“જો તમને કોઈ કામ કેમ કરવું એ ખબર ન હોય, તો તમે એ કામ કમ્પ્યુટરની મદદથી પણ કરી શકશો નહીં.
– અજ્ઞાત
“કમ્પ્યુટરની સારી વાત એ છે કે એ તમે કહો છો તેમ કરે છે. ખરાબ વાત એ છે કે એ તમે જે કહો એ જ કરે છે.
– ટેડ નેલ્સન,
અમેરિકન સોશિયોલોજિસ્ટ, ફિલોસોફર અને ઇન્ફર્મેશન ટેક્નોલોજીના પ્રણેતા
“કમ્પ્યુટર્સ સાવ નકામાં છે. એ તમને માત્ર જવાબો જ આપી શકે છે.
– પાબ્લો પિકાસો, વિખ્યાત સ્પેનિશ ચિત્રકાર અને શિલ્પકાર
“મોટા ભાગના લોકો માટે ખરેખર અત્યંત નોંધપાત્ર સાબિત થાય એવી એક શોધના હજી તો સાવ પ્રારંભિક તબક્કામાં આપણે છીએ – આ શોધ ટેલિફોન જેટલી રીમાર્કેબલ રહેશે.
– સ્ટીવ જોબ્સ, પર્સનલ કમ્પ્યુટર્સના ભાવિ વિશે, ૧૯૮૫માં

