સન ૨૦૨૦માં ઇન્ટરનેટ વાપરનારા કેટલા હશે તેના કરતાં તે કઇ રીતે અને ક્યાં ક્યાં વપરાશે તે જાણવું રસપ્રદ છે.
એક ચક્કર લગાવીએ આંકડા અને અનુમાનોની દુનિયામાં!
આપણે કેવા રસપ્રદ સમયમાં જીવીએ છીએ! જીવનના છ-સાત દાયકા પૂરા કરી લેનારા લોકોને પૂછો તો એ કહેશે કે “એક જમાનામાં અમે ફાનસના અજવાળે ભણતા! વીજળી વિનાના એ સમયમાં રાત્રે ફાનસ કે દીવાના અજવાળા સિવાય ક્યાંય અજવાળું જ ન હોય એવી સ્થિતિની આજે આપણે કલ્પના પણ કરી શકીએ છીએ?
મુદ્દો એ છે કે વીજળીની શોધ થઈ અને ગામડાના છેવાડે રહેલા ખોરડામાં વીજળીનો ગોળો પ્રકાશ પાથરતો થયો ત્યાં સુધીમાં કેટલાં વર્ષો વીતી ગયાં? એક આખી પેઢીએ તેના આખા જીવન દરમિયાન ધીમે ધીમે આ પરિવર્તન જોયું.
અને હવે? ગજબની ઝડપે ટેક્નોલોજી આપણું જીવન બદલી રહી છે. સંબંધીઓને કાગળ – પત્ર લખાતા કે પેલા કાળા ટેલિફોન પર કોલ જોડાય એની રાહ જોવાતી એ કંઈ બહુ જૂની વાત નથી. આપણા હાથમાં મોબાઇલ આવ્યા એને હજુ બહુ વર્ષ થયાં નથી અને હવે આખી દુનિયા આપણી હથેળીમાં આવી પહોંચી છે!
બધું આટલી ઝડપથી બદલાઈ રહ્યું છે તો આવનારો સમય કેવો હશે? આજથી થોડાં વર્ષ પછી, એટલે કે ૨૦૨૦માં ઇન્ટરનેટની શી સ્થિતિ હશે? આવો એક ઇન્ફોગ્રાફિક (http://www.intac.net/the-internet-in-2020/) ની મદદથી થોડાં આંકડા અને અનુમાનો તપાસીએ.
વિશ્વની ૬.૭ અબજની વસતી સામે, ૨૦૧૦માં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા હતી ૧.૮ અબજ. હવે એવું અનુમાન થઈ રહ્યું છે કે વર્ષ ૨૦૨૦ સુધીમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની વસતી પાંચ અબજ થઈ જશે. ૨૦૦૯થી ૨૦૦૯ દરમિયાન ઇન્ટરનેટના વપરાશકારોમાં ૩૩૯.૩ ટકાનો વધારો થયો છે.
ઇન્ટરનેટ સાથે સંકળાતા માણસો વધશે તેમ ઇન્ટરનેટ પર ભાંગફોડની પ્રવૃત્તિ કરતા અને બીજાની સાઇટ્સમાં ઘૂસીને ખાનાખરાબી કરતા હેકર્સની સંખ્યા પણ વધશે.
અત્યારે વિશ્વના છૂટાછવાયા ભાગમાં ઇન્ટરનેટના વપરાશકારોનો જમાવડો છે અને કેટલાક ભાગોમાં તેનો બહુ ઓછો પ્રભાવ છે, પણ ૨૦૨૦ સુધીમાં આખા વિશ્વમાં તેનો વ્યાપ વધશે. ઇન્ટરનેટ માત્ર વધુ માણસો સુધી પહોંચશે એવું નથી. સિસ્કો નામની એક જાયન્ટ મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપનીના બ્લોગ પર ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ નામે એક ઇન્ફોગ્રાફિક મુકાયું છે, એ બતાવે છે કે ૨૦૦૮માં જ, પૃથ્વી પરના લોકો કરતાં વધુ સંખ્યામાં વસ્તુઓ ઇન્ટરનેટ સાથે સંકળાઈ ગઈ હતી. ૨૦૨૦ સુધીમાં આ કનેક્ટેડ વસ્તુઓની સંખ્યા ૫૦ અબજ થઈ જશે. આ વસ્તુઓ એટલે ફક્ત કમ્પ્યુટર્સ, આઇપેડ્સ, ટેબ્લેટ્સ, મોબાઇલ્સ વગેરે એવું ધારવાની ભૂલ ન કરતા. એક ડચ કંપનીએ પશુધન પર મૂકી શકાય એવાં વાયરલેસ સેન્સર વિકસાવ્યાં છે. કોઈ ગાય માંદી પડે કે પ્રેગ્નન્ટ થાય એટલે ગોવાળને, વાયા ઇન્ટરનેટ, એનો મેસેજ પહોંચી જાય. કોર્વેન્ટીસ નામની એક કંપનીએ આ રીતે માનવશરીરને મોનિટર કરતાં સેન્સર બનાવ્યાં છે. આપણા હૃદયમાં કંઈ પણ ખોટકો થાય એટલી આપણા પહેલાં આપણા ફિઝિશિયનને ખબર પડી જાય!
૨૦૧૦માં ૫૭.૫ કરોડ કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ સાથે ટુ-વે કોમ્યુનિકેશન કરતાં હોવાનો અંદાજ હતો, ૨૦૨૦ સુધીમાં જુદાં જુદાં મકાનો અને પુલો પરનાં સેન્સર્સ સહિત અબજો ચીજવસ્તુઓ ઇન્ટરનેટ સાથે જોડાયેલાં હશે.
અચ્છા, ઇન્ફર્મેશનના આ સુપર હાઈવે પર પૂરઝડપે વધી રહેલા ટ્રાફિકનું શું? નિષ્ણાતો કહે છે કે ૨૦૧૦માં ઇન્ટરનેટ પર જેટલા જેટલા ડેટાની આપલે થતી હતી તે ફક્ત બે વર્ષમાં ડબલ કરતાંય વધી ગઈ છે.
આજે આપણે ચોતરફ જોઈએ છીએ તેમ સ્માર્ટફોન આવતાંની સાથે મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ અત્યંત વધી રહ્યો છે. મોબાઇલ દ્વારા ૩જી, વાયમેક્સ અને અન્ય હાયર સ્પીડ ડેટા નેટવર્કિંગ ટેક્નોલોજી વાપરનારા ગ્રાહકોમાં દર વર્ષે ૮૫ ટકાની ઝડે વધારો થઈ રહ્યો છે.
હવે વધુ ને વધુ કંપનીઓ અને વ્યક્તિગત વપરાશકારો તેમની રોજબરોજની જરિયાતો માટે ઇન્ટરટનેટ પર ઉપલબ્ધ સર્વિસીઝનો ઉપયોગ કરતા થયા છે (ટેક્નિકલ ભાષામાં આને ક્લાઉડ કોમ્પ્યુટિંગ કહે છે). ક્લાઉડ કોમ્પ્યુટિંગનું પ્રમાણ વધશે તેની સાથે ઇન્ટરનેટનો વપરાશ પણ વધશે, ખર્ચ ઘટશે અને એક્સેસ પણ વધુ ઝડપી બનશે. વર્ષ ૨૦૧૫ સુધીમાં ક્લાઉડ કોમ્પ્યુટિંગમાંથી જુદી જુદી કંપનીઓને થતી આવક ૪૫.૪ અબજ ડોલરના આંકે પહોંચી જશે.
એક અંદાજ પ્રમાણે વિશ્ર્વમાં વીજળીનો કુલ જેટલો વપરાશ થાય છે તેમાંથી ૫.૩ ટકા વીજળી ઇન્ટરનેટ પરના કામકાજ માટે ખર્ચાઇ જાય છે (અમેરિકામાં આ પ્રમાણ ૯.૪ ટકા છે), જેમાં સૌથી વધુ વીજળી પીસી અને મોનિટર ખાઈ જાય છે. વિશ્ર્વની અગ્રગણ્ય કંપનીઓ આ આંકડાની ગંભીરતા સમજી છે અને ગ્રીન ટેક્નોલોજી વિકસાવવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે એ જોતાં ૨૦૧૦ સુધીમાં ઇન્ટરનેટ પાછળ ઓછી વીજળી વપરાશે એવું લાગે છે.
આ આખી વાતમાં સૌથી મજાની વાત એ છે કે ટેક્નોલોજીની બધી મયર્દિાઓ તીવ્ર ગતિએ ઘટી રહી છે. અબજો લોકો અને એનાથી વધુ વસ્તુઓ એકમેક સાથે સંકળાયેલ હોય, વાત કરતાં હોય અને સતત નવું શીખતાં હોય ત્યારે મર્યાદા માત્ર એક વાતની રહે છે – આપણી પોતાની કલ્પનાશક્તિની!
આવનારો સમય કેવો હશે એ જોવા માટે આ વીડિયો જોવાનું ચૂકશો નહીંઃ http://goo.gl/2uw8B
ઇન્ટરનેટ ઓફ થિંગ્સ!
આપણા રોજબરોજના જીવનને અસર કરતી અનેક વસ્તુઓ વાયા ઇન્ટરનેટ એકબીજાના ટચમાં આવવા લાગી છે. એટલે શું થઈ શકે એ જુઓ. તમારી વહેલી સવારની એક મિટિંગ ૪૫ મિનિટ પાછળ ઠેલાય છે. દરમિયાન, તમારી કારને ‘ખબર’ છે કે રસ્તામાં પેટ્રોલ પુરાવવાનું છે અને એમાં વધારાની ૧૦ મિનિટ જશે. એને એ પણ ‘જાણ’ થઈ છે કે રસ્તામાં ખાડા ખોદાયા હોવાથી ડાયવર્ઝનમાં ૨૦ મિનિટ જશે. મિટિંગ ૪૫ મિનિટ મોડી થઈ છે, પણ રસ્તામાં કુલ વધારાની ૩૦ મિનિટ જવાની છે એ ‘હિસાબ’ તમારી એલાર્મ ક્લોકને પહોંચી જાય છે, એટલે એ તમને તમે નક્કી કરેલા સમય ૧૫ મિનિટ મોડા ઊઠવાની ‘છૂટ’ આપશે. એલાર્મ બાથરુમમાં ગિઝરે ક્યારે સ્ટાર્ટ થવું અને ગેરેજમાં કારે ક્યારે સ્ટાર્ટ થઈ જવું એ પણ એમને જણાવી દેશે!
આ નરી કલ્પના નથી. અત્યંત ઝડપથી સર્જાઈ રહેલી વાસ્તવિકતા છે. ૨૦૧૧માં સિસ્કોએ અંદાજ મૂક્યો કે ૨૦૧૧ના અંત સુધીમાં નવી ટેક્નોલોજીથી સજ્જ ફક્ત ૨૦ પરિવારો, ૨૦૦૮માં આખા ઇન્ટરનેટ પર જેટલો ટ્રાફિક હતો એનાથી વધુ ટ્રાફિક જનરેટ કરશે. સિસ્કો કંપનીની પ્લેનેટરી સ્કિન ધરતી, સમુદ્ર અને આકાશમાં અબજો, નેટવર્ક્ડ સેન્સર્સ પાથરી દેશે, જે હવામાનમાં થતા ફેરફારની તાત્કાલિક, સચોટ જાણ કરશે. આઇપીવી૬ પ્રોટોકોલ પૂરેપૂરો અમલમાં મુકાતાં, પૃથ્વીની સપાટી પરના કુલ અણુ કરતાં ૧૦૦ ગણા ઇન્ટરનેટ એડ્રેસ પોસિબલ બનશે!
આ ઇન્ફોગ્રાફિક જુઓ અહીં : http://goo.gl/y2Op1

