વિવિધ ભાષાઓમાં વિશ્વના અદભુત જ્ઞાનકોશનું સ્વરુપ લઈ ચૂકેલા વિકિપીડિયાની ગુજરાતી આવૃત્તિ પણ ધીમે ધીમે વેગ પકડી રહી છે. મર્યાદાઓ અને પડકારો ઘણા બધા છે, પણ ગુજરાતીઓ આગળ આવશે તો જ તેના ઉપાયો થઈ શકશે. આ વિશે વિગતવાર વાત કરે છે કમ્પ્યુટર એન્જિનીયરિંગના વિદ્યાર્થી અને વિકિપીડિયાના સ્વયંસેવક હર્ષ કોઠારી…
આગળ શું વાંચશો?
- આંકડાની નજરે ગુજરાતી વિકિપીડિયા
- વિકિપીડિયાના પ્રસારમાં નડેલી મુશ્કેલી
- અમદાવાદ વિશે પરિયોજના
વિકિપીડિયાની શરુઆત ૨૦૦૧ના જાન્યુઆરીમાં થઈ હતી અને શરુઆત કરનારા હતા જિમી વેલ્સ અને લેરી સેંગર. વિકિપીડિયા શબ્દ બે શબ્દો વિકિ અને પીડિયાનો બનેલો છે, જેમાંથી ‘વિકિ’ હવાઇયન ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થાય છે ઝડપી; પીડિયા શબ્દ એ જ્ઞાનકોશ માટેના અંગ્રેજી શબ્દ એન્સાયકોપીડિયામાંથી લેવામાં આવ્યો છે. આ વિકિ શબ્દનો પ્રચલિત ઉપયોગ કમ્પ્યુટરની ભાષામાં ‘સહિયારું કામ’ના અર્થમાં થતો આવ્યો છે. એટલે વિકિપીડિયા શબ્દનો અર્થ સહિયારી રીતે તૈયાર કરવામાં આવતો જ્ઞાનકોશ એવો કરી શકાય. ૨૦૦૧માં અંગ્રેજી ભાષામાં વિકિપીડિયાની શરુઆત થઈ ત્યાર પછી ધીમેધીમે અન્ય ભાષાઓમાં પણ આ જ્ઞાનકોશ રચવાની શરૂઆત થવા માંડી.
ગુજરાતીમાં વિકિપીડિયાની શરૂઆત તેના લગભગ સાડા ત્રણ વર્ષ બાદ એટલે કે જુલાઈ ૨૦૦૪માં થઈ. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતીમાં ૨૨,૨૦૦થી વધુ લેખો લખાઈ ચુક્યા છે. વિકિપીડિયાની સુંદરતા એ છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ યોગદાન આપી શકે છે. અન્ય જ્ઞાનકોશોમાં લખવા માટે યોગ્ય લાયકાતની અને અમુક અનુભવની જરૂર હોય છે, જેની વિકિપીડિયામાં આવશ્યકતા નથી. દાખલા તરીકે તમે વ્યવસાયે કરિયાણાની દુકાન ચલાવતા હો, પણ તમને વિશ્વના રાજકારણમાં ખૂબ રસ હોય અને તમે તે વિષયનું બહોળું વાંચન ધરાવતા હો તો તમે વિકિપીડિયામાં રાજકારણ સંબંધી લેખો લખી શકો છો. ફક્ત રાજકારણ જ નહિ, તમે બાંધકામ, ચિત્રકામ, શસ્રો, સમાજ વ્યવસ્થા કે અન્ય કોઈ પણ વિષય પર પણ લખી શકો છો.
અલબત્ત, એટલું બરાબર સમજી લેજો કે વિકિપીડિયામાં અભિપ્રાયને સ્થાન નથી, તેમાં તો નક્કર માહિતીને સ્થાન મળે છે, એ પણ પૂરતા અને ચોક્કસાઈભર્યા સંદર્ભ સાથે જ. જેમ કે તમે તમારા શહેર વિશે લેખ લખો તો તેમાં વિકિપીડિયાના સામાન્ય માળખા મુજબ શહેર વિશેની નક્કર માહિતી મૂકી શકો છો, પણ ‘મારું શહેર મને બહુ ગમે છે કેમ કે…’ જેવું કંઈ લખો તો વિકિપીડિયામાં પોતાનું યોગદાન આપતા એડિટર્સ આ લખાણ દૂર કરી દેશે.
વિકિપીડિયામાં તમારે કંઈ પણ યોગદાન આપવું હોય તો પહેલી જરુરિયાત ફક્ત એટલી કે તમને કમ્પ્યુટર પર કામ કરતાં આવડવું જોઈએ. ઉપરાંત વિકિપીડિયામાં ગુજરાતીમાં ટાઇપ કરવું પણ સરળ છે, તેને માટે તમારે કોઈ કીબોર્ડ લેઆઉટ શીખવાની જરૂર નથી. આપણે જે રીતે બોલીએ છીએ તે જ રીતે અંગ્રેજી કી વાપરીને ટાઇપ કરતા જવાથી મોટા ભાગનું લખાણ આપોઆપ લખાઈ જાય છે. ગૂગલની ટ્રાન્સલિટરેશન સેવા જેવી, પણ તેેનાથી જરા જુદી એવી વિકિપીડીયામાં એક અલગ સગવડ છે. આ વિશે વધુ જાણકારી પણ ગુજરાતી વિકિપીડિયામાં આપવામાં આવી છે (http://goo.gl/hfXRG)
હવે તમને થશે કે જો કોઈ પણ વ્યક્તિ લખી શકે તો તેવા લખાણની વિશ્વસનિયતા કેટલી? તો તમારો શક સાચો છે. પણ વિશ્વસનિયતા માટે જ વિકિપીડિયામાં કરવામાં આવતા કોઈ પણ લખાણ માટે સંદર્ભની માંગ કરવામાં આવે છે. એટલે કે તમે સંદર્ભવિહિન કોઈ પણ વાત ત્યાં ના લખી શકો.
વાચકને લખાણમાં થોડો પણ સંશય જાય તો તે સંદર્ભ સાહિત્ય વાંચીને તેની સત્યાર્થતા ચકાસી શકે છે. એટલું જ નહિ, સ્વયંસેવકો નવા બનતા લેખોમાં અને ફેરફારોમાં નજર નાખતા રહેતા હોય છે, જો કોઈ લખાણ તેમને સત્યથી વેગળું લાગે, કે વિકિપીડિયાની નીતિથી વિરુદ્ધ લાગે (જેમ કે લખાણ સંપૂર્ણપણે તટસ્થ ન લાગે) તો તેઓ તેને દૂર કરે અથવા અન્યોની મદદથી તેને મઠારીને સત્યાર્થતા સ્થાપિત થઈ શકે તેવી કક્ષાએ પહોંચાડે છે.
ગુજરાતી વિકિપીડિયામાં હાલમાં એવા કેટલાય સભ્યો છે જેમણે ૧૦૦૦થી વધુ ફેરફારો કર્યા હોય એટલે કે બહોળું યોગદાન આપ્યું હોય. સતિષચંદ્ર નામના એક સભ્યે તો ૫૦,૦૦૦ જેટલાં સંપાદન કાર્ય કાર્યરત છે. મારા એક મિત્ર સમકિતભાઈ અમદાવાદમાં એલ. ડી. એન્જિનીયરિંગ કોલેજમાં ભણતાં ભણતાં વિકિપીડિયામાં યોગદાન આપે છે. નૂપુર રાવલ દિલ્હીમાં અભ્યાસ કરે છે, પણ ગુજરાતી વિકિપીડિયામાં સક્રિય છે. સ્પંદનભાઈ, જૂનાગઢના અશોકભાઈ મોઢવાડિયા પણ પોતાનું યોગદાન આપે છે તો ધવલભાઈ વ્યાસ લંડનમાં બેઠાં બેઠાં માતૃભાષાના પ્રેમથી અહીં સક્રિય છે. અમદાવાદમાં ગુજરાતી વિકિપીડિયાના સ્વયંસેવકો નિયમિત સમયાંતરે મળે છે.
એટલું નોંધવું ખાસ જરૂરી છે કે ગુજરાતી વિકિપીડિયા પર સક્રિય એવા સંખ્યાબંધ લોકો અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે અને લેખન એમનો વ્યવસાય નથી. એટલે ગુજરાતી લેખોમાં જોડણી કે વાક્યરચનાની ભૂલો અત્યારે જોવા મળે છે, પણ આ અંગેના જાણકાર લોકો ગુજરાતી વિકિપીડિયામાં રસ લેતા થશે અને સમય મળ્યે આવી ભૂલો સુધારતા જશે તેમ તેમ ગુજરાતી લેખોનું સ્તર વધુ ને વધુ ઊંચું આવતું જશે.
આ જ કારણે, ગુજરાતી પરિવારો અને ખાસ તો શાળાઓમાં ગુજરાતી વિકિપીડિયાને લોકપ્રિય બનાવવાના પ્રયાસો થતા રહે છે.
થોડા સમય પહેલાં, અમદાવાદની ૧૦ શાળાઓમાં વિકિપીડિયાના સ્વયંસેવકો દ્વારા એક નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. ભાગ લેનારા વિદ્યાર્થીઓએ ગુજરાતી સાહિત્યકારો વિશે નિબંધ લખવાનો હતો. આ સ્પધર્મિાં ઉત્સાહથી ભાગ લઈ ઇનામ મેળવનારા વિદ્યાર્થીઓનું એક કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું.
વિકિપીડિયાના અન્ય પ્રોજેક્ટ પણ ધીમે ધીમે ગુજરાતીમાં વિક્સી રહ્યા છે. આવો એક પ્રોજેક્ટ છે વિકિસ્રોત.
વિકિસ્રોતમાં પ્રકાશનાધિકારથી મુક્ત હોય એવું સાહિત્ય ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમ કે, ગાંધીજીની આત્મકથા, ઝવેરચંદ મેઘાણીની નવલિકાઓ, નરસિંહ મહેતા અને મીરાંબાઈનાં ભજનો, ઉત્કૃષ્ટ ગુજરાતી હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’, પ્રેમાનંદનાં કાવ્યો વગેરે અહીં વાંચી શકાય છે. વિકિપીડિયાની જેમ જ વિકિસ્રોતમાં પણ કોઈ પણ વ્યક્તિ યોગદાન કરી શકે છે. ત્યાં ફક્ત એક જ મયર્દિા છે કે જે પણ સાહિત્ય ત્યાં મુકીએ તે પૂર્વે પ્રકાશિત થયેલું હોવું જોઈએ અને આજે તે પ્રકાશનાધિકારથી મુક્ત હોવું જોઈએ.
આ ઉપરાંત ગુજરાતી વિક્શનરી (વિકિકોશ) એટલે કે ડિક્શનરી અને વિકિવિતરણ (વિકિક્વોટ) પણ અસ્તિત્વમાં છે, પણ તેમાં યોગદાન નહિવત થયેલું છે. હાલમાં ગુજરાતીમાં વિકિપીડિયા અને વિકિસ્રોત આ બે ખૂબ જ ઝડપથી વિકસતી વેબસાઇટ છે.
આંકડાની નજરે ગુજરાતી વિકિપીડિયા
- સ્થાપના – ૨૦૦૪માં
- અત્યાર સુધી લખાયેલા લેખો – ૨૨,૨૦૦થી વધુ
- સક્રિય સભ્યો (૧૦૦ કરતાં વધારે વાર યોગદાન) = ૧૯ સભ્યો
- ખૂબ જ સક્રિય સભ્યો (૧૦૦૦ કરતાં વધુ વાર યોગદાન) = ૭
- વ્યાપ = એક કલાકમાં ૧૩૦૦ વખત વિકિપીડિયા જોવામાં આવે છે અને એક મહિનામાં ૧૨,૦૦,૦૦૦ (૧૨ લાખ) વખત વિકિપીડિયા જોવામાં આવે છે.
- દર કલાકે ૧૩૦૦ વ્યૂ
વિકિપીડિયાના પ્રસારમાં નડેલી મુશ્કેલી
ગુજરાતી વિકિપીડિયામાં લોકો સહેલાઈથી ગુજરાતીમાં લખી શકે એવી સગવડ શરુઆતમાં નહોતી. ખાસ કરીને ગુજરાતી ફોનેટિકમાં લખી શકાય તેવા ફોન્ટ નહોતા. જોકે હવે નારાયમ સ્ક્રીપ્ટ આવી જવાથી ફોનેટિક કી બોર્ડ લેઆઉટ વડે આસાનીથી ટાઇપ કરી શકાય છે.
એ ઉપરાંત, અંગ્રેજી વિકિપીડિયામાં જુદા જુદા લેખો અને અન્ય પેજીસ માટે નિશ્ચિત ટેમ્પલેટ અને અન્ય ટૂલ્સ, ગેજેટ, સ્ક્રીપ્ટ વગેરે છે, તેની ગુજરાતીમાં ખોટ પડતી હતી, જે હવે દૂર થઈ રહી છે.
વધુ ને વધુ લોકો ગુજરાતી વિકિપીડિયા વિશે માહિતગાર થાય અને તેમાં પોતાનાથી શક્ય એટલું યોગદાન આપતા થાય તો તેનો ઝડપથી પ્રસાર થાય.
અમદાવાદ વિશે પરિયોજના
તાજેતરમાં ગુજરાતી વિકિપીડિયામાં એક નવી વિકીપરિયોજના ચાલુ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદેશ્ય અમદાવાદ અંગેની જાણીતી અને અજાણી માહિતી વિકિપીડિયામાં સામેલ કરવાનો છે.
આ પરિયોજના હેઠળ આશરે ૧,૦૦૦થી ૧,૫૦૦ જેટલા લેખો આવરી લેવામાં આવશે. વિકીપરિયોજના અમદાવાદમાં કોઈ પણ વ્યક્તિ યોગદાન આપી શકે છે.

