આગળ શું વાંચશો?
- મોબાઇલનો કયો પ્લાન તમને ફાયદાકારક છે?
- નેટ વિનાના ફોન પર ફેસબુક
- મોબાઈલમાં ગુજરાતી
- વાંચો દુનિયાભરનાં અખબારો
- બુકબૂનઃ ખરેખર પુસ્તકોનું વરદાન
- મધુર ગીતોની મહેક
- ગીતા દત્તનાં ગીતોની સુરીલી સફર
- મદનમોહનના પરિવારનું પિતૃતર્પણ
- મોજમસ્તીનો મસ્ત ખજાનો
- માતૃત્વને સમર્પિત સાઇટ
- પેપરક્રાફ્ટનો ક્રિયેટિવ પાર્ક
મોબાઇલનો કયો પ્લાન તમને ફાયદાકારક છે?
તમારી પાસે મોબાઇલ છે કે નહીં એનો જવાબ અચૂક હા હોવાનો અને તમે તમારા વપરાશ મુજબ બરાબર હોય એવો બિલ પ્લાન મોબાઇલ વાપરો છો કે નહીં એવો જવાબ અચૂક, અને તો ખબર નહીં એવો હોવાનો! હવે તો કેટકેટલી કંપની એ એ દરેકના કેટકેટલા પ્લાન, ને મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની સગવડ પણ ખરી! ખબર કેવી રીતે પડે કે તમારા માટે કયો પ્લાન સારો?
જાણવું હોય તો એક વેબસર્વિસ તમારી મદદે છે –http://www.komparify.com/ .
પોસ્ટપેઇડ પ્લાન હોય તો તમારું બિલ હાથવગું રાખીને અહીં ઝંપલાવો, પ્રીપેઇડ હોય તો કદાચ થોડા અંદાજ લગાવવા પડશે. અહીં તમારા સરેરાશ વપરાશી વિગતો આપશો એટલે આ સર્વિસ તમને કઈ કંપનીનો કયો પ્લાન વાપરો તો ફાયદામાં રહેશો એનું લાંબું લિસ્ટ આપશે!
ડેટાકાર્ડ અને ટેબ્લેટના પ્લાન માટે આ સર્વિસ કામ લાગશે. તમારા એન્ડ્રોઇડ ફોનમાં તેની એપ ડાઉનલોડ કરશો તો ફોનમાંની જ વિગતો મેળવીને એ તમે નવા, ફાયદાકારક પ્લાનની ભલામણ કરશે!
નેટ વિનાના ફોન પર ફેસબુક
ફેસબુક પર તમે ઠીક ઠીક એક્ટિવ હશો તો તમે પીસી સામે ન હો ત્યારે પણ ફેસબુક એક્સેસ કરવાની કે તમારું સ્ટેટસ અપડેટ કરવાની ચળ ચોક્કસ ઊપડતી હશે. જો તમારી પાસે સ્માર્ટ ફોન કે ઇન્ટરનેટ કનેક્શન ધરાવતો સાદો ફોન પણ હોય તો આ કામ બહુ મુશ્કેલ નથી, પણ ધારો કે ફોનમાં ઇન્ટરનેટની સગવડ જ નથી તો?
ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ સતત વધી રહ્યું છે છતાં ફેસબુકને લાગે છે કે સાદો મોબાઇલ ધરાવતા લોકોને પણ ફેસબુક સાથે કનેક્ટ કરવા જોઈએ. ફેસબુક ઇન્ડિયાએ ફોનેટવિશ નામની કંપની સાથે મળીને, ઇન્ટરનેટ કનેક્શન વિનાના મોબાઇલધારકોને પણ ફેસબુક સાથે જોડી દેવાની સગવડ કરી આપી છે. તમારે ફક્ત આટલું કરવાનું છે – તમારા ફોન પરથી *૩૨૫ (અથવા *રબસ) ડાયલ કરો. સિસ્ટમ તમને ફેસબુકનું તમારું યુઝરનેમ અને પછી પાસવર્ડ પૂછશે. બંને બરોબર હશે તો સિસ્ટમ તમને મીઠો આવકાર આપીને એક મેનુ મોકલશે, જમાં ન્યૂઝ ફીડ જોવા, સ્ટેટસ અપડેટ કરવું, વોલ પર કંઈક પોસ્ટ કરવું, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી વગેરે વિકલ્પો હશે. તમારો વિકલ્પ પસંદ કરો અને આગળ વધો!
આ રીતે એસએમએસ કરી કરીને આંગળીનાં ટેરવાં દુખાડવાનો તમને વાંધો ન હોય તો તો આ આખી સર્વિસ મજાની છે, પણ ફેસબુક પરના અસંખ્ય મેસેજીસ આ રીતે જોવાનું કંટાળાજનક લાગે તો ફક્ત સ્ટેટસ અપટેડ કરવાની તો ચોક્કસ મજા પડે તેમ છે.
કંપનીની સાઇટ પર લખ્યા મુજબ અત્યારે આ સર્વિસ એરટેલ, એરસેલ, આઇડિયા અને ટાટા ડોકોમોના યુઝર્સ માટે ઉપલબ્ધ છે. તમારું સ્ટેટસ અપડેટ કરવા પૂરતી આ સર્વિસ ફ્રી છે, પણ બીજું બધું કરવું હોય તો અનલિમિટેડ વપરાશ માટે રોજનો રૂા. ૧ ચાર્જ લાગશે.http://www.fonetwish.com/ પર એફએક્યુમાં જઈ, ચાર્જીસની વિગતો બરાબર સમજીને આગળ વધશો તો સર્વિસ કામની છે.
મોબાઇલમાં ગુજરાતી
મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ દેખાતા ન હોય તો મોબાઇલના ઓપેરા મિની બ્રાઉઝરમાં બિટમેપ ફોન્ટ ઇનેબલ કરો. આ માટે ઓપેરા મિની બ્રાઉઝર ઓપન કરી, એડ્રેસબારમાં www છેકી opera:config લખી ઓકે/ગો બટન પ્રેસ કરો. જે વિન્ડો ઓપન થાય તેમાં છેલ્લેથી બીજા ઓપ્શન User bitmap fonts for complex scriptsdp„ Yes સિલેક્ટ કરીને સેવ કરી લો. હવે તમે ગુજરાતી લખાણ બરાબર જોઈ શકશો!
(સૂચન : રવિ સવસાણી, ravi.savsani999@gmail.com)
વાંચો દુનિયાભરનાં અખબારો
ક્યારેક યુએસમાં વોશિંગ્ટ ડી.સી. જવું હોય તો વ્હાઇટ હાઉસથી થોડે દૂર આવેલું અઢી લાખ ચો.ફૂટમાં ફેલાયેલું ન્યૂઝિયમ જોવા જરૂર જજો. ન્યૂઝિયમની સાઇટ (http://www.newseum.org) કહે છે કે અહીં પાંચ સદીઓના સમાચારોનો ઇતિહાસ તમારી નજર સમક્ષ ખડો કરી દેવામાં આવે છે, જે લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી જે તે સેકન્ડ સુધી અપડેટેડ હોય છે!
વોશિંગ્ટન જ્યારે જઈએ ત્યારે, પણ આ ન્યૂઝિયમની સાઇટ પર એક સર્વિસ અબઘડી રસ પડે એવી છે – ટુડેઝ ફ્રન્ટ પેજીસ. અહીં તમે ૮૬ દેશોાં ૮૦૦ જેટલાં અખબારોનાં પહેલાં પાનાં એ જ લેઆઉટ સાથે જોઈ શકો છો – રોજેરોજ! ભારતનાં અખબારો ઓછાં છે, પણ મજા તેનાં આર્કાઇવ્ડ પેજીસ જોવામાં છે. આખા વિશ્વ માટે નોંધપાત્ર એવી કોઈ ઘટનાનો દિવસ પકડો અને દુનિયાભરનાં અખબારોએ તેેનું કેવી રીતનું કવરેજ કર્યું એ જાતે તપાસો!
બુકબૂન : ખરેખર પુસ્તકોનું વરદાન!
તમે એન્જિનીયરિંગ, ફાઇનાન્સ કે મેનેજમેન્ટના સ્ટુડન્ટ હો અને ઇંગ્લિશ પુસ્તકોથી દૂર ભાગતા ન હો તો તમે અચૂક ઇન્ટરનેટ પર તમારા વિષયને લગતી ફ્રી ઈ-બુક્સ શોધવાની મહેનત કરી હશે અને મોટા ભાગે નિરાશ પર થયા હશો!
જરા અમથું ગૂગલિંગ કરતાં ફ્રી ઈ-બુકસ ઓફર કરતી પાર વગરની સાઇટ્સ મળી જાય છે, પણ મોટા ભાગે આ બધી સાઇટ જાહેરાતની કમાણી કરવા માટે બનાવેલી અને એકથી બીજી સાઇટ્સ પર લિંક આપતી રેફરન્સ સાઇટ હોય છે. આવી સાઇટ્સમાં અલગ તરી આવે છે બુકબૂન (http://bookboon.com) અલગ બે રીતે, એક તો એ તમને બીજી કોઈ સાઇટ પર ખો આપતી નથી અને બીજું, આ કંપનીએ પૂરતી પ્રોફેશનલ તૈયારી સાથે ફ્રી ઈ-બુક્સના બિઝનેસમાં ઝંપલાવ્યું છે.
ડેન્માર્કની વેન્ટસ પબ્લિશિંગ નામની કંપનીએ, બિઝનેસ પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સ માટે એજ્યુકેશનલ બુક્સ પબ્લિશ કરવાના ફોકસ સાથે ૧૯૮૮માં બુકબૂનની શરૂઆત કરી. અત્યારે કંપનીનું લંડનમાં હેડક્વાર્ટર છે અને સાત ભાષાઓમાં ઈ-બુક્સ પબ્લિશ કરે છે.
આ કંપની વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝના પ્રોફેસર્સ પાસે જુદા જુદા વિષયો પર મુદ્દાસર સમજણ આપતાં પુસ્તકો લખાવે છે, તેની પીડીએફ તૈયાર કરે છે અને પછી પોતાની સાઇટ પર મૂકે છે, જેને કોઈ પણ ડાઉનલોડ કરી શકે છે – બિલકુલ ફ્રીમાં!
તો કંપની ચાલે કેવી રીતે? એવો સવાલ થયોને? કંપનીએ નવા જમાનાનું બિઝનેસ મોડલ અપનાવ્યું છે, તે પોતાનાં પુસ્તકોની અંદર અલગ અલગ કંપનીઓની જાહેરખબર લે છે, જેના પર ક્લિક કરીને તમે જે તે કંપનીની સાઇટ પર જઈ શકો! દર વર્ષે આ સાઇટ પરથી ૨.૫ કરોડ ઈ-બુક્સ ડાઉનલોડ થાય છે.
સાઇટ અત્યારે જુદા જુદા વિષયના અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની ૫૦૦ જેટલી ટેક્સ્ટબુકસ ઓફર કરે છે. તમે બિઝનેસ એક્ઝિક્યુટિવ હો તો તમારા કામની ૨૫૦ જેટલી ઈબુક્સ પણ અહીં મળશે. ઉપરાંત, ટ્રાવેલ ગાઇડ્સ પણ ડાઉનલોડ કરી શકશો – કોઈ રજિસ્ટ્રેશન વિના, ફ્રીમાં!
મધુર ગીતોની મહેક
‘હાં તો બહેનોં ઔર ભાઈઓં, આપ સૂન રહે હૈં…’ કોઈ પણ વડીલ પાસે જૂનાં ગીતોની વાત શરૂ કરો એટલે વાતમાં ક્યાંક ને ક્યાંક રેડિયો સિલોન, અમી…ન સયાની અને એમના લેજન્ડરી કાર્યક્રમની અનેકવિધ યાદોનો ઉલ્લેખ થાય ને થાય. આ કાર્યક્રમના કોઈ રસિયાએ બનાવી હોય એવી હિન્દી ગીતમાલા (http://www.hindigeetmala.com) સાઇટ પર તમે ૧૯૩૦ના દાયકાથી આજ સુધીની હિન્દી ફિલ્મનાં ગીતો માણી શકો છો, લગભગ દરેક ગીતના યુટ્યૂબ પરના વીડિયો સાથે! ગીતોને તમે દાયકા, ફિલ્મ કે ગાયક પ્રમાણે શોધી શકો છો. કોઈ ચોક્કસ ફિલ્મ ગીતના શબ્દો શોધતા હો તો આ સાઇટ ટ્રાય કરી જુઓ (http://www.geetmanjusha.com).
ગીતા દત્તનાં ગીતોની સુરીલી સફર
‘જાતા કહાં હૈ દીવાને, સબ કુછ યહાં હૈ સનમ…’ એ ગીતની યાદ અપાવે એવું ગીતા દત્ત વિશેનું ‘સબ કુછ’ અહીં (http://www.geetadutt.com) છે. ક્લબ સોંગ્સથી ભજન અને રોમેન્ટિકથી ગમગીનીભર્યાં એમ બધાં પ્રકારનાં ગીત એકસરખી ‘દાદીગીરી’થી ગાનાર ગીતા દત્તના જીવનની વાતો, ગુજરાતી, બંગાળી અને બિનફિલ્મી ગીતોની વિગતો, ગીતોનો આખો પાઠ, દુર્લભ તસવીરો, ૨૫૦થી વધારે સોલો અને ડ્યુએટ સ્થળ પર જ સાંભળી શકાય એ રીતે, યુટ્યૂબ પરનાં ગીતા-ગીતોની લિન્ક, તેમણે ફિલ્મોમાં કરેલા અભિનય વિશે માહિતી આપતો લેખ… ૧૯૬૯માં તેમણે રજૂ કરેલા ‘જયમાલા’ કાર્યક્રમનું શબ્દોમાં આલેખન (ટ્રાન્સ્ક્રિપ્ટ), ઇચ્છિત ગીત સુધી પહોંચવા માટે ‘સર્ચ’નો વિકલ્પ… આનાથી વધારે શું જોઈએ? શું હોઈ શકે?
મદનમોહનના પરિવારનું પિતૃતર્પણ
‘આજ સોચા તો આંસુ ભર આયે’ જેવાં અનેક જાનદાર ગીતોના સંગીતકાર મદનમોહનના પરિવારે આ વેબસાઇટ (http://www.madanmohan.in) દ્વારા પિતૃતર્પણ કર્યું છે. ‘અમારો પરિવાર એમના વિશે જેટલું જાણે છે એ બધું તેમના ચાહકો સાથે વહેંચવા’નો તેમનો આશય છે. સાઇટ ખોલતાં જ (ઓછી સ્પીડ હોય તો થોડી રાહ જોતાં) મદનમોહનનો અવાજ સાંભળવાનો રોમાંચક અનુભવ થાય છે. ફોટોગેલેરીમાં કુટુંબપરિવાર અને સંગીત-ફિલ્મની હસ્તીઓ સાથેની તસવીરો છે. તેમનું સંગીત ધરાવતી ફિલ્મો અને ગીતોની સાલવાર યાદી ઉપરાંત રિલીઝ ન થયેલાં ગીતોની સીડી-ડીવીડી વિશે જાણકારી મળે છે. ગીતોની યાદીમાં દરેક ગીતનું મુખડું સાંભળી શકાય છે. ‘વોટ્સ ન્યૂ’ વિભાગમાં નવી મળી આવતી સામગ્રી ઉમેરાતી રહે છે. સંગીત ઉપરાંત વાંચનસામગ્રી પણ સમૃદ્ધ છે.
સંકલનઃ ઉર્વીશ કોઠારી
મોજમસ્તીનો મસ્ત ખજાનો
તમારા દીકરા કે દીકરી સાથે એકની એક બોર્ડ ગેમ્સ રમીને બોર થઈ ગયાં છો? મમ્મી અને કિડ્ઝ બંનેને મજા એવી એક સરસ સાઇટ છે http://www.funbrain.com. નાની નાની મજાની એનિમેટેડ ગેમ્સનો અહીં ખજાનો છે, મોટા ભાગની ગેમ્સ મમ્મી અને કિડ્ઝને એક્ટિવ તો રાખશે જ, સાથોસાથ મેથ આર્કેડ જેવા વિભાગમાં છોકરાં રમત રમતમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર વગેરે પણ શીખી જાય એવી મસ્ત ગેમ્સ અહીં છે. મજાની વાત એ છે કે અહીં ધરાર કશુંક શીખવવાનો ભાર નથી, બધી ગેમ્સ ટાબરિયાં સાથે મોટાંને પણ (જો નાનાં બનતાં આવડે તો!) જલસો કરાવી દે એવી મસ્તીથી ભરપૂર છે. તમને કે તમારા સંતાનને આદત પડી ન જાય એટલું ધ્યાન રાખજો!
માતૃત્વને સમર્પિત સાઇટ
જામનગરના ડો. મૌલિક શાહનું બ્રેઇનચાઇલ્ડ અને માતૃત્વને સમર્પિત એવી આ સૌપ્રથમ ગુજરાતી સાઇટ વિશે, એમના જ શબ્દોમાં…”સગભર્વિસ્થાથી જ અનેક સપનાંઓથી અંજાયેલી આંખોમાં ભવિષ્ય અંગે અનેક ચિંતાઓ અને અનેક પ્રશ્નો પણ ઊમટી ઊઠે છે. આ દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરૂર પડે છે માર્ગદર્શક મિત્રો-તબીબી સલાહ અને વૈજ્ઞાનિક સાહિત્યની. અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ સાહિત્ય સમાજના દરેક વર્ગને લાગુ પડે તેવું હોતું નથી અને તેમાંની ઘણી ખરી માહિતી પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર હોય છે, આથી ભારતીય પરિવારોને ઘણી સલાહ અનુચિત પણ લાગે છે. આથી એક સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સભર સ્રોત કે જે આપણી ભાષામાં કોઈ પણ વ્યાવાસાયિક અભિગમ વગર જરૂરી જ્ઞાન પીરસે તેની જરૂરિયાતને સંતોષવા અને દૂર-સુદૂરના લોકોને ઘેરબેઠાં વધુ સુંદર રીતે સચિત્ર અને ઓડિયો તથા વીડિયો સાથે આ માહિતી આપવાના હેતુથી આ વેબસાઈટ (http://gujmom.com)નું સર્જન થયું છે. જહેમત ને સંવેદનાથી તૈયાર થયેલી આ સાઇટ વિશે વધુ કંઈ લખવાની જરૂર ખરી?
પેપરક્રાફ્ટનો ક્રિયેટિવ પાર્ક
ક્રાફ્ટ અને ક્રિયેટિવિટીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. ક્રાફ્ટની ખરી મજા તો નાનાં-મોટાં સૌ સાથે મળીને કંઈક નવું બનાવે એમાં જ છે. તમારે પણ આવી મજા લૂંટવી હોય તો કેમેરા અને પ્રિન્ટર્સ બનાવતી કેનન કંપનીએ આખો ક્રિયેટિવ પાર્ક (http://cp.c-ij.com/en/)ખોલ્યો છે તમારે માટે. સાઇટ પર કાગળમાંથી કાર્ડ, કેલેન્ડર, ફોટોફ્રેમથી માંડીને સ્પેસ શટલ, ફેરારી કાર ને તાજમહેલ કે આખું ક્રાફ્ટટાઉન સુધીનું કેટલુંય બનાવવાની પ્રેરણા મળી રહેશે. તમારે ફક્ત શું બનાવવું છે એ નક્કી કરી, તેની ડિઝાઇન ધરાવતાં પેપર્સ અને એસેમ્બલી ઇન્સ્ટ્રક્શન્સની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની, ઘરના કે બહારના પ્રિન્ટર પર પ્રિન્ટ કાઢો ને કાતર અને ગુંદર લઈ મચી પડો! યાદ રહે, ધારો છે એટલું સહેલું કામ નથી. કેટલાંક મોડલ્સ તો આખું વેકેશન ઓછું પડે એવાં મુશ્કેલ છે. આ શિપની ડિઝાઇન ૧૪ પેજની છે! સાઇટ પૂરેપૂરી જોજો – ઘણું મળી રહેશે.

