વાત સાવ નાની છે, ઘણી ખરી સર્વિસ પર તેનો સહેલો ઉપાય પણ છે. છતાં કેટલીક મહત્ત્વની સર્વિસમાં પાસવર્ડ રિસેટ કરવાની વિધિ અમુક ખાસ પ્રકારની માહિતી માગે છે, જે હાથવગી ન હોય તો મુશ્કેલી સર્જાઈ શકે છે.

આમ તો કમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંનેની શોધ આપણી જિંદગી આસાન બનાવવા માટે થઈ છે, પરંતુ ઘણા લોકોના મતે, આ બંનેને કારણે જીવનમાં મૂંઝવણો અને ગૂંચવણો વધી ગઈ છે! આવું લાગવાનું મોટું કારણ ઇન્ટરનેટ પર વધી પડેલી પાસવર્ડની ઝંઝટ છે. જેટલી વિવિધ વેબસાઇટ અને વેબસર્વિસીઝ એટલી જ વધુ પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ.
પાસવર્ડ આપણને પોતાને સહેલાઈથી યાદ રહે તેવો હોવો જોઈએ અને બીજા સહેલાઈથી વિચારી શકે એવો ન હોવો જોઈએ.
આ બંને જુદા જુદા છેડાની વાતને કારણે આપણે પોતે અવારનવાર પાસવર્ડ ભૂલી જઈએ એવું બનતું હોય છે. આવું બને ત્યારે સામાન્ય રીતે, આપણે ‘ઋજ્ઞલિજ્ઞિં ુજ્ઞીિ ાફતતૂજ્ઞમિ?’ લિંક પર ક્લિક કરીએ એટલે આપણે એ વેબસર્વિસને આપણું જે ઈ-મેઇલ આઇડી આપ્યું હોય તેના પર પાસવર્ડ નવેસરથી સેટ કરવાની સુવિધા આપતી લિંક દશર્વિતો મેઇલ પહોંચી જાય. તેના પર ક્લિક કરીને આપણે, ફરી ભુલાય નહીં (થોડા સમય માટે!) એવો નવો પાસવર્ડ નક્કી કરી શકીએ.
હવે આમાં મહત્ત્વની વાત એ છે કે ઇન્ટરનેટ પરની વેબસર્વિસના સ્તર અનુસાર, નવો પાસવર્ડ સેટ કરવાની સુવિધા જુદા જુદા પ્રકારની હોય છે. ઘણી ખરી વેબસર્વિસમાં ઉપર જણાવેલી સામાન્ય અને સરળ પ્રક્રિયા પૂરી કરીને આપણે નવો પાસવર્ડ સેટ કરી શકીએ છીએ, પણ ખાસ કરીને નેટબેન્કિંગની સગવડ આપતી બેન્કની વેબસાઇટ પર આપણે આટલી સહેલાઈથી પાસવર્ડ સેટ કરી શકતા નથી. તેમાં નવો પાસવર્ડ સેટ કરવાની પ્રક્રિયા ખાસ્સી અટપટી હોય છે.
આવી સાઇટ્સ પર, આપણે પાસવર્ડ ફરી સેટ કરવાનો પ્રયાસ કરીએ તો આપણે બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય ત્યારે જે વિવિધ પ્રકારની માહિતી આપી હોય તે પૂછવામાં આવે છે. જેમ કે, એ બેન્કમાં આપણો યુઝર આઇડી, જન્મતારીખ, માતાનું નામ, બેન્કમાં ખાતું ખોલાવતી વખતે આપેલો મોબાઇલ નંબર કે ઈ-મેઇલ આઇડી પૂછવામાં આવે છે.
આ તબક્કા વટાવીએ એટલે વળી નવા પ્રશ્નો સામે આવે. જેમાં બેન્કે આપણને આપેલા ડેબિટ કાર્ડનો નંબર, ક્રેડિટ કાર્ડનું આપણે કરેલું છેલ્લું પેમેન્ટ, ક્રેડિટ કાર્ડની એક્સ્પાયરી ડેટ, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડની લિમિટ કે વોટર આઇડી વગેરે પૂછવામાં આવે અને તેમાંથી, બેન્કે નક્કી કરેલા ઓછામાં ઓછા અમુક પ્રશ્નોના આપણે સાચા જવાબ આપીએ તો આપણે નવો પાસવર્ડ જનરેટ કરી શકીએ છીએ.
જુદી જુદી બેન્ક પ્રમાણે આ પ્રશ્નો બદલાઈ શકે છે, પણ સાચા એકાઉન્ટ હોલ્ડર પોતે જ નવો પાસવર્ડ સેટ કરવા માગે છે તે સુનિશ્ર્ચિત કરવા, બેન્ક આપણી ઓળખની ખાતરી કરવા માટે શક્ય એટલા બધા પ્રયાસ કરે છે. આ વિધિ ગમે તેટલી મુશ્કેલ કે કંટાળાજનક લાગે, અંતે એ આપણી સલામતી અને આપણી સુવિધા માટે જ છે!
આ તો નેટ બેન્કિંગના પાસવર્ડની વાત થઈ, આપણે જેનો દિવસમાં અનેકવાર ઉપયોગ કરીએ છીએ એ ઈ-મેઇલના એકાઉન્ટનો પાસવર્ડ ભુલાઈ જાય તો? બીજી બધી વેબસર્વિસ પણ અંતે તો નવો પાસવર્ડ સેટ કરવાની લિંક આપણા ઈ-મેઇલમાં જ મોકલે છે, એ એકાઉન્ટ જ ન ખૂલે તો?
યાહૂ, જીમેઇલ વગેરે જુદી જુદી સર્વિસ આ માટે જરા જુદી જુદી પણ પ્રમાણમાં સરળ સવલત આપે છે. મોટા ભાગે, આપણે “Forgot your password?’ જેવી લિંક પર ક્લિક કરીએ એટલે જે તે વેબમેઇલ સર્વિસ તરફથી (નેટ બેન્કિંગની જેમ જ) આપણને જુદા જુદા સવાલો પૂછવામાં આવે. લગભગ બધી વેબસર્વિસની જેમ, વેબમેઇલમાં પણ ખાતું ખોલાવતી વખતે કેટલીક પ્રાથમિક વિગતો, જેમ કે જન્મતારીખ, જન્મસ્થળ, પોસ્ટલ એડ્રેસ, શહેરનો પિનકોડ, તમારું પોતાનું બીજું કોઈ ઈ-મેઇલ આઇડી, મોબાઇલ નંબર વગેરે પૂછવામાં આવે છે. જો તમે એકાઉન્ટ ખોલાવતી વખતે આ બાબતોને ગંભીરતાથી લીધી ન હોય (બેન્કમાં આવું થવાની શક્યતા નથી, પણ ઈ-મેઇલના એકાઉન્ટમાં ઘણા લોકો પૂરતી ચોકસાઈ વિના વિગતો આપતા હોય છે)
અને જો તમે પાસવર્ડ ભૂલી જાવ તો ગરબડ થઈ જાય! યાહૂ તમને, ખાતું ખોલાવતી વખતે તમે લખેલો પિનકોડ પૂછે અને તમે એ અગડંબગડં લખી નાખ્યો હોય તો? આવું ન થાય એ માટેનો સૌથી સારો રસ્તો, તમે પાસવર્ડ ભૂલી જાવ તે પહેલાં જે તે વેબમેઇલના સેટિંગમાં જઈ તમારા પ્રોફાઇલની વિગતો ચકાસી, ખોટી હોય તો સુધારીને તેની એક પ્રિન્ટ કાઢીને યોગ્ય જગ્યાએ સાચવી લેવાનો છે.
કેટલીક વાર નાની સરખી કાળજી તમને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે!
તમે ગૂગલમાં ક્યારે એકાઉન્ટ ખોલાવ્યું હતું, યાદ છે?
તમે ગૂગલ એકાઉન્ટ ધરાવો છો? તમે જીમેઇલનો તમારો પાસવર્ડ ભૂલી જાઓ તો તે પાસવર્ડ ફરી સેટ કરવાનું પહેલું પગથિયું એકાઉન્ટ ખોલાવતી વખતે તમે આપેલો મોબાઇલ નંબર અથવા બીજો ઈ-મેઇલ આઇડી છે. જો કોઈ કારણસર આ બંને તમે બદલ્યાં હોય અને જીમેઇલમાં તેની વિગતો અપડેટ ન કરી હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ત્રીજો રસ્તો એકાઉન્ટ ખોલાવતી વખતે પૂછવામાં આવેલા સિક્યુરિટી ક્વેશ્ર્ચનનો જવાબ આપવાનો છે, જે ભુલાઈ ગયો હોવાની પૂરી શક્યતા છે! (આ સવાલનો જવાબ નક્કી કરવામાં પણ કાળજી રાખવા જેવી હોય છે. જેમ કે તમારા ફાસ્ટ ફ્રેન્ડનું નામ શુંં? એવા સવાલના જવાબમાં તમે રાકેશ શાહ લખ્યું હોય તો, બે-ત્રણ મહિના કે વર્ષ પછી, તમે Rakesh Shah, Rakesh M. Shah કે માત્ર Rakesh લખ્યું હતું તે બાબતનો ગૂંચવાડો થઈ શકે છે!)
આવું થાય ત્યારે છેલ્લો રસ્તો ગૂગલ તરફથી, તમારી ઓળખ નક્કી કરવા માટે પુછાતા સંખ્યાબંધ સવાલોના જવાબ આપવાનો છે. આ સવાલોમાં તમે ઉપયોગમાં લીધેલો છેલ્લો પાસવર્ડ, છેલ્લે ક્યારે સાઇનઇન કર્યું હતું, ગૂગલ એકાઉન્ટ ક્યારે ખોલાવ્યું હતું વગેરે જેવા ગૂગલી સવાલોનો પણ સમાવેશ થઈ શકે છે.
તમને ચોક્કસ તારીખ ખબર ન હોય તો તમે શક્ય એટલા નજીકના અંદાજ આપી શકો છો, પણ એમાં નુકસાન આપણને જ છે! ગૂગલ એકાઉન્ટ ક્યારે ખોલાવ્યું હતું તેની સ્પષ્ટ તારીખની ખબર રાખવી એ આપણા જ હિતની વાત છે. આ તારીખ જાણવા માટે, જીમેઇલના ઇનબોક્સમાં જઈને જીમેઇલ તરફથી આવેલો પહેલો વેલકમ મેસેજ સર્ચ કરી, તેની તારીખ જાણી લો. તમે આ મેસેજ ડિલીટ કરી નાખ્યો હોય તો? તો તેનો પણ ઉપાય છે.
www.google.com/takeout પર જાઓ (આ એક કામની સર્વિસ છે, ક્યારેક ફુરસદે તપાસી જોજો) અને હાલના ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થાઓ. “Transfer your Google+ connections to another account” લિંક પર ક્લિક કરો. હવે બાજુમાં બતાવ્યા મુજબ, તમે ગૂગલ એકાઉન્ટ ક્યારે ખોલાવ્યું હતું અને છેલ્લે તમે ક્યારે સાઇન-ઇન કર્યું હતું તેની માહિતી મળી જશે.
આ વિગતો સાચવી રાખો!

