આપણને પેનડ્રાઇવના ઉપયોગની જેવી આદત પડી ગઈ છે, એટલી જ ટેવ છે કામ પતે એટલે પેનડ્રાઇવને સીધી જ કમ્પ્યુટરમાંથી ખેંચી કાઢવાની. તમને પણ આવી ટેવ હોય તો આટલું જાણી લો…
ધીમે ધીમે યુએસબી પેનડ્રાઇવ આપણા દૈનિક જીવનમાં એવી વણાઈ ગઈ છે કે કોઈ આપણી પાસે પેન માગે તો સાદી પેનને બદલે યુએસબી પેન પકડાવી દઈએ!
એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ફાઈલ, ફોલ્ડર વગેરે ટ્રાન્સફર કરવાનો સૌથી સહેલો રસ્તો ઈ-મેઇલ કે બીજી કોઈ વેબબેઝ્ડ સર્વિસ દ્વારા ઓનલાઇન ટ્રાન્સફર કરવાનો છે અને તેના પછી સરળતાની રીતે બીજો નંબર આવે યુએસબી ફ્લેશ ડ્રાઇવનો.
સીધા સવાલના જવાબ પર જવાને બદલે, પહેલા એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફરની વિગતો તપાસી લઈએ.
કમ્પ્યુટરનો વર્ષોથી ઉપયોગ કરતા લોકોને યાદ હશે કે પહેલાં આપણે ફાઈલ્સ ટ્રાન્સફર કરવા માટે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ કરતા. છેક ૧૯૭૦ના દાયકાથી આ ફ્લોપી ડિસ્કનો ઉપયોગ શ થયો અને એકવીસમી સદીના પહેલા દાયકા સુધી તેનો વપરાશ રહ્યો. આ ફ્લોપી ડિસ્ક યોગ્ય રીતે રાઇટ ન થઈ હોય તો બીજા કમ્પ્યુટરમાં એને ઇન્સર્ટ કરીએ અને આપણે ટ્રાન્સફર કરવા ધારેલી ફાઈલ્સ એમાં શોધી ન જડે એવુંય બનતું. ફ્લોપી ડિસ્ક પછી, યાદ હોય તો ફ્લોપી ડિસ્કની મોટી (અને જાડી!) બહેન જેવી ઝીપ ડિસ્કનો ઉપયોગ શરૂ થયો હતો, એ પણ હવે સાવ ખોવાઈ ગઈ છે.
આજના જીબી (ગીગાબાઇટ) અને ટીબી (ટેરાબાઇટ)ના જમાનામાં કેબી (કિલોબાઇટ)માં જેની સંગ્રહ ક્ષમતા હોય એ ફ્લોપી ડિસ્ક અદૃશ્ય થઈ જાય એમાં શી નવાઈ! પરિણામે, ૨૦૧૦ પછીનાં કમ્પ્યુટર્સમાં તો આ ફ્લોપી ડિસ્ક આપણે નાખી શકીએ એવો સ્લોટ (ફ્લોપી ડિસ્ક ડ્રાઇવ – એફડીડી) જ ગુમ થઈ ગયો!
તેનું સ્થાન લીધું કોમ્પેક્ટ ડિસ્ક (સીડી) અને યુએસબી ફ્લેશ ડ્રાઇવ એટલે કે આપણી પેનડ્રાઇવે. પેનડ્રાઇવ રિમૂવેબલ, રિરાઇટેબલ છે અને ફ્લોપી ડિસ્ક કરતાં સાવ નાની. વજન એનું ૩૦ ગામ કરતાં ઓછું (હવે તો સાવ ટચૂકડી, બટન કહેવું પડે એવી પેન પણ આવે છે). ફ્લોપી ડિસ્ક કરતાં એની સંગ્રહ ક્ષમતા હજારો ગણી વધુ.
આપણે સામાન્ય રીતે ૧ જીબી, ૨ જીબી, ૪ જીબી અને ૮ જીબીની પેનડ્રાઇવ જોઈએ છીએ, પણ જાન્યુઆરી ૨૦૧૨ની સ્થિતિ પ્રમાણે, ૫૧૨ જીબીની ડ્રાઇવ
ઉપલબ્ધ છે અને ૧ ટીબીની ડ્રાઇવનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. પેનડ્રાઇવમાં કોઈ મૂવેબલ મિકેનિકલ પાર્ટ હોતો નથી એટલે એ ફ્લોપી ડ્રાઇવ કરતાં ઘણી વધુ વિશ્વસનીય પણ ખરી.
આ પેનડ્રાઇવ કોણે શોધી એ મુદ્દે થોડો વિવાદ છે, પણ ઇઝરાયલની એક કંપનીએ સપ્ટેમ્બર ૨૦૦૦માં ડિસ્ક-ઓન-કી નામની તેની પ્રોડક્ટની જાહેરાત કરી હતી, તેના માટે યુએસ પેટન્ટ મેળવવા એપ્રિલ ૧૯૯૯માં અરજી કરી દેવામાં આવી હતી. એ સાથે સિંગાપોરની બે કંપનીઓએ પણ આ જ પ્રકારની પ્રોડક્ટ એટલે કે પેનડ્રાઇવના પેનડ્રાઇવ મેળવવા અરજી કરી હતી. હવે તો અનેક કંપનીઓ પેનડ્રાઇવ બનાવે છે અને આમાંની ઘણી ખરી એકબીજા સાથે પેટન્ટના મુદ્દે બાખડી રહી છે. આપણા માટે કામની વાત એટલી કે આ કંપનીઓના પ્રતાપે આપણા હાથમાં ગજબની પાવરફુલ ચીજ આવી ગઈ!
હવે મૂળ સવાલ પર આવીએ તો, ઘણા લોકોનો સવાલ હોય છે કે કમ્પ્યુટરમાં પેનડ્રાઇવ નાખીએ, તેમાં કે તેમાંથી ફાઈલ ટ્રાન્સફર કરીએ પછી તેને સીધી જ કમ્પ્યુટરમાંથી બહાર ખેંચી કાઢીએ તો ચાલે કે પહેલા તેને ડિસકનેક્ટ કર્યા પછી જ બહાર કાઢવી જોઈએ? સાવ ટૂંકો જવાબ છે – ભલે તમે ગમે તેટલી વાર પેનડ્રાઇવ સીધી જ ખેંચી કાઢી હોય અને અત્યાર સુધી ક્યારેય કોઈ ડેટા ગુમાવ્યો ન હોય – પેનડ્રાઇવ યોગ્ય રીતે ડિસકનેક્ટ એટલે કે ઇજેક્ટ કરીને પછી જ બહાર કાઢવી જોઈએ.

કેમ?
આમ જુઓ તો કારણ સાવ સાદું છે, કમ્પ્યુટરમાંથી પેનડ્રાઇવમાં (કે તેમાંથી કમ્પ્યુટરમાં) ડેટા રાઇટ થવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આપણે અધવચ્ચેથી પેનડ્રાઇવ બહાર ખેંચી લઈએ તો ડેટા કરપ્ટ થઈ જવાનો એ નક્કી વાત છે. પણ જો, આપણે પેન બહાર ખેંચી ત્યારે કમ્પ્યુટર અને પેનડ્રાઇવ બંનેનું કામ પૂરું થઈ ગયું હોય તો પણ ડેટાને નુકસાન થઈ શકે છે.
થોડી ટેક્નિકલ વાત કરીએ તો મોટા ભાગની ઓપરેટિંગ સિસ્ટમ્સ કમ્પ્યુટર વધુ સારી રીતે કામ કરી શકે એ માટે રાઇટ કેશિંગ નામે ઓળખાતી એક ટેક્નોલોજીનો ઉપયોગ કરતી હોય છે. આપણે જ્યારે કોઈ ફાઈલને એક ડ્રાઇવમાંથી બીજી ડ્રાઇવમાં લઈ જઈએ – જેમ કે પેનડ્રાઇવમાં – ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ તરત ને તરત એ કામ કરતી નથી. એ આપણો ઓર્ડર નોંધી રાખે, પણ કામ કરે તેને ફુરસદ મળે ત્યારે! એક સરખાં વધુ કામનો ઓર્ડર મળે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ બધું કામ ફટાફટ પૂરું કરે. આપણે જ્યારે પેનડ્રાઇવને યોગ્ય રીતે ઇજેક્ટ કરવાનો કમાન્ડ આપીએ ત્યારે ઓપરેટિંગ સિસ્ટમને જાણ થાય કે ફાઈલ ટ્રાન્સફર ન કરી હોય તો હવે કરી લેવાની છે. એ તેનું કામ પૂરું કરે અને પછી આપણને જાણ કરે છે કે સબ સલામત! હવે પેનડ્રાઇવ બહાર કાઢવી હોય તો કાઢી લો!
મેક અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કેશિંગનું કામ વધુ જડબેસલાક રીતે થતું હોય છે, જ્યારે વિન્ડોઝમાં તેને જે ડ્રાઇવ રિમૂવેબલ લાગે તેને માટે તે કેશિંગનો ઉપયોગ કરતી નથી. મતલબ કે જો ડ્રાઇવ રિમૂવેબલ હોય તો ફાઈલ ટ્રાન્સફરનું કામ પેન્ડિંગ રાખવાને બદલે એ તરત ને તરત પૂરું જ કરે છેે. પરિણામે વિન્ડોઝ સિસ્ટમમાં પેનડ્રાઇવનો ડેટા કરપ્ટ થઈ જવાની શક્યતા ઘટે છે. ખાસ ધ્યાનમાં લેવાની વાત એટલી કે કમ્પ્યુટરમાં કેશિંગ ઉપરાંત બીજી ઘણી બાબતો ડેટા પર કામ કરતી હોય છે, એટલે જ તમે ક્યારેક પેનડ્રાઇવ ઇજેક્ટ કરવાનો કમાન્ડ આપો ત્યારે સિસ્ટમ એવો મેસેજ આપે છે કે ‘ફાઈલ ઇઝ ઇન યુઝ’. આથી જે તે ફાઈલ કે તેના પર કામ કરતા પ્રોગ્રામને બંધ કર્યા પછી જ તમે સેફલી પેનડ્રાઇવને ઇજેક્ટ કરી શકો છો.
એટલે જ, પેનડ્રાઇવ સીધી ખેંચી કાઢવાને બદલે યોગ્ય રીતે ઇજેક્ટ કરવી હિતાવહ છે.
પેનડ્રાઇવ કેવી રીતે ઇજેક્ટ કરવી જોઈએ?


પેનડ્રાઇવમાંથી એક્સે
સ કરેલી બધી ફાઈલ્સ સેવ કરીને બંધ કરો.- મોનિટરના નીચેના જમણા ખૂણે, પેનડ્રાઇવનો એક આઇકન દેખાશે. તેના પર માઉસથી રાઇટ ક્લિક કરો. જે મેનુ ખૂલે તેમાં સેફલી રિમૂવ હાર્ડવેર પર ક્લિક કરો.
- જે નવી વિન્ડો ખૂલે તેમાં તમારી પેનડ્રાઇવ પસંદ કરો અને સ્ટોપ બટન પ્રેસ કરો. જો ક્ધફર્મેશન માટે ફરી એક વિન્ડો ખૂલે તો ખરાઈ કરો, અથવા સેફ ટુ રિમૂવ હાર્ડવેર એવો મેસેજ આવ્યા પછી પેનડ્રાઇવ બહાર કાઢી શકો છો.
(તમારા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ અનુસાર આ સ્ટેપ્સમાં થોડું પરિવર્તન હોઈ શકે છે.)
પેનડ્રાઇવને હેમખેમ કેમ રાખશો?
પેનડ્રાઇવ અલગ અલગ કમ્પ્યુટર્સમાં વપરાતી હોવાથી વાઇરસની હેરફેરનું પણ એ મોટું કારણ બનતી હોય છે. તમારા કમ્પ્યુટરમાં સારો (અને અપડેટેડ) એન્ટી વાઇરસ પ્રોગ્રામ હશે તો તો જેવી પેનડ્રાઇવ તમે ઇન્સર્ટ કરશો કે તરત એ પહેલા તેને સ્કેન કરી લેશે. જો એન્ટી વાઇરસ પ્રોગ્રામ જાતે આ કામ ન કરે તો તમારે યાદ રાખીને આ કામ કરી લેવું સારું.
એ જ રીતે, થોડા થોડા સમયે પેનડ્રાઇવને ફોર્મેટ કરશો એટલે કે તેમાં જે કંઈ હોય એ વાળીઝૂડીને સાફ કરી લેશો તો પેનડ્રાઇવ લાંબો સમય સારી સેવા આપશે. વિન્ડોઝવાળા કમ્પ્યુટરમાં પેનડ્રાઇવ આ રીતે ફોર્મેટ કરી શકાય છે :
- પેનડ્રાઇવ કમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરો. ખાતરી કરો કે તેમાં તમારા કામની કોઈ ફાઈલ નથી. હોય તો કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી લો.
- માય કમ્પ્યુટરમાં જાઓ, પેનડ્રાઇવ પર રાઇટ ક્લિક કરો અને જે મેનુ ખૂલે તેમાં ફોર્મેટ પસંદ કરો.
- બરાબર ખાતરી કરી લો કે તમે ભૂલથી બીજી કોઈ ડ્રાઇવ પર ક્લિક નહોતું કર્યુંને, બાકી એ ડ્રાઇવ ખાલીખમ થઈ જશે
- ફોર્મેટ પર ક્લિક કરતાં એક વિન્ડો ખૂલશે. તેમાં પેનડ્રાઇવની કેપેસિટી, તેની ફાઈલ સિસ્ટમ વગેરે ટેક્નિકલ માહિતી જોવા મળશે. આપણા કામની વાત છેક નીચેના ફોર્મેટ ઓપ્શન્સમાં છે. પેનડ્રાઇવ બે રીતે ફોર્મેટ કરી શકાય – ક્વિક ફોર્મેટ અથવા કમ્પ્લિટ ફોર્મેટ. સમય હોય તો કમ્પ્લિટ ફોર્મેટિંગ કરવું વધુ સારું.
- હવે પેનડ્રાઇવ ફરી ખાલીખમ થઈ જશે!


