ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચી ગયેલા આ શબ્દ અને સર્વિસની મદદથી આપણે દુનિયા આખીમાં રોજેરોજ લટાર મારીએ છીએ, પણ દીવાતળે અંધારાની જેમ, બ્રોડબેન્ડ આખરે છે શું એ બરાબર જાણતા નથી. થોડી પ્રાથમિક સમજ…
આગળ શું વાંચશો?
- શરુઆતનાં ડાયલ-અપ કનેકશન
- એડીએસએલ
- કેબલ કનેકશન
- સેટેલાઈટ
- મોબાઈલ
- ફાઈબર ઓપ્ટિક
ડાયલ-અપ અને બ્રોડબેન્ડમાં ગામના ગાડા રસ્તા એ એક્સપ્રેસ હાઈવે જેટલો તફાવત છે. ડાયલ-અમાં એક જ બેન્ડ હોય જ્યારે બ્રોડબેન્ડમાં ડેટા અલોડ કરવા, ડાઉનલોડ કરવા, વોઇસ માટે વગેરે અલગ અલગ કામ માટે અલગ અલગ બેન્ડ હોય છે
હવે તો ઇન્ટરેટ જેટલો જાણીતો શબ્દ છે એટલો જ જાણીતો શબ્દ છે બ્રોડબેન્ડ. ગુજરાતા છેક પશ્ચિમ ખૂણે આવેલા કચ્છા ઘડૂલી ગામ જેવાં છેવાડાાં ગામો સુધી પણ હવે બ્રોડબેન્ડ પહોંચી ગયું છે, ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ઇન્ટરેટ માટે બ્રોડબેન્ડ કામની વસ્તુ છે એટલું તો સમજ્યા, પણ આખરે છે શું આ બ્રોડબેન્ડ?
આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
સામાન્ય રીતે, કોઈ પણ પ્રકારના ઝડપી અને કાયમી ઇન્ટરનેટ કનેક્શનને બ્રોડબેન્ડ કનેકશન કહેવામાં આવે છે. મોટા ભાગે કેબલ, સેટેલાઇટ, મોબાઇલ, ફાયબર ઓપ્ટિક્સ કે એએસડીએલ (એ વિશે આગળ વધુ વાત કરીશું) દ્વારા બ્રોડબેન્ડ કનેકશન મેળવી શકાય છે.
શરુઆતનાં ડાયલ-અ કનેક્શન્સ
ઇન્ટરેટના શરુઆતના દિવસોમાં ડાયલ-અપ અને મોડેમની મદદથી આપણે આપણા કમ્પ્યુટર પર ઇન્ટરેટ એક્સેસ કરી શકતા હતા. મોડેમ એક એવું સાધમ છે જેને ફોનની લાઇન સાથે જોડવામાં આવે છે. તે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અને કમ્પ્યુટરનાં સિગ્નલને ટેલિફોની લાઇન દ્વારા એકમેક સુધી પહોંચવાની સગવડ કરી આપે છે. જો તમે આ ડાયલ-અપ સર્વિસને ઉપયોગ કર્યો હશે તો જાણતા હશો કે એમાં કેટલી રાહ જોવી પડતી! ફોન રોકાયેલો રહે એ વધારાની તકલીફ.
ડાયલ-અપ અને બ્રોડબેન્ડમાં ગામના ગાડા રસ્તા એ એક્સપ્રેસ હાઈવે જેટલો તફાવત છે. ડાયલ-અપમાં એક જ બેન્ડ હોય જ્યારે બ્રોડબેન્ડમાં ડેટા અપલોડ કરવા, ડાઉનલોડ કરવા, વોઇસ માટે વગેરે અલગ અલગ કામ માટે અલગ અલગ બેન્ડ હોય છે – આ રીતે લાઈનબ્રોડ એટલે કે હોળી બની એટલે આ નવી ટેક્નોલોજી બ્રોડબેન્ડ તરીકે ઓળખાઈ.
એડીએસએલ
આ અત્યારની સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે. જૂન ૨૦૧૧ સુધીના આંકડા પ્રમાણે ભારતમાં ૮૬ ટકા ઇન્ટરનેટ કનેક્શન આ પ્રકારનાં છે.
તેનું આખું નામ એસિમેટ્રિક ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન છે અને તે એડીએસએલ તરીકે પણ જાણીતી છે. આ ટેક્નોલોજીમાં પણ ટેલિફોનનો ઉપયોગ થાય છે, પણ આગળ કહ્યું તેમ તેમાં બ્રોડબેન્ડ કનેક્શન શક્ય બને છે.
ડાયલ-અપમાં તમને યાદ હશે કે આપણે કનેક્ટ થવાનો પ્રયાસ કરીએ ત્યારે મોડેમ રીતસર ચીસો પાડતું! એએસડીએલ આ ચીસાચીસમાંથી છુટકારો અપાવે છે. તમે એડીએસએલ પ્રકારનું કનેક્શન આપતી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની (જેમ કે બીએસએનએલ, એરટેલ વગેરે) પાસેથી આ પ્રકારનું કનેક્શન લો એટલે તે મોટાભાગે મોડેમ અને એક રાઉટર પણ આપે છે. મોડેમ જેવું જ લાગતું આ સાધન એક ટચૂકડા કમ્પ્યુટર જેવું કામ કરે છે અને તમારા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરના નેટવર્ક સાથે જોડે છે.
સાદું કમ્પ્યુટર હોય તો તમારે તેને કેબલથી આ રાઉટર સાથે કનેક્ટ કરવાનું થાય. રાઉટરમાં વાઈ-ફાઈની સગવડ હોય છે, એટલે તમે વાઈ-ફાઈની સગવડવાળા લેપટોપ કે મોબાઇલમાં આ રાઉટરની મદદથી ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો.
સામાન્ય રીતે ટૂંકા અંતર માટે જ એડીએસએલનો ઉપયોગ હિતાવહ છે. ટેલિફોન એક્સચેન્જથી ચાર કિલોમીટર કરતાં ઓછા અંતરે કમ્પ્યુટર હોય તો સારી સ્પીડ મળે, ટેલિફોનની લાઇન વધુ સક્ષમ હોય તો આઠ કિલોમીટર કે તેથી થોડા વધુ અંતરે પણ આ ટેક્નોલોજી સારું કામ આપે છે. તમને મળતી સ્પીડમાં વધઘટ થવાનું એક કારણ આ પણ હોય છે!
કેબલ કનેક્શન
હવે સેટેલાઇટ ચેનલ કનેક્શન આપતી કેબલ ટીવી કંપનીઓ પણ તેમના કેબલ મારફતે ઇન્ટરનેટ કનેક્શનની સગવડ આપે છે. જેમ એડીએસએલમાં ફોન અને ઇન્ટરનેટ બંને સાથે ચાલી શકે છે તેમ કેબલ કનેક્શનમાં પણ ઇન્ટરનેટ અને ટીવી પ્રોગ્રામ સાથે ચાલી શકે છે.
હવે શહેરોમાં ડાયરેક્ટ કેબલથી માત્ર ઇન્ટરનેટનું કનેક્શન આપતી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પણ શરૂ થઈ છે. આ કંપનીઓ એડીએસએલ કરતાં વધુ સ્પીડવાળું કનેક્શન આપી શકે છે, અમદાવાદમાં હવે ૧૨ એમબીપીએસ સુધીની સ્પીડવાળું કનેક્શન મેળવી શકાય છે.
સેટેલાઇટ
જેમ સેટેલાઇટ ટીવી જોવા માટે આપણે સેટેલાઇટ ડિશનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે માત્ર ઇન્ટરનેટ કનેક્શન માટે પણ સેટેલાઇટ બ્રોડબેન્ડ મેળવી શકાય છે. જોકે આ બહુ ઓછી પ્રચલિત પદ્ધતિ છે, ખરાબ હવામાનથી તેમાં અડચણો પણ આવે છે.
મોબાઇલ
ઇન્ટરનેટ કનેક્શન મેળવવાની આ સૌથી નવી ટેક્નોલોજી છે. તમારો મોબાઇલ હેન્ડસેટ જો મોડેમ ધરાવતો હોય તો તમે તેને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરીને નેટ કનેક્શન મેળવી શકો છો અથવા ‘ડોંગલ’ તરીકે ઓળખાતું, પેનડ્રાઇવ જેવું એક સાધન અલગથી ખરીદી શકો છો. તેને પણ તમારા કમ્પ્યુટરમાં જોડીને તમે નેટ એક્સેસ કરી શકો. લેપટોપ માટે આ પદ્ધતિ બહુ લોકપ્રિય થઈ રહી છે.
ફાઇબર ઓપ્ટિક્સ
પદ્ધતિ એડીએસએલ જેવી જ, પણ આમાં કોપરની ટેલિફોન લાઇનને બદલે આધુનિક ફાઇબર ઓપ્ટિક્સની લાઇનનો ઉપયોગ થાય છે. ફાઇબર ઓપ્ટિક પ્રકાશના તરંગોનો ઉપયોગ કરે છે. પ્રકાશ પૃથ્વી પર સૌથી વધુ ઝડપે ગતિ કરે છે, પરિણામે ફાઇબર ઓપ્ટિક્સ કેબલવાળા ઇન્ટરનેટ કનેક્શનમાં એડીએસએલ કરતાં પાંચ ગણી ઝડપ મળી શકે છે. જોકે આ ટેક્નોલોજી હજી બધે ઉપલબ્ધ નથી.

