અંગ્રેજી ભાષા પર તમારી પકડ કેવીક છે? તમે જે સ્તર પર હો તેનાથી ઊંચે પહોંચવું હોય તો ઇન્ટરનેટ પર તમને મદદરૂપ થાય તેવી સંખ્યાબંધ સાઇટ્સ અને ફ્રી-ઈ-બુક્સ ઉપલબ્ધ છે. અહીં પહેલા ડોઝ તરીકે, ફક્ત ત્રણ ફ્રી ઈ-બુક્સની માહિતી આપી છે. ડાઉનલોડ કરો, વાંચો, વિચારો અને ગમે તો એવી બીજી બુક્સ શોધવા આગળ વધો!
આગળ શું વાંચશો?
- સુધારીએ સામાન્ય ભૂલો
- બરાબર સમજીએ કેપિટલાઈઝેશન
- પરફેક્ટ બનીએ પંક્ચ્યુએશનમાં
સુધારીએ સામાન્ય ભૂલો
અંગ્રેજી સારું આવડતું હોય તો પણ આપણે ઘણી વાર નાની નાની ભૂલો કરી બેસતા હોઈએ છીએ. એટલું જ નહીં, એવી ભૂલોને કારણે જ આપણે જાહેરમાં નિ:સંકોચ અંગ્રેજી બોલતાં ખચકાઈએ છીએ. જેમ કે, નીચેનાં બે વાક્યોમાંથી કયું સાચું?
- The three boys divided the cake among themselves.
- The three boys divided the cake between themselves.
ઓલ્ટરનેટિવ ક્યારે બોલાય અને ઓલ્ટરનેટ ક્યારે બોલાય? એઝ અને લાઇકમાં શો ફેર? સર્ટનલી અને સ્યોરલીમાં શો તફાવત? આવી નાની નાની બાબતો વિશે તમને ચોક્કસ સ્પષ્ટતા ન હોય અને કયો શબ્દ ક્યારે યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય એ જાણવું હોય તો આ નાનકડી ઈ-બુક તમારે કામની છે. (http://goo.gl/y5mAK).
બરાબર સમજીએ કેપિટલાઇઝેશન
વાક્યના પહેલા શબ્દનો પહેલો અક્ષર કેપિટલ હોય એ તો આપણે બરાબર જાણીએ છીએ. દિવસ, વાર, સ્થળ, વ્યક્તિ વગેરેનાં નામમાં પણ પહેલો આલ્ફાબેટ કેપિટલ કરાય, એ આપણને ખબર છે. પણ એ સિવાય, કેપિટલાઇઝેશનમાં ઘણી બાબતો કે નિયમો એવા છે જેની આપણને કદાચ ખબર નહીં હોય. જેમ કે, જવા દો. અહીં ઉદાહરણ આપીએ એના કરતાં તમે જ આ ઈ-બુક ડાઉનલોડ કરી લો અને જાતે જ બધા નિયમો જોઈ લો (http://goo.gl/AhHle).
પરફેક્ટ બનીએ પંક્ચ્યુએશનમાં
અંગ્રેજી હોય કે ગુજરાતી, ફુલસ્ટોપ ક્યાં આવે એ તો આપણને ચોક્કસ ખબર છે, પણ અલ્પવિરામ એટલે કે કોમા કે સેમિકોલન ક્યાં અને કેવી રીતે ઉપયોગ લેવાય? પંક્ચ્યુએશનને લગતી આવી કેટલીય ઝીણવટભરી વાતો તમે શીખી શકશો આ ઈ-બુકમાંથી (http://goo.gl/L7u9R).
