ઇન્ટરનેટ પર આપણી માહિતી સલામત નથી એ તો આપણે જાણીએ છીએ, પણ આ સલામતી કેટલી વ્યાપક છે એ બતાવે છે આ ઇન્ફોગ્રાફિક
ઇન્ટરનેટ પર તમે ગૂગલની અલગ અલગ સર્વિસનો ઉપયોગ કરો કે ફેસબુકમાં મિત્રો સાથે સંપર્ક રહો કે જુદી જુદી વેબસર્વિસ તેનો લાભ લો ત્યારે ઘણું ખરું સૌથી પહેલું પગલું હોય છે જે તે સર્વિસમાં આપણું ખાતું ખોલાવવાનું. જેની વિધિ ત્રણ પગલાંની હોય કે ત્રીસ પગલાંની, એક તબક્કે આપણે એ સર્વિસની ટર્મ્સ અને કંડિશન્સ કબૂલ-મંજૂર કરવી પડે છે, તો જ આપણે આગળ વધી શકીએ છીએ. અત્યંત ગૂંચવણભરી કાયદાકીય ભાષામાં લખાયેલી આ શરતો, ગૂગલ જેવી કંપનીઓ સામાન્ય માણસ સમજી શકે એવા અલગ વર્ઝનમાં પણ આપે છે, છતાં મોટા ભાગે આપણામાંનું કોઈ આ શરતો વાંચતું નથી અને ચેકબોક્સ ક્લિક કરીને આપણે આગળ વધી જઈએ છીએ.
ઇન્ટરનેટ પર આ રીતે આપણે જે કોઈ માહિતી આપીએ છીએ તેના પર આપણો કોઈ અંકુશ નથી એ તો જાણીતી વાત છે. http://www.onlinemarketingdegree.net/ નામની એક વેબસાઇટ પર રોઇટર્સ, ફોર્બ્સ, ઇકોનોમિક્સ વગેરે સ્રોતોમાંથી મળતી માહિતીના આધારે, વાસ્તવમાં ઇન્ટરનેટ સામાન્ય વ્યક્તિ માટે કેટલું અસલામત છે એ દશર્વિતું એક ઇન્ફોગ્રાફિક તૈયાર કરાયું છે. આપણે તેની હાઇલાઇટસ જાણીએ:
- એનબીસી કે હોમ ડીપો જેવી યુએસમાં વધુ જાણીતી સાઇટ્સ પર કોઈ પોતાનું એકાઉન્ટ ખોલાવે તો તેની વિગતો બીજી કેટલીય કંપનીઓને મળી જતી હોવાનું કહેવાય છે.
- વર્ષ ૨૦૧૦ ને ૨૦૧૧માં ગૂગલ અને ફેસબુક કંપનીઓ સફારી અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવાં બ્રાઉઝરનો ઉપયોગ કરતા લોકો નેટ પર શું કરે છે એ ટ્રેક કરતી હોવાનું બહાર આવ્યું હતું.
- વર્ષ ૨૦૧૦માં ગૂગલ તેના સ્ટ્રીટ વ્યૂ ફીચરનો ઉપયોગ કરતું હતું ત્યારે ‘અકસ્માતે’ લોકોનો વાઇ-ફાઇ ડેટા પણ એકત્ર કરાતો હોવાની વાતે ગૂગલ કંપની ચર્ચામાં રહી હતી.
- ઇન્ટરનેટ પર આ રીતે માહિતીની બેરોકટોક આપલે થતી હોવાના કારણે દર વર્ષે ૮૧ લાખ જેટલા લોકો આઇડેન્ડિટી થેફ્ટનો શિકાર બને છે.
- ૧૬ લાખ લોકોનાં બેન્ક એકાઉન્ટ જોખમાયાં હતાં.
- કંપની પોતે તમારી માહિતી ચોરે અને બીજાને વેચે એ તો આપણે અટકાવી ન શકીએ, પણ પોતાના પાસવર્ડ વધુ ને વધુ મજબૂત બનાવીને પોતાની માહિતીને બીજાથી બચાવી શકીએ છીએ.
- અભ્યાસો કહે છે કે જો તમે માત્ર એબીસીડીના લોઅરકેસના આઠ આલ્ફાબેટની મદદથી કોઈ પાસવર્ડ બનાવો તો તેને માત્ર બે કલાકમાં ક્રેક કરી શકાય છે. પણ, જો આ આઠ અક્ષરોમાં ગમે ત્યાં ફક્ત એક અક્ષર કેપિટલ લખી દો તો તેને ક્રેક કરતાં પૂરાં ૨૦૦ વર્ષ લાગી શકે છે. ઓનલાઇન ફ્રોડનું પ્રમાણ સતત વધી રહ્યું છે એ જોતાં આ મુદ્દો બહુ ધ્યાનમાં રાખવા જેવો છે.
- ફેસબુક પર આપણે ભલે એમ માનતા હોઈએ કે આપણે વિચારો ને શેરશાયરી શેર કરીએ છીએ, પણ હકીકતમાં એ ઉપરાંત આપણે બીજું ઘણું બધું શેર કરી નાખીએ છીએ. આ ઇન્ફોગ્રાફિક કહે છે કે કોઈ ધારે તો ફેસબુક પરથી પાંચ કરોડ ૯૦ લાખ જેટલાં એડ્રેસ મેળવી શકે છે. ફેસબુકના અસંખ્ય લોકો સાઇટના પ્રાઇવસી કંટ્રોલનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણતા જ નથી.
- સ્માર્ટફોન કહેવાય ભલે સ્માર્ટ, માહિતીની ચોરી સામે સલામતીમાં એ ડફોળ પૂરવાર થાય છે. અમેરિકામાં એન્ડ્રોઇડ ફોનના લગભગ ૪૦ ટકા યુઝર્સ અસલામત લિંક પર ક્લિક કરી નાખે છે. આ વાતે એપલ પણ પાછળ નથી. વર્ષ ૨૦૦૬થી એપલ કંપની આઇફોનની અલગ અલગ એપ્સને તમારી એડ્રેસ બુક સુધી પહોંચવા દે છે અને તમારો ડેટા કંપનીના સર્વર સુધી પહોંચાડવા દે છે.
- વર્ષ ૨૦૧૧માં લૂકઆઉટ નામની એક સિક્યુરિટી કંપનીએ તેના અહેવાલમાં કહ્યું હતું કે માત્ર છ મહિનામાં એન્ડ્રોઇડ પરની અસલામત એપ્સની સંખ્યા બમણી થઈ ગઈ છે.
- અચ્છા, આ બધી અસલામતીની વાતોમાં આપણે સલામત રહેવા શું કરવું? ફેસબુક જેવી સર્વિસનાં પ્રાઇવસી સેટિંગ્સ બરાબર સમજી લેવાં, મજબૂત પાસવર્ડ બનાવવા, સાવ ભળતી-સળતી એપ ડાઉનલોડ ન કરવી, સહેજ પણ શંકાસ્પદ લાગે એવા મેઇલ ઓપન જ ન કરવા!

