જેની સ્થાપનાને હજી એક દાયકો પણ થયો ન હોય એ કંપની વિશ્વમાં સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી કંપની બને તેવી શક્યતા ઊભી થાય, એ કલ્પના પણ કેટલી રોમાંચક છે! આપણી દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે.
ફેસબુક વાસ્તવમાં, ઇન્ટરનેટ પર અત્યંત વિરાટ સ્વરૂપ ધારણ કરી રહેલા સોશિયલ મીડિયાનો સૌથી જાણીતો ચહેરો છે. ફેસબુક ઉપરાંત ઇન્ટરનેટ પર એવી અનેક સાઇટ્સ અને સર્વિસ વિકસી અને વિસ્તરી રહી છે, જે આખી દુનિયાને વધુ ને વધુ નાની બનાવી રહી છે.
ફેસબુક કે ટવીટર કે ગૂગલ પ્લસ આપણને મિત્રો બનાવવાની અને તેમની સાથે અલકમલકની વાતો કરવાની કે ફોટો-વીડિયો શેર સગવડ આપે છે, પણ એની સાથોસાથ તેના યુઝર્સની સહિયારી તાકાતથી બિઝનેસ જગતમાં પણ મોટાં પરિવર્તન લાવી રહી છે. સોશિયલ મીડિયા જગતમાં હવે જે નવી સર્વિસ આવી રહી છે તે બિઝનેસ સંબંધિત નવાં સમીકરણો ઊભા કરવાના લક્ષ્ય સાથે જ આગળ વધી રહી છે. આમ છતાં, આપણે ઇચ્છીએ એ ધારીએ તો શિક્ષણમાં પણ સોશિયલ મીડિયાો અસરકારક ઉપયોગ કરી શકીએ છીએ.
આ અંકમાં, સોશિયલ મીડિયાનાં વિવિધ પાસાંને શક્ય એટલી સરળતાથી સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વિષય એટલો વિરાટ છે કે અંકનાં થોડાં પાનાંમાં તેને પૂરતો ન્યાય આપવો અશક્ય છે, પણ અત્યારે પ્રાથમિક સમજ મેળવ્યા પછી આગામી અંકોમાં આપણે વિવિધ મુદ્દાઓમાં થોડા વધુ ઊંડા ઊતરવાનો પ્રયાસ કરીશું.
– હિમાંશુ

