વિકિપીડિયા વિશે થોડું ઘણું તો આપણે સૌ જાણીએ છીએ, તેનો વધુ લાભ લેતાં શીખીએ અને તેની સાથે વિકસી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સ વિશે પણ જાણીએ!
આગળ શું વાંચશો?
- વિકિપીડિયા
- વિકિપીડિયાનો આરંભ કઈ રીતે થયો?
- વિકશનરી
- વિકિક્વોટ
- વિકિપીડિયામાં લખું બધું જ સાચું માની શકાય?
- વિકિબુક્સ
- વિકિપીડિયામાં વિદ્યાર્થીઓને કામનું શું છે?
- વિકિસોર્સ
- વિકિવર્સિટી
- વિકિપીડિયામાં શરુઆત ક્યાંથી કરવી?
- વિકિન્યૂઝ
- વિકિસ્પીસીઝ
- વિકિપીડિયામાં બધું ઈંગ્લિશમાં જ છે?
- વિકિમીડિયા કોમન્સ
- મીડિયાવિકિ
- વિકિપીડિયા ડાઉનલોડ કરી શકાય?
કલ્પના કરો એક એવા વિશ્વની જેમાં દરેકે દરેક વ્યક્તિ, વિશ્વ આખાનું તમામ જ્ઞાન મુક્તપણે જાણી શકે છે ને એમાં સહભાગી થઈ શકે છે, આ અમારી પ્રતિબદ્ધતા છે. આ કલ્પના જ કેટલી મજાની છે! માંડ દસ-બાર વર્ષ પહેલાં કોઈએ આપણને આવી કલ્પના કહી હોત તો આપણને એ શેખચલ્લીનું સપનું જ લાગ્યું હોત, પણ હવે એ નક્કર હકીકત બની ગઈ છે!
એ તો આપણે સૌ જાણીએ છીએ કે વિકિપીડિયાના પ્રારંભ સાથે આખી દુનિયાના અનેક વિષયો વિશે, અનેક લોકોએ લખેલું અને વહેંચેલું, પ્રમાણમાં ખાસ્સું આધારભૂત એવું જ્ઞાન ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા સૌ કોઈ માટે આંગળીને ટેરવે ઉપલબ્ધ થવા લાગ્યું. કોઈ પણ વિષયના તમે વિદ્યાર્થી હો, શિક્ષક હો કે વ્યવસાય-વેપારના સંદર્ભમાં તમે વધુ જાણકારી મેળવવા ઇચ્છતા હો તો કમ્પ્યુટર પર આંગળીઓ હવે આપોઆપ ગૂગલિંગ તરફ વળે છે અને ગૂગલના સર્ચ રીઝલ્ટમાં મોટા ભાગે પહેલી જ લિંક આપણને એ વિષય અંગેના વિકિપીડિયાના પેજ તરફ દોરી જાય છે! આ બધું તો આપણે જાણીએ છીએ અને ઠીકઠીક ઉપયોગમાં પણ લઈએ છીએ, ઓછી જાણીતી વાત છે વિકિપીડિયાની કેટલીક પ્રાથમિક ખાસિયતોની અને તેના જેવા જ વિકિમીડિયાના બીજા પ્રોજેક્ટ્સની.
બાજુના ચિત્રમાં અને આગલા વાક્યમાં ‘વિકિમીડિયા’ શબ્દ તમને અજાણ્યો લાગ્યો હોય તો એમાં નવાઈ નથી, કેમ કે બાપ કરતાં બેટો સવાયો પૂરવાર થાય એ તો જૂની પરંપરા છે! જી હા, આપણે જેને સૌથી વધુ જાણીએ છીએ એ વિકિપીડિયાનું સર્જન વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા થયું છે અને લેખના પ્રારંભે જે કલ્પના કે પ્રતિબદ્ધતા લખી છે એ લક્ષ્યને નજર સામે રાખીને આ ફાઉન્ડેશન પોતાની વિવિધ પ્રવૃત્તિઓ, વિવિધ પ્રોજેક્ટ સ્વરૂપે વિસ્તારી રહ્યું છે.
આ સમગ્ર પ્રોજેક્ટની સૌથી નોંધપાત્ર વાત ‘કોઈ પણ એડિટ કરી શકે’ એવી તેની ખાસિયત છે. ખાસ કરીને વિકિપીડિયા પર ઘણા લોકો સતત ખોટી માહિતી ઉમેરે છે, પણ ગણતરીની પળોમાં એ સુધરી પણ જાય છે!
આ બધું ફ્રીમાં જ ચાલતું હોય તો ફાઉન્ડેશન ચાલે કઈ રીતે એ પાયાનો સવાલ છે, ટૂંકો જવાબ એટલો કે વિકિપીડિયા સહિતના વિકિમીડિયા ફાઉન્ડેશનના બધા પ્રોજેક્ટ સહિયારી શક્તિથી, એટલે કે વિશ્વના જુદા જુદા ખૂણે બેઠેલા અનેક લોકો સ્વેચ્છાએ પોતાના જ્ઞાન કે ધનથી ફાળો આપીને આગળ ધપાવે છે. ફાઉન્ડેશન ક્યારેક તીવ્ર નાણાભીડ પણ અનુભવે છે અને એટલે વિકિપીડિયાના સર્જકે ‘વિકિપીડિયા ન રહે તો તમને કેવું લાગશે?’ એવા સવાલો પૂછીને દાન આપવા અપીલ પણ કરવી પડે છે.
અહીં આપણે વિકિમીડિયા ફાઉન્ડેશનના વિકિપીડિયા સહિતના વિવિધ પ્રોજેક્ટની જાણકારી મેળવીએ અને તેની સાથોસાથ વિકિપીડિયાનો વધુ લાભ શકાય એ માટે તેની કેટલીક અજાણી બાબતો પણ તપાસી લઈએ.
વિકિપીડિયા (wikipedia.org)
વિકિપીડિયા વિશ્વની બધી જ ભાષામાં નિ:શુલ્ક એન્સાયક્લોપીડિયા એટલે કે જ્ઞાનકોષ તૈયાર કરવાનો પ્રોજેક્ટ છે. જાન્યુઆરી ૨૦૦૧માં પ્રારંભ પછી ૧૧-૧૨ વર્ષની સફર બાદ વિકિપીડિયા પર ૨૮૫થી વધુ ભાષાઓમાં કુલ એક કરોડથી વધુ લેખો છે. જેમાંથી ૩૦ લાખ લેખો ઇંગ્લિશમાં છે, ત્યાર પછીના ક્રમે જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન વગેરે ભાષાઓ છે. આ બધી ભાષાઓમાં પાંચ લાખથી વધુ લેખો છે. ૨૫થી વધુ ભાષાઓમાં એક લાખથી વધુ લેખો છે અને ૧૫૦થી વધુ અન્ય ભાષાઓમાં ૧૦૦૦થી વધુ લેખો છે. આપણી હિન્દી ભાષામાં પણ ૧,૦૩,૭૩૯ લેખો છે. ગુજરાતી અને સંસ્કૃતમાં લખાયેલા લેખો પણ અહીં હાજર છે. દર મહિને લગભગ ૪૭ કરોડ લોકો વિકિપીડીયાની મુલાકાત લે છે અને છતાં, વિકિપીડિયા પર કોઈ જાહેરાત જોવા મળતી નથી! ૭૭,૦૦૦ જેટલા લોકો સતત વિકિપીડિયા પર પોતાનું યોગદાન આપતા રહે છે અને ભૂલથી રહી ગયેલી ભૂલો સુધારે કે જાણી જોઈને ઉમેરવામાં આવેલી ખોટી માહિતી દૂર કરે છે. કોઈ વ્યક્તિ સતત વાંચે તોય વિકિપીડિયા પરનું બધું લખાણ વાંચતાં તેને સાતેક વર્ષ થાય અને ત્યાં સુધીમાં, અગાઉ વાંચેલી કેટલુંય લખાણ બદલાઈ ગયું હોય! ઇન્ફર્મેશન ટેક્નોલોજી કેવો ચમત્કાર કરી શકે છે તે વિકિપીડિયા બતાવે છે.
વિક્શનરી (wiktionary.org)
વિક્શનરી એ દરેક ભાષામાં ફ્રી ડિક્શનરી તૈયાર કરવાનો પ્રોજેક્ટ છે, એટલે કે તેમાં દરેક ભાષામાંના બધા શબ્દોને વિશ્વની બધી ભાષાઓમાં વ્યાખ્યાયિત કરવાનું ધ્યેય છે! ડિસેમ્બર ૨૦૦૨માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે ૧૫૦ ભાષાઓમાં ૩૦ લાખ એન્ટ્રીઓ જેટલો વિસ્તરી ગયો છે. આ ડિક્શનરીની મજા એ છે કે તેમાં જુદા જુદા શબ્દોના ઉચ્ચારો સમજવા માટે કેટલીય સાઉન્ડ ફાઈલ્સ પણ સમાવી લેવામાં આવી છે. શબ્દો અને તેની સમજ ઉપરાંત અહીં થેસરસ, સમાન પ્રાસવાળા શબ્દો, વાક્યપ્રયોગો, સમાનાર્થી, વિરુધાર્થી શબ્દો વગેરે પણ આવરી લેવામાં આવ્યાં છે.
વિકિક્વોટ (wikiquote.org)
વિશ્વ પ્રસિધ્ધ વ્યક્તિઓનાં પુસ્તકો, ભાષણો, ફિલ્મ વગેરેમાંથી તારવેલાં અનેક અવતરણો આ પ્રોજેક્ટ હેઠળ સાચવવામાં આવે છે. જુલાઈ ૨૦૦૩માં શરુ થયેલા આ પ્રોજેક્ટમાં ઓક્ટોબર ૨૦૧૦ સુધીમાં ૭૫ ભાષામાં, ૧,૧૩,૫૬૪ પેજમાં સમાય એટલાં અવતરણો એકઠાં થઈ ગયાં છે.
વિકિક્વોટ પર ભગવદ્ ગીતા, મહાભારત, ચારેય વેદ, ઉપનિષદ વગેરેનાં સુભાષિતો પણ જાણી શકીએ છીએ, હિન્દીમાં પણ!
વિકિબુક્સ (wikibooks.org)
આ પ્રોજેક્ટનું ધ્યેય ફ્રી ઈ-બુક્સનું વિશાળ કલેક્શન તૈયાર કરવાનું છે! તેમાં ટેક્સ્ટબુક્સ, ભાષા શીખવતા કોર્સીઝ, મેન્યુઅલ સહિતનાં પુસ્તકો ઉપલબ્ધ છે. મુખ્યત્વે હાઇ-સ્કૂલ્સ અને યુનિવર્સિટીઝના વિદ્યાર્થી અને શિક્ષકોને મદદરૂપ થવાનો આ પ્રોજેક્ટનો હેતુ છે.
આ પ્રોજેક્ટ પણ જુલાઈ ૨૦૦૩માં શરૂ થયો અને અત્યારે તેમાં ૧૦૦ જેટલી ભાષાઓમાં, ૧,૩૯,૦૦૦ મોડ્યુલ્સ ઉપલબ્ધ છે. અહીં મરાઠી ભાષાનું કન્ટેન્ટ ધ્યાન ખેંચે છે.
ઇંગ્લિશ સાથે તમારી દોસ્તી હોય તો અહીં તમને મજા પડી જશે. જેમ કે અહીં ‘બિગ બુક ઓફ ફન સાયન્સ એક્સપરિમેન્ટ્સ’ વિભાગમાં વિવિધ વિષયના જાતે બનાવી શકાય એવા સંખ્યાબંધ પ્રોજેક્ટ્સની માહિતી મળશે.
યાદ રહે, અહીં બુક્સ નામથી ગેરસમજ ન કરતા, અહીં બધી તૈયાર બુક્સ ડાઉનલોડ કરવા મળશે એવું નથી. અહીં તો આખી દુનિયાના લેખકો ભેગા મળીને જુદા જુદા વિષય પર પુસ્તકો લખે છે અને એડિટ કરતા રહે છે.
હા, કેટલાંક પુસ્તકો તે જે તબક્કે પહોંચ્યાં હોય તે તબક્કે તમે તેની પ્રિન્ટ કે પીડીએફ મેળવી શકો એવી સુવિધા હોય છે. પુસ્તકો એક વાર લખાય અને પછી વર્ષો સુધી વંચાય એ ધારણા વિકિબુક્સથી બદલાય તેવી શક્યતા છે.
વિકિસોર્સ (wikisource.org)
નવેમ્બર ૨૦૦૩માં શરુ થયેલો આ પણ એક બહુભાષી પ્રોજેક્ટ છે. આ એક પ્રકારની વિશાળ લાયબ્રેરી છે, જેમાં વિવિધ ભાષામાં પહેલેથી ઉપલબ્ધ લખાણને હાયપરટેક્સ્ટ (એટલે કે સર્ચ અને એડિટ કરી શકાય તેવા) સ્વરૂપમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. વિકિમીડિયા પર લગભગ બધું જ લખાણ કોઈ પણ એડિટ કરી શકે એ તેની મૂળ ખાસિયત છે, પણ અહીં મૂળ લખાણમાં ભૂલ સુધારવા સિવાય કોઈ ફેરફાર કરી શકાતા નથી. હા, જે તે વિષયના નિષ્ણાતો તેમાં સંબંધિત માહિતી ઉમેરી જરૂર શકે છે. ઉપરાંત, જે તે લેખના શબ્દોને, તેને સંબંધિત બીજા લેખો સાથે લિંક પણ કરી શકાય છે (હાયપરટેક્સ્ટનો આ એક વધુ ફાયદો!).
વિકિસોર્સમાં ગુજરાતી ભાષામાં પણ સારું એવું કામ થઈ રહ્યું છે!
વિકિવર્સિટી (wikiversity.org)
વિવિધ વિષયના અભ્યાસુઓને મદદરૂપ થવાના હેતુથી આ પ્રોજેક્ટ શરુ કરાયો છે. આ પ્રોજેક્ટ બીટા ફેઝમાં ઓગસ્ટ ૨૦૦૬માં શરુ થયો અને હજી વિકાસના તબક્કામાં છે પણ તેમાં ‘લર્નિંગ બાય ડુઇંગ’ અને ‘એક્સપરિમેન્ટલ લર્નિંગ’ના આધાર પર શિક્ષણને ઉત્તેજન આપવાનું ધ્યેય છે.
વિકિન્યુઝ (wikinews.org)
ઇન્ટરનેટના આગમન સાથે વિશ્વ સ્તરે પત્રકારત્વમાં ધરમૂળથી પરિવર્તન આવી રહ્યાંં છે, તેનું વધુ એક ઉદાહરણ છે વિકિન્યુઝ. તેમાં આખા વિશ્ર્વમાં પથરાયેલા અને સ્વૈચ્છિક યોગદાન આપતા લોકો વિવિધ બાબતો વિશે વિશ્ર્વસનીય, તટસ્થ અને યોગ્ય સંદર્ભ ધરાવતા સમાચાર આપવાનો પ્રયાસ કરે છે. ઓક્ટોબર ૨૦૧૦માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૨૯ ભાષામાં ૧,૪૦,૦૦૦ સમાચાર લેખો ઉમેરાઈ ગયા છે. કમર્શિયલ એપ્રોચ ધરાવતી ન્યૂઝ સાઇટ્સનો એક મજબૂત વિકલ્પ પૂરો પાડવો એ આ પ્રોજેક્ટનો હેતુ છે.
વિકિસ્પીસીઝ (species.wikimedia.org)
આખા વિશ્વની ભાતભાતની જૈવિક વિવિધતા વિશે માહિતીનો અસીમ ભંડાર ઊભો કરવા આ પ્રોજેક્ટ શરુ થયો છે. તેની શરૂઆત સપ્ટેમ્બર ૨૦૦૪માં થઈ. આ પ્રોજેક્ટ આ વિષયના નિષ્ણાતોને વધુ ઉપયોગી થાય એવો છેે.
‘સાયબરસફર’ કોલમના વાચકોને કદાચ યાદ હશે કે આપણે તેમાં એક વાર એન્સાયક્લોપીડિયા ઓફ લાઇફ (http://eol.org/)ની વાત કરી હતી. ભવિષ્યમાં વિકિસ્પીસીઝ અને આ ઇઓએલને એકમેકના પૂરક બનાવવાનું આયોજન છે.
વિકિમીડિયા કોમન્સ (commons.wikimedia.org)
ફોટોગ્રાફ્સ, ડાયાગ્રામ્સ, મેપ્સ, વીડિયોઝ, એનિમેશન્સ, મ્યુઝિક, સાઉન્ડ્સ, સ્પોકન ટેક્સ્ટ્સ વગેરે અનેક પ્રકારના ફ્રી મીડિયાને એકત્ર કરીને સૌ માટે ઉપલબ્ધ કરવાના ધ્યેયથી સપ્ટેમ્બર ૨૦૦૪માં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ.
આ તમામ મીડિયાનો વિકિમીડિયાના અન્ય પ્રોજેક્ટમાં ઉપયોગ થાય છે. જેમ કે વિકિપીડિયાના જુદા જુદા લેખોમાં જે તસવીરો જોવા મળે છે તેનું મૂળ આ પ્રોજેક્ટમાં છે. ક્રિએટિવ કોમન્સ નામના એક પ્રકારના લાયસન્સ હેઠળ આ મીડિયાનો કેટલીક શરતોને આધીન, મુક્ત અને મફત ઉપયોગ પણ થઈ શકે છે.
મીડિયાવિકિ (mediawiki.org)
આ પ્રોજેક્ટ ન હોત તો આ લેખ પણ ન લખાયો હોત, કેમ કે ઉપર જણાવેલા બધા જ પ્રોજેક્ટ આ સોફ્ટવેરના આધાર પર વિક્સી રહ્યા છે! જેમ વિકિમીડિયાનું બધું જ ફ્રી છે તેમ આ સોફ્ટવેર પણ ફ્રી છે અને અનેક વિકિ પ્રોજેક્ટ માટે આ સોફ્ટવેરની મદદથી વિકિસાઇટ્સ તૈયાર કરવામાં આવી છે!
વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા આ ઉપરાંત પણ કેટલાક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, જેમાંનો એક છે, તમામ પ્રોજેક્ટમાંની માહિતીને એકમેક સાથે સાંકળી લેવાનો!
વિકિપીડિયાનો આરંભ કઈ રીતે થયો?
અનેક લોકો સાથે મળીને કોઈ વેબસાઇટ પરની સામગ્રીમાં પોતાનું પ્રદાન આપે તેવી સાઇટને વિકિસાઇટ કહે છે. તેની શરૂઆત માર્ચ ૧૯૯૫માં થઈ ગઈ હતી અને આ જ ભાવના સાકાર કરતા વિકિપીડિયાનું નામ શરૂઆતમાં ન્યુપીડિયા હતું!
૧૯૯૦ના દાયકાના અંત ભાગમાં જિમી વેલ્સ નામના એક અમેરિકન સાહસિકે ઇન્ટરનેટની ક્ષમતાનો ઉપયોગ કરીને નિ:શુલ્ક અને સૌ જેમાં યોગદાન આપી શકે એવા એન્સાયક્લોપીડિયાના પ્રોજેક્ટની કલ્પના કરી. શરૂઆતમાં ન્યુપીડિયા નામે તેના પર કામ શરૂ થયું. આ પ્રોજેક્ટ વિશે સાંભળીને લેરી સેંગર નામના ફિલોસોફીના એક પ્રોફેસરે જિમી વેલ્સનો સંપર્ક સાધ્યો અને કામ કરવાની તૈયારી બતાવી. પછી તો જિમીએ જે પ્રકારના એન્સાયક્લોપીડિયાની કલ્પના કરી હતી તેને લેરીએ અથાગ મહેનતથી સાકાર કરી બતાવી. ન્યુપીડિયાનું ધ્યેય વિવિધ નિષ્ણાતોની મદદથી, ‘નિષ્ણાતોમાં પ્રતિષ્ઠિત’ એવો એન્સાયક્લોપીડિયા બનાવવાનું હતું. તેના દરેક લેખની નિષ્ણાતો દ્વારા સમીક્ષા એટલી લાંબી ચાલી કે જિમીએ ન્યુપીડિયા માટે જેની સમીક્ષા ચાલતી હોય તે ‘મંજૂર ન થયેલા’ લેખો બીજા વાંચી શકે અને તેમાં સુધારા વધારા સૂચવી શકે એવી એક નવી, સમાંતર વ્યવસ્થા શરુ કરી, જેને નામ મળ્યું – વિકિપીડિયા!
વિકિપીડિયામાં લખેલું બધું જ સાચું માની શકાય?
બિલકુલ નહીં! વિકિપીડિયા પર સ્પષ્ટપણે લખેલું છે કે વિકિપીડિયાના કોઈ પણ લેખમાં કોઈ પણ વ્યક્તિ (જી હા, તમે પણ!) ફેરફાર કરી શકે છે એટલે તેમાં તટસ્થ ન હોય તેવી, જૂની કે ખોટી માહિતી હોવાની શક્યતા છે. આંચકો લાગ્યો? તો પછી અત્યારે વિશ્વના સૌથી વિશાળ અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતા જ્ઞાનકોષ તરીકે વિકિપીડિયાનો આટલો દબદબો કેમ છે?
કારણ એ છે કે અસંખ્ય લોકો દરરોજ વિકિપીડિયાની મુલાકાત લે છે અને દરેક લેખોમાં થતા ફેરફારો સતત ચકાસતા રહે છે. આથી મોટા ભાગની ભૂલો તરત સુધારાઈ જાય છે. વિકિપીડિયામાં આ રીતે યોગદાન આપતા લોકોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેની ચોક્સાઈ પણ વધતી જાય છે. વિકિપીડિયાના લેખોમાં ભૂલો શોધીને સુધારવાનું કામ માણસ કરતાં વધુ કમ્પ્યુટર કરે છે!
વિકિપીડિયામાં જાણી જોઈને ખોટી કે બદનક્ષીભરી માહિતી આપવામાં આવે એવું પણ બને છે, ક્યારેક લાંબા સમય સુધી આવી માહિતી સુધરે નહીં એવું પણ બને છે. વિકિપીડિયાની વિશ્વસનિયતા અંગે સંશોધનો અને સવાલો થતા જ રહે છે, છતાં, કોઈ પણ વિષય અંગે ઘણે અંશે સાચી માહિતીના મફત અને અત્યંત વિશાળ ઉપાય તરીકે વિકિપીડિયાનો જોટો જડે તેમ
વિકિપીડિયામાં વિદ્યાર્થીઓને કામનું શું છે?
બધું જ! કોઈ પણ ઉંમરના વિદ્યાર્થીઓ માટે વિકિપીડિયામાં ક્યારેય ખૂટે નહીં એટલી સામગ્રી છે, પણ શાળાના શિક્ષકો અને સંતાનના અભ્યાસમાં ઊંડો રસ લેતા વાલીને ઉપયોગી છે વિકિમીડિયાના એક પ્રોજેક્ટ વિકિબુક્સનો આ વિભાગ – વિકિજુનિયર.
શિશુથી ૧૨ વર્ષ સુધીનાં બાળકોને ઉપયોગી એવી નોન-ફિક્શન બુક્સ તૈયાર કરવાનું આ પ્રોજેક્ટનું ધ્યેય છે. આ પુસ્તકો એક વાર લખાઈને અભેરાઈએ મૂકાયાં એવું નથી. વિકિપીડિયાના લેખોની જેમ તેમાં સુધારા-ઉમેરા થતા રહે છે. આ પુસ્તકો શિક્ષક/વાલી ને વિદ્યાર્થી સાથે મળીને ઉપયોગ કરે એ રીતે ડિઝાઇન થયેલાં હોય છે.
નાનાં બાળકો માટે આલ્ફાબેટ, એનિમલ આલ્ફાબેટ, કલર્સ, ફ્લાવર આલ્ફાબેટ, નંબર્સ, મેઝ એન્ડ ડ્રોઇંગ બુક્સ વગેરે વાંચનસામગ્રી મળી રહેશે. તેથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનના વિવિધ વિષયો અને પ્રયોગો, ભૂગોળ વગેરે વિભાગો છે. ‘હાઉ થિંગ્સ વર્ક’ વિભાગમાં આપણી આસપાસ જોવા મળતી જુદી જુદી વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તેની સરળ સમજ મળે છે.
‘જ્યોમેટ્રી ફોર એલિમેન્ટરી સ્કૂલ’ બુકમાં ભૂમિતિની પાયાથી સમજણ મળે છે. આ બુકને પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકાય છે.
(http://en.wikibooks.org/wiki/Wikijunior)
વિકિપીડિયામાં શરૂઆત ક્યાંથી કરવી?
આ સવાલના જવાબનો આધાર, તમે વિકિપીડિયા પાસેથી શું જાણવા માગો છો તેના પર છે.
જો તમે કોઈ ચોક્કસ વિષય પર વધુ માહિતી મેળવવા ઇચ્છતા હો તો કોઈ પણ સર્ચ એન્જિનમાં એ વિષય સંબંધિત સર્ચ કરતાં તેને લગતા વિકિપીડિયા પેજ પર પહોંચી શકો છો (અથવા વિકિપીડિયા પર જઈને સર્ચ કરી લો).
પણ જો તમે, આખા વિકિપીડિયાનો જ પરિચય કેળવવા માગતા હો અને તેની નિયમિત મુલાકાતથી, વિવિધ વિષયોનું તમારું જ્ઞાન સતત વધારવા માગતા હો તો વિકિપીડિયાના હોમપેજ પર જઈ તેના વિવિધ વિભાગો પર નજર દોડાવો. અહીંથી રોજેરોજનો એક ખાસ લેખ, દૈનિક તાજા સમાચાર, જે તે દિવસે ઇતિહાસમાં બનેલી ઘટનાઓ, નવા લેખોમાંથી કંઈક નવું જાણવા જેવું, એક ચોક્કસ તસવીર અને તેના વિશે માહિતી વગેરે જાણી શકો છો.
જુદા જુદા વિષયો પરનાં પોર્ટલ પર પણ અહીંથી જઈ શકો છો. જેમ કે તમને ગણિત કે વિજ્ઞાનના પોર્ટલમાં રસ હોય તો તેના હોમ પેજની નિયમિત મુલાકાત લેતા રહો.
વિદ્યાર્થીઓ દૈનિક અખબાર જેટલી નિયમિતતાથી વિકિપીડિયાનાં હોમપેજ ફોલો કરીને તેમને સામાન્ય જ્ઞાનમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
વિકિપીડિયામાં બધું ઇંગ્લિશમાં જ છે?
ના, વિકિપીડિયા ૨૮૫ જેટલી ભાષાઓમાં ઉપલબ્ધ છે (વિશ્વમાં કુલ ૬,૫૦૦ ભાષાઓ છે) .
અહીં ચાર ભાષાઓ (ઇંગ્લિશ, જર્મન, ફ્રેન્ચ અને ડચ)માં ૧૦ લાખથી વધુ લેખો છે. ફક્ત ઇંગ્લિશમાં ૪૧ લાખથી વધુ લેખો છે. ઉપરાંત, જે લોકોની માતૃભાષા ઇંગ્લિશ નથી, એમના માટે સરળ શબ્દો અને ટૂંકાં વાક્યો સાથે સિમ્પલ ઇંગ્લિશમાં વિકિપીડિયા છે, જેમાં ૯૦ હજાર જેટલા લેખો છે. આ વિકિપીડિયાનું એડ્રેસ છે : http://simple.wikipedia.org
બીજી ભાષાઓ માટે wikipedia.com આગળ જે તે ભાષાના ઇંગ્લિશ સ્પેલિંગના પહેલા બે અક્ષર ઉમેરવામાં આવે છે, જેમ કે ગુજરાતી માટે http://gu.wikipedia.org અને હિન્દી માટે http://hi.wikipedia.org હિન્દી વિકિપીડિયા પર એક લાખથી વધુ લેખો વાંચી શકાય છે.
વિકિપીડિયા ડાઉનલોડ કરી શકાય?
વિકિપીડિયાના લેખો ઓનલાઇન વાંચવા ન હોય તો આપણે વિકિપીડિયાના વિવિધ લેખોનું પુસ્તક બનાવીને તેને પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકીએ છીએ.
ધારો કે તમે ભારતીય ક્રિકેટ ટીમના જુદા જુદા ખેલાડીઓ વિશેનું પુસ્તક બનાવવા માગો છો. તો, વિકિપીડિયામાં જઈને કોઈ પણ ખેલાડીનું પેજન ઓપન કરો.
ડાબી તરફની કોલમમાં પ્રિન્ટ/એક્સપોર્ટનો વિકલ્પ છે. તેમાં ‘ક્રિયેટ એ બુક’ ક્લિક કરો. હવે જે પેજ ઓપન થાય તેમાં ‘સ્ટાર્ટ બુક ક્રિયેટર’નો વિકલ્પ પસંદ કરી લો.
હવે તમે વિકિપીડિયામાં જે કોઈ પેજ વાંચશો તેના પર દેખાતા બુક ક્રિયેટરના વિકલ્પોની મદદથી તમે બુકમાં જુદાં જુદાં પેજ ઉમેરી શકશો. ઇચ્છો તો વિકિપીડિયાને પણ સંબંધિત સૂચવવા કહી શકો છો.
આ રીતે બુક તૈયાર થઈ જાય એટલે ‘શો બુક’ પર ક્લિક કરી, તમારું પુસ્તક જુઓ અને તેને પીડીએફ કે ઓપન ડોક્યુમેન્ટ તરીકે ડાઉનલોડ કરી લો.
આ કામ અટપટું લાગે કે તેમાં મુશ્કેલીઓ આવે તો સહેલો રસ્તો, તમારા કમ્પ્યુટરમાં એક મુખ્ય ફોલ્ડર બનાવી, તેમાં વિકિપીડિયાના જુદા જુદા લેખની પીડીએફ સેવ કરી લેવાનો છે. આ માટે જે તે લેખમાં ડાબી તરફ, પ્રિન્ટ/એક્સપોર્ટ સેક્શનમાં જ ‘ડાઉનલોડ એઝ પીડીએફ’નો વિકલ્પ પસંદ કરો.

