કમ્પ્યુટર સાથે તમારો તાજોતાજો પરિચય થયો છે? બધું બહુ અટપટું ને ગૂંચવણભર્યું લાગે છે? નો પ્રોબ્લેમ! તમારી બધી ગૂંચવણો તો એકસાથે દૂર નહીં થઈ શકે, પણ અહીં કેટલીક પાયાની વાત આપી છે, જે તમને ઉપયોગી થશે.
આગળ શું વાંચશો?
- ફાઈલ કે વેબપેજમાંના શબ્દો સહેલાઈથી શોધી શકાય આ રીતે…
- તમારું ફોલ્ડર ગૂમ થઇ ગયું? કદાચ શોધી શકશો આ રીતે…
- તમારા મનપસંદ પ્રોગ્રામ સહેલાઈથી ઓપન થઈ શકે આ રીતે..
- તમારા પસંદગીના પ્રોગ્રામને સ્ટાર્ટ મેનુમાં ઉમેરી શકશો આ રીતે…
- માઉસના ડાબા-જમણા બટનનું કામ સરળતાથી સમજાશે આ રીતે…
- માઉસના બદલે કીબોર્ડનો ઉપયોગ કરીને પણ કામ ચલાવી શકો, આ રીતે..
ફાઇલ કે વેબપેજમાંના શબ્દો સહેલાઈથી શોધી શકાય આ રીતે…
તમે કમ્પ્યુટર પર માઇક્રોસોફ્ટ વર્ડ જેવા પ્રોગ્રામમાં કોઈ ફાઈલ જોઈ રહ્યા હો કે ઇન્ટરનેટ પર કોઈ વેબસાઇટ જોઈ રહ્યા હો, તમે કોઈ ચોક્કસ શબ્દ શોધવા માગતા હો તો Ctrl+f (કંટ્રોલ કી સાથે એફ કી) પ્રેસ કરશો એટલે એક વિન્ડો ખૂલશે. એમાં તમને જોઈતો શબ્દ લખીને Find પ્રેસ કરશો એટલે સ્ક્રીન પરના લખાણમાં જ્યાં જ્યાં એ શબ્દ હશે ત્યાં ત્યાં એ હાઈલાઇટ થશે.
તમારું ફોલ્ડર ગૂમ થઈ ગયું? કદાચ શોધી શકશો આ રીતે..
કમ્પ્યુટરની જાણકારી ધરાવતા તમારા સ્વજને તમને વિન્ડોઝ એક્સપ્લોરરમાં તમારા નામનું એક ચોક્કસ ફોલ્ડર બનાવી આપ્યું છે અને તમારી બધી ફાઈલ એમાં સેવ કરવા કહ્યું છે. તમે એક વાર એ ફોલ્ડર ઓપન કરવા ગયા અને અચાનક એ ગાયબ થઈ ગયું! આવું ઘણા લોકો સાથે થતું હોય છે. મોટા ભાગે આવું થાય ત્યારે ચિંતા કરવાની જરૂર હોતી નથી. તમે તમારા ફોલ્ડર પર માઉસથી ડબલ ક્લિક કરીને ફોલ્ડર ઓપન કરવા ગયા હો, પણ એક જ ક્લિક સાથે માઉસ થોડું ખસી જાય તો તમારું એ આખું ફોલ્ડર કટ અને મૂવ થઈને આજુબાજુના બીજા કોઈ ફોલ્ડરમાં ઘૂસી ગયું હોય એવું બની શકે છે!
તમારા મનપસંદ પ્રોગ્રામ સહેલાઈથી ઓપન થઈ શકે આ રીતે….
તમારે વર્ડ જેવો કોઈ ચોક્કસ પ્રોગ્રામ ઓપન કરવો હોય તો સ્ટાર્ટ, ઓલ પ્રોગ્રામ્સ, પછી માઇક્રોસોફ્ટ ઓફિસ અને પછી એમાં વર્ડ એમ પ્રોગ્રામ શોધવા જવું પડે. આમાં માઉસ બરાબર ચોક્સાઈથી ખસે નહીં તો વિન્ડો ખૂલે અને પછી બંધ થાય અને તમારે એકડેએકથી કસરત કરવી પડે એવું બની શકે. આનો સહેલો ઉપાય, એક વાર જે તે પ્રોગ્રામ સુધી પહોંચી ગયા પછી તેના પર માઉસના જમણા બટનથી ક્લિક કરી, Create Shortcut on Desktop વિકલ્પ પસંદ કરી લેવાનો છે. આ રીતે એ પ્રોગ્રામનો ડેસ્કટોપ પર શોર્ટકટ તૈયાર થઈ જશે અને તમે વિન્ડોમાં અટવાયા વિના, સીધા ડેસ્કટોપ પરથી તેને ઓપન કરી શકશો.
તમારા મનપસંદ પ્રોગ્રામને સ્ટાર્ટ મેનુમાં ઉમેરી શકશો આ રીતે…
ઉપર બતાવી એ રીતે, એ પ્રોગ્રામ સુધી પહોંચ્યા પછી માઉસના ડાબા બટનથી ક્લિક કરશો તો પ્રોગ્રામ ઓપન થઈ જશે, પણ જો માઉસનું જમણું બટન ક્લિક કરશો તો એક મેનુ ખૂલશે, જેમાં એવો વિકલ્પ હશે. તેના પર ક્લિક કરી દેશો, તો તમે પસંદ કરેલો પ્રોગ્રામ સ્ટાર્ટ બટન પર ક્લિક કરતાં જે વારંવાર ઉપયોગમાં લેવાતા પ્રોગ્રામનું સ્ટાર્ટ મેનુ ખૂલે છે, તેમાં તમારી પસંદગીનો પ્રોગ્રામ ઉમેરાઈ જશે. પછી તેના સુધી પહોંચવું સહેલું બની જશે.
માઉસના ડાબા-જમણા બટનનું કામ સરળતાથી સમજાશે આ રીતે…
કમ્પ્યુટરમાં મોટા ભાગે માઉસના ડાબા બટનના ઉપયોગથી તમે જેના પર ક્લિક કરી રહ્યા હો તે એક્શન થાય, જેમ કે સેવ બટન પર ક્લિક કરો તો ફાઈલ સેવ થાય. જ્યારે માઉસના જમણા બટનથી, તમે માઉસનું કર્સર જ્યાં રાખીને ક્લિક કરી રહ્યા હો, તે બાબતને સંબંધિત વિકલ્પો બતાવતું બીજું મેનુ ખૂલે. જેમ કે કોઈ શબ્દ સિલેક્ટ કરીને માઉસનું જમણું બટન ક્લિક કરો તો એ શબ્દને કોપી કે કટ કરવા જેવા વિવિધ વિકલ્પો ખૂલે છે.
માઉસના બદલે કીબોર્ડનો ઉપયોગ કરીને પણ કામ ચલાવી શકો, આ રીતે…
કમ્પ્યુટરના ઉપયોગમાં માઉસ આમ તો બહુ સગવડદાયી છે, પણ વડીલોને એ પરેશાન કરી શકે છે. તમને માઉસનો ઉપયોગ ફાવતો ન હોય તો કમ્પ્યુટરના મોટા ભાગના પ્રોગ્રામનાં મેનુ જરા ધ્યાનથી જોશો તો તેમાં જુદા જુદા શબ્દોમાં એક ચોક્કસ આલ્ફાબેટ અન્ડરલાઇન કરેલો હશે. એ મેનુ આઇટમ કે ફંક્શનને ઓપન કરવા તમે અહિં (ઓલ્ટર) કી સાથે તે આલ્ફાબેટની કી પ્રેસ કરી શકો. વર્ડનાં નવાં વર્ઝનમાં અહિં કી પ્રેસ કરવાથી મેનુમાં આવા જુદા જુદા આલ્ફાબેટ હાઇલાઈટ થાય છે અને આપણું કામ સહેલું બને છે!

