આજે પલકવારમાં દુનિયાના બીજા છેડે બેઠેલી વ્યક્તિ સાથે આપણે લિખિત સંદેશાની આપલે કરી શકીએ છે, પણ આ શક્ય બન્યું છે હજારો વર્ષથી ચાલતી, સતત વિકસતી રહેલી માનવીની મથામણમાંથી. ઇ-મેઇલની શોધને ૪૦ વર્ષ થયાં, એને સંદર્ભ તરીકે રાખીને આપણે સંદેશાવ્યવહારનાં મૂળિયાં તપાસીએ.
ગયા મહિને ઇ-મેઈલની શોધને ૪૦ વર્ષ થયાં. સતત વિકસતી અને વિસ્તરતી આ ટેકનોલોજીની પ્રતો આજે આપણે પલકવારમાં વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે પત્રવ્યવહાર કરી શકીએ છીએ એ દસ્તાવેજોની આપલે કરી શકીએ છીએ એટલે એક સમયે સંદેશાની આપલે કરવા માટે કબૂતર કે ઢોલ-નગારાંનો ઉપયોગ કરવો પડતો એ કલ્પના કરવી પણ આપણે માટે મુશ્કેલ બની છે. એક નજર કરીએ, સંદેશા આપલે માટે માનવજાતે ખેડેલી સફરના વિવિધ મુકામ પર…
- કમ્યુનિકેશન કે સંદેશ વ્યવહારનાંં મૂળ ભાષામાં રહેલાં છે, પણ માણસ બોલતાં ક્યારે શીખ્યો એ ભાષાનો ઉપદ્રવ કેવી રીતે થયો એ વિષય સદીઓથી ચર્ચાતો રહ્યો છે. નક્કર પુરાવાઓના અભાવે નિષ્ણાતો કોઈ નિશ્ચિત તારણ પર આવી શકતા નથી.
- એમ કહી શકાય કે ૭૫,૦૦૦ બીસીઈની ૭૩,૦૦૦ બીસીઈ દરમિયાન માવજાતિએ ગુફાઓમાં અને પથ્થરો પર કોતરકામ કરીને કશુંક કહેવાના કે માહિતીને સાચવી રાખવાા પ્રયાસો શરુ કર્યા (બીસીઈ એટલે બીફોર કોમ, કરન્ટ કે ક્રિશ્ચન એરા, મતલબ કે અત્યારે આપણે જે સામાન્ય કેલેન્ડર ઉપયોગમાં લઈએ છીએ તેની શરુઆત પહેલાંનાં વર્ષો).
એ પછીનાં વર્ષોમાં ચિત્રો એ શિલ્પોના માધ્યમી માનવજાતિએ અભિવ્યક્તિની કોશિશો જારી રાખી.- આશરે ૩,૫૦૦ બીસીઈ દરમિયાન માનવોએ ઘોડા પાળવાનું શરું કર્યું અને તેે કારણે એક સ્થળેથી બીજા સ્થળે જાતે પહોંચવું કે સંદેશાઓ પહોંચાડવાનું સહેલું બન્યું.
- ૨,૫૦૦ બીસીઈના ગાળામાં, મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં અત્યારે આપણે જેે પ્રિન્ટિંગ તરીકે ઓળખીએ છીએ એવી પ્રવૃત્તિના પહેલવહેલા પ્રયાસ થયા હોવાનું નિષ્ણાતો માને છે. એ સમયે પોચી માટીમાં નિશાનીઓ કોતરીને તેે ભઠ્ઠીમાં કોતરીને તેનો ઉપયોગ છાપ પાડવામાં થતો હતો.
- ૪૫૦ બીસીઈથી ૪૨૦ બીસીઈ દરમિયાન, પર્શિયાના રાજાએ પોતાના સામ્રાજ્યમાં ઝડપી સંદેશવ્યવહાર થઈ શકે અને ગુપ્ત માહિતી એકઠી કરી શકાય એ માટે અઢી-ત્રણ હજાર કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કરાવ્યો.
- આજે આપણે જેને રીલે રેસ કહીએ છીએ એવી પદ્ધતિ પર્શિયન લોકોએ એ સમયે વિક્સાવી હતી. પહેલી વ્યક્તિ મહત્ત્વનો સંદેશ લઈને ધોડા પર તેજ ગતિએ વહેતો થાય અને નિશ્ચિત અંતરે બીજા એક ઘોડા સાથે બીજી વ્યક્તિ તૈનાત હોય તેને સંદેશો આપે. પગપાળા લશ્કરને જેટલું અંતર કાપતાં ત્રણેક મહિના લાગે એટલું અંતર આ સંદેશવાહકો આ રીતે નવેક દિવસમાં કાપી લેતા હતા.
રોયલ રોડ તરીકે ઓળખાતો આ મુખ્ય માર્ગ એ સમયે સિલ્ક રુટ તરીકે જાણીતા થયેલા માર્ગો સાથે પણ જોડવામાં આવ્યો. એ સમયે પર્શિયાથી ભારત અને કુશ જેટલા દૂરના પ્રદેશો સુધી સંદેશા પહોંચાડવામાં આવ્યા હોવાનું નોંધાયું છે.- ૧૮મી સદીના અંત ભાગમાં ઓપ્ટિકલ ટેલિગ્રાફની પદ્ધતિ શોધાઈ છેક ત્યાં સુધી સંદેશાની આપલે માટે સારા માર્ગો પર ઘોડેસવારોનો ઉપયોગ એ જ સૌથી ઝડપી ઉપાય બની રહ્યો.
- હિરોડોટસ નામના એક પ્રાચીન ગ્રીક ઇતિહાસકારે, પાંચમી સદી બીસીઇ દરમિયાન પોતાનાં અવલોકનો અને પોતે બીજા પાસેથી સાંભળેલી-જાણેલી વાતો નોંધી છે તેમાં કેટલાક લિખિત સંદર્ભોના પણ ઉલ્લેખ છે. એના સમય પહેલાં, લગભગ ત્રણો વર્ષ પહેલાંથી લેખનનો ઉદભવ થયો હોવાનું મનાય છે.
- ૩૦૦ બીસીઈના અરસામાં ભારતમાં મૌર્ય સામ્રાજ્ય હેઠળ આજે આપણે જેને પોસ્ટલ સર્વિસ તરીકે ઓળખીએ છીએ એવી સંદેશ વ્યવહારની ઘણે અંશે વ્યવસ્થિત પદ્ધતિના પાયા નંખાયા.
- લંડનના એક બિશપે, કેન્ટબરીના આર્કબિશપને લખેલો એક અંગત પત્ર બ્રિટિશ લાઇબ્રેરીમાં સચવાયો છે. કરન્ટ એરાના વર્ષ ૭૦૪-૭૦૫ દરમિયાન લખાયેલો અને અત્યાર સુધી જળવાયેલો સૌથી પહેલો પત્ર હોવાનું મનાય છે.
- બારમી સદીમાં મોંગોલ સામ્રાજ્ય અને ચીનના વિસ્તારોને આવરી લેતી, અત્યારની પોસ્ટલ સિસ્ટમને મળતી આવતી વ્યવસ્થા વિકસી. એ અરસામાં માત્ર ચીનમાં, ૧૫થી ૪૦ માઇલના અંતરે આવેલ હોય એવાં ૧૪૦૦ પોસ્ટલ મથકો હતાં. આ મથકો સત્તાવાર સંદેશાઓનું વહન કરતાં અને અધિકારીઓ, લશ્કરી અધિકારીઓને આરામ માટેની વ્યવસ્થા પણ આપતાં અને વેપારને પણ વેગ આપતાં. એ સમયે ચીનનાં બધાં પોસ્ટલ મથકો કુલ ૫૦,૦૦૦ જેટલા ઘોડાથી મદદથી સંદેશવ્યવહાર ચાલતો હતો.
- સોળમી સદીના મધ્ય ભાગમાં, ઇટાલીનાં વિવિધ ચર્ચના પાદરીઓ વચ્ચે સંદેશાની આપલેનું કામ સંભાળતા જીઓવાન બેલાસો નામના એક નિષ્ણાતે સાંકેતિક ભાષામાં એક સંદેશો તૈયાર કર્યો, જેમાં છુપાયેલો સંદેશો ત્યાર પછીનાં ૪૦૦ વર્ષ સુધી કોઈ ઉકેલી શક્યું નહોતું.
- સત્તરમી સદીમાં વેનિસની સરકારે પ્રીપેઇડ લેટર્સ છાપીને સત્તાવાર રીતે તેને વેચવાનું શરૂ કર્યું. લોકો આ પત્ર ખરીદી, પોતાનું લખાણ ઉમેરી તેને મોકલી શકતા. એ સમયે, બીજા ખાનગી પોસ્ટલ ઓપરેટર્સ પણ હતા, પણ એમની સર્વિસમાં પત્ર મેળવનારે રકમ આપવી પડતી અને આ કારણે ઘણી વાર પત્ર મેળવનાર પત્ર સ્વીકારવાની ના પાડી દેતા (આજની જેમ!).
- ૧ એપ્રિલ, ૧૬૮૦માં એક અંગ્રેજ વેપારીએ લંડન શહેરમાં પત્રોની આપલે માટે પોતાની પોસ્ટ સેવા વિકસાવી અને તેમણે વિશ્ર્વની પહેલી પોસ્ટ સ્ટેમ્પ તૈયાર કરી હોવાનું મનાય છે.
- ૨ માર્ચ, ૧૭૯૧માં ટેલિગ્રાફ દ્વારા સંદેશ વ્યવહારના પાયા નંખાયા, એ દિવસે ક્લોડ ચેપ નામના શોધકે ૧૬ કિલોમીટર દૂર પોતાના ભાઇને તારની લાઇન પર સંદેશો મોકલ્યો.
- ૧૭૯૪માં એ જ શોધકને પેરિસથી ૨૩૦ કિલોમીટર દૂરના લિલી શહેર વચ્ચે ટેલિગ્રાફની લાઇન નાખવાનું કામ સોંપાયું. ૧૮૫૦ સુધીમાં આ પદ્ધતિથી આખા ફ્રાન્સમાં કુલ ૫૫૬ સ્ટેશન્સનું નેટવર્ક તૈયાર થયું, એ સમયે મોટા ભાગે લશ્કરી અને સરકારી સંદેશાઓની આપલે માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હતો.
- વર્ષ ૧૮૦૦ સુધી રોમન સામ્રાજ્યની અસર હેઠળ મોટા ભાગનાં ધર્મ, વિજ્ઞાન કે અન્ય વિષયોનાં પુસ્તકો લેટિન ભાષામાં થતાં હતાં, પરંતુ એ પછી ઇંગ્લિશ, ફ્રેન્ચ કે જર્મન ભાષાની સાથોસાથ સ્થાનિક ભાષાઓમાં પ્રકાશનો વધતાં ગયાં.
- ૧૮૨૯માં, પાંચ વર્ષની ઉંમરથી અંધ થયેલા, ૨૦ વર્ષના લૂઈ બ્રેઇલે પહેલી વાર ફક્ત ૬ ડોટની મદદથી અંધજનો વાંચી શકે એ પ્રકારની પ્રિન્ટિંગ અને રીડિંગ માટેની બ્રેઇલ પદ્ધતિ રજૂ કરી. જોકે આ પદ્ધતિને પ્રચલિત થતાં વર્ષો લાગી ગયાં.
- ૧૮૩૭માં સેમ્યુઅલ એફ.બી. મોર્સે પોતાના મોર્સ કોડની મદદથી ચાલતી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેલિગ્રાફ પદ્ધતિ વિક્સાવી, જોકે તેનો પહેલો ઉપયોગ છેક ૧૮૪૪માં થયો અને વર્ષો સુધી ટેલિગ્રાફ તરીકે તેનો ઉપયોગ થયો રહ્યો.
- ૧૮૫૦માં એક રસપ્રદ વાત બની. જર્મની અને બેલ્જિયમ વચ્ચે સમાચાર અને શેરબજારને લગતા સંદેશા પહોંચાડતાં રેલરસ્તે ૬ કલાક લાગતા હતા, તેને બે કલાકમાં પહોંચાડવા માટે પોલ જુલિયસ રોઈટર નામના એક સાહસિકે ૪૫ સંદેશવાહક કબૂતરનો કાફલો કામે લગાડ્યો. એ જ રોઇટરે પછી તો લંડનથી રોઇટર નામે જગવિખ્યાત બનેલી ન્યૂઝ એજન્સી સ્થાપી. તેમણે ટેલિગ્રાફ લાઇન્સનો ઉપયોગ શ કર્યો, પણ કબૂતરોનો કાફલો વધારીને ૨૦૦નો કર્યો.
- ૧૮૫૭થી અમેરિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે સંદેશવ્યવહાર ઝડપી બનાવવા એટલાન્ટિક મહાસાગરમાં કેબલ નાખવાના પ્રયાસો શરુ થયા.
- ૧૮૬૧માં જોહાન ફિલિપ રેઇ નામના એક જર્મન શિક્ષક અને ભૌતિકશાસ્ત્રીએ પોતે વાતચીતની આપલે શક્ય બને એવું સંદેશવ્યવહારનું સાધન શોધ્યું હોવાનો દાવો કર્યો (આપણે એ સાધનને અત્યારે ટેલિફોન તરીકે ઓળખીએ છીએ!). ૧૮૬૩ સુધીમાં તેનાં તેમણે ત્રણ મોડેલ બનાવ્યાં અને યુરોપ-અમેરિકાના વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોને બતાવ્યાં. જેમાં એક હતા એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. જોહાન ફિલિપને પોતાની શોધમાંથી કમાણી કરવામાં રસ નહોતો ને ફક્ત ૪૦ વર્ષની ઉંમરે એ ક્ષયરોગથી મૃત્યુ પામ્યા.
- ૧૮૭૦માં ફ્રાન્સ અને પર્શિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન કબૂતર સિવાય સંદેશવ્યવહારના બધા રસ્તા ખોરવાયા ત્યારે રેને ડેગ્રોન નામના એક ફોટોગ્રાફર અને સંશોધકે કબૂતર દ્વારા મોકલવા માટે પોતાની માઇક્રોફિલ્મિંગ પ્રોસેસનો ઉપયોગ કરવાનો ફ્રેન્ચ શાસકો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. એ સ્વીકારાયો અને ડેગ્રોને અખબારોનાં આખેઆખાં પાનાંના ફોટોગ્રાફ લઈ, ટાંચાં સાધનોથી એની સાઇઝ એકદમ ઘટાડીને કબૂતરો દ્વારા મોકલવાનું શરૂ કર્યુ. આ માઇક્રોફિલ્મ મળ્યા પછી તેને દિવાલ પર મોટા સ્વપમાં પ્રોજેક્ટ કરવામાં આવતી હતી. ૧૮૭૧માં યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં ડેગ્રોને આ રીતે કબૂતરો દ્વારા ૧,૧૫,૦૦૦ સંદેશા મોકલ્યા હતા.
- ૧૮૭૬માં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનનું પોતાનું મોડેલ જગતને ભેટ આપ્યું અને તેના યુએસમાં પેટન્ટ મેળવ્યા. તેના બીજા જ વર્ષે બોસ્ટનથી મેસેચ્યુસેટ્સ વચ્ચે ટેલિફોન લાઇન નંખાઈ.
- ૧૮૮૦માં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અને તેમના સહાયક ચાર્લ્સ ટેઇન્ટરે કોઈ ટેલિફોન લાઇન વિના, ફોટોફોન નામની સાધનથી ૨૧૩ મીટર દૂર સુધી વાયરલેસ ટેલિફોન સંદેશ પહોંચાડ્યો.
- ૧૮૮૮માં ઇલિશા ગ્રેન નામના અમેરિકાના સંશોધકે ટેલિઓટોગ્રાફ નામના સાધન માટે પહેલા છ પેટન્ટ મેળવ્યા. આ સાધને આગળ જતાં આજના ફેક્સ મશીનનું સ્વરુપ લીધું!
- ૧૯મી સદીની શરુઆતમાં રેડિયો અને ટીવી પ્રસારણના પાયા નંખાયા.
- ૧૯૨૯માં હર્મન પોટોનિક નામના એક જર્મન લેખકે પૃથ્વીની પોતાની ધરી પરની ગતિ સાથે તાલ મિલાવતા જિયોસ્ટેશનરી સેટેલાઇટની કલ્પના કરી. ૧૯૪૫માં બ્રિટિશ વિજ્ઞાનલેખક આર્થર સી. ક્લાર્કે આ સંદર્ભ સાથે, ‘અવકાશમાં રોકેટ સ્ટેશનો બનાવીને વિશ્વવ્યાપી રેડિયો કવરેજની ક્લ્પના વહેતી મૂકી.
- રેડિયો અને ટેલિવિઝનના પ્રસાર પછી ૧૯૪૫ સુધીમાં એવી સ્થિતિ આવી ગઈ કે કાગળ પરનાં અખબારો કરતાં રેડિયો અને ટીવી દ્વારા વધુ પ્રમાણમાં સમાચારોનું પ્રસારણ થવા લાગ્યું.
- ૧૯૫૭માં સોવિયેત સંઘે પૃથ્વીના પહેલા કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનિકને અવકાશમાં તરતો મૂક્યો અને જાન્યુઆરી ૧૯૫૮માં અમેરિકાએ એક્સપ્લોરર-૧ ઉપગ્રહ તરતો મૂક્યો.
- ૧૯૫૮માં અમેરિકન પ્રમુખે લોકોને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી તેનું સેટેલાઇટ દ્વારા પ્રસારણ થયું. વિશ્ર્વનું આ પહેલું સેટેલાઇટ દ્વારા થયેલું વોઇસ ટ્રાન્સમિશન હતું.
- ૧૯૬૧માં અમેરિકાના મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં કોમ્પેટિબલ ટાઇમ-શેરિંગ સિસ્ટમ વિક્સાવવામાં આવી, જેમાં ભવિષ્યના વર્ડ પ્રોસેસિંગ, ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ઇલેક્ટ્રોનિક મેઇલનાં મૂળિયાં સમાયેલાં હતાં.
- ૧૯૬૨માં અમેરિકાની ખાનગી કંપનીની માલિકીનો કમ્યુનિકેશન્સ સેટેલાઇટ ટેલસ્ટાર-૧ લોન્ચ થયો અને તેના દ્વારા યુએસમાંથી યુરોપમાં ટેલિવિઝનનું પ્રસારણ થયું. પૃથ્વી પરથી અવકાશમાં અને ત્યાંથી ફરી પૃથ્વી પર રિલે સિગ્નલ્સ મોકલનારો આ પ્રથમ સેટેલાઇટ હતો.
- આ બધાં ડેવલપમેન્ટ્સ વચ્ચે, આપણા લેખનો મૂળ જે આધાર છે તે ઈ-મેઇલના વિકાસનો પ્રારંભ થયો. ઈ-મેઇલની શઆત એક્ઝેક્ટલી ક્યારે થઈ તે વિશે થોડાં મતમતાંતર છે, પણ ૧૯૬૫માં અમેરિકન એરફોર્સ માટે ઈ-મેઇલ જેવી પદ્ધતિ તૈયાર કરવામાં આવી.
- ૧૯૬૫માં જ પહેલી વાર અમેરિકાના લેક્સિગ્ંટન, મેસેચ્યુસેટ્સ અને સાન્તા મોનિકા, કેલિફોર્નિયામાં રહેલાં બે કમ્પ્ટયુટર વચ્ચે ડેટા પેકેટ્સની આપલે થઈ અને પહેલી વાર બે કમ્પ્યુટરે એકબીજા સાથે ‘વાતચીત’ કરી!
- ૧૯૬૯માં અપર્નિેટ પર એક કમ્પ્યુટરમાંથી બીજામાં મેસેજ મોકલવામાં આવ્યો. મેસેજ ફક્ત આટલો હતો : “Lo”
- ૧૯૭૧માં અપર્નિેટ માટે રે ટોમલિન્સને ઈ-મેઇલ પ્રોગ્રામ ડેવલપ કર્યો અને ઈ-મેઇલના એડ્રેસ તરીકે ચિહ્નનો ઉપયોગ કર્યો!
આ પછી જે કંઈ થયું એ તો નજીકનો ઇતિહાસ છે, આજે ઈ-મેઇલ આપણા સૌના જીવનનો એક અનિવાર્ય હિસ્સો છે!
(વિવિધ સ્રોતમાંથી સંકલિત)
