હજી હમણાં સુધી આપણે જેને બીજા સાથે વાતચીત કરવાનું સાધન માનતા હતા એ ફોનનો હવે વાતચીત કરવા માટેનો ઉપયોગ છેક પાંચમા ક્રમે ધકેલાઈ ગયો છે!
તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો તો તમારા માટે આ કોઈ નવી વાત નહીં હોય, પણ સાદો ફોન ધરાવતા લોકોને જાણીને નવાઈ લાગશે કે લોકો તેમના સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ વેબ બ્રાઉઝિંગ માટે, સોશિયલ નેટવર્કિંગ માટે, ગેમ્સ રમવા માટે અને મ્યુઝિક સાંભળવા માટે ઉપયોગ કરે છે. વાત કરવાની વાત તો એ પછી છેક આવે છે!
હાથમાં મોબાઇલ આવી જતાં લોકો હવે કાંડે ઘડિયાળ બાંધતા નથી એ તો જૂની વાત થઈ. ઓશિકાની બાજુમાં કે પલંગ પાસેના ટેબલ પર જેનું કાયમી સ્થાન હતું એ એલારામ પણ હવે ખોવાઈ ગયો છે. કોડાક કે નિકોન જેવી કેમેરા બનાવતી કંપની માટે સૌથી મોટી હરીફ હવે નોકિયા કે સેમસંગ જેવી ફોન બનાવતી કંપનીઓ છે! કેટલાક લોકોને તો સ્માર્ટફોન આવ્યા પછી તેમના લેપટોપ સુધ્ધાને હાથ લગાવવાની જરૂર લાગતી નથી.
આ અસર છે એપ્સની. આ અંકમાં સરેરાશ વાચક માટે જાણીતાં અને ઉપયોગી એવાં કેટલાંક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ એપ્સના ઉપયોગ વિશે પ્રાથમિક માહિતી આપી છે. આવતા અંકથી આપણે એપ્સ ગેલેરીમાં આ ઉપરાંત બીજાં પ્લેટફોર્મ્સ પરની એપ્સની પણ વિગતવાર વાતો કરીશું.
આ અંકમાં આપેલ ઓલિમ્પિકનાં વર્ચ્યુઅલ એક્ઝિબિશન્સ નેટ પર જોવાની ખાસ ભલામણ!
ગયા અંકથી ‘સાયબરસફર’ના પ્રથમ ગુજરાતી મલ્ટિમીડિયા મેગેઝિન તરીકેના સ્વરૂપને પણ આપે પ્રેમથી વધાવી લીધું છે એ સૂચવે છે કે આપણી આ સફરનું ભાવિ ચોક્કસ ઉજળું છે. આપને યોગ્ય લાગે તો આપના મિત્રો, સ્વજનોને પણ ‘સાયબરસફર’ બતાવશો તો સફરને વિસ્તારવામાં અમને બહુમૂલ્ય મદદ મળશે.
– હિમાંશુ
