(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્ટોરેજ મીડિયા : કોણ કેટલું ભરોસાપાત્ર?

તમારા પરિવારના ફોટોગ્રાફ કે તમારા બિઝનેસનો અત્યંત મહત્ત્વનો ડેટા તમારે વર્ષોવર્ષ સાચવી રાખવો હોય તો કયા મીડિયા પર ભરોસો મૂકી શકાય તેમ છે? જુદા જુદા મીડિયાની રસપ્રદ સરખામણી કરે છે આ ઇન્ફોગ્રાફિક.

આગળ શું વાંચશો?

  • કમ્પ્યુટર મીડિયા
  • ઓડિયો મીડિયા
  • વીડિયો મીડિયા
  • ફોટો મીડિયા

કમ્પ્યુટર, ડિજિટલ કેમેરા, મોબાઇલ ફોન, સીડી ડિસ્ક, પેન ડ્રાઇવ… આ બધાનો ઉપયોગ આપણાં કામકાજ અને જીવનમાં જેમ વધતો જાય છે તેમ તેમ સૌને એક સવાલ વધુ ને વધુ સતાવવા લાગે છે, ડેટા કેમ સાચવવો? જેમ પરિવારના સ્વજનોના ફોટોગ્રાફ પેલા જૂનાપુરાણા આલબમની કેદમાંથી બહાર નીકળીને ડિજિટલ સ્વરૂપે અનેકવિધ રીતે આપણી સમક્ષ રહેવા લાગ્યા છે એવી બીજી કેટલીય બાબતો છે જેણે હવે ડિજિટલ સ્વરુપ લઈ લીધું છે અને કદાચ એટલે જ એને કાયમ માટે સાચવી લેવાની ચિંતા વધવા લાગી છે.

ફોટોગ્રાફ્સની જ વાત કરીએ તો તમારા ડિજિટલ ફોટોગ્રાફ તમે કઈ રીતે સાચવો છો? કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં? સીડીમાં? પેન ડ્રાઇવમાં? આ બધું કેટલો સમય તમારી યાદોને જીવંત રાખશે એ જાણો છો?

કમ્પ્યુટરની આખેઆખી હાર્ડ ડિસ્ક ક્યારે ક્રેશ થઈ જશે એ કોઈ કહી શકતું નથી. તમે જાણો છો? આપણા કમ્પ્યુટરમાં જે હાર્ડ ડિસ્ક હોય છે તેની મેન્યુફેક્ચરિંગ કંપની હાર્ડ ડિસ્કની બે-પાંચ વર્ષની વોરંટી આપે છે, પણ તેમાં આપણે સાચવેલા ડેટાની નહીં! વાસ્તવમાં વોરંટી માટેની કંપનીની ટર્મ્સ અને કન્ડિશન્સમાં ઝીણા અક્ષરોએ લખેલું વાંચીએ તો ખબર પડે કે આપણા કમ્પ્યુટરમાંની હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ અને પ્રોગ્રામ્સ ચલાવવા પૂરતી ઉપયોગમાં લેવાની હોય છે. કંપનીઓ કહે છે કે આ હાર્ડ ડિસ્ક ડેટા સ્ટોરેજ માટે છે જ નહીં!

તો આપણે આપણો ડેટા સાચવવો ક્યાં? ક્રેશપ્લાન (http://www.crashplan.com) નામની ઓનલાઇન સ્ટોરેજની સગવડ આપતી એક કંપનીએ વિવિધ સ્ટોરેજ મીડિયા સરેરાશ કેટલાં વર્ષો સુધી ચાલે છે તેની રસપ્રદ સરખામણી કરતું એક સરસ ઇન્ફોગ્રાફિક તૈયાર કરાવ્યું છે. વિવિધ મીડિયાની સરખામણી કરતાં પહેલાં જ આ ઇન્ફોગ્રાફિક આપણા સૌના સવાલનો સ્પષ્ટ જવાબ આપી દે છે – ડેટા સ્ટોરેજ માટે સૌથી ભરોસાપાત્ર ક્લાઉડ જ છે. તમારો ડેટા કાયમ માટે સાચવી રાખવો હોય તો બીજું બધું જ જુદા જુદા સમયે દગો દઈ દેશે, ક્લાઉડ પરની વિવિધ સર્વિસ પર તમે ડેટા અપલોડ કરી દીધો હશે તો એ વર્ષોવર્ષ સચવાઈ રહેવાની ખાતરી છે કેમ કે ક્લાઉડ પર આપણો ડેટા જુદાં જુદાં અનેક સર્વર્સ પર સચવાય છે, એટલે પૃથ્વી પર પ્રલય થાય તો જ આ બધું એકસાથે સાફ થઈ જવાની શક્યતા રહે અને એ સંજોગોમાં ડેટાની ચિંતા કરવા માટે આપણે પોતે પણ હયાત ન હોઈએ!

અચ્છા, તો આટલી પૂર્વભૂમિકા સાથે, ‘ધ લાઇફસ્પાન ઓફ સ્ટોરેજ મીડિયા’ શીર્ષકના આ ઇન્ફોગ્રાફિકની મદદથી હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઇવ, સીડી વગેરે કેટલો સમય આપણને સાથ આપવાની સંભાવના છે એની વિગતો પર એક નજર ફેરવી લઈએ.

કમ્પ્યુટર મીડિયા

૧૯૯૪માં અસ્તિત્વમાં આવેલી અને હવે સાવ ભુલાઈ ગયેલી ઝિપ ડિસ્ક જો નિયમિત ઉપયોગમાં લેવાય તો બે વર્ષ અને વાપર્યા વિના પડી રહેવા દો કે અત્યંત કાળજી રાખો તો ૧૦ વર્ષ સુધી ડેટા સાચવી શકે છે.

પેલી પૂંઠા જેવી ફ્લોપી ડિસ્ક વારંવાર વાપરો તો બે વર્ષ અને ખૂબ જાળવીને વાપરો તો ૩૦ વર્ષ સુધી સાથ આપી શકે છે.

૩.૫ની ફ્લોપી ડિસ્ક (જેનો ઘણાં ઘરોમાં સરસ રીતે રંગીને ચાના કપ મૂકવાની ડિશ તરીકે ઉપયોગ થવા લાગ્યો હતો) બે વર્ષથી માંડીને ખૂબ સાચવો જો ૧૫ વર્ષ સુધી ડેટા સાચવી શકે છે.

આ જૂના મીડિયાની સરખામણીમાં, ૧૯૯૭માં આપેલી રિરાઇટેબલ સીડીમાં તમે ડેટા સાચવો અને વારંવાર ઉપયોગ કરો તો તે ત્રણેક વર્ષ ચાલે, પણ વાપરો જ નહીં કે ખૂબ સંભાળ રાખો તો ૧૦૦ વર્ષ સુધી ટકી શકે છે. ડિજિટલ ટેપ ૧૦થી ૩૦ વર્ષ ચાલે છે.


આપણી સૌની મનપસંદ પેન ડ્રાઇવ એટલે કે યુએસબી ફ્લેશ ડ્રાઇવ વારંવાર વાપરો તોય દસેક વર્ષ સાથ આપે છે અને તિજોરીમાં મૂકી રાખો તો તો ૭૫ જેટલાં વર્ષ ખેંચી કાઢે. પેન ડ્રાઇવની તકલીફ એ છે કે તેને કબાટમાં મૂકી ન રાખો તો એ ગમે ત્યારે ખોવાઈ જવાની પૂરી શક્યતા છે!

ડીવીડી-આર ૩૦થી ૧૦૦ વર્ષ જેટલું ચાલી શકે છે. મૂળ ૧૯૫૬માં શોધાયેલી અને સતત વિકસતી રહેલી હાર્ડ ડ્રાઇવ મોટા ભાગે ૩૪ વર્ષ જેટલું ચાલી શકે છે, પણ એમાં ગમે ત્યારે ખોટકો આવવાની સંભાવના રહે છે. વાપર્યા વિના મૂકી રાખો તો એ ૧૦૦ વર્ષ જેટલું ખેંચી શકે છે. ૧૯૯૯માં શોધાયેલી સોલિડ સ્ટેટ પ્રકારની હાર્ડ ડ્રાઇવ કહે છે કે ૫૧થી વધુ અને ખૂબ સંભાળ રાખો તો ૧૦૦ વર્ષથી પણ લાંબું ચાલે છે.

ઓડિયો મીડિયા

૧૮મી સદીના અંત ભાગમાં શોધાયેલી વિનાઇલ રેકર્ડ તમે સાંભળતા રહો કે અત્યંત સાચવીને રાખી મૂકો, આ રેકર્ડ પૂરાં ૧૦૦ વર્ષ સુધી તમારો સાથ નિભાવે છે. જૂનાં ગીતોના શોખીનો એટલે તો આજના જમાનામાં પણ રવિવારની ગુજરી બજારોમાં જૂનાં ગીતોની રેકર્ડ શોધતા ફરતા હોય છે!

એ પછી ૧૯૩૦ના દાયકામાં શોધાયેલી રીલ ઓડિયો ટેપ ૧૦થી ૨૦ વર્ષ સુધીની જ આવરદા ધરાવતી હતી. ૧૯૬૫ પછી ખૂબ ચાલેલી અને સિંગાપોર-તાઇવાનથી ભારતમાં ઠલવાઈને ફૂટપાથ પર ઢગલાબંધ વેચાતી થયેલી કેસેટ ટેપ પણ ૧૦-૨૦ વર્ષનું આયુષ્ય ધરાવતી હતી. એની લગભગ સાથોસાથ એઇટ ટ્રેક નામે એક મીડિયાનો ઉપયોગ પણ શરૂ થયો હતો, તેમાં રેકોર્ડ કરેલો ઓડિયો ૧૦થી ૩૦ વર્ષ સુધી સચવાઈ શકતો હતો, પણ તેનાં પ્લેયર દુર્લભ બનતાં એઇટ ટ્રેક ગુમનામીમાં ધકેલાઈ ગઈ. ૧૯૯૨માં આવેલી મિની ડિસ્ક ૧૫થી ૫૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે.

વીડિયો મીડિયા

વર્ષો પહેલાં પ્રોજેક્ટર પર ચડાવીને જેનાથી પડદા પર ‘પિક્ચર પાડવામાં આવતું’ એ સુપર એઇટ ફિલ્મ ૭૦થી ૧૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ ફિલ્મ હવે ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે, પણ મોશન પિકચરનો સૌથી જાણીતો સિમ્બોલ એ જ છે!

૧૯૭૧ના દાયકામાં વીએચએસ ટેપ આવી, જેને વીડિયો રેકોર્ડ પ્લેયર (વીસીઆર)ની મદદથી ચલાવી શકાતી અને ટીવીમાં જોડીને જોઈ શકાતી. અનેક યુગલોના લગ્નપ્રસંગ આ પ્રકારની ટેપમાં સચવાયા (મેરેજમાં વીડિયોગ્રાફીની શ‚આત જ આનાથી થઈ હતી), પણ જેમણે સમયસર વીડિયો ટેપને સીડીમાં ફેરવી નાખી હશે એમની યાદો થોડો વધુ સમય ટકી ગઈ હશે, કેમ કે વીડિયો ટેપ પાંચ વર્ષથી વધુમાં વધુ ૧૫ વર્ષની આવરદા ધરાવતી હતી. તેને વારંવાર રિવાઇન્ડ કે ફોરવર્ડ કરવા જતાં તેની ટેપ તૂટી જવાની સમસ્યા પણ તેની જીવાદોરી ટૂંકાવી દેતી હતી.

૧૯૯૫માં આવેલી ડીવી ટેપ ૧૦થી ૨૦ વર્ષ ચાલી શકે છે. ૧૯૯૫માં આવેલી ડીવીડી ૩૦ વર્ષથી માંડીને સારી સંભાળ રાખો તો ૧૦૦ વર્ષ સુધી ચાલી શકે છે.

ફોટો મીડિયા

૧૮૮૫માં શોધાયેલી ફોટો ફિલ્મને ફોટોગ્રાફ ડેવલપ કર્યા વિના માત્ર નેગેટિવ સ્વ‚રુપે સાચવી રાખો તો આ ફિલ્મ માત્ર ૩થી ૬ વર્ષ જેટલું ચાલતી હતી. ૧૯મી સદીમાં શોધાયેલા ડેવલપ્ડ ફોટોઝ ૫૦થી ૭૮ વર્ષની આવરદા ધરાવે છે. ૧૯૪૧માં શોધાયેલી ફોટો સ્લાઇડ્ઝ પણ ૫૦થી ૭૦ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતી હતી. નોંધવા જેવી વાત એ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝ કલર ફોટો કરતાં લાંબું ટકે છે. કલર ફોટોમાં વપરાતી વિવિધ ડાઈ ઓછું ચાલતી હોય છે. જોકે બંને પ્રકારના ફોટો સમય જતાં સેપિયા ટોનના થઈને ઝાંખા પડી જાય છે.

૧૯૯૦ના દાયકામાં ઉપયોગમાં આવેલા ડિજિટલ ફોટોઝ ૩૦થી ૫૦ વર્ષ જેટલી આવરદા ધરાવે છે, જ્યારે મેમરી કાર્ડમાં ફોટોઝ સાચવી રાખો તો તે ૧૧૫ જેટલાં વર્ષ સુધી ટકી શકે છે.

આ બધા જ પ્રકારના મીડિયાને કમ્પેટિબિલિટીના પ્રશ્ર્નો નડે છે, એટલે કે આપણે એક સાધનમાં ચાલે એવા મીડિયામાં ડેટા સ્ટોર કર્યો હોય અને વખત જતાં એ સાધન જ બદલાઈ જાય! જેમ કે થોડાં વર્ષ પહેલાં તમે તમારો ડેટા ઝિપ ડિસ્કમાં સાચવી લીધો હોય, તો એ ઝીપ ડિસ્કમાં ડેટા હજી કદાચ યથાવત્ જ હોય, પણ ઝીપ ડિસ્ક ચલાવી શકાય એવી ડ્રાઇવ શોધવા જાવ તો ક્યાંય મળે નહીં!

આ બધા મીડિયાને ઓક્સિડેશન અને કેમિકલ બ્રેકડાઉનની પણ અસર થાય છે. મોટા ભાગે મેગ્નેટિઝમ પર ચાલતા આ મીડિયામાં ચુંબકીય તત્ત્વ ઘટી જતાં તેમાં રહેલા ડેટાને અસર થાય કે મીડિયાની દેખીતી ભાંગતૂટ થવાની શક્યતા પણ ખરી.

આ બધું ધ્યાને લેતાં, આ ઇન્ફોગ્રાફિક શરૂઆતમાં જ કહે છે તેમ ક્લાઉડ પર તમારો ડેટા સ્ટોર કરને મેં હી સમજદારી હૈ! આ લાઇન વાંચીને પેલી વોશિંગ પાઉડરની જાહેરાતનાં લલિતાજીની યાદ તાજી થઈ હોય તો તમારા દિમાગનો ડેટા સ્ટોરેજ પાવર પણ હેમખેમ છે, એની ચિંતા કરશો નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!