અર્થ વગરની, ભેજાનું ભોપાળું કાઢતી ગેમ્સ રમીને થાક્યા હો અને સાચા અર્થમાં મગજનું દહીં કરતી હલકીફૂલકી ને ઉપયોગી ગેમ્સ રમવા માગતા હો તો અચૂક માણવા જેવી છે આ સાઇટ્સ…
આગળ શું વાંચશો?
- ચાલો દિમાગની ધાર કાઢીએ
પહેલાં થોડાક સવાલોનો મારો સહન કરો – પાંચ વત્તા બે કેટલા થાય? છ ઓછા ત્રણ? બાર ભાગ્યા ચાર? અકળાયા?
થોડી ધીરજ ધરો. તમે દિવસમાં કેટકેટલાય જાણ્યા-અજાણ્યા લોકોને મળો છે, એ બધા તમને એમનાં વિઝિટિંગ કાર્ડ આપે છે, દિવસના અંતે, એ કાર્ડ જોઈને તમે એ વ્યક્તિનો ચહેરો યાદ કરી શકો છો?
આ શું માંડ્યું છે એવું લાગે છે? હજી થોડી ધીરજ ધરો. તમને અંગ્રેજીના ત્રણ અક્ષર આપવામાં આવે એમાંથી તમે ફટાફટ કેટલા શબ્દો બનાવી શકો?
હજી એક સવાલ – તમને વીડિયો ગેમ્સ ગમે છે? ઓકે ઓકે, આ જરા હદ થઈ જાય એવો સવાલ આવી ગયો, સોરી!
પણ મુદ્દાની વાત એટલી કે આટલે સુધી વાંચતાં હાંફી ગયા? મગજનું દહીં થઈ ગયું? તો હવે વિચારો કે આવી બધી, નાનીઅમથી, ટચૂકડી જ, પણ મસ્તમજાની ગેમ્સ તમને રમવી ગમે? જવાબ હામાં જ હોવાનો એ તો નક્કી છે, પણ વાત અહીં જ શરુ થાય છે.
ઘરમાં કમ્પ્યુટર અને નેટ કનેક્શન ધરાવતા મોટા ભાગના પરિવારોમાં મા-બાપની પહેલી ફરિયાદ એ જ હોય છે કે છોકરાં નેટ પર ગેમ્સ રમવામાંથી ઊંચાં આવતાં નથી – વેકેશન પડે ત્યારે તો ખાસ (પોતે ઓફિસમાં બોસની નજર ચૂકવીને સોલિટેર રમી લે એનો વાંધો નહીં!). ફરિયાદ જોકે ખોટી પણ નથી કેમ કે ગેમ માત્ર બે ઘડી મજા ખાતર રમાય ત્યાં સુધી વાંધો નહીં, પણ એનું એડિક્શન ન થવું જોઈએ. ઘણી ખરી વીડિયો ગેમ્સ કે નેટ ગેમ્સથી આંખોને તકલીફ પહોંચે, પણ દિમાગને કસરત મળતી નથી એ વાત પણ સાચી.
મુખ્ય સવાલ તો એ જ છે કે એ બધી ગેમ્સ રમ્યા પછી શું? તમારી મેમરી વધે? તમારું મગજ શાર્પ થાય? તમારું ધ્યાન કેન્દ્રિત થાય? તમે કામમાં વધુ ફોકસ્ડ એપ્રોચ અપનાવી શકો? તમારી સામે જે સ્થિતિ સર્જાય તેમાંથી તમે ફટાફટ માર્ગ શોધતાં શીખી શકો?
આ બધા સવાલનો જવાબ પણ હા હોઈ શકે છે! ઇન્ટરનેટ પર એવી કેટલીય સાઇટ્સ છે જેના પર જરા જુદા પ્રકારની ગેમ્સ રમીને કે મજા પડે એવા સવાલોના જવાબો શોધીને તમે મગજ કસી શકો છો, તમે બુદ્ધિને તેજ બનાવી શકો છો!
આ માટે તમારે મુલાકાત લેવી પડે અહીં આપેલી કેટલીક, નાના-મોટા સૌને રસ પડે એવી મસ્ત સાઇટ્સની (અને પછી તેના જેવી બીજી સાઇટ્સ શોધવી પણ પડે!)
સીધા સાઇટમાં કૂદકો મારતાં પહેલાં, આવી એક સાઇટમાંથી તારવેલા કેટલાક કોયડા પર પ્રથમ નજર ફેરવી લો :
ચાલો દિમાગની ધાર કાઢીએ
- દિવાળીમાં ઘરની સાફસફાઇ કરવા માટેનો લાંબા વાંસવાળો સાવરણો શોધી કાઢો (તેના જેવું જ બીજું કંઈ પણ ચાલે). તેને એક હાથેથી બેલેન્સ કરવાનો પ્રયાસ કરો. એક બાજુ સાવરણો અને બીજી બાજુ માત્ર વાંસ હશે એટલે બરાબર વચ્ચેથી એ બેલેન્સ નહીં થાય. જે પોઇન્ટ પરથી તમે તેને બેલેન્સ કરી શકો ત્યાં નિશાની કરીને તેને કાપી કાઢો. બંને ટુકડા લાંબા-ટૂંકા હશે. જો તમે બંને ટુકડાનું વારાફરતી વજન કરો તો શું થાય?
- નાના ટુકડાનું વજન વધુ હોય
- લાંબા ટુકડાનું વજન વધુ હોય
- બંને ટુકડાનું વજન સરખું હોય
- મમ્મીને ખબર પડી જાય ને એ બંને ટુકડાથી તમને ઝૂડી કાઢે!
- બુદ્ધિની વાત નીકળે અને બીરબલને યાદ ન કરીએ એ તો કેમ ચાલે? એક વાર અક્બર બાદશાહના દરબારમાં એક પ્રવાસી આવ્યો. એણે બીરબલને ચેલેન્જ આપી કે બીરબલ તેના સવાલોના જવાબ આપી બતાવે તો ખરો. બીરબલ તૈયાર! મહેમાને કહ્યું, “તમને એક હજાર સહેલા પ્રશ્ર્નોના જવાબ આપવા ગમશે કે એક જ અઘરો પ્રશ્ર્ન પૂછું? બીરબલ કહે, “એક અઘરો સવાલ ઝીંકો! પેલા ભાઈ રાજી થતા બોલ્યા, “દુનિયામાં પહેલું કોણ આવ્યું, મરઘી કે ઇંડું? બીરબલે થોડું વિચારીને જવાબ આપ્યો, “મરઘી! બીરબલને સપડાયેલો જોઈને ખુશ થતાં પ્રવાસીએ પૂછ્યું, “તમને કેવી રીતે ખબર? તમે બીરબલ હો તો શો ખુલાસો કરો?

- એક કાગળ હાથમાં લો (વેઇટ! આ દિમાગી કસરત છે, તમારે ફક્ત કાગળ હાથમાં લીધો એવું ધારવાનું છે!). તેને બરાબર વચ્ચેથી ફોલ્ડ કરો. ફરી વચ્ચેથી ફોલ્ડ કરો. હવે તમારા હાથમાં જે કાગળ હોય તેની ચાર સપાટી તમારા હાથમાં હશે, બરાબર? મગજ આટલે સુધીમાં જ થાકી ગયું હોય તો પાછા વળો, બાકી આગળ વધો. હવે એક કાતર લો (ફક્ત કલ્પના કરવાની છે) અને તમે સૌથી પહેલા જે ફોલ્ડ કર્યો હોય તેને સમાંતર રહે એ રીતે ચારેય સપાટીને એકસાથે નીચેથી ઉપર સુધી કાપો મૂકીને કાપી નાખો. કાગળના જે ટુકડાઓ થાય તેને અનફોલ્ડ કરો તો તમારા હાથમાં કેટલા ટુકડા આવે?
- ધારો કે તમે એક રૂમમાં પુરાઈ ગયા છો. રૂમમાંથી બહાર નીકળવાના માત્ર બે જ દરવાજા છે, પણ તકલીફ એ છે કે એક દરવાજાની બહાર મસમોટા મેગ્નિફાઇંગ ગ્લાસ એવી રીતે ગોઠવ્યા છે કે કોઈ પણ માણસ દરવાજાની બહાર નીકળે તો સૂર્યનાં અતિજ્વલનશીલ કિરણોથી ભસ્મીભૂત થઈ જાય. બીજા દરવાજાની બહાર બે રાક્ષસ મોટી તલવારો લઈને ઊભા છે, બહાર નીકળે એ કપાયો જ સમજો. તમે રૂમમાંથી બહાર, જીવતા ને સહીસલામત કેવી રીતે નીકળી જશો?
- એક બર્ફિલી રાત્રે શેરલોક હોમ્સ એમના ઘરમાં ફાયરપ્લેસ પાસે બેઠા હતા. ત્યાં બારી પર એક બરફગોળો ઝીંકાયો અને કાચ તૂટ્યો. શેરલોક હોમ્સ ઝડપથી ઊભા થઈને બારી પાસે પહોંચ્યા, બહાર જોયું તો પડોશના એક જ પરિવારના ત્રણ છોકરા ભાગતા હતા. ત્રણેનાં નામ હતાં : John Crimson, Mark Crimson અને Paul Crimson બીજા દિવસે, હોમ્સને ઘરના દરવાજે ચોંટાડેલી એક ચીઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું, ‘? “? Crimson. He broke your window.”‘ હોમ્સની બારી તોડનાર બારકસ ક્રિમસન ત્રણમાંથી કયો?
જવાબો
- બંને ટુકડાનું વજન સરખું હોય એવો તમારો જવાબ હોય તો સોરી! જવાબ ખોટો છે. સાચો જવાબ એ છે કે નાના ટુકડાનું વજન વધુ હશે. વજન સરખાં હોય તો જ બેલેન્સ થઈ શકે એવી આપણે ધારણા કરીએ, પણ શાકભાજીવાળા એક પલ્લામાં એક કિલોનું બાટ મૂકે અને બીજામાં એક કિલો બટાકા મૂકે તો જે બેલેન્સિંગ થાય એવું બેલેન્સિંગ આ સાવરણાના કિસ્સામાં થતું નથી. આપણે જ્યારે સાવરણાને બેલેન્સ કરી શકીએ છીએ (એટલે કે આંગળી પર ટકાવી શકીએ છીએ) ત્યારે સાવરણાવાળો ભાગ નીચેની તરફ રહેશે (આપણી આંગળી એ છેડાની વધુ નજીક હશે) અને મોટો ભાગ ઉપર તરફ રહેશે!
- બીરબલે ફક્ત એટલું જ કહ્યું કે વાત તો ફક્ત એક અઘરો સવાલ પૂછવાની હતી!
- તમારા હાથમાં કાગળના ત્રણ ટુકડા રહેશે – ગમે તે બાજુએથી કાપો તો પણ. હવે ખરેખર કાગળ-કાતર લઈને પ્રયોગ કરી જુઓ!
- સાવ સિમ્પલ – રાત પડે ત્યાં સુધી રાહ જુઓ!
- ચિઠ્ઠીમાં ઇંગ્લિશમાં લખેલું વાક્ય ફરી વાંચો – મોટેથી. “ક્વેશ્ચન માર્ક ક્રિમસન. હી બ્રોક યોર વિન્ડો. મતલબ કે બારી તોડનારો બારકસ માર્ક ક્રિમસન.
www.lumosity.com
દિમાગનું મજેદાર રીતે દહીં કરવા માટે એક સરસ સાઇટ છે લુમોસિટી. કેટલાક ખરેખરા ભેજાબાજોએ ભેગા થઈને, દુનિયાભરના લોકોનો બુદ્ધિઆંક ઊંચે લઈ જવાની વૈજ્ઞાનિક કસરત આદરી છે અને એનું પરિણામ છે આ લુમોસિટી. આ સાઇટ પર અનેક નાની નાની, હેતુપૂર્વક તૈયાર કરાયેલી, સાયન્ટિફિકલી ડિઝાઇન્ડ બ્રેઇન ગેમ્સ છે, જે રમીને તમે તમારી વિવિધ આવડત ચકાસી શકો છો.
આ ગેમ્સ વારંવાર રમીને, તમારા સ્કોર સરખાવતા રહીને તમે તમારું લેવલ કેટલું અપ (કે ડાઉન!) ગયું એ પણ તપાસી શકો છો.
સાઇટ પર વિવિધ કોર્સ પણ આપેલા છે. બેઝિક ટ્રેનિંગ, મેમરી બૂસ્ટ, સ્પીડ બૂસ્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ વગેરે કોર્સમાં ભાગ લઈને, જે તે કોર્સને અનુરૂપ ગેમ્સ રમીને તમે તમારા મગજને વધુ કેળવી શકો છો (આ કેવું મજાનું, કોર્સમાં એડ્મિશન લઈને અંતે તો ગેમ જ રમવાની!) સાઇટ પરની ગેમ્સ રમશો પછી સમજાશે કે પાંચ વત્તા છ કેટલા એટલું વિચારતાં પણ ક્યારેક મગજ બહેર મારી જાય છે. એને ટકોરાબંધ કરવું હોય તો સાઇટ સરસ છે, જોકે બધું ફ્રી નથી.
હવે એક છેલ્લો સવાલ – આવી અફલાતૂન સાઇટ સર્જવાનો વિચાર કોને આવ્યો હશે, વિચારી શકો છો? યસ્સ, એક ભારતીયનું ભેજું આ સાઇટની મેનેજમેન્ટ ટીમમાં ટોપ પર છે!
www.gamesforthebrain.com
જેવું નામ, એવું જ કામ. આ સાઇટ પર બીજું લગભગ કશું જ નથી, ફક્ત મગજ તરબતર થઈ જાય એવી મસ્ત મજાની ગેમ્સ છે. હોમપેજ પર ફક્ત સાઇટનો લોગો અને પછી સાઇટનાં જુદાં જુદાં પેજની લિંક આપેલી છે. મન પડે તેના પર ક્લિક કરો અને થઈ જાવ શ! સામાન્ય રીતે ગેમ્સની સાઇટ પર જે ધડાધડી અને ધમાચકડી જોવા મળતી હોય છે, એમાંનું અહીં કશું નથી. શાંતિથી, ધીરજથી ને ખાસ તો બુદ્ધિથી રમો તો એક પછી એક લેવલ પાર કરી શકો અને વધુ આગળ જવાની ચાનક ચઢતી જાય. ગેમ્સનાં થોડાં સેમ્પલ જાણી લો… ‘રોટેટ’ નામની એક ગેમમાં એક ફોટોગ્રાફને સંખ્યાબંધ ચોરસ ખાનાંમાં વિભાજિત કરીને જે તે ખાનામાં દેખાતા ફોટોગ્રાફના ભાગને રોટેટ કરી નાખવામાં આવે છે. તમારે બધા ભાગને યોગ્ય રીતે રોટેટ કરીને અસલ ફોટોગ્રાફ શોધી કાઢવાનો!
‘વ્હોટ વોઝ ધેર’ ગેમમાં આપણને એક તસવીર બતાવવામાં આવે, આપણે બારીકાઇથી જોઈને શક્ય એટલી વિગતો યાદ રાખી લેવાની. પછી તસવીર ગાયબ થાય અને તેને લગતો પ્રશ્ન પુછાય, આપણો જવાબ સાચો પડે તો આગલા લેવલમાં જઈ શકાય!
www.braingle.com
જવાબ શોધવા માટે ખાસ્સી એવી મગજમારી કરવી પડે એવા કોયડા, ઉખાણાં, ક્વિઝ, શબ્દરમત, પઝલ, મિકેનિકલ પઝલ, લોજિક પ્રોબ્લેમ્સ, વિજ્ઞાનને લગતી રોજિંદી વાતોના સવાલો વગેરેમાં રસ હોય તો આ સાઇટ તમારા માટે ખરેખર ખજાનો છે. સાઇટના દાવા મુજબ સાઇટ પર તમે ૨૦,૦૦૦ જેટલા બ્રેઇન ટીઝર્સ માણી શકો છો! સાઇટની મજા એ છે કે એ યુઝર ડ્રીવન અને યુઝર ડેવલપ્ડ સાઇટ છે એટલે કે મારા-તમારા જેવા પઝલના રસિયાઓએ સાથે મળીને વિકસાવેલી આ સાઇટ છે. કહો કે પઝલની વિકિપીડિયા છે આ! છતાં, પઝલ કે કોયડાની ક્વોલિટી જળવાઈ રહે એ માટે પઝલ સબમીટ કરવાના અને તેને ઇવેલ્યુએટ કરવાનાં ચોક્કસ ધોરણો બનાવવામાં આવ્યાં છે. જેમ કે તમે આ સાઇટ પર એકાઉન્ટ ખોલાવો અને જુદી જુદી પઝલ સોલ્વ કરીને કુલ ૫૦૦થી વધુ પોઇન્ટ મેળવો તો તમે એડિટર બનો અને બીજાએ મોકલેલી પઝલ ચેક કરીને પછી આગળ જવા દઈ શકો! આ લેખમાં આગળ આપેલા સવાલો આ સાઇટ પરથી જ લેવામાં આવ્યા છે!
www.brainmetrix.com
સ્કૂલ-કોલેજમાં જે ભણાવવામાં આવે તે બધા વિદ્યાર્થીઓને એક સરખું જ સંભળાતું અને દેખાતું હોય છે, પણ સૌના મગજમાં સરખા પ્રમાણમાં ઊતરતું નથી. કેમ? બધાનાં મગજ સરખાં નથી હોતાં, એ વાત સાચી, પણ મગજ કેમ સરખાં નથી હોતાં? મગજની એનેટોમી સમજાવતી અનેક સાઇટ્સ પણ વેબ પર છે, જોકે એમાં આપણું મગજ ખાસ ચાલે નહીં, પણ સામાન્ય તફાવત એકાગ્રતાનો હોય છે. ક્લાસમાં લેક્ચર સમયે કેટલાક વિદ્યાર્થીઓની એકાગ્રતા વધુ હોય તો એને વધુ સમજાય ને વધુ યાદ રહે. આ એકાગ્રતા આપણે કેળવીએ એટલી વધુ કેળવી શકાય છે. બ્રેઇન મેટ્રિક્સ નામની સાઇટ પર આવી કોન્સન્ટ્રેશન ડેવલપ કરતી કેટલીક નાની નાની ગેમ્સ છે. ઉપરાંત, મેથ્સ, આઇક્યુ ટેસ્ટ, બ્રેઇન ફિટનેસ, બ્રેઇન રિફ્લેક્શન, મેમરી ગેમ્સ, મેમરી ટેસ્ટ વગેરે વગેરે પાર વગરની ગેમ્સ પણ અહીં મળી રહેશે.
www.fitbrains.com
આ લુમોસિટી પ્રકારની જ વેબસાઇટ છે, ફક્ત અહીં તમારે આગળ વધવા માટે તમારું ઈ-મેઇલ એકાઉન્ટ આપીને ફ્રી એકાઉન્ટ ખોલાવવાનું રહે છે (એકાઉન્ટ ખોલાવતાંની સાથે પાંચ દિવસની પેઇડ સર્વિસની ફ્રી ટ્રાયલ મળે છે, એટલિસ્ટ આ લખાય છે ત્યારે). આ સાઇટ મુખ્યત્વે ત્રણ પ્રકારે આપણા મગજને ‘મજબૂત’ બનાવવામાં આપણી મદદ કરે છે – એક્ટિવિટી, અવેરનેસ અને મોટિવેશન. એક્ટિવિટી લેવલમાં જુદા જુદા પ્રકારની રમત દ્વારા આપણું મગજ કેટલું કસાયેલું છે તે ચકાસવામાં આવે છે અને પછી તેનું એનાલિસિસ કરીને આપણને આપણા મગજ વિશે અવેર કરવામાં આવે છે. બહુ ઊંડા ઊતરવું ન હોય તોય, ફ્રી લેવલની ગેમ્સ મજા પડે તેવી છે.

