ઇન્ટરનેટનો સમજણપૂર્વકનો ઉપયોગ સિનિયર સિટીઝન્સ માટે આશીર્વાદ સમાન છે. મુકુંદરાયને ઈન્ટરનેટનું જ્ઞાન તો હતું જ. પણ હવે તેનો સદ્ઉપયોગ કરવા માંડ્યા.
ડોક્ટર, મારું નામ મુકુંદરાય. હું એક નિવૃત્ત પ્રોફેસર છું. મારે એક જુદી જ બાબતે કાઉન્સેલિંગની જરુર છે. હમણાંથી મારો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. હું કોઈ પણ બાબતે સહેજ પણ રેઢિયાળપણું ચલાવી શકતો નથી. હું અને મારાં વાઇફ બંને ઘરમાં એકલાં જ હોઈએ છીએ. વાતે વાતે અમારે સંઘર્ષ થયા કરે છે. મને ખ્યાલ છે કે વાંક મારો જ હોય છે. વાત એમ છે ને કે આખો દિવસ ઘરમાં ફ્રી હોઉં છું એટલે અમારા બંને વચ્ચે ચકમક ઝયર્િ કરે છે. મારાં વાઇફ આખો દિવસ ભગવાનની સેવા જ કરતાં હોય. મારા પર જાણે ધ્યાન જ ન હોય.
મારો દીકરો યુ.એસ.એ.માં સેટલ થયો છે. એને ત્યાં પણ એક દીકરો છે. મારી પાસે ગ્રીન કાર્ડ છે પણ મને અમેરિકા ગમતું નથી. મને તો માણસો જોઈએ, વાત કરવા જોઈએ. આપણા દેશમાં એ બધું મળે. ત્યાં તો તમારા પડોશી પણ તમને ઓળખતા ન હોય. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અહીંયાં પણ લોકો પાસે સમય નથી. જ્યાં નજર કરો ત્યાં માણસો દોડતા જ દેખાય. જાણે કોઈને કોઈની પડી જ નથી.
હમણાંથી મને વાત વાતમાં ક્રોધ ચઢે છે. રાત્રે ઊંઘ પણ બરાબર નથી આવતી. આખો દિવસ ઘરમાં નાસ્તાના ડબ્બા જ ખોલીને ખાધા કરું છું. કંઈ ગમતું જ નથી. જાહેર પ્રસંગોમાં જવાનું ટાળું છું. ક્યારેક જાણે મન રડતું હોય તેવું લાગે અને આંખો સુકાઈ ગઈ હોય તેવું લાગે. શું બધાને મોટી ઉંમરે આવું જ થતું હશે ?!
મુકુંદરાયનો પ્રશ્ન ઘણા લોકોનો પ્રશ્ન હોઈ શકે…
પૈસો, પ્રતિષ્ઠા, પદ અને પાવર મળ્યા પછી વ્યક્તિએ પોતાના જીવનને એક નવા લેવલ પર લઈ જવું પડે છે. અત્યાર સુધી વાવેલા સારા – ખરાબ કામનું પ્રાઇવેટ સરવૈયું કાઢીને આત્મ-નિરીક્ષણની એરણે ચડાવવું પડે છે. એટલું નક્કી છે કે વ્યક્તિને પાછલાં વર્ષોમાં બાકી રહી ગયેલાં કામ સૌથી વધુ યાદ હોય છે. સાઇકોલોજીમાં આને ઝાયર્ગિનક ઇફેક્ટ કહેવાય.
અચેતન મનને પીચિંગ કરતી ઇચ્છાઓ, અપેક્ષાઓ, અપમાનો કે અનુભવો પોતાનું પોત પ્રકાશવા માંડે છે. આખી જિંદગી દબદબામાં રહેલી વ્યક્તિના મનમાં દબાયેલી વૃત્તિઓ ઝીણા જ્વાળામુખીની જેમ ખદબદે છે. જો આ વૃત્તિઓની દુર્ગંધ હેરાન કરે તો સમજવું કે પેટાળમાં કંઈક ગરબડ છે અને કાર્ય સંતોષ જન્માવે તો જીવનમાં મહેક પ્રસરતી રહે છે. ક્યારેક આ બંનેનું મિશ્રણ પણ હોય છે…
મહદંશે આજની પ્રવૃત્ત કે નિવૃત્ત વ્યક્તિ આવી જ છે.
મુકુંદરાય એકના એક પુત્રને એન્જિનિયર બનાવી વિદેશ સેટલ કરી પોતે અહીં રહ્યા હતા. કારણ કે એમના મિસિસ મુકુંદરાયને પણ અમેરિકામાં ગોઠતું નહોતું. ભારતીયપણું અને સામાજિક ડિપેન્ડન્સી એમને અહીં રોકી રાખતી હતી. મુકુંદરાયને નિવૃત્તિ તો માણવી હતી, પણ ગ્રેસફુલી…
એમની સાથે કાઉન્સેલિંગ દરમિયાન કેટલીક વાત થઈ એના અંશો….
હવેથી ફિઝિકલ ફિટનેસને મુખ્ય મહત્ત્વ આપી રોજ દોઢથી બે કલાક ચાલવું, કસરતો અને યોગ-પ્રાણાયમ પાછળ આપવાનું સૂચવાયું. અલબત્ત, બંને પતિ-પત્નીને.
ત્યાર પછીના સમયમાં મુકુંદરાયે પોતાના કમ્પ્યુટરના નોલેજને કામે લગાડી પ્રાઇમરી સ્કૂલનાં બાળકો માટે એક પ્રોગ્રામ બનાવવાનો હતો. જેમાં લર્નિંગ એક ફન બને. અત્યારના ભારયુક્ત ભણતરમાં એક લાઇટમૂડ લર્નિંગ ડેવલપ કરવા સૂચન થયું. એમાં મિસિસ મુકુંદરાયનાં ગુજરાતી ભાષાનાં કેટલાંક જોડકણાંને પણ સ્થાન મળ્યું. જે હવેના પાઠ્યપુસ્તકોમાંથી ગાયબ થઈ રહ્યાં છે.
મુકુંદરાયે હવે એમના જેવા અન્ય નિવૃત્ત લોકોની એક ક્લબ ચાલુ કરી છે. પ્રવૃત્તિ-ક્લબ. એમાં દર અઠવાડિયે એક એવો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં દરેકનું કોઈ ને કોઈ ટેલેન્ટ બહાર આવે. જેમ કે કેટલીક સ્કૂલનાં બાળકોને એસેમ્બલીમાં ન્યૂઝ વાંચવાના હોય છે તેમ દર અઠવાડિયે નવું શું બન્યું તે દરેક જણાએ પોતાની રીતે નોંધીને આ પ્રવૃત્તિ-ક્લબમાં બોલી જવાનું.
સૌથી મહત્ત્વની વાત પોતાના દીકરા સાથે કમ્યુનિકેશનથી કનેક્ટેડ રહેવાની સૂચના અપાઈ. ઇન્ટરનેટનો સમજણપૂર્વકનો ઉપયોગ સિનિયર સિટીઝન્સ માટે આશીવર્દિ સમાન છે. મુકુંદરાયને ઇન્ટરનેટનું જ્ઞાન તો હતું જ. પણ હવે તેનો સદ્ઉપયોગ કરવા માંડ્યા.
સ્કાઇપ દ્વારા પોતાના દીકરા અને વહુ સાથે મિસ્ટર એન્ડ મિસિસ મુકુંદરાય રોજે વાતચીત કરવા માંડ્યાં. એટલું જ નહીં, પણ ઇન્ટરનેટ પર બીજા ઘણા નવા મિત્રો થયા. પોતાના જૂના સ્કૂલ ફ્રેન્ડ્ઝને ફેસબુક દ્વારા શોધી કાઢ્યા અને એ બધાનું એક ગ્રૂપ બનાવ્યું. હવે ચેટિંગ નિષ્ણાત મુકુંદરાય બીજાને પણ ઇન્ટરનેટના ફાયદા સમજાવતા થઈ ગયા છે. ટૂંકમાં સિનિયર સિટીઝન હવે પાક્કા નેટીઝન બની ગયા છે.
સાથમાં સૂચન હતું કે નિયમિત રીતે હળવો પણ મેડિકલી નક્કી થયો હોય તેવો મનપસંદ ખોરાક લેવો. વાંચનની અદભુત દુનિયામાં વધારે ડૂબકીઓ લગાવવાની. શક્ય હોય તો દર બે-ત્રણ મહિને એક નાની ટ્રિપ અને દર વર્ષે એક મોટી ટૂર કરવાની.
અને હા, આ વાતો બીજા સાથે વહેંચવાની.

