માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે, પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી.
વિચાર કરવામાં વાંચન સહાયક નીવડે છે. વાંચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતી વધે છે, જીવન વિશેની આપણી સમજને વાંચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય એ વિશેનું અનુભવામૃત આપણે વાંચન દ્વારા પામીએ છીએ.
જેમ આંખો છે એટલે જોવા જેવું સારું બધું જોવાય જ છે, એવું નથી, તેમ વાંચતાં આવડે છે તેથી વાંચવું જોઈતું સઘળું વંચાય જ છે, એવું નથી. વાંચનની વૃત્તિ એ દરેક માણસની કુદરતી પ્રક્રિયા નથી, એને કેળવવી પડે છે. આ બાબત અભ્યાસની છે. વાંચનની ટેવ નાનપણથી પડવી જોઈએ, માબાપોએ અને શિક્ષકોએ તે પાડવી જોઈએ.
અઢળક વાંચનસામગ્રી નજર સામે આવે ત્યારે જે કાંઈ જોયું એ બધું વાંચ્યું – એવું નહીં ચાલે. વિસ્તૃત સામગ્રીમાંથી કામનું, આહલાદનું અને પ્રેરણાપાન માટેનું વાંચન શોધી કાઢતાં આપણે શીખવાનું છે. જેમ જેમ આપણું વાંચન વધતું જાય તેમ તેમ શું શું અવશ્ય વાંચવા જેવું છે ને શું શું ન વાંચવા જેવું છે તેની આપણને ખબર પડવા લાગે છે. કેવળ બહુ વાંચી નાખવાથી જ કોઈનું કલ્યાણ થયું નથી. વાંચન આત્મસાત્ થાય તે પણ અગત્યનું છે. જે જે વાંચ્યું તેમાંથી કયું ગ્રહણ કરવા જેવું છે તે નક્કી કરતાં શીખવાનું છે.
થોડા સમય પહેલાં વધુ વાંચી લેવાની ટેવ ધીરેધીરે અને કષ્ટપૂર્વક પણ પાડવી જોઈએ. ઝડપથી વાંચવું એટલે ગબડાવવું એમ નહીં! નજર સડસડાટ ફેરવતાં આવડવું જોઈએ. તેમ તેને યોગ્ય મુદ્દા પર રોકતાં પણ આવડવું જોઈએ. વાંચતાં વાંચતાં કયું તરત ભૂલી જવા જેવું છે એની પણ સૂઝ કેળવવાની છે.
સરસ પુસ્તકો વસાવતાં રહેવું અને વાંચતાં રહેવું, એ દરેક સંસ્કારી સ્ત્રી-પુરુષનો આજીવન છંદ બની રહો!
(‘રોજેરોજની વાંચનયાત્રા’માંથી)

