નાખી નજર પહોંચે એવાં દૃશ્યોે બરાબર એ જ રીતે તસવીરમાં કેદ કરવાની કલા એટલે પેનોરમિક ફોટોગ્રાફી. સાદા કેમેરાની મદદથી તમે પણ આવી ફોટોગ્રાફી કરી શકો છો, જોકે આવી તસવીરોને ઓનલાઇન જોવાની મજા અલગ જ છે!
તમે તાજમહાલ તો જોયો હશે. પણ ક્યાંથી? નેચરલી, તેની સામે ઊભા રહીને અથવા તો જ્યાં બધા પ્રવાસીઓ પહોંચી શકે છે એ તાજના પહેલા મજલા પર ઊભા રહીને. પણ તાજના ગુંબજ પર ચઢીને – જ્યાં પ્રવાસીઓને જવાની મનાઈ છે – ત્યાંથી તાજનું મુખ્ય પ્રવેશદ્વાર, એની આસપાસનો બગીચો, દૂર ક્ષિતિજ સુધી પહોંચતી યમુના નદી… આ બધું જોયું છે?
અચ્છા, તાજની વાત છોડો અને પહોંચો માઉન્ટ એવરેસ્ટ પર. વિશ્વના આ સૌથી ઊંચા પર્વતની ટોચ પર ઊભા રહીને, ચારે તરફ અસીમ વિસ્તરતા હિમાલયનાં અન્ય હીમશિખરો જોવાં છે? કલ્પનાથી જ રુવાટાં ઊભાં થાય છે કે નહીં? ગ્રેટ વોલ ઓફ ચાઇનાનો નજારો કેવો રહેશે? અથવા તો, હોલીવૂડની મસ્ત એનિમેશન ફિલ્મ ‘રિયો’ કે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-ફાઇવ’માં જેની ઝલક જોવા મળે છે એ વિશ્વની નવી સાત અજાયબીમાંની એક એવી ઈશુખ્રિસ્તની વિશાળ પ્રતિમા પાસે ઊભા રહીને રિયો ડી જાનેરો શહેરનાં મંત્રમુગ્ધ કરી દેતાં દર્શન કરવાં છે?
સવાલોનો મારો બહુ થઈ ગયો, હવે જઈએ જવાબ તરફ.
ઇન્ટરનેટ પર દુનિયાભરનાં અનેક સ્થળોની અત્યંત રોમાંચક પેનોરમા ઇમેજીસ જોઈ શકાય છે. એટલે કે તમે સ્ક્રીન પર તાજમહાલની કોઈ એક એંગલથી લેવાયેલી તસવીર જોતા હો, પછી માઉસથી હળવો ઇશારો આપો એટલે એ તસવીરમાં જાણે જીવ આવે અને તમે બિલકુલ ૩૬૦ ડિગ્રીના એંગલથી તાજમહાલને જોઈ શકો – આ આખી વાત શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે, તમે જાતે જોશો તો જ સમજાશે.
આમ જુઓ તો પેનોરમા વિષય પોતે નવો નથી, બલ્કે બહુ જૂનો છે. વિકિપીડિયા કહે છે કે કોઈ પણ ફિઝિકલ સ્પેસને પેઇન્ટિંગ, ડ્રોઇંગ, ફોટોગ્રાફી/ ફિલ્મ/વીડિયો કે થ્રી ડાયમેન્શનલ મોડેલ પર વાઇડ-એન્ગલ વ્યૂમાં દશર્વિવામાં આવે તેને પેનોરમા કહે છે.
૧૭૯૨માં રોબર્ટ બાર્કર નામના એક આઇરિશ પેઇન્ટરે એક સ્થળનાં આવાં પેનોરમિક પેઇન્ટિંગ્સ બનાવ્યાં હતાં અને લંડનમાં ‘ધ પેનોરમા’ એવા શીર્ષક સાથે તેમને એક્ઝિબિટ કર્યાં હતાં. આ લાક્ષણિક ચિત્રો દશર્વિવા માટે તેમણે ટેક્નિક એવી અપનાવી કે એક વિશાળ સિલિન્ડર જેવી સપાટી પર આ પેઇન્ટિંગ્સને એકબીજા સાથે જોડીને મૂકવામાં આવ્યાં અને એ સિલિન્ડરની અંદરની બાજુએથી દર્શકો એને જોઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી.
તમને યાદ હોય તો થોડાં વર્ષ પહેલાં અમદાવાદ-ગાંધીનગરમાં યોજાયેલા ધાર્મિક મહોત્સવોમાં પણ સિનેમા૨૦૦૦ કે એવા કોઈક નામે વિશિષ્ટ પ્રોજેક્શનની સગવડ સાથેની ૧૫-૨૦ મિનિટની ફિલ્મો દશર્વિવામાં આવતી હતી. આપણે ટિકિટ ખરીદીને વિશાળ ડોમમાં ઊભા રહેવાનું અને આપણી સામે તથા ડાબી-જમણી અને ઉપર તરફ વિસ્તરેલા પૃથ્વીના ગોળાના ભાગ જેવા પડદા પર ફિલ્મ જોવા મળે. આભાસ એવો જ ઊભો થાય કે આપણે પોતે ફિલ્મમાં જોવા મળતાં દૃશ્યોનો એક ભાગ છીએ!
ઇન્ટરનેટ પર પેનોરમાની મજા માણવી હોય તો બે સાઇટ ખાસ જોવા જેવી છે –http://panoramas.dk/ અને http://www.360cities.net/
પહેલા વાત કરીએ આ સાઇટની –http://panoramas.dk.
હાન્સ નાયબર્ગ નામના ડેન્માર્કના એક કમર્શિયલ ફોટોગ્રાફરે ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે વીઆર પેનોરમા તરીકે ઓળખાતી ફોટોગ્રાફીની એક ખાસ ટેક્નિક પર હથોટી કેળવી છે. સાથોસાથ અત્યાર સુધી મોટા ભાગે પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ કે સ્પેશ્યલાઇઝ્ડ ફોટોગ્રાફી મેગેઝિન્સ સુધી જ સીમિત રહેલા આ વિષયને મારા-તમારા જેવા લોકોમાં લોકપ્રિય બનાવવાની હામ ભીડી છે એમણે. એટલે ૨૦૦૨માં આ હાન્સભાઈએ એક વેબસાઇટ બનાવી http://panoramas.dk. અત્યારે આ સાઇટ પર વિશ્ર્વના નિષ્ણાત વીઆર પેનોરમા ફોટોગ્રાફર્સે તૈયાર કરેલા, વિવિધ પ્રકારના ૭૦૦થી વધુ પેનોરમા જોવા મળે છે.
પેનોરમાઝ.ડીકે સાઇટ પર આ ટેક્નોલોજીનું અત્યારનું સ્વરૂપ જોવા મળે છે. એટલે કે અહીં માત્ર ૧૮૦ ડિગ્રી વ્યૂની વાત નથી, અહીં તો ૩૬૦ ડિગ્રી વ્યૂ છે અને કંટ્રોલ તમારા પોતાના હાથમાં છે!
સાઇટના અકર્ઇિવ્સ પેજ પર જઈને વિશ્વપ્રસિદ્ધ ઇમારતો, ટૂરિસ્ટ એટ્રેક્શન્સ, શહેરો, સ્પેસ એક્સપ્લોરેશન્સ, સ્પેશિયલ ઇવેન્ટ્સ, કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળો વગેરે પર એક નજર દોડાવો એ જે ગમે તેના પર ક્લિક કરો અને માણો રોમાંચક ઇન્ટરએક્ટિવ પેનોરમા! અલબત્ત, તમને જે જોવા મળશે એ સ્ટીલ ફોટોગ્ર્ાાફીથી બનેલા પેનોરમા હશે.
સાઇટ પર પેનોરમા ટેક્નોલોજીની સરળ સમજ આપી છે અને તમારે પોતે આવા પેનોરમા તૈયાર કરવા હોય તો કેવી રીતે કરી શકાય એની સમજ પણ આપી છે. મોટા ભાગના પેનોરમા તમે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વિના જોઈ શકશો, અમુક પેનોરમા માટે, જો તમારા કમ્પ્યુટરમાં એપલનો ક્વિકટાઇમ પ્રોગ્રામ નહીં હોય તો એ ડાઉનલોડ કરવો પડશે, જે ફ્રી છે.
http://www.360cities.net/ સાઇટ પણ ૩૬૦ ડિગ્રી પેનોરમાનો મોટો ખજાનો આપણી સામે ખોલી આપે છે. આ સાઇટના દાવા પ્રમાણે તે વેબજગતમાં પેનોરમિક ફોટોઝનું સૌથી મોટું કલેક્શન ધરાવે છે. પ્રાગ શહેરમાં આ પ્રકારની ફોટોગ્રાફીમાં રસ ધરાવતા છ નિષ્ણાતોએ સાથે મળીને આ સાઇટ સર્જી છે. સાઇટની સાથોસાથ તેમણે વિશ્વમાં પથરાયેલા અને પેનોરમિક ફોટોગ્રાફી કરતા હજારો ફોટોગ્રાફર્સનું એક નેટવર્ક બનાવ્યું છે. એ દરેક ફોટોગ્રાફની કૃતિ આ સાઇટ પર મૂકવામાં આવે છે.
આ સાઇટ પર લંડન શહેરનો એક અત્યંત વિશાળ પેનોરમા મૂકવામાં આવ્યો છે, ૮૦ ગીગાપિક્સેલની આ ઇમેજને તમે માઉસી ડ્રેગ કરીને લંડન શહેરનો ખૂણેખૂણો જોઈ શકો છો! એક બાજુ, તમે કોઈ ગગનચુંબી ઇમારતની બારીમાંથી દેખાતા આખા લંડન શહેરની સ્કાયલાઇનને નજરમાં ભરી શકો છો અને બીજી તરફ એ જ ફોટોગ્રાફમાં ઝૂમ ઇન થઈને તમે રસ્તે પરની શોપ્સમાં ડિસ્પ્લેમાં મૂકેલી ચીજવસ્તુઓ પણ જોઈ શકો છો! આ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી વિશાળ ૩૬૦ ડિગ્રી પેનોરમા માનવામાં આવે છે.
સાઇટના બીજા એક વિભાગમાં વિશ્વના જુદા જુદા મહાસાગરોમાં કરવામાં આવેલી અન્ડરવોટર ફોટોગ્રાફીની મદદથી સર્જવામાં આવેલા અન્ડરવોટર પેનોરમા પણ તમે માણી શકશો.
વિષય મજાનો છે અને ફોટોગ્રાફીમાં થોડોઘણો પણ શોખ હોય તો ઊંડા ઊતરીને તમારા રસના ફલકને અચૂક વિસ્તારવા જેવી આ વાત છે. તક ચૂકશો નહીં!
તમે પણ બનાવી શકો છો પેનોરમિક ફોટોગ્રાફ, આ રીતે…
- કોઈ સરસ, વિશાળ જગ્યા પસંદ કરો.
- એક જગ્યાએથી તમારી ડાબી તરફથી ફોટોગ્રાફ લેવાનું શરૂ કરો. સાદો ડિજિટલ કેમેરા પણ ચાલશે.
- પહેલો ફોટોગ્રાફ લો, પછી કેમેરા સહેજ જમણી તરફ ફેરવીને ફરી ફોટો લો. બંને ફોટોગ્રાફનો લગભગ ત્રીજો ભાગ ઓવરલેપ થાય તેની કાળજી રાખો. આ રીતે, ડાબેથી જમણી તરફ છ-સાત જેટલા ફોટોગ્રાફ લો.
- આ બધા ફોટોગ્રાફ તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી લો.
- હવે http://www.clevr.com પર જાઓ. સાઇટ પર તમારું ફ્રી એકાઉન્ટ ખોલાવો.
લોગ-ઇન થાઓ, તમારા ફોટોઝ અપલોડ કરો, થોડી રાહ જુઓ અને તમારા ફોટોઝ એકબીજા સાથે સ્ટીચ થઈ જશે અને એક સરસ મજાનો પેનોરમા તૈયાર થઈ જશે. આ ફ્રી સર્વિસના ઇન્ટરએક્ટિવ વ્યૂઅરની મદદથી તમે તેની મજા માણી શકશો, તમારા મિત્રો સાથે શેર કરી શકશો અને તમારા બ્લોગ કે સાઇટ પર એમ્બેડ પણ કરી શકશો!


