દિવાળીના દિવસોમાં તમે પણ ઓનલાઇન શોપિંગ કરવાનો વિચાર કરતા હો તો તમારા ખપની કેટલીક વાતો…
આગળ શું વાંચશો?
- ફાયદા
- ગેરફાયદા
- સિક્યોર બ્રાઉઝર
- ગૂગલક્રોમ, મોઝિલા ફાયરફોક્સ તથા IEનું લેટેસ્ટ વર્ઝન સેફ બ્રાઉઝિંગ પૂરું પાડે છે
- તમારી પર્સનલ ઈન્ફર્મેશનને પર્સનલ રાખો
- અલગ ક્રેડિટ કાર્ડ
- રેકોર્ડ રાખો
- ફોર્મ પૂરું ભરો
- લાલચ બૂરી બલા
- ઓનલાઈન પ્રાઈવસી પોલિસી
એક અંદાજિત આંકડા પ્રમાણે ભારતમાં ઓનલાઇન મોર્કેટનું ટર્નઓવર ૭૦૦ કરોડનું થઈ રહ્યું છે. જેમાં પ્રતિવર્ષ ૨૫ ટકાનો વધારો થઈ રહ્યો છે.
દિવાળી નજીક આવી રહી છે. ઘરે-ઘરે ખરીદીનો માહોલ જામ્યો છે. નાના બાળકોથી માંડીને મોટેરાંઓ બધા જ કપડાં, જ્વેલરી અને અન્ય નાની-મોટી ઘરવપરાશની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત હશે. ચારે બાજુ ધૂમ ખરીદીનો માહોલ જામ્યો છે. ત્યારે આઇટી સેક્ટર તેમાંથી કેમ બાકાત રહી શકે?
નવા જમાના પ્રમાણે હવે ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધવા લાગ્યો છે. ઓનલાઇન શોપિંગ કે જેને ઇ-કોમર્સ પણ કહી શકાય છે, જેમાં ઘરે બેઠાં જ કોઈ પણ વસ્તુ, કપડાં, જ્વેલરી, એસેસરીઝ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો વેબસાઇટ પર જોઈને ખરીદી શકો છો અને ઓનલાઇન જ પેમેન્ટ પણ કરી શકો છો. એક અંદાજિત આંકડા પ્રમાણે ભારતમાં ઓનલાઇન મોર્કેટનું ટર્નઓવર ૭૦૦ કરોડનું થઈ રહ્યું છે. જેમાં પ્રતિવર્ષ ૨૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. એટલે જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઓનલાઇન શોપિંગ કંપનીઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને ઓનલાઇન શોપિંગનો ક્રેઝ હોવો સ્વાભાવિક છે. તેમ જો ઘેર બેઠાં જ અનાજ, કપડાં, ફર્નિચર, ઇલેક્ટ્રેનિક આઇટમો, ઘરવપરાસની વસ્તુઓ આવું બધું જ મેળવી શકતા હો તો બજારમાં જઈને ભીડભાડમાં સમયશક્તિ અને પૈસાનો વ્યય કોણ કરે? અને આમાં તો બંને પક્ષે ફાયદો છે. વેપારીને ગ્રાહકો શોધવા નથી જવું પડતું અને ગ્રાહકોને વેપારી સુધી પહોંચવું નથી પડતું. ઉપરાંત ભાવતાલની કોઈ માથાકૂટ નથી રહેતી. તેમ છતાં કેટલાંક જોખમો રહેલાં છે જે ક્યારેક નાનું-મોટું નુકસાન કરાવી શકે છે. ચાલો જોઈએ ઓનલાઇન શોપિંગના પ્લસ-માઇનસ.
ફાયદા (+)
- શહેરથી દૂરના વિસ્તારમાં રહેતા હો તો.
- ઓનલાઇન શોપિંગ આશીવર્દિપ છે.
- પ્રોડક્ટની પસંદગી કરવી સરળ બને છે.
- ચોક્કસ પ્રોડક્ટને સર્ચ કરી શકો છો.
- ૨૪ડ્ઢ૭ કલાક ખરીદી કરી શકો છો. સમયબાધ રહેતો નથી.
ગેરફાયદા (-)
એક સાથે ઘણી બધી વસ્તુ જોઈને ક્યારેક ગ્રાહક કન્ફ્યુઝ થઈ જાય છે.- કોઈ વાર એક પછી એક પેજ જોવામાં કલાકો બગડી શકે છે.
- વસ્તુની ઇમેજ જોવામાં સમય બગડી શકે છે જો ઇન્ટરનેટ ધીમું હોય તો.
- ભાવમાં કોઈ વાર અત્યંત વધારો હોય છે જેમાં તમે સામાન્ય દુકાન ઘરની જેમ બાર્ગનિંગ કે ભાવતાલ કરી શકતા નથી.
તો આ પરથી આપે નક્કી કરવાનું છે કે ઓનલાઇન શોપિંગમાં ક્યાં કેટલું ધ્યાન આપવું અને હા, મુખ્ય વાત તો રહી ગઈ! ઓનલાઇન શોપિંગમાં હેકર્સનો પણ ખતરો રહે છે. ઓનલાઇન સિક્યોરિટીને હંમેશાં પ્રાથમિકતા આપો. જો સુરક્ષિત રહીને આપ ઓનલાઇન શોપિંગનો આનંદ માણવા ઇચ્છતા હો તો નીચે આવેલ કેટલીક ટિપ્સને અનુસરો અને સેફ શોપિંગ કરો.
સિક્યોર બ્રાઉઝર
તમારું બ્રાઉઝર હંમેશા ઇન્ડસ્ટ્રી સિક્યોરિટી સ્ટાન્ડર્ડઝ પ્રમાણે SSL (Secllre Socket Layer) અથવા SEL (Secare Electronic Transaction) દ્વારા સુરક્ષિત હોવું જોઈએ. આ સ્ટાન્ડર્ડઝ તમારી પર્સનલ ઇન્ફર્મેશનને ઇન્ટરનેટ પર સુરક્ષિત રાખે છે અને તમારા ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત રાખવાની ખાતરી આપે છે. આવી સુરક્ષિત વેબસાઇટનું URL લીલાં રંગના “https” થી શરુ થાય છે. સાથોસાથ કેટલાંક બ્રાઉઝર વેબસાઇટને ઇન્ફર્મેશન મોકલ્યા પહેલાં ચેતવણી પણ આપે છે.
ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ તથા IEનું લેટેસ્ટ વર્ઝન સેફ બ્રાઉઝિંગ પૂરું પાડે છે
અન્ય ઉપાય એ છે કે Verisig, Inc દ્વારા આપવામાં આવેલી Public Key Instrastructure તથા Digital Certificate Solutionsનો ઉપયોગ કરતી વેબસાઇટ પર જ ખરીદી માટે વિશ્વાસ મૂકવો. વધુ માહિતી માટે www.versign.com પર લોગ-ઇન કરો.
તમારી પર્સનલ ઇન્ફર્મેશનને પર્સનલ રાખો
ઓનલાઇન શોપિંગની વેબસાઇટ ગ્રાહકોની ઝીણી ઝીણી વિગતોનો ડેટા રાખવા માટે લાંબીલચક માહિતીવાળું ફોર્મ રાખે છે. કેટલાક લોકો આ ફોર્મમાં જરૂરી ન હોય એવી માહિતીઓ પણ આપી દે છે. ઈ-મેઇલ એડ્રેસ, ફોન નંબર, સરનામું વગેરે તો ઠીક છે, પરતું ઘરમાં કેટલા સભ્યો છે તેની જાણકારી સુધ્ધા કેટલાક લોકો આપી દેતા હોય છે. ટૂંકમાં બિનજરી વિગતો ફોર્મમાં ક્યારેય ન લખો.
પ્રતિષ્ઠિત કંપનીઓની જ વસ્તુ લો
ઓનલાઇન માર્કેટમાં કેટલીય નાની-મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ વેચવા તૈયાર બેઠી હોય છે. જેમાં કેટલીક બનાવટી કંપનીઓ ભળતા નામથી પોતાની પ્રોડક્ટ્સ ગ્રાહકોને પધરાવી દેતી હોય છે. ખાસ કરીને કપડાં, જ્વેલરી વગેરેમાં ગ્રાહકો છેતરાઈ જવાના કિસ્સાઓ વધતા જાયછે. માટે બ્રાન્ડેડ વસ્તુઓનો જ આગ્રહ રાખવો.
નાની શરુઆત કરો
જો આપ ઓનલાઇન માર્કેટમાં પહેલી વાર શોપિંગ કરતા હો તો હંમેશા પહેલાં નાની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો. આમ કરવાથી તમને ઓનલાઇન શોપિંગની કાર્યશૈલીનો ખ્યાલ આવશે તથા જે-તે વેબસાઇટની સર્વિસ અંગે માહિતગાર થઈ શકશો.
અલગ ક્રેટિડ કાર્ડ
જો આપની પાસે એક કરતાં વધુ ક્રેડિટ કાર્ડ્સ છે તો શોપિંગ માટેનું ક્રેડિટ કાર્ડ હંમેશા અલગ રાખો. જેથી કરીને તમારી ઓનલાઇન શોપિંગ અંગેની માહિતીને સરળતાથી મેળવી શકાય અને કોઈ અનિચ્છનીય બનાવ (ક્રેડિટ કાર્ડ ફ્રોડ) થાય તો કાર્ડ ટ્રેક કરી શકાય અને બંધ કરાવી શકાય.
રેકોર્ડ રાખો
ઓનલાઇન શોપિંગની હંમેશા પ્રિન્ટેડ કોપી રાખો. આપની ખરીદી અંગે કંઈ પણ શંકાસ્પદ જણાય ત્યારે પ્રિન્ટેડ કોપી તમને મદદરૂપ થશે. કોઈ વસ્તુની ખરીદી માટેનો ઓર્ડર, ડિલિવરી અને વોરંટી માટેનો પણ રેકોર્ડ રાખો.
ફોર્મ પૂરું ભરો
ઓનલાઇન ઓર્ડર આપતી વખતે હંમેશા જેટલી વિગતો જોઈએ તેટલી ભર્યા બાદ ફોર્મને Submit કર્યા પછી જ બીજું કામ કરવાનો આગ્રહ રાખવો. આનાથી તમે ઓનલાઇન ખરીદી વખતે સાવચેત રહી શકશો..
લાલચ બૂરી બલા
૫૦ ટકા ડિસ્કાઉન્ટ, Bye 1 Get 1 Free જેવાં પ્રલોભનોથી લલચાઈને આડેધડ શોપિંગ ના કરશો. ઓફર પાછળ રહેલી Terms & Conditionને જોયા-જાણ્યા પછી જ આગળ વધો.
ઓનલાઇન પ્રાઇવસી પોલિસી
કેટલીક કંપનીઓ ગ્રાહકોને ઈ-મેઇલ કે ફોન કે એસએમએસ દ્વાર પોતાની ઓફરોની જાણકારીનો વિકલ્પ આપે છે. તેમાં માત્ર જરુરી વિકલ્પ જ રાખો.
તો મિત્રો, જમાના પ્રમાણે ચાલવું એ સારી વાત છે, ઓનલાઇન ખરીદી વખતે સાવચેતીનાં પગલાં લેવાં આવશ્યક છે. નહિતર ઓનલાઇન માર્કેટના દરિયામાં ઘણી શિકારી માછલીઓ ફરે જ છે, સહેજ અમથી ગફલત પણ આપને મોટું નુકસાન કરાવી શકે છે. તો હવે કરશોને? સેફ શોપિંગ, હેપી શોપિંગ…!!!

