પગ તળે માઉન્ટ એવરેસ્ટ : ૨૯ મે, ૧૯૫૩
ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળના શેરપા તેનસિંગ નોર્ગે- આ બન્ને નામ આ તારીખ પહેલાં થોડા પર્વતારોહકો સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હતું, પરંતુ આ તારીખે, સવારના સાડા અગિયાર વાગ્યાથી બન્ને નામ માનવજાતના ઇતિહાસમાં બીજા અનેક સાહસિકોની સાથે અંકાઈ ગયાં. તેમણે
એકબીજાના સહકારથી, જીવના જોખમે અને સમયસૂચકતાપૂર્વક એકબીજાનો જીવ બચાવીને પૃથ્વી પરનું સૌથી ઊંચું શીખર- માઉન્ટ એવરેસ્ટ- સર કર્યું. ૨૯,૦૨૮ ફીટની ઊંચાઈ પર તે એકબીજાને ભેટ્યા અને ઓક્સિજનના અપૂરતા પુરવઠા વચ્ચે ૧૫ મિનિટ ગાળી. ત્યાર પછી એવરેસ્ટનાં અનેક સફળ આરોહણ થયાં છે.
ઓક્સિજન વિના એવરેસ્ટ સર થઈ ચૂક્યું છે. તેનસિંગ-હિલેરી પહેલાં ઇર્વિન અને મેલોરી એવરેસ્ટ જતાં મૃત્યુ પામ્યા કે તે સર કરીને પાછા ફરતાં, એ વિવાદ હજુ ઉકલ્યો નથી. છતાં ઇતિહાસ અને દંતકથામાં તેનસિંગ-હિલેરીનું સ્થાન, એવરેસ્ટની માફક, અડીખમ છે.
તેનસિંગ-હિલેરીની વીડિયો: http://www.guardian.co.uk/world/video/2011/jun/27/everest-edmund-hillary-tenzing-norgay-video

