ફરી એક વાર સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરવાનો! આ વખતે આપણે ફોટોગ્રાફી પર ફોકસ કર્યું છે તો રિવાઇન્ડમાં પણ તેને જ ક્લિક કરીએ!
મોટા ભાગે તમે આ બેમાંથી એક કેટેગરીમાં આવતા હશો – કાં તો તમે ડિજિટલ કેમેરા લેવાનું નક્કી કરી રહ્યા હશો અથવા ‘વધુ સારો’ ડિજિટલ કેમેરા લેવાનું વિચારી રહ્યા હશો. કારણ દેખીતું છે – પેલા રોલ ‘ધોવડાવવાવાળા’ કેમેરા હવે આઉટ-ઓફ-ફોકસ થઈ ગયા છે. બીજી તરફ ડિજિટલ કેમેરા માર્કેટમાં મેગાપિક્સેલની સંખ્યા સતત ઊંચે જતી જાય છે અને કિંમત સતત નીચી જતી જાય છે. વિચાર કરો, છ વર્ષ પહેલાં ૪ મેગાપિક્સેલનો કેમેરા બારેક હજારમાં મળતો હતો, હવે ૧૨ મેગાપિક્સેલનો કેમેરા ચારેક હજારમાં મળે છે!
ગમે તે રીતે, તમારું ધ્યાન ડિજિટલ કેમેરા ખરીદવામાં પરોવાયું હોય તો ઉતાવળ કરશો નહીં. ડિજિટલ કેમેરાનાં કેટલાંક પાસાં બરાબર સમજીને પછી જ તમને ગમે તે કેમેરા પર કળશ ઢોળશો.
પહેલો, સૌથી વધુ ધ્યાને લેવાતો મુદ્દો જોઈએે તો વધુ મેગાપિક્સેલવાળો કેમેરા વધુ સારો એ માન્યતા સાવ ખોટી છે, તમારો વપરાશ અને તમારી જરિયાત કેવી છે તે મહત્ત્વનું છે.
એ રીતે, કેમેરા ખરીદતી વખતે મોટા ભાગે આપણે ઓપ્ટિકલ ઝૂમ અને ડિજિટલ ઝૂમમાં ગોથું ખાઈ જઈએ છીએ. જેમ સ્માર્ટ કેમેરા કંપનીઓ મેગાપિક્સેલના ઊંચા આંકડા બતાવીને આપણને લલચાવે છે એ જ રીતે ડિજિટલ ઝૂમની બાબતમાં પણ ભરમાવે છે. કેમેરામાં ઓપ્ટિકલ ઝૂમમાં લેન્સ ખરેખર આગળ-પાછળ થાય છે (જેમ ફોટોગ્રાફ તેના એલએસઆર કેમેરામાં લેન્સને હાથેથી ફેરવીને આગળ-પાછળ ફેરવે છે તે રીતે), જ્યારે ડિજિટલ ઝૂમમાં માત્ર કેમેરાની એલસીડી પેનલમાં દેખાતી ઇમેજ મોટી થાય છે, ડિજિટલ ઝૂમથી, આપણે જે ફોટોગ્રાફ લેતા હોઈએ તેમાં કોઈ ફેર પડતો નથી.
આ વખતે અંકના દરેક પાને નીચે આવી કેટલીક, ઇન્ટરનેટ પરની વિવિધ સાઇટ્સ પરથી સંકલિત કરેલી, ડિજિટલ કેમેરાને લગતી માહિતી આપી છે. તમને યોગ્ય કેમેરાની પસંદગીમાં મદદરૂપ થશે!
હેપ્પી ક્લિકિંગ!

