ગણિતનું નામ પડતાં નાકનું ટીચકું ચઢે છે? ગણિત શીખવું સરળ બનાવી દેતા આ વીડિયોઝનો ખજાનો ગણિતમાં તમારો રસ નવેસરથી જગાવે તો નવાઈ નહીં!
અત્યાર સુધી શાળાઓમાં શિક્ષકો બોલતા રહે, બોર્ડ પર કંઈક લખતા રહે અને સામે બેઠેલા વિદ્યાર્થીઓ સાંભળતા રહે, કદાચ ક્યાંક કોઈ મુદ્દો ઊભો કરવાની હિંમત કરે અથવા તો ઝોકાં ખાતા રહે એવા વાતાવરણમાં શિક્ષણકાર્ય ચાલ્યું છે.
હવે એમાં ખરેખર ક્રાંતિકારી પરિવર્તન આવવા લાગ્યું છે. અનેક કંપનીઓ હવે ઇ-લર્નિંગના કન્સેપ્ટ પર કામ કરવા લાગી છે. જેમના પ્રતાપે ગુજરાતની શાળાઓમાં પણ હવે લેપટોપ, પ્રોજેક્ટર, સ્ક્રીન, સ્પીકર્સ વગેરેની મદદથી શિક્ષણકાર્ય થવા લાગ્યું છે (આવું માત્ર અંગ્રેજીમાં જ નહીં, ગુજરાતીમાં પણ થવા લાગ્યું છે).
ભારતમાં ડિજિટલ લર્નિંગના ક્ષેત્રે ઘણી કંપનીઓએ ઝંલાવ્યું છે એ તેમાં એક અગ્રણી કંપની છે એજ્યુકોમ્ (http://www.educomp.com/). આ કંપનીએ ખાસ્સી એવી પ્રગતિ કરીને અનેક પેટાકંપનીઓ અને વેબસાઇટ્સ તૈયાર કરી છે. આમ તો આ એક પ્રોફેશનલ કંપની છે અને ફી લઈને તેની સર્વિસીઝ આપે છે, પણ તેની એક સાઇટ, નામે મેથગુરુ (http://www.mathguru.com/) પર ગણિતના સંખ્યાબંધ મુદ્દાઓ વિશેના ડિજિટલ ટ્યુટોરિયલ્સ બિલકુલ મફતમાં સૌ માટે ઉપલબ્ધ છે.
સાઇટના હોમપેજ પર બહુ ટૂંકો છતાં સ્પષ્ટ મુદ્રાલેખ આપ્યો છે – ગણિતમાં સોમાંથી સો ગુણ મેળવો. એવું કઈ રીતે શક્ય બને એ જાણવું હોય તો સાઇટનાં મોડ્યુલ્સમાં ઊંડા ઊતરો.
હોમપેજ પર છેક નીચે આપેલી યાદી મુજબ, ધોરણ ૬ના વિદ્યાર્થીઓ માટે ‘નોઇંગ અવર નંબર્સ’, ‘બેઝિક જ્યોમેટ્રિકલ આઇડિયાઝ’, ‘અન્ડરસ્ટેન્ડિંગ એલિમેન્ટરી શેપ્સ’ વગેરેથી માંડીને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘રીલેશન્સ એન્ડ ફંક્શન્સ’, ‘ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીક ફંક્શન્સ’, ‘એપ્લિકેશન્સ ઓફ ડેરિવેટિવ્ઝ’ વગેરે મુદ્દાઓ વિશેના મોડ્યુલ્સ જોવા-સમજવાની મળે છે – મફતમાં.
હવે આ મોડ્યુલ્સ આખરે છે શું એની વાત કરીએ. મોડ્યુુલ્સ એટલે સાદા શબ્દોમાં વીડિયોેઝ. સાઇટ પર ઉપર જણાવેલા દરેક મુદ્દાઓ વિશે બે પ્રકારના વીડિયોે છે. કી કન્સેપ્ટ એટલે કે પાયાની સમજ અને સોલ્વ્ડ એક્ઝામ્પલ્સ એટલે કે ગણી બતાવેલા દાખલા.
દરેક વીડિયોેમાં, તમારા સ્ક્રીન પર નોટબુકના પેજ જેવું એક પેજ જોવા મળે છે. એક પેનની મદદથી, શિક્ષકનો અદૃશ્ય હાથ એ પેજ પર જુદું જુદું લખે છે કે દોરે છે અને શિક્ષકનો અવાજ એ મુદ્દો સમજાવે છે. આ તમામ વીડિયોેઝ એનસીઈઆરટીનાં પુસ્તકોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.
મૂળ તો આ સાઇટ વિદ્યાર્થીઓ જેમ શૈક્ષણિક પુસ્તક ખરીદે કે મેગેઝિનનું લવાજમ ભરે તેમ, આ સાઇટ પર લવાજમ આપીને યુઝરનેમ અને પાસવર્ડ મેળવીને વીડિયોે જોઈ શકે એવી વ્યવસ્થા સાથે તૈયાર થયેલી છે.
હાલ પૂરતું આ સાઇટ બિલકુલ મફત છે. જોકે સાઇટના એફએક્યુમાં પહેલા જ મુદ્દામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કંપની ગમે ત્યારે આ સર્વિસનો ચાર્જ લેવાનું શરુ કરી શકે છે. ત્યાં સુધી, વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને શિક્ષકોએ આ વહેતી ગંગામાં મફતમાં ડૂબકી મારી લેવા જેવી છે.
ગણિત કઈ રીતે શીખવી શકાય એ જાણવા મળશે (અથવા કઈ રીતે ન શીખવવું જોઈએ એ પણ કદાચ સમજાશે!). અલબત્ત, બધું અંગ્રેજીમાં છે.

