કમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગથી આંખોને નુક્સાન પહોંચી શકે છે એ જૂની વાત છે. આ નુક્સાન આપણે કેમ ઘટાડી શકીએ અને ખાસ તો ટેક્નોલોજી પોતે આપણને આમાં કઈ રીતે મદદરૂપ થઈ રહી છે એ જાણવા જેવું છે.
આગળ શું વાંચશો?
- કમ્પ્યુટર પર કામ કરો આ રીતે
- કમ્પ્યુટરના રેડિએશનથી બચો
- ટેકનોલોજી મદપ કઈ રીતે થઈ શકે?
- બાળકો અને કમ્પ્યુટ
‘મોબાઇલથી કાનને નુકસાન થાય?’ એના જેવો જ સનાતન પ્રશ્ન આ છે ‘કમ્પ્યુટરથી આંખોને નુકસાન થાય?’ જવાબ છે, માત્ર આંખોને નહીં, આખા શરીરને નુકસાન થઈ શકે છે! જો તમારે દિવસમાં લાંબો સમય કમ્પ્યુટર સામે બેસીને કામ કરવાનું થતું હોય અને તમે લેવા જેવી કેટલીક કાળજી લો નહીં તો તમને અચૂક નુકસાન થઈ શકે છે.
‘આંખેં’ ફિલ્મનો ડાયલોગ યાદ છે ને? “ઉસ મુલ્ક કી સરહદ કો કોઇ છુ નહીં સકતા, જિસ મુલ્ક કી સરહદ પે નિગ઼ેબાન હૈ આંખેં… પણ આજના ડિજિટલ જમાનામાં એપ્લાયન્સની સરહદ જ આંખ પર અસર કરવા લાગે તો આંખ તો ગઇ સમજો. આજની વાસ્તવિકતા એવી છે કે ડિજિટલ સાધનો આપણા જીવનનો એક ભાગ બની ગયાં છે, આપણી આંખો કાં તો કમ્પ્યુટરના મોનિટરમાં પરોવાયેલી રહે અથવા મોબાઇલના સ્ક્રીનમાં.
હવે સરેરાશ લોકો દિવસના લગભગ છ કલાક ડિજિટલ સાધનો સામે વિતાવે છે. તે આપણી આંખોને શી અસર કરે છે? કલાકો સુધી આ પ્રકારનાં સાધનો સામે રહેવાથી આંખને કેવું નુકસાન થઈ શકે અને તેનાથી બચવા શું કરવું જોઈએ એ વિશે, અમેરિકાની મેઝમર આઇગ્લાસીસ (http://www.mezzmer.com/) નામની એક કંપનીએ એક ઇન્ફોગ્રાફિક તૈયાર કર્યુ છે. ફેરવીએ તેના પર એક નજર :
ડિજિટલ સાધનોના વધુ પડતા ઉપયોગથી સીવીએસ એટલે કે કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ જેવી સમરયા થઈ શકે છે જેમાં ઝાંખું દેખાવું, માથું દુખવું, આંખો સુકાઈ જવી અથવા એના જેવી બીજી લાંબા ગાળાની સમરયા થઈ શકે છે. આ માટે આપણે કમ્પ્યુટરની સ્વિચ કાયમ માટે બંધ કરી દેવાની જરૂર નથી, માત્ર થોડી કાળજી લેવાની જ જરુર છે.
જે ટેક્નોલોજીથી આપણી આંખોને બચાવવા આપણે કાળજી લેવી પડે છે એ જ ટેક્નોલોજી પાછી આપણી આંખોની સંભાળ માટે અવનવી શોધો પણ કરી રહી છે.
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)ના નિષ્ણાતો એક એવું સાધન તૈયાર કરી રહ્યા છે જેને મોબાઇલ ફોન પર ફિટ કરીને આંખમાં મોતિયો છે કે નહીં, અને છે તો કેટલો મોટો છે તે તપાસી શકાશે. મોતિયાનું નિદાન કરવા માટે હાલની પદ્ધતિમાં મોંઘાં સાધનો અને નિષ્ણાત તબીબની જર પડે છે, જ્યારે નવા તૈયાર થઈ રહેલા સાધનમાં, મોબાઇલમાં રહેલી એપ્લિકેશન અને મોબાઇલ પર ફિટ કરેલા આઇપીસની મદદથી મોતિયાનું નિદાન થઈ શકશે!
એમઆઇટીના નિષ્ણાતો કહે છે કે વિકાશીલ દેશો માટે આ સસ્તું સાધન વરદારૂપ સાબિત થશે! (ડોક્ટર મિત્રો આ વિશે આ વેબપેજ પરથી વધુ વિગતો મેળવી શકે છે :http://web.media.mit.edu/~pamplona/CATRA/)
આ બધી બહુ દૂરની વાત લાગતી હોય તો એ જાણી લો કે સ્માર્ટફોન અને ટેબલેટ પર એવી એપ્સ આવી ગઈ છે, જે તમને આંખની કાળજી પર ફોકસ કરવામાં મદદ કરે છે. દાખલા તરીકે આઇફોનની વિઝન ટેસ્ટ એપ્લિકેશન તમારી દૃષ્ટિક્ષમતા, દૂરની દૃષ્ટિ અને રંગ પારખવાની શક્તિ (કલર બ્લાઇન્ડનેસ) વિશે કહે છે અને નજીકના ઓપ્ટિશિયન શોધવામાં પણ મદદ કરે છે!
વૈજ્ઞાનિકો એવી એપ્લિકેશન પણ વિકસાવી રહ્યા છે જે આપણી આંખો તપાસીને ચશ્માંના નંબર કાઢી આપશે!
આ બધી બાબતો આંખના ડોક્ટરની મુલાકાત વિક્લ્પ સમાન તો નથી જ, પણ આંખના ડોક્ટર પાસે વારંવાર જવું ન હોય તો આટલી વાતની ખાતરી કરો:
- કમ્પ્યુટરને યોગ્ય રીતે ગોઠવો.
- મોબાઇલ સાધનોના ફોન્ટ યોગ્ય સાઇઝના રાખો.
- લાંબો સમય એકધારું કામ ન કરો.
ભવિષ્યનાં સાધનો આપણી આંખની વધુ સંભાળ લેવાય એવાં જ બનવાનાં છે, પણ ત્યાં સુધી આંખની કાળજી આપણે પોતે જ રાખવી પડશે!
કમ્પ્યુટર પર કામ કરો આ રીતે…

- કમ્પ્યુટર સ્ક્રીનથી ૨૦થી ૨૬ ઇંચ દૂર બેસો. સ્ક્રીનનું કેન્દ્ર તમારી આંખોના લેવલ કરતાં ૪-૬ ઇંચ જેટલું નીચું હોવું જોઈએ.
- એટલે કે તમારે થોડું નીચેની તરફ જોઇને કામ કરવું પડે એવી સ્થિતિ હોવી જોઈએ.
- તમારા કમ્પ્યુટર સ્ક્રીનને થોડો પાછળની બાજુએ એવી રીતે નમાવો કે સ્ક્રીનનો ઉપરનો ભાગ થોડો પાછળની તરફ રહે અને નીચેનો ભાગ તમારી તરફ.
- કમ્પ્યુટરની રક્રીન પર દેખાતી ટેક્સ્ટની સાઇઝ એટલી રાખો જેથી તમારે ભમ્મરો ચઢાવીને કે આંખો ખેંચીને વાંચવાની જર ન પડે.
- કમ્પ્યુટર સ્ક્રીનનો પ્રકાશ એવી રીતે એડ્જેસ્ટ કરેલો રાખો (બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ) કે તમને સ્ક્રીન પરનું લખાણ કે ચિત્રો વાંચવા કે જોવામાં તકલીફ ન પડે.
- જો તમારે લાંબો સમય સ્ક્રીન પરની ટેક્સ્ટ વાંચવાની હોય તો મોનિટરના સેટિંગ્સમાં જઈને તેની રિફ્લેક્ટિવ લાઇટિંગ સ્કીમ સેટ કરી શકો.
- આંખની સાથે એ પણ કાળજી લો કે કમ્પ્યુટર સામે ખુરશીમાં એકદમ પાછળ બેસવું જેથી તમારી કમરને ટેકો મળી રહે અને શરીર ટટાર રહે.
- માઉસ ચલાવવા માટે કાંડાને ટેકો મળે તેવા માઉસપેડનો ઉપયોગ કરવો.
કમ્પ્યુટરના રેડિએશનથી બચો
- કમ્પ્યુટર્સમાંથી નીકળતી અત્યંત લો રેડિએશન ફ્રિક્વન્સી પણ આંખને નુકસાન પહોંચાડી શકે છે.
- ફ્લેટ સ્ક્રીનવાળાં મોનિટર્સ માત્ર દેખાવમાં સારાં છે એવું નથી,એ આંખ માટે વધુ સારાં પણ છે.
- જૂના સીઆરટી એટલે કે કેથોડ રે-ટ્યૂબવાળાં મોનિટર કરતાં એલસીડી (લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે) કમ્પ્યુટર રક્રીન આંખો માટે બહેતર છે.
ટેક્નોલોજી મદદરૂપ કઇ રીતે થઈ શકે?

તબીબી વૈજ્ઞાનિકોએ હવે સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ વિક્સાવ્યા છે! એવા લેન્સ જેમાં ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ હોય અને હજારો એલઇડી પણ હોય! આવા લેન્સ જો બધિર વ્યક્તિને પહેરાવવામાં આવે તો તે વ્યક્તિને પોતાના લેન્સમાં રહેલા એલઇડીની મદદથી, ‘સંભળાતા’ શબ્દો ટેક્સ્ટ સ્વરુપે વાંચવા મળશે. કેટલાક એવા સ્માર્ટ લેન્સીસ વિકસાવવામાં આવ્યા છે, જે તમારા સ્વાસ્થ્ય ઉપર નજર રાખશે દા.ત. ડાયાબિટીસના દર્દીનું ગ્લુકોઝ લેવલ બતાવશે!
નિષ્ણાતો કહે છે કે આ સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ એક દિવસ સ્માર્ટ ફોન જેટલા કોમન થઈ શકે છે. એવા સ્માર્ટ લેન્સીસ પણ વિકસી રહ્યા છે, જે સ્વાસ્થ્યનું મોનિટરિંગ તો કરશે જ, પણ જરિયાત મુજબ આંખમાં દવા પણ નાખી આપશે. ઇન્ટરનેટ હવે તમારા લેન્સ પર જ હોઇ શકે છે.
આંખ પટપટાવો અને ઓનલાઇન થઈ જાવ!
બાળકો અને કમ્પ્યુટર

બાળકો અને કમ્પ્યુટરને એકબીજાથી દૂર રાખવાં એ આજના જમાનામાં અશક્ય છે. હવે તો બાળકોને પ્રીસ્કૂલથી જ કમ્પ્યુટર સાથે દોસ્તી કરાવવામાં આવે છે. કમ્પ્યુટર એક એવું સાધન છે કે કશું કામ ન હોય અને કમ્પ્યુટર સામે બેસી જાવ તો આખો દિવસ કંઈ ને કંઈ કરતાં જ રહીએ. જો આપણે મોટા આ ટેવ છોડી નથી શકતા તો બાળકોને કેમ સમજાવવું?
બાળકોને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, સંગીત, નૃત્ય, ચિત્રકલા, વાંચન વગેરે માટે સતત પ્રોત્સાહન આપીએ જ, સાથોસાથ તેમને કમ્પ્યુટરના યોગ્ય ઉપયોગની સમજ પણ આપીએ.
આપણે આટલું જરૂર કરી શકીએ…
- મોટા ભાગે બાળકો ‘આપણા’ કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં હોય છે, મતલબ કે કમ્પ્યુટરની ગોઠવણી આપણને અનુરૂપ હોય છે, બાળકોને નહીં. બાળક અને કમ્પ્યુટરનું લેવલ યોગ્ય રહે એ માટે તેને ખુરશી પર ગાદી મૂકી આપીએ.
- કમ્પ્યુટર સામે બેસીને રમતાં કે શીખતાં બાળકો તો ભૂલી જ જશે, આપણે યાદ રાખીને તેમને દર ૨૦ મિનિટે કમ્પ્યુટરથી દૂર કરીએ. આ માટે પહેલાં આપણે પોતે દાખલો બેસાડીએ!
- કમ્પ્યુટરનો સામાન્ય કરતાં વધુ ઉપયોગ થતો હોય તો આંખોની કસરત પણ અનિવાર્ય છે. એ માટે ૧૦-૧૫ વાર આંખો પટપટાવો, આંખ બંધ કરો, આંખના ડોળાને ક્લોકવાઇઝ અને એન્ટિ ક્લોકવાઇઝ હળવાશથી ફેરવો, પછી એક સેકંડ પછી ખોલો.
- બંને હથેળી એકબીજાથી ઘસીને થોડી ગરમી ઉત્પન્ન થાય એટલે બંને હથેળીને આંખ બંધ કરી તેની ઉપર મૂકો. થોડી વાર માટે રાખો પછી આ ક્રિયા બે-ત્રણ વાર કરો. આપણે કરીએ અને બાળકોને શીખવીએ!


