લાઇટ, રેડિયો, ટીવી, આપણું પોતાનું મગજ… આ બધાંનો આપણે રોજેરોજ ઉપયોગ કરીએ છીએ અને છતાં એ બધાં વિશે ખરેખર કેટલું ઓછું જાણીએ છીએ! ઇન્ટરનેટનું પણ એવું જ છે – ઈમેઇલ, ફેસબુક, સર્ફિંગ આ બધું આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે, પણ એ ખરેખર કઈ રીતે કામ કરે છે એ વિશે પ્રમાણમાં ઘણું ઓછું જાણીએ છીએ.
આમ તો કાર ચલાવવા માટે બોનેટની અંદર શું છે અને એ મશીન કેવી રીતે કામ કરે છે એ ન જાણતા હો તોય ચાલે, પણ જો એ વિશે થોડું પણ જાણતા હો તો ક્યારેક કામ જરૂર લાગે. આ જ અભિગમથી ઇન્ટરનેટની પણ જરા ‘ઊંડી’ જાણકારી મેળવવી હોય તો એક સરસ ઇન્ફોગ્રાફિક તૈયાર કરવામાં આવ્યું છે.
આ લેખના અંતે આપેલી લિંક પર જઈને તમે તેના વિશે વધુ વિગતવાર માહિતી (અલબત્ત, ઇંગ્લિશમાં!) મેળવી શકશો, અહીં સરળ ગુજરાતીમાં એનો પરિચય મેળવી લઈએ.
(૧) સમાન ભાષા : સામાન્ય વિશ્વની જેમ ઇન્ટરનેટ પર બે કમ્પ્યુટર એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકે એ માટે બંનેને એક સમાન ભાષા આવડવી જોઈએ. ટેક્નિકલ ભાષામાં તેને પ્રોટોકોલ સ્યૂટ કહે છે. આવા વિવિધ પ્રોટોકોલ્સના સેટને ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યૂટ કહે છે જેને ટીસીપી/આઇપી પણ કહે છે. ઇન્ટરનેટ પર ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રોટોકોલ્સનું નિયમન ૧૯૯૨માં સ્થપાયેલું એક નોન-પ્રોફિટ ગ્રૂપ ધ ઇન્ટરનેટ સોસાયટી કરે છે.
(૨) લોકેશન : ફરી વાસ્તવિક વિશ્વની જેમ કમ્પ્યુટર્સ એકબીજા સાથે કનેક્ટ થઈ શકે એ માટે તેમને એકબીજાનાં લોકેશન એટલે કે એડ્રેસની ખબર હોવી જોઈએ જેમ માણસનું એક ચોક્કસ નામ હોય, એમ દરેક કમ્પ્યુટરનું એક ચોક્કસ એડ્રેસ હોય જેમ કે ... (આમાં અંક દર્શાવે છે). આ એડ્રેસને આઇપી એડ્રેસ કહેવાય છે.
(૩) આઇપી એડ્રેસ કેવી રીતે મળે? તમે જે કંપનીની મદદથી તમારા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડો તેને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (આઇએસપી) કહે છે. આવી આઇએસપી કંપનીને ચોક્કસ સંખ્યામાં આઇપી એડ્રેસ ફાળવવામાં આવ્યાં હોય છે. તમારી આઇએસપી, તમારું નેટ કનેક્શન કયા પ્રકારનું છે તેના આધારે તમને ડાયનેમિક અથવા સ્ટેટિક આઇપી એડ્રેસ ફાળવે છે. જો ડાયનેમિક એડ્રેસ હોય તો તમે જ્યારે પણ લોગ-ઇન થાવ ત્યારે તે બદલાય છે અને સ્ટેટિક એડ્રેસ બદલાતું નથી. સાયબર ક્રિમિનલ્સ આ આઇપી એડ્રેસને કારણે જ પકડાય છે!
(૪) અચ્છા, તો મને એડ્રેસ તો મળી ગયું, હવે માહિતી મારા સુધી કેવી રીતે પહોંચશે? આ બહુ લાંબી વિધિ છે! ધારો કે તમે બ્રાઉઝર ખોલીને તેના એડ્રેસબારમાં www.youtube.com (આને ડોમેઇન કહેવાય) લખ્યું. આથી તમારી આઇએસપી ડોમેઇન નેમ સર્વર પાસે જઈને તેને યુટ્યૂબનું આઇપી એડ્રેસ પૂછશે. એડ્રેસ જાણીને તે નેટવર્ક એક્સેસ પ્રોટેક્શનની વિધિ પતાવીને યુટ્યૂબની આઇએસપી પાસે પહોંચશે. તે વળી નેટવર્ક એક્સેસ પ્રોટેક્શનની વિધિ કરશે અને પછી તમારી આઇએસપી દ્વારા તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર યુટ્યૂબની સાઇટ ખોલી આપશે! શ્ર્વાસ ખેંચાઈ ગયોને – આ બધું કામ હવે લગભગ આંખના પલકારામાં થાય છે.
(૫) એટલે, ખરેખર ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે? તમે કમ્પ્યુટરમાં જે કંઈ લખો તેને કમ્પ્યુટર શૂન્ય અને ૧ની ભાષામાં ફેરવી નાખે છે. આ શૂન્ય અને ૧ને પછી ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવી નાખવામાં આવે છે. તમારા કનેક્શન મુજબ, લેન કનેક્શન હોય તો વાયર દ્વારા, મોડેમ હોય તો સાઉન્ડ સ્વપે અને વાઇફાઇ હોય તો રેડિયો તરંગો સ્વપે રાઉટર સુધી પહોંચે છે, જે તેમને આઇએસપી સુધી પહોંચાડે છે.
આઇએસપી શૂન્ય અને ૧ને લાઇટ્સમાં ફેરવી નાખે છે, જે ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ દ્વારા આગળ વધે છે.
બીજા છેડે,લાઇટ ફરીથી ઇલેક્ટ્રિસિટીમાં અને તેમાંથી શૂન્ય અને ૧માં ફેરવાય છે, અને પછી ટેક્સ્ટ, ઇમેજીસ, સાઉન્ડ કે વીડિયો સ્વપે જોવા મળે છે!
(૬) ઇન્ટરનેટનો વ્યાપ : પૃથ્વી પર અત્યારે દર ૪ વ્યક્તિમાંથી ૧ ઇન્ટરનેટ એક્સેસ ધરાવે છે.
(૭) ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરની સંખ્યા : (આ લખાયું છે ત્યારે) યમન, ઇરાક અને ઉત્તર કોરિયામાં ૧-૧, ચીનમાં ૩, ભારતમાં ૪૩ અને યુએસમાં ૭૦૦૦! (ચીનની તદ્દન ઓછી સંખ્યા આશ્ર્ચર્યજનક છે, પરંતુ ત્યાંના આકરા અંકુશો ધ્યાનમાં લેતાં આ સંખ્યા સમજાય તેવી છે).
(૮) વેબ અને સર્વર હોસ્ટ : ઇન્ટરનેટ પરની માહિતી જે હોસ્ટ કરે છે તેવા વેબ અને સર્વર હોસ્ટની સંખ્યા યુએસમાં ૩૧ કરોડ જેટલી છે.
(૯) આંતરરાષ્ટ્રીય સ્તરે દર સેકંડે કેટલા મેગાબાઇટ ઇન્ફર્મેશનની આપલે થાય છે? ટોપ ટેન લિસ્ટમાં જાપાન છેક તળિયે છે, તે દર સેક્ધડે ૧.૩૨ લાખ મેગાબાઇટ ઇન્ફર્મેશન મોકલે છે અને નંબર વન યુએસ દર સેક્ધડે ૯.૭૦ લાખ મેગા બાઇટ્સ મોકલે છે. ટોપટેનમાં ભારતનું નામ નથી.
(૧૦) કનેક્શનની સરેરાશ સ્પીડ : આ લિસ્ટમાં પણ ભારતનું ક્યાંય નામ નથી! દક્ષિણ કોરિયા ૧૧.૭ એમબીપીએસ સાથે ટોચ પર છે, હોંગકોંગ (૮.૬) અને જાપાન (૭.૬) બીજા અને ત્રીજા નંબરે છે, આપણે આશ્ર્વાસન લેવા જેવી વાત ફક્ત એટલી કે ૩.૮ એમબીપીએસ સાથે યુએસ આખા વિશ્ર્વમાં ૨૨મા ક્રમે છે!
(૧૧) પાંચ કરોડ લોકો સુધી પહોંચતાં કોને કેટલો સમય લાગ્યો? રેડિયોને ૩૮ વર્ષ લાગ્યાં, ટીવીને ૧૩ વર્ષ થયાં અને ઇન્ટરનેટ પાંચ વર્ષમાં પાંચ કરોડ લોકો સુધી પહોંચી ગયું.
(૧૨) તમને જાણીને નવાઈ લાગશે કે હજી ૧૮ જેટલા દેશોમાં ઇન્ટરનેટ કનેક્શન છે જ નહીં!
(૧૩) લોકોનો વપરાશ : ઇન્ટરનેટ મોટી કંપનીઓ કરતાં વ્યક્તિગત લોકોનું માધ્યમ વધુ છે એ વાતનો અંદાજ તેના પરથી આવશે કે આપણો દેશ આઝાદ થયો ત્યારથી એટલે કે ૧૯૪૮થી, એબીસી, એનબીસી અને સીબીએસ જેવી જગતની ટોચની ટીવી બ્રોડકાસ્ટિંગ કંપનીઓએ સતત નવું ક્ધટેન્ટ જનરેટ કર્યંુ હોય તો જેટલા વીડિયોઝ થયા હોત, તેના કરતાં વધુ નવા વીડિયો યુટ્યૂબ પર ફક્ત બે મહિનામાં મુકાય છે.
(૧૪) એટલે ઇન્ટરનેટનો વ્યાપ કેટલો? ઇન્ટરનેટ પર અત્યારે ૧૨ કરોડ જેટલાં યુનિક ડોમેઇન્સ ગણી શકાયાં છે. ૩૮ કરોડ જેટલાં ડોમેઇન્સ ડિલીટ થયાં છે, એક્સ્પાયર થયાં છે અથવા ટ્રાન્સફર થયાં છે.
(૧૫) ઇન્ટરનેટ ક્યાં સ્ટોર થાય છે? ઇન્ટરનેટ પરનાં મોટા ભાગનાં ડોમેઇન્સ અને પેજીસ સર્વર પર સ્ટોર થાય છે. સર્વર્સ મહાકાય ડેટા સેન્ટર્સમાં સ્ટોર થાય છે. ૩૫,૦૦૦ ઘરોને પૂરતી થઈ રહે એટલી વીજળી આ ડેટા સેન્ટર્સ ખાઈ જાય છે. બીજી રીતે જોઈએ તો આખી દુનિયામાં વીજળીનો જેટલો વપરાશ છે તેનો માત્ર એક ટકા ભાગ ઇન્ટરનેટનો મોટા ભાગનો ડેટા રન કરવા માટે વપરાય છે. એમાંથી અડધો ભાગ ઇન્ફર્મેશનને સ્ટોર કરવા, રિટ્રીવ કરવા કે તેના પર કામ કરવા માટે વપરાય છે. બાકીનો અડધો ભાગ ડેટા સેન્ટર્સને ઠંડાં રાખવામાં ખચર્યિ છે!
(ઇન્ટરનેટ પર આંકડાઓની અધિકૃતતા ચકાસવી હંમેશાં મુશ્કેલ હોય છે, પરંતુ આ ઇન્ફોગ્રાફિકના અંતે, તમે જોશો તેમ અનેકવિધ સ્રોત આપેલા છે અને ઓનલાઇનસ્કૂલ્સ નામે ઓનલાઇન લર્નિંગ ક્ષેત્રે બહુ વ્યાપક સ્તરે કામ કરતી સાઇટ દ્વારા તે તૈયાર કરવામાં આવ્યું છે.)

