આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈક લખીએ અને તરત જ ગૂગલ એ શબ્દ ધરાવતાં અસંખ્ય પેજીસની યાદી આપણી સામે મૂકે છે, જે મોટા ભાગે આપણે ઇચ્છતા હોઈએ એ જ બતાવે. અવું કઈ રીતે થાય છે?
- વેજ પેજીસમાં શોધ : ગૂગલ સર્ચ એન્જિન તેની આગવી ટેક્નોલોજીથી ઇન્ટરનેટ પરનાં અબજો પેજીસનો ઇન્ડેક્સ કરતું રહે છે, એટલે કે પેજીસની યાદી બનાવતું રહે છે. તમે જ્યારે પણ સર્ચ બોક્સમાં કંઈક લખીને સર્ચ બટન ક્લિક કરો કે તરત ગૂગલ આ અબજો વેબ પાનામાંથી તમે લખેલા શબ્દ, કહેવત કે શબ્દસમૂહ ધરાવતાં પાનાં અલગ તારવવાની કસરત કરે છે.
- વેબ પેજીસ કેટલાં સુસંગત છે તેની તપાસ : વેબ પાનાંઓની યાદીમાંથી, જે પાનાંમાં તમે શોધી રહ્યા છો તે માહિતી મળવાની સૌથી વધુ શક્યતા હોય તેવાં પાનાં ગૂગલ અલગ તારવશે. આ માટે તે અલગ અલગ માપદંડ વાપરે છે, જેમ કે તમે જે શબ્દ શોધો છે તે જે તે પાનાંમાં કેટલી વાર વપરાયો છે? પેજના શીર્ષકમાં તે શબ્દ છે? ઉપરાંત, તમે એકથી વધુ શબ્દો લખ્યા હોય તો આ શબ્દો પેજમાં એકમેકથી કેટલા નજીક છે તે પણ ગૂગલ તપાસે છે.
- સાઇટની પ્રતિષ્ઠાનું મૂલ્યાંકન: ગૂગલ એ તપાસે છે કે આ પેજીસને અન્ય વેબસાઇટ્સ લિંક આપે છે કે નહીં, જેથી એ પેજ કેટલું લોકપ્રિય છે કે ઉપયોગી છે તે નક્કી થઈ શકે.
- વેબ પેજીસનો ક્રમ: આ રીતે આપણે શોધેલા શબ્દ ધરાવતાં પેજ અલગ તારવ્યાં પછી અને એ પેજીસનો આપણી શોધ સાથે સંબંધ નક્કી કર્યા પછી, ગૂગલ તેમને યોગ્ય ક્રમ આપીને, આપણી શોધ અનુસાર જે સૌથી ઉપયોગી હોય તેને સૌથી ઉપર રાખીને ગૂગલ સર્ચનાં પરિણામ બતાવે છે!
આ બધું જ ગૂગલ અંખના પલકારામાં કરે છે. આ તો સર્ચની બિલકુલ પ્રાથમિક વાત થઈ, તમે ગૂગલનું એકાઉન્ટ ધરાવતા હો અને સર્ચ કરતી વખતે તમે સાઇન-ઇન થયા હો તો ગૂગલ તમારા વિશે જેટલી જાણકારી ધરાવતું હોય, તેને આધારે સર્ચને વધુ ધારદાર બનાવીને તમને વધુ ઉપયોગી હોય એવાં પરિણામ બતાવે છે!
