આગળ શું વાંચશો?
- આવી ગયું છે નવું આઇપેડ
- આકાશના ખબરઅંતર
- પોસ્ટરસ હવે ટ્વીટર સાથે
સ્ટીવ જોબ્સે તો આ જગતમાંથી વહેલી વિદાય લઈ લીધી, પણ એ માણસે પોતાની સર્જકતાને એવી ઊંચાઈએ પહોંચાડી કે તેની કંપનીની પ્રોડક્ટ્સ ખરીદવા લોકો રીતસર લાઇન લગાવે છે. ગયા મહિને, ૧૬ માર્ચે દુનિયાભરના કેટલાક ખાસ દેશોમાં ત્રીજી જનરેશનનના એપલ આઇપેડ લોન્ચ થયાં ત્યારે એપલ સ્ટોર્સ ખૂલે તેની રાહ જોતા ૨૫૦-૩૦૦ લોકોએ સ્ટોર્સની બહાર લાઇન લગાવી. અનેક દેશોમાં આ નવાં આઇપેડ હજી લોન્ચ થયાં નથી એટલે કેટલાક લોકો તેને ખરીદવા માટે છેક અફઘાનિસ્તાનથી પેરિસ સુધી લાંબા થયા!
એપલે કંપનીએ એપ્રિલ ૨૦૧૦માં પહેલી વાર આઇપેડ લોન્ચ કર્યાં ત્યારે સાવ શઆતના દિવસોમાં ત્રણ લાખ આઇપેડ વેચાયાં હતાં. હવે આ ત્રીજી જનરેશનના આઇપેડ પહેલા જ દિવસે દસ લાખ વેચાયાંનો અંદાજ છે. ટેબ્લેટના માર્કેટમાં અત્યારે એપલ ૬૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને અત્યાર સુધીમાં કુલ સાડા પાંચ કરોડ આઇપેડ વેચાયાં હોવાનું એપલ કહે છે.
નવું આઇપેડ દેખાવમાં આગલા વર્ઝન આઇપેડ ૨.૦ જેવું જ છે, પણ તેનું સૌથી મોટું આકર્ષક તેનો નવો સ્ક્રીન છે. રેટિના ડિસ્પ્લે તરીકે ઓળખાતો આ સ્ક્રીન ૩.૧ મિલિયન પિક્સેલ્સ સાથે ૨૦૪૮ x ૧૫૩૬નું રેઝોલ્યુશન ધરાવે છે (જે હાઇડેફિનિશન ટીવી કરતાં ૧૦ લાખ પિક્સેલ્સ વધુ છે, આપણા પીસીના મોનિટર મોટા ભાગે ૧૨૮૦ x ૮૦૦નું રેઝોલ્યુશન હોય છે). આ ટચૂકડા આઇપેડમાં ગેમિંગ સ્ટેશન જેવાં પાવરફુલ પ્રોસેસર અને ગ્રાફિક ચીપ છે, આઇપેડને વાયર વિના હાઇડેફિનિશન ટીવી સાથે કનેક્ટ કરીને ગેમ્સ રમી શકાય એવી પણ શક્યતા છે.
આ નવું આઇપેડ ૪જી ટેક્નોલોજી પર ચાલે છે, ભારતમાં આપણે ૩જી સુધી તો પહોંચ્યા છીએ, પણ હજી એ અત્યંત મોંઘી છે અને સરકાર ટુજીના કૌભાંડમાંથી બહાર આવે તો ૪જી વિશે વિચારેને!

એપલના નવા આઇપેડ વિશે વધુ જાણો અહીંથી : http://www.apple.com/ipad
આકાશના ખબરઅંતર
એક તરફ આખી દુનિયા નવા આઇપેડ ટેબ્લેટ પાછળ દોડી રહી છે, ત્યારે દુનિયાના સૌથી સસ્તા ટેબ્લેટ આકાશનું પણ નવું વર્ઝન આવી રહ્યું હોવાના સમાચાર છે. ભારતભરમાં આ ટેબ્લેટે જોરદાર રસ જગાવ્યો છે એ તેની કિંમતને કારણે એક લોકો તક મળે એ સાથે આ ટેબલેટ ઝડપી લેવા તત્પર છે, પણ સવાલ એ છે કે એવી તક મળશે ક્યારે?
હમણાં કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે લોકસભામાં જાહેરાત કરી છે કે આકાશનું વધુ ચઢિયાતું વર્ઝન એપ્રિલ મહિનામાં જ લોન્ચ થઈ જશે અને વિદ્યાર્થીઓને કોઈ ભાવવધારા વિના મળશે. આકાશનું પહેલું વર્ઝન અનેક રીતે નબળું પુરવાર થયા પછી માનવસંસાધન મંત્રાલયે વધુ ત્રણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીને આ પ્રોજેક્ટમાં સાંકળવાનું નક્કી કર્યું છે.
આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વાકાંક્ષી છે અને દુનિયાભરના અનેક દેશોએ ભારત પાસેથી આકાશ ખરીદવામાં રસ દાખવ્યો છે, માત્ર ભારતમાં જ કોલેજ સ્ટુડન્ટ્સ સુધી આકાશ પહોંચાડવા માટે ૨૨ કરોડ ટેબ્લેટની જરુર હોવાનો અંદાજ છે.
જોકે પહેલું વર્ઝન ક્યારે અને કોને મળશે એ વિશે હજી જબરજસ્ત ગૂંચવાડો છે. પહેલું વર્ઝન બનાવનારી ડેટાવિન્ડ કંપનીએ યુબીસ્લેટ નામે આકાશથી ચઢિયાતું વર્ઝન ઓપન માર્કેટમાં વેચવાની જાહેરાત કરી છે અને તેનું ઓનલાઇન બુકિંગ પણ શરુ કરી દીધું છે, પણ પૂરતા રિવ્યુ આવ્યા પછી અને એક હાથે રૂપિયા આપી બીજા હાથમાં ટેબ્લેટ મેળવી શકાય એવી સ્થિતિ આવે નહીં ત્યાં સુધી આ આકાશ દૂરથી જ જોવું સારું છે. આકાશ ઝડપી લેવાની તક મળે તોય પૂરતું વિચારીને આગળ વધજો!
પોસ્ટરસ હવે ટ્વીટર સાથે!
ઇન્ટરનેટ કેવું તેજ ગતિએ બદલાતું માધ્યમ છે એનો તાજો જ દાખલો છે પોસ્ટરસ. હજી તો “સાયબરસફરના ફેબ્રુઆરી મહિનાના પહેલા અંકમાં આપણે બ્લોગિંગ બિલકુલ સહેલું બનાવી દેતી આ સર્વિસ વિશે વિગતવાર જાણ્યું હતું અને માર્ચ મહિનામાં સમાચાર આવ્યા કે ટ્વીટરે આ સર્વિસ ખરીદી લીધી છે – આખી ટીમ સાથે! મતલબ કે હવે પોસ્ટરસની આખી ટીમ ટ્વીટરના નેજા તળે કામ કરશે. આ સોદો કેટલામાં થયો તે જાહેર કરવામાં આવ્યું નથી. ૨૦૦૮માં સ્થપાયેલી પોસ્ટરસ કંપનીએ અત્યાર સુધીમાં એક કરોડ ડોલરનું ફંડિંગ મેળવ્યું છે.
તો પોસ્ટરસનું શું થશે? પોસ્ટરસના બ્લોગ પર, પોસ્ટરસના ભારતીય સીઈઓ સચિન અગ્રવાલે આ જાહેરાત કરતાં લખ્યું છે કે પોસ્ટરસ સ્પેસીઝ (એટલે કે જો તમે પોસ્ટરસ તમારો બ્લોગ બનાવ્યો હોય તો તે) કોઈ અવરોધ વિના જેમના તેમ ચાલુ રહેશે. તેમ છતાં, ભવિષ્યની અનિશ્ચિતતાને ધ્યાનમાં લઈને તમે તમારા આખા બ્લોગનો બેકઅપ લઈ લેવા માગતા હો તો પોસ્ટરસ તરફથી ટૂંક સમયમાં એ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. પોસ્ટરસ તરફથી એવું વચન પણ આપવામાં આવ્યું છે કે તેની સર્વિસમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે તો તેના યુઝર્સને ચોક્કસ આગોતરી જાણ કરવામાં આવશે.
આ લખાઈ રહ્યું છે ત્યારે પોસ્ટરસ પર નવા યુઝર હજી પણ સાઇન-અપ થઈ શકે છે, મતલબ કે આ સર્વિસ તાત્કાલિક બંધ થવાની શક્યતા ઓછી છે. છતાં, નજીકના ભવિષ્યમાં પોસ્ટરસ ટ્વીટરમાં બિલકુલ ભળી જાય અને પોસ્ટરસની બધી ખૂબીઓ – જેમ કે માત્ર ઈ-મેઇલ મોકલીને બ્લોગને અપડેટ કરવાની સુવિધા – ટ્વીટરમાં મળવા લાગે એવી શક્યતા વધુ છે. ટ્વીટર ૧૪૦ કેરેક્ટરમાં મેસેજ લખવાની મર્યાદાથી આગળ વધવા માગે છે એ સ્પષ્ટ છે!

