આગળ શું વાંચશો?
- ગેજેટ્સનાં યુઝર્સ મેન્યુઅલ્સ : શોધો અને ડાઉનલોડ કરી લો
- જીમેઈલ એકસેસ કરો – નેટ કનેકશન વિના
- સોશિયલ મીડિયાનો બેકઅપ
- મનભરીને માણો મન્નાડે
- ભારખેમ ફાઈલ ટ્રાન્સફર કરો સહેલાઈથી
ગેજેટ્સનાં યુઝર્સ મેન્યુઅલ્સ : શોધો અને ડાઉનલોડ કરી લો

ડિજિટલ કેમેરા, સ્માર્ટફોન, લેપટોપ, ડીવીડી પ્લેયર, હોમથિયેટર, આઇપોડ… કેટકેટલાં ગેજેટ્સ આપણા ઘરમાં આવવા લાગ્યાં છે! દરેકમાં જાતભાતનાં ફીચર્સ. ફંક્શનિંગ પણ જુદું જુદું. રીડર્સ ડાઇજેસ્ટ સામયિકમાં એક વાર એક એસ્ટ્રોનોટે લખ્યું હતું કે “વીસીઆરનાં બધાં ફંક્શન્સ સમજવા કરતાં સ્પેસ શટલ ચલાવવું મને સહેલું લાગે છે. જો દરેક ગેજેટ સાથે આવતા યુઝર મેન્યુઅલનો આપણે ધીરજપૂર્વક અભ્યાસ કરીએ તો આપણા પોતાના સાધનની ઘણી નવી ખૂબીઓ આપણે જાણી શકીએ.
સર્ચમાં પ્રોડક્ટના નામ અને મોડેલ નંબર ઉપરાંત “યુઝર મેન્યુઅલ ઇન્વર્ટેડ કોમામાં અને ફાઇલટાઇપ પીડીએફ લખવાનું યાદ રાખશો તો કામ થોડું સહેલું થશે.
આમાં મોટા ભાગે બે મુશ્કેલીઓ નડે – પહેલાં તો સમય અને ધીરજ જોઈએ અને બીજું, યુઝર મેન્યુઅલ હાથવગું હોવું જોઈએ. બજારમાંથી વસ્તુ ખરીદવામાં આવે અને ઘરે પહોંચીને બોક્સ ખોલવામાં આવે તે પછી બોક્સમાંના મૂળ સાધન ઉપરાંતની ચીજવસ્તુઓ ઘરમાં ક્યાં ગાયબ થઈ જતી હોય છે તે કોઈ કહી શકતું નથી. તમે તમારા ડિજિટલ કેમેરાનો પૂરેપૂરો ઉપયોગ શીખવા માટે યુઝર મેન્યુઅલનો ઉપયોગ કરવા માગતા હો તો સમય અને ધીરજ શોધવાનું કામ તમારું, મેન્યુઅલ શોધવાનું કામ ઇન્ટરનેટ પર છોડી શકો છો. હવે લગભગ દરેક પ્રોડક્ટનાં યુઝર મેન્યુઅલ પીડીએફ ફાઇલમાં તમે ડાઉનલોડ કરી શકો છો. તમે જે તે કંપનીની ઓફિશિયલ સાઇટ પર જઈને તમારા ગેજેટનું યુઝર મેન્યુઅલ શોધી શકો છો. બીજો રસ્તો ગૂગલ સર્ચમાં ઝંપલાવીને તમારી પ્રોડક્ટનું યુઝર મેન્યુઅલ શોધવાનો છે. સર્ચમાં પ્રોડક્ટનાં નામ અને મોડલ નંબર ઉપરાંત “યુઝર મેન્યુઅલ ઇન્વર્ટેડ કોમામાં અને ફાઇલટાઇપ પીડીએફ લખવાનું યાદ રાખશો તો કામ થોડું સહેલું થશે.
ત્રીજો રસ્તો http://www.retrevo.com પર જવાનો છે. આમ તો આ એક ઓનલાઇન શોપિંગ સાઇટ છે. અહીંથી તમે અનેક ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ ખરીદી શકો છો, પણ આપણને તો ખરીદી કર્યા પછી મળતા યુઝર મેન્યુઅલને શોધવામાં રસ છે. અહીં હોમ પેજ પર જરા નીચે તમને યુઝર મેન્યુઅલ્સની લિંક જોવા મળશે.અહીંથી તમે ૧૦૦૦ બ્રાન્ડનાં એક લાખથી વધુ યુઝરમેન્યુઅલ શોધીને ડાઉનલોડ કરી શકો છો – મફતમાં! જોકે તમારે પહેલા સાઇટમાં ફ્રી એકાઉન્ટ ખોલાવવું પડશે. ઉપરાંત ડાઉનલોડ પેજ પર બીજી જુદી જુદી ડાઉનલોડ લિંક તમને ગેરમાર્ગે દોરી શકે છે, એ બધી બીજી કંપનીઓની સાઇટ પર લઈ જતી જાહેરાતો છે!
જીમેઇલ એક્સેસ કરો – નેટ કનેક્શન વિના!
તમે જો સતત ઓન રહે તેવું, અનલિમિટેડ ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા ન હો તો ઘણી વાર એવું બનતું હશે કે તમારે તમને આવેલો કોઈ મેઇલ જોવાની જરૂર હોય, પણ તમારું જીમેઇલ, યાહૂ કે હોટમેઇલ જેવી કોઈ સર્વિસમાં એકાઉન્ટ હોય તો નેટ કનેક્શન વિના મેઇલ કેવી રીતે એક્સેસ થાય?
તેનો ઉપાય શોધતાં પહેલાં ઈ-મેઇલની પાયાની વાત સમજી લઈએ. જીમેઇલ, યાહૂ, હોટમેઇલ કે રીડિફમેઇલ વગેરે વેબમેઇલ સર્વિસ છે. એટલે કે તેનો ઉપયોગ કરતા હો તો તમારા મેઇલ આ સર્વિસીઝના વેબબેઝ્ડ સર્વરમાં જ રહે છે, જે એક્સેસ કરવા માટે નેટ કનેક્શન જોઈએ. હવે જો આ સર્વિસમાંના મેઇલ ઓફલાઇન એક્સેસ કરવા હોય તો માઇક્રોસોફ્ટ આઉટલૂક કે મોઝિલા થંડરબર્ડ જેવા ઈ-મેઇલ ક્લાયન્ટનો ઉપયોગ કરવો પડે. વેબમેઇલ સર્વિસમાં આઇમેપ કે પીઓપી જેવી સગવડ હોય છે, જેની મદદથી વેબમેઇલમાંના મેઇલ તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ થાય અને નેટ કનેક્શન વિના પણ તમે મેઇલ એક્સેસ કરી શકો કે નવા મેઇલ લખી શકો. ફક્ત નવો મેઇલ મોકલવા કે મેળવવા માટે નેટ કનેક્શન જરૂરી બને. આ કામ થોડી ટેક્નિકલ જાણકારી માગી લે છે (જોકે જીમેઇલ પર તેનું સરળ માર્ગદર્શન ઉપલબ્ધ છે).
હવે જીમેઇલે વધુ સરળ ઉપાય આપ્યો છે – જીમેઇલમાં તમારું ધ્યાાન ગયું હોય તો મેઇલના સેટિંગ્સ પેજમાં ‘ઓફલાઇન’ એવું એક હેડ ઉમેરાયું છે. અગાઉ ગૂગલે ગૂગલ ગિયર્સની મદદથી ઓફલાઇન એક્સેસની સગવડ આપી હતી, પછીથી તેને બંધ કરી દેવામાં આવી હતી. હવે એચટીએમએલની મદદથી આ સગવડ ફરી ઉમેરવામાં આવી છે. અત્યારે ફક્ત ગૂગલ ક્રોમ બ્રાઉઝર, એક એપ્લિકેશન તરીકે આ સવગડ મળે છે. મેઇલ સેટિંગ્સમાંથી અથવા ગૂગલ ક્રોમના વેબસ્ટોરમાં જઈને ઓફલાઇન જીમેઇલ એપ તમારા બ્રાઉઝરમાં ઉમેરી દેશો એટલે આ સગવડ ચાલુ. પછી તમારા જીમેઇલનાં ઓનલાઇન અને ઓફલાઇન વર્ઝન સિંક્ડ રહેશે, નેટ કનેક્શન ન હોય ત્યારે પણ જ્યારે ઇચ્છો ત્યારે ક્રોમમાં જીમેઇલનું ઓફલાઇન વર્ઝન ઓપન કરો, આવેલા મેઇલ જુઓ કે નવા લખો. નેટ કનેક્શન મળશે ત્યારે આપોઆપ નવા મેઇલ સેન્ડ થઈ જશે! આ સગવડ ગૂગલ ડોક્સ અને કેલેન્ડરમાં પણ આવી રહી છે.
સોશિયલ મીડિયાનો બેકઅપ
સોશિયલ મીડિયા સાઇટ્સ પર તમે જે કંઈ પ્રવૃત્તિ કરતા હો, સ્ટેટસ અપડેટ કરો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરો… વગેરે વગેરેનો બેકઅપ લેવો હોય તો? જુદી જુદી સર્વિસમાં કે એડ્ઓન્સની મદદથી તમે આ કામ સહેલાઈથી કરી શકો છો. આમાંથી મોટા ભાગની સર્વિસ ફ્રી છે, પ્રીમિયમ વર્ઝન માટે અલગ અલગ ફી હોઈ શકે છે.
બેકઅપિફાય (https://www.backupify.com/): ટ્વીટર, ફેસબુક, વર્ડપ્રેસ, ડેલિશિયલ, ફ્લિકર, ગૂગલ ડોક્સ વગેરેના તમારા તમામ ડેટાનો બેકઅપ તમે આ સર્વિસની મદદથી લઈ શકો છો.
આર્કાઈવ ફેસબુક: આ ફાયરફોક્સનું એડઓન છે, તેની મદદથી તમે ફેસબુકના તમારા એકાઉન્ટમાંના ફોટોઝ, મેસેજીસ, એક્ટિવિટી સ્ટ્રીમ, ફ્રેન્ડ્સ લિસ્ટ, નોટ્સ, ઇવેન્ટ્સ, ગ્રૂપ્સ વગેરે તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકો છો.
મન ભરીને માણો મન્ના ડે
શાસ્ત્રીય ગીત હોય કે હાસ્યગીત, પ્રણયગીત હોય કે દર્દીલાં ગીત – એ બધાંમાં એકસરખો પ્રાણ પૂરનાર મન્ના ડે વિશેની આ સાઇટ મન્ના ડે સંગીત અકાદમીએ તૈયાર કરી છે. તેની પર લિસ્ટ ઓફ સોંગ્સ વિભાગમાં મન્નાડે એ ગુજરાતી, હિંદી, બંગાળી સહિત સોળ ભાષામાં ગાયેલાં ફિલ્મી અને બિનફિલ્મી ગીતની વિગતો આપવામાં આવી છે. એ ગીતો ક્યાં સાંભળવાં? એવો સવાલ થાય તો ગૂગલ કે યુટ્યૂબમાં જઈને ગીતનું મુખડું લખવાથી ઘણાં ખરાં ગીત મળી રહેવાની પૂરી સંભાવના છે. ફોટોગેલેરીમાં હજુ ઘણી તસવીરો મુકાવી બાકી છે. એબાઉટ હિમ વિભાગમાં મન્નાડે વિશેની વિગતો ઉપરાંત તેમને મળેલાં પદ્મભૂષણ, ડી.લિટ., દાદાસાહેબ ફાળકે એવોર્ડ જેવાં સન્માનનની યાદી છે. ન્યૂઝ વિભાગમાં અખબારોમાં નહીં આવેલા એવા, મન્ના ડેનાં પત્નીના અવસાન (૧૯-૧-૧૨)ના સમાચાર વાંચવા મળે છે. મન્ના ડેનાં ગીતોની વિસ્તૃત યાદીને કારણે આ સાઇટ ઘણી ઉપયોગી છે.
– ઉર્વીશ કોઠારી
ભારેખમ ફાઈલ, ટ્રાન્સફર કરો સહેલાઈથી!
ભારેખમ વીડિયો, ટૂરના બધા ફોટોગ્રાફનું ફોલ્ડર વગેરે તમારે કોઈને મોકલવા હોય અને ફાઈલ કે ઝીપ્ડ ફોલ્ડરની સાઇઝ ૨૦ એમબી કરતાં મોટી હોય તો તમારો ઈ-મેઇલ પ્રોગ્રામ હાથ ઊંચા કરી દેશે? પણ નો પ્રોબ્લેમ! ઇન્ટરનેટ પર એવી કેટલીક સર્વિસ છે જે તમને એક કે બે જીબી જેટલી હેવી ફાઈલ કોઈને મોકલવામાં મદદરૂપ થાય છે. આવી એક સર્વિસ છે https://www.wetransfer.com/ આ સાઇટ ફ્રી છે, બે જીબી સુધીની ફાઈલ ટ્રાન્સફર કરી આપે છે, તમારે રજિસ્ટ્રેશન કરવાની પણ જરૂર નથી અને તમે મોકલેલી ફાઈલ સામેની વ્યક્તિ બે અઠવાડિયાં સુધીમાં ગમે ત્યારે ડાઉનલોડ કરી શકે છે. બોલો હવે આનાથી વધુ શું જોઈએ?

