ગયા મહિને પ્રિન્ટેડ પબ્લિકેશન્સના એક યુગનો અંત આવ્યો! ૨૪૪ વર્ષથી પ્રિન્ટ થતા એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની પ્રિન્ટેડ આવૃત્તિ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું.
અંગ્રેજી ભાષામાં સૌથી વધુ લાંબા સમયથી પ્રકાશિત થતો આ એકમાત્ર સંદર્ભ ગ્રંથનો સંપુટ હતો. એવું કહેવામાં આવતું હતું કે માનવજાતના સમગ્ર જ્ઞાનને આ મહાગ્રંથમાં સમાવી લેવામાં આવ્યું હતું. માનવની જ્ઞાનની ખોજ તો એના અસ્તિત્વ જેટલી જૂની છે, સદભાગ્યે માણસે જેટલી જ્ઞાનની ખેવના કરી એટલી જ મેળવેલા જ્ઞાનને સાચવી લેવાની પરવા પણ કરી. પરિણામે સદીઓથી જુદાં જુદાં સ્વરૂપે વિવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન આપતા સંદર્ભગ્રંથોની રચના થતી આવી છે.
છેક મધ્યયુગથી યુરોપ અને ચીનમાં એન્સાઇક્લોપીડિયાના પ્રકાશનની શરૂઆત થઈ હતી, જોકે ઇંગ્લિશમાં છપાયેલા એન્સાઇક્લોપીડિયાની શરૂઆત અઢારમી સદીથી થઈ.
બ્રિટાનિકા મૂળ કોલિન મેકફર્કવર નામના એક પુસ્તકના વેપારી અને પ્રિન્ટર અને તેના સાથીદાર એન્ડ્રુ બેલના ભેજાની પેદાશ. તેમણે ફ્રેન્ચ ભાષામાંના એન્સાઇક્લોપીડિયાને પગલે ઇંગ્લિશ એન્સાઇક્લોપીડિયાનું સ્વપ્ન સેવ્યું. એમણે ૨૮ વર્ષના વિલિયમ સ્મેલિને તંત્રી તરીકે રોક્યો અને તેને જાડા પેમ્ફ્લેટ જેવા ૧૦૦ ભાગમાં એક એન્સાઇક્લોપીડિયા તૈયાર કરવાનું કામ સોંપ્યું. જોકે ૧૭૬૮માં ડિસેમ્બર મહિનામાં તેનો પહેલો ભાગ (૧૦૦માંનો પહેલો) તૈયાર થયો. પછી દર અઠવાડિયે એક એક ભાગ તૈયાર થતા ગયા અને ૧૭૭૧માં ૨૩૯૧ પાનાંની બ્રિટાનિકાની પહેલી દળદાર આવૃત્તિ તૈયાર થઈ. આ બધાં પાનાંને ત્રણ ગ્રંથનો આકાર મળ્યો અને તેના લગભગ ૩૦૦૦ સેટ વેચાયા.
તેની બીજી આવૃત્તિ ૧૭૮૪માં પ્રસિદ્ધ થઈ. સમય પસાર થતો ગયો તેમ તેમ તેની નવી આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ, તેના માલિકો બદલાયા, તેનું પ્રકાશન સ્થળ પણ ઇંગ્લેન્ડથી અમેરિકા ખસેડાયું, જોકે અમેરિકા ગયા પછી પણ તેની આવૃત્તિઓ બ્રિટિશ ઇંગ્લિશમાં જ પ્રસિદ્ધ થતી રહી. તેની દરેક આવૃત્તિ સાથે તેના ગ્રંથોની સંખ્યા પણ વધતી ગઈ અને ૩૨ના આંકડે પહોંચી.
૧૯૮૦માં માઇક્રોસોફ્ટ કંપનીએ બ્રિટાનિકાની સીડી-રોમ તૈયાર કરવા માટે પ્રયાસ કર્યો, પણ તેની ઓફર નકારી કાઢવામાં આવી. એ સમયે બ્રિટાનિકાના કર્તીહર્તાઓનો વિશ્વાસ હતો કે પેઢી દર પેઢી વારસામાં અપાતા આ જ્ઞાનકોષનું મૂલ્ય ક્યારેય ઘટવાનું નથી અને કંપની હંમેશાં નફો રળતી રહેશે. એમને હતું કે દળદાર ગ્રંથને હાથમાં લેવાથી જે ગૌરવની લાગણી થાય એવી અનુભૂતિ મામૂલી સીડી-રોમ ક્યારેય આપી શકે નહીં.
બ્રિટાનિકાનો સાથ ન મળ્યો તો માઇક્રોસોફ્ટે બીજા એક એન્સાઇક્લોપીડિયાના કન્ટેન્ટનો ઉપયોગ કરીને એન્કાર્ટા નામે એક નવા ડિજિટલ એન્સાઇક્લોપીડિયાને જન્મ આપ્યો.
હવે મજા જુઓ. ૧૯૯૦ના એ સમયમાં બ્રિટાનિકાનું વેચાણ તેની ટોચે પહોંચ્યું હતું, પણ એ અરસામાં વેચાતા લગભગ દરેક કમ્પ્યુટર સાથે લોકોને એન્કાટર્નિી ભેટ મળવા લાગી અને એ સાથે બ્રિટાનિકાનું વેચાણ ગગડવા લાગ્યું. હવે બ્રિટાનિકાના સંચાલકો જાગ્યા અને તેમણે પણ બ્રિટાનિકાની સીડી તૈયાર કરી અને પ્રિન્ટ એડિશન સાથે તેને ફ્રીમાં આપવાની શરૂઆત કરી.
પછીનાં ચાર વર્ષમાં કંપનીએ એન્સાઇક્લોપીડિયાની ઓનલાઇન એડિશન પણ તૈયાર કરી, જેને માત્ર લવાજમધારકો જોઈ શકતા હતા. આ ચાર જ વર્ષમાં, કંપનીનું વેચાણ ૧૯૯૦ કરતાં અડધું થઈ ગયું. ૧૯૯૦માં બ્રિટાનિકાના ૩૨ વોલ્યુમના એક લાખ વીસ હજાર સેટ વેચાયા હતા તે ૧૯૯૬માં ઘટીને ૪૦,૦૦૦ થઈ ગયા.
કંપનીના ફરી માલિકો બદલાયા અને કંપનીએ વધુ ને વધુ ડિજિટલ કન્ટેન્ટ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને છેવટે ૨૦૧૨માં, પ્રિન્ટ આવૃત્તિ પર તદ્દન પૂર્ણવિરામ મુકાયું.
હવે ફરી મજા જુઓ. હવે આ મહાગ્રંથની છેલ્લી છેલ્લી પ્રતો ખરીદવા માટે લોકોએ દોટ લગાવી છે! તેની છેલ્લી વર્ષ ૨૦૧૦ની પ્રિન્ટ આવૃત્તિની ૧૨,૦૦૦ નકલ છપાઈ હતી (જેના એક સેટનું કુલ વજન ૬૨ કિલોગ્રામ હતું અને છાજલી પર તે પૂરા દોઢ મીટર જગ્યા રોકતો હતો). કંપનીના સંચાલકો કહે છે કે બ્રિટાનિકાનું આટલું ઝડપી વેચાણ છેલ્લા કેટલાય સમયથી તેમણે જોયું નહોતું. આ છેલ્લી આવૃત્તિમાં ૪૦૦૦ લેખકોના કુલ ૬૫,૦૦૦ લેખો છે અને તેના લેખકોમાં બિલ ક્લિન્ટનનું નામ પણ છે.
એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ઇન્કોર્પોરેશનના અત્યારના પ્રેસિડેન્ટ કહે છે કે તેની પ્રિન્ટ એડિશન કંપનીની આવકમાં માત્ર ૧૫ ટકાનો હિસ્સો આપતી હતી, બાકીની મોટા ભાગની આવક કંપનીએ જુદી જુદી એજ્યુકેશનલ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ વિકસાવી છે તેમાંથી થશે.
અચ્છા, તો આ હતો ફ્લેશબેક, આપણે જે જ્ઞાનયુગમાં જીવીએ છીએ તેનો. હવે નજર દોડાવીએ હાલની સ્થિતિ પર.
બ્રિટાનિકાની પ્રિન્ટ આવૃત્તિ પર પડદો પડ્યો તેનું સૌથી મોટું કારણ હતું વિકિપીડિયા.
અત્યારે સાયબરજગતની સફરે નીકળો અને ‘વિકિપીડિયા’ તમારી નજરમાં ન આવે, એ તો ચારધામની યાત્રાએ નીકળ્યા હોઈએ અને ક્યાંય ગંગા નજરે ન ચઢે એના જેવી વાત થઈ. ઇન્ટરનેટની દુનિયામાં, સંદર્ભમાહિતીનો અત્યારનો સૌથી લોકપ્રિય અને સૌથી ઝડપથી વિકસતો કોઈ સ્રોત હોય તો તે છે આ વિકિપીડિયા.
મોબાઇલની નવી 4-જી ટેક્નોલોજી વિશે વિગતવાર જાણવું છે? ક્લાયન્ટને મળતાં પહેલાં એમના બિઝનેસની બારીક માહિતી જોઈએ છે? ફિઝિક્સની કોઈ થિયરી વિશે ટીચર કરતાં વધુ માહિતી મેળવી લેવી છે? તો પહોંચી જાઓ વિકિપીડિયા પર.
આપણે જોયું તેમ બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયા જેવા જાતભાતના વિષયની માહિતી ધરાવતા દળદાર ગ્રંથો મોટા ભાગે વિદ્વાનો અને શ્રીમંતોની અલમારીઓમાં જ જોવા મળતા, પણ વિકિપીડિયાએ એનું સ્વરૂપ જ ધરમૂળથી બદલી નાખ્યું.
થેંક્સ ટુ વિકિપીડિયા, હવે ઇન્ટરનેટનું કનેક્શન ધરાવતી કોઈ પણ વ્યક્તિ એને જોઈતી માહિતી મેળવી શકે છે, એટલું જ નહીં, એ ધારે તે લેખ એમાં ઉમેરી શકે છે કે કોઈ લેખ એડિટ કરી શકે છે! ઇચ્છા પડે તો આ લેખ વાંચવાનો પડતો મૂકીને તમે પોતે પણ વિકિપીડિયામાં લેખ લખવા કે એડિટ કરવા પહોંચી જઈ શકો છો!
વર્ષ ૨૦૦૧માં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૮૫,૦૦૦થી વધુ એક્ટિવ કન્ટ્રિબ્યુટર્સે, ૨૮૦થી વધુ ભાષામાં, બે કરોડ દસ લાખથી વધુ લેખ વિકિપીડિયા પર તરતા મૂકી દીધા છે. (૨૦૦૮માં આ આંકડો ૯૦ લાખ હતો!) અત્યારે માત્ર અંગ્રેજીમાં લખાયેલા લેખની સંખ્યા ૩૯ લાખ છે (૨૦૦૮માં વિકિપીડિયા પર ગુજરાતીમાં ૪૦૦ હતા, હવે આ સંખ્યા ૧૦,૦૦૦નો આંકડો વટાવી ગઈ છે!).
દરરોજ અસંખ્ય લોકો, અસંખ્ય લેખોમાં સતત પરિવર્તન કરતા રહે છે અને એ રીતે, વિકિપીડિયાને વિશ્વનો સૌથી તાજી માહિતી ધરાવતો જ્ઞાનકોષ બનાવતા રહે છે. એના નવા પ્રોજેક્ટ્સ પણ ડેવલપ થઈ રહ્યા છે.
જોકે કોઈ પણ એડિટ કરી શકે એવા વિકિપીડિયાની માહિતીની ચોકસાઈ વિશે સવાલો ઊઠે છે. વિકિપીડિયા ઘણી વાર કોઈ મુદ્દે ગરમાગરમ અને ઘણાને બેહૂદી લાગે એવી ચર્ચા કરવાનો ઓટલો પણ બની જાય છે. વિકિપીડિયાનો વિરોધ કરતા લોકોનું પ્રમાણ પણ બહુ મોટું છે. સામે પક્ષે, વિકિપીડિયા તરફથી માહિતીને વધુ ને વધુ અધિકૃત બનાવવાના પ્રયાસો પણ થતા રહે છે. એક રીતે જોઈએ તો વિશ્વમાં માહિતીનો કોઈ સ્રોત સંપૂર્ણપણે અધિકૃત હોતો નથી, ત્યારે એકસાથે અસંખ્ય લોકોની નજરતળે રહેતા લેખોમાંથી તમે તમારા ખપ પૂરતી આચમની તો બેધડક લઈ શકો, સિવાય કે તમારે એ વિષયમાં પીએચ.ડી. થવું હોય!
બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયાની પ્રિન્ટ આવૃત્તિ બંધ થઈ એને નિમિત્ત બનાવીને આપણે વિકિપીડિયાની કેટલીક જાણી-અજાણી રસપ્રદ વાતો પર નજર દોડાવી લઈએ. આપણે આધાર લઈશું જ્ઞાયક્ષ-તશયિં.જ્ઞલિ એ વિવિધ સ્રોતમાંથી માહિતી તારવીને બનાવેલા એક ઇન્ફોગ્રાફિકનો :
- વિકિપીડિયામાં અત્યારે જેટલા લેખ માત્ર અંગ્રેજીમાં આપેલા છે તેનાથી એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના ૯૫૨ ગ્રંથ ભરાઈ શકે છે.
- વિકિપીડિયા અત્યારે ૨.૭ કરોડ પેજીસ જેટલું કન્ટેન્ટ ધરાવે છે.
- વિકિપીડિયાનાં ૯૯ ટકા પાનાં ગૂગલના ટોપ ૧૦ સર્ચ રિઝલ્ટમાંજોવા મળે છે.
- વિદ્યાર્થીઓ હવે લાઇબ્રેરી કરતાં વિકિપીડિયાનો ઉપયોગ વધુ કરે છે. માત્ર ૨૫ ટકા વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જાય છે અને લગભગ ૧૦માંથી આઠ વિદ્યાર્થીઓ તેમના રિસર્ચ માટે પ્રથમ સ્રોત તરીકે વિકિપીડિયા તરફ વળે છે. દર વર્ષે લાઇબ્રેરીનો ઉપયોગ ૧૧ ટકા ઘટે છે અને પુસ્તકોની સંખ્યા ૧૨ ટકા જેટલી ઘટે છે.
- વિકિપીડિયા સૌથી વધુ મુલાકાતીઓની દૃષ્ટિએ છઠ્ઠા નંબરે છે અને તે ૨૫૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
- એક વર્ષમાં ૧.૫૯ અબજ લોકો લાઇબ્રેરીની મુલાકાત લે છે જ્યારે ૫.૭ અબજ લોકો વિકિપીડિયાની મુલાકાત લે છે.
- વિકિપીડિયાનો ઉપયોગ વર્ષે ૨૯ ટકા જેટલો વધે છે, તેના લેખોની સંખ્યા ૨૩ ટકાના દરે વધે છે.
- વિકિપીડિયાનો વાર્ષિક ઓપરેટિંગ ખર્ચ ૨.૧ કરોડ ડોલર આવે છે, જ્યારે માત્ર અમેરિકાની લાઇબ્રેરીઓને નિભાવવાનો વાર્ષિક ખર્ચ ૧૦.૯ અબજ ડોલર આવે છે.
- કોલેજ સ્તરની ટેક્સ્ટ બુક્સની સરખામણીમાં વિકિપીડિયા ૯૮ ટકા સચોટ હોય છે.
- વિકિપીડિયાના એક લેખમાં સરેરાશ ૩.૮૬ ભૂલો હોય છે જ્યારે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ૨.૯૨ ભૂલો હોય છે.
- એન્ટ્રીમાં થયેલી ભૂલો વિકિપીડિયાના નિષ્ણાતો ગણતરીના કલાકોમાં પકડી પાડે છે અને સુધારી લે છે.
- કોઈ પણ યુઝર લેખને સુધારી શકે છે, પરંતુ ૭૪ ટકા સુધારા ૧૪૦૦ લોકોના જૂથ દ્વારા જ કરાય છે.
- ભાવિ આયોજન મુૂજબ ૨૦૧૫ સુધીમાં વિકિપીડિયા તેના મહિલા એડિટર્સની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો કરવા માગે છે અને નિયમિત એડિટર્સની સંખ્યા બે લાખે લઈ જવા માગે છે.
બ્રિટાનિકાના કર્તાહર્તાઓ માનતા હતા કે દળદાર ગ્રંથને હાથમાં લેવાથી જે ગૌરવની લાગણી થાય એવી અનુભૂતિ મામૂલી સીડી-રોમ ક્યારેય આપી શકે નહીં.


