ફોલ્ડર્સની સંખ્યા ૫૪૧. એમાં ફોટોગ્રાફ્સની સંખ્યા સાડા દસ હજાર જેટલી. એમાંથી બે-ત્રણ હજાર ફોટોગ્રાફ ડુપ્લીકેટ.કમ્પ્યુટર પર આ ડુપ્લીકેટનું ભારણ ૧૬ જીબી જેટલું! આ બધા આંકડા તો પિકાસા સોફ્ટવેરને જેટલાં ફોલ્ડર્સ સ્કેન કરવા કહ્યું છે એના જ છે, બાકી રહેતાં ફોલ્ડરમાં શું અને કેટલું હશે એ તો ભગવાન જાણે!
જે મારા કમ્પ્યુરની વાત છે એ ઘર ઘર કી કહાની હોઈ શકે છે. એક સમયે જે બહુ મોંઘો શોખ ગણાતો એ ફોટોગ્રાફી હવે મોબાઇલ ફોન અને ડિજિટલ કેમેરાના પ્રતાપે સૌને પરવડે એવી મનગમતી પ્રવૃત્તિ થઈ ગઈ છે.
અલબત્ત, આ જ કારણે કમ્પ્યુટરમાં ફોટોગ્રાફનો બોજ સતત વધતો જાય છે ને એ સાથે ફોટોગ્રાફ્સને યોગ્ય રીતે મેનેજ કરવાની જરુરિયાત પણ વધતી જાય છે.
તમે એકદમ ઓર્ગેનાઇઝ્ડ વ્યક્તિ હો અને કમ્પ્યુટરના ફોલ્ડરમાં બહુ વ્યવસ્થિત રીતે ફોટોઝ સ્ટોર કરતા હો તો પણ, આ ફોલ્ડર સ્ટ્રક્ચરની ઘણી મર્યાદાઓ છે. એક ટુરમાં લેવાયેલો ફોટોગ્રાફ એ ટુરના ફોલ્ડરમાં મૂક્યો, પણ એ તમારી વ્હાલી દીકરીના ટોપ સ્નેપ્સના ફોલ્ડરમાં પણ જોવો હોય તો? પરિવારના સૌ સ્વજનના ફોટોઝ એમનાં અલગ અલગ આલબમમાં જોવા હોય તો? ફોટોકોલાજ કે ફોટોમાંથી પ્રેઝન્ટેશન કે મૂવી બનાવવી હોય તો? આ બધું કામ હવે સહેલું બન્યું છે, આ અંકમાં અને આવતા અંકોમાં એની વિગતવાર વાત કરીશું. સાથે, ઇન્ટરનેટ પર અલગ અલગ સર્વિસમાં અપલોડ કરેલા ફોટોઝ એક સાથે ઉપલબ્ધ કરતી એક સર્વિસની વાત પણ કરી છે.
આ અંકમાં રોજબરોજના કમ્પ્યુટિંગમાં નડતા પ્રશ્નો અને એના સાદા ઉપાયોની પણ ચર્ચાઓ કરી છે. એક જ વિનંતી છે – બધું એક સાથે વાંચી ન લેતા, ફુરસદે દરેક વાતની અજમાયશ કરશો તો વધુ મજા પડશે! – હિમાંશુ

