એક સમય એવો હતો જ્યારે આપણે સૌ કમ્પ્યુટરના ડેસ્કટોપ પરના પેલા બ્લૂ રંગના જાડાઈને જ ઇન્ટરનેટ સમજતા હતા. વાસ્તવમાં એ ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઈ) નામના બ્રાઉઝરનો આઇકન છે અને ઇન્ટરનેટ સર્ફ કરવા માટે આઇઈ સિવાય બીજાં બ્રાઉઝર પણ હોય એ તો આપણે મોઝિલા ફાયરફોક્સ લોકપ્રિય બન્યા પછી જ ખબર પડી!
મોઝિલા એ વિશ્વસ્તરનું -પ્રોફિટ ધોરણે ચાલતું એક સંગઠન છે, જે વેબને બહેતર બનાવવા માટે પ્રયત્નશીલ છે. આ સંગઠને પહેલી વાર, વિશ્વભરમાં પથરાયેલા ડેવલપર્સે સાથે મળીને તૈયાર કરેલું મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝરનું પહેલું વર્ઝન નવેમ્બર ૨૦૦૪માં લોન્ચ કર્યું હતું. એક હજાર જેટલા સ્વયંસેવકો ફાયરફોક્સને સતત વિકસાવતા રહે છે.
જૂન ૨૦૦૮માં ફાયરફોક્સનું વર્ઝન ત્રણ લોન્ચ થયું ત્યારે પહેલા ૨૪ કલાકમાં ૮૦,૦૨,૫૩૦ લોકોએ તેને ડાઉનલોડ કરીને વિશ્વવિક્રમ સર્જ્યો હતો. અત્યારે વિશ્વમાં ૪૫ કરોડ લોકો ફાયરફોક્સ વાપરે છે અને કુલ ઉપયોગમાં લેવાતાં બ્રાઉઝર્સમાં ૩૦ ટકા ફાયરફોક્સ વપરાય છે! ફાયરફોક્સ ગુજરાતી સહિત ૭૫ ભાષાઓમાં ઉપલબ્ધ છે (http://www.mozilla.org/en/US/firefox/all.html)!
ફાયરફોક્સની આટલી લોકપ્રિયતાનું એક મોટું કારણ છે તેના એડ-ઓન્સ. દુનિયાભરના અનેક ડેવલપર્સે વિકસાવેલાં હજારો એડ-ઓન્સ ફાયરફોક્સ બ્રાઉઝરમાં જુદી જુદી જાતની અનેક ખૂબીઓ ઉમેરે છે. ફાયરફોક્સ ચાલુ કરી, તેમાં addons.mozill.org પર જઈને આ બધાં એડ-ઓન્સની યાદી જુઓ, તમને કામ લાગે તેના પર ક્લિક કરીને તેની વિગતો જુઓ. જે એડ-ઓન ગમે તેને માટે એડ ટુ ફાયરફોક્સ પર ક્લિક કરી દો. સામાન્ય રીતે ફાયરફોક્સનાં એડ-ઓન ઉમેરીને તેને એક્ટિવેટ કરવા માટે ફાયરફોક્સને રિસ્ટાર્ટ કરવું પડતું હતું, હવે ઘણાં એડ-ઓન માટે રિસ્ટાર્ટ જરુરી રહ્યું નથી.
ફાયરફોક્સમાંનાં એડઓન્સ મોટા ભાગે બ્રાઉઝરમાં જુદી જુદી ખૂબીઓ અને સગવડો ઉમેરવા માટેનાં છે. વેબડેવલપર્સ માટે તો આમાં મોટો ખજાનો છે. સરેરાશ યુઝર્સને પણ તેમને ઉપયોગી ઘણું બધું મળી આવશે. સાઇટ પર કલેક્શન્સ વિભાગ ખાસ જોઈ જશો.
ધ્યાન રાખશો
ફાયરફોક્સનાં મોટા ભાગનાં એડ-ઓન્સ મોઝિલાની ટીમે તપાસેલાં અને મંજૂર કરેલાં હોવાથી સલામત હોય છે. ફાયરફોક્સની સાઇટ પરથી જ, આવાં એપ્રૂવ્ડ એડ-ઓન ઇન્સ્ટોલ કરવાં હિતાવહ છે.
મોટા ભાગે એડ-ઓન ઉમેરવાથી ફાયરફોક્સની સ્પીડ ઘટતી નથી, પણ સંખ્યા એડ-ઓન ઉમેરી દેશો તો સ્પીડ પર અસર થઈ શકે છે.
તમે ઇન્સ્ટોલ કરેલાં કેટલાંક એડ-ઓન ફાયરફોક્સના નવા વર્ઝનમાં ન ચાલે એવું બની શકે છે. ફાયરફોક્સનું નવું વર્ઝન અપગ્રેડ કરો ત્યારે સિસ્ટમ આવાં એડ-ઓન વિશે તમને જાણ કરશે.
ફાયરફોક્સ પર એક જ પ્રકારનું કામ કરતાં સંખ્યાબંધ એડ-ઓન હોઈ શકે છે, તેમાંથી કયું પસંદ કરવું એ મૂંઝવણ હોય તો તેની વિગતો ધ્યાનથી તપાસો, ડાઉનલોડ સંખ્યા, રેટિંગ વગેરે જુઓ અને પછી નિર્ણય કરો!
