વિકિપીડિયાએ સહિયારા સર્જનની અનેક દિશાઓ ખોલી આપી છે. દુનિયાભરના ફોટોગ્રાફર્સ એકઠા થઈને આ જ રીતે, વિગતવાર માહિતીના સાથમાં વિશ્વનું સપ્તરંગી દર્શન કરાવે છે એક સાઇટ પર.
કોઈ પણ વિષય પર વિગતવાર અને પ્રમાણમાં વિશ્વસનીય માહિતી મેળવવા માટે હવે આપણને એક વાર વિકિપીડિયા પર આંટો મારી આવવાની આદત પડી ગઈ છે. એ રીતે, જુદા જુદા વિષયના ફોટોગ્રાફ જોવા હોય તો મોટા ભાગે માઉસ આપોઆપ આપણને ફ્લિકર કે ગૂગલ-યાહૂના ઇમેજસર્ચ તરફ દોરી જાય છે. હવે વિચારો કે આપણને મનમાં કોઈ વિષય સ્ફુરે – ધારો કે મંગળનો ગ્રહ કે માઉન્ટ એવરેસ્ટ કે ગમે તે – અને તેના વિશે અદ્ભુત ફોટોગ્રાફ જોવાની ઇચ્છા પણ હોય અને તલસ્પર્શી માહિતી પણ મેળવવી હોય તો?
તો જવું પડે ફોટોપીડિયા પર!
હવે તમે જાણો જ છો તેમ વિકિપીડિયા ઇન્ટરનેટ પર સહિયારી શક્તિથી સર્જાતો માહિતી ખજાનો છે. વિશ્વભરના અનેક લોકો તેમને જે વિષય વિશે ઊંડી માહિતી હોય તે વિકિપીડિયા પર એક લેખના સ્વપમાં મૂકતા રહે છે. બીજા માહિતગાર લોકો તેમાં સંદર્ભે ઉમેરીને તેને વધુ આધારભૂત બનાવે અથવા જરૂરી સુધારાઓ કરે.
આ સહિયારા સર્જનની શક્તિ હવે ઇન્ફર્મેશનનાં જુદાં જુદાં સ્વપોમાં કામે લગાડવામાં આવી રહી છે. હવે તમે તો જાણો જ છે ઇન્ફર્મેશનનું એક અત્યંત પાવરફુલ સ્વરુપ છે ફોટોગ્રાફ. બરાબર વિકિપીડિયાના સ્વપને પકડીને (પણ દેખાવમાં તેના કરતાં ઘણું વધુ આકર્ષક સ્વરુપ અપનાવીને, વાત ફોટોગ્રાફીની છે, શુષ્ક લખાણની નહીં!) ફોટોપીડિયા નામે એક ખરેખર મસ્ત સર્વિસ ડેવલપ કરવામાં આવી છે.
નવ મહિના સુધી પ્રાઇવેટ બીટા વર્ઝનમાં રહ્યા પછી જૂન ૨૦૦૯માં તે પબ્લિક માટે ઓપન થઈ. આ સર્વિસ આમ તો ફોટોશેરિંગ માટેની સાઇટ જ છે, પણ એ ફ્લિકર કે પિકાસા કરતાં ઘણી બધી રીતે જુદી પડે છે.
સૌથી પહેલા તો આ સર્વિસ બે પ્રકારના લોકો માટે છે – તમે ફોટોગ્રાફીના રસિયા હો કે માત્ર ફોટોગ્રાફ જોવામાં અને માહિતી મેળવવામાં તમને રસ હોય, અહીં તમને જલસા પડવાના. બીજું કે તેમાં, ફોટોગ્રાફનું માત્ર શેરિંગ નથી થતું, પણ અનેક પ્રકારના વિવિધ વિષય અનુસાર તેમનું ક્લાસીફિકેશન થાય છે અને એ વિષય અંગેની માહિતી સાથે તેનું ક્લબિંગ થાય છે, અને પછી એ અનુસાર અલગ અલગ પેજ બને છે.
તમને માત્ર ફોટો જોવામાં અને કંઈક જાણવામાં રસ હોય તો ફોટોપીડિયા પર આંટો મારીને બહાર નીકળી શકો છો, પણ એ કોઈ કલાપ્રદર્શનમાં ચક્કર મારીને કોરાધાકોર બહાર નીકળવા જેવું થાય. ચિત્રકાર સાથે ચિત્રમાં બે-ચાર અમીછાંટણાં કરવા મળે તો એની મજા જુદી હોય! ફોટોપીડિયા પર આવી મજા મેળવવા માટે એક વાર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એ પછી, ચાહો તો એની એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે તમારા કમ્પ્યુટર પરથી તમારું ફોટોકલેક્શન અપલોડ કરી શકો છો. અપલોડિંગની ઝંઝટમાં પડ્યા વિના ફ્લિકર કે પિકાસા પરનું કલેક્શન શેર પણ કરી શકાય. ફ્લિકર પરના, ક્રિએટિવ કોમન્સ લાઇસન્સ હેઠળના બીજાના ફોટોગ્રાફ તરફ તમે આંગળી ચીંધીને પુણ્ય પણ કમાઈ શકો.
પછી તો ફોટોપીડિયા પર જ્યોગ્રાફી, ટ્રાવેલ, નેચર, હિસ્ટ્રી, આર્ટ, કલ્ચર, ટ્રાન્સપોર્ટ, સ્પોર્ટ વગેરે અનેક કેટેગરી અને તેની સબકેટેગરી પર ક્લિક કરીને તમારા રસના વિષય પર પહોંચો. ધારો કે તમે તાજમહાલના પેજ પર પહોંચો તો અહીં તમને બીજા લોકોએ એ પેજ પર મૂકવા માટે સજેસ્ટ કરેલા તાજના ફોટોઝ દેખાશે. તમને જે ફોટો ‘કાબિલે તારીફ’ લાગે એને વોટ કરો, વધુ વોટ મેળનારા ફોટોઝ ટોપ પર રહેશે.
મતલબ કે અહીં પૂરી લોકશાહી છે અને એટલે જ આખી વાતમાં ઇન્ટરેસ્ટિંગ એંગલ ઉમેરાય છે.
તમે ફોટોગ્રાફર હો તો અહીં તમારી પ્રોફાઇલ મૂકીને ખરા અર્થમાં ઇમેજ બિલ્ડિંગ કરી શકો છો. જો તમે આઇપેડના નસીબવંતા માલિક હો તો ફોટોપીડિયા પર અત્યારે કેટલીક સરસ એપ્સ બિલકુલ મફતમાં ઉપલબ્ધ છે.
સાઇટનો આંખને જોવો ગમે એવો યુઝર ઇન્ટરફેસ છે. થોડો ફુરસદનો સમય હોય તો અમથી ઝલક મેળવશો તો બહુ સરસ રીતે સમય પસાર થાય તેમ છે!


