આ માદા ઘેટું ઘેટાશાહી માટે નહીં, પણ જન્મની કુદરતી પ્રક્રિયાનો ચીલો ચાતરીને પેદા થવા માટે વિશ્વવિખ્યાત બન્યું. ક્લોનિંગ- એટલે કે સજીવના એક જ કોષમાંથી તેની પ્રતિકૃતિ જેવો આખેઆખો બીજો સજીવ પેદા કરવાની ટેક્નિકથી પેદા થયેલું આ પહેલું સસ્તન પ્રાણી હતું.
સ્કોટલેન્ડના વૈજ્ઞાનિકોએ ક્લોનિંગ માટે કરેલી પ્રક્રિયા ટૂંકમાં આટલી: એક ઘેટાના કોષમાંથી કોષકેન્દ્ર દૂર કરીને ‘ખોખું’ તૈયાર કરવામાં આવ્યું. જેનું ક્લોનિંગ કરવાનું હતું એ ‘દાતા’ ઘેટાના કોષમાંથી કોષકેન્દ્ર અલગ તારવીને, તેને ‘ખોખા’માં ગોઠવવામાં આવ્યું. ત્યાર પછી ઇલેક્ટ્રિક કરંટની મદદથી કોષનું વિભાજન કરવામાં આવ્યું. એ રીતે ગર્ભની પ્રાથમિક અવસ્થા તૈયાર થયા પછી, તેને માદા ઘેટાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવ્યો. એ રીતે, ‘દાતા’ ઘેટાની પ્રતિકૃતિ જેવા ડોલી ઘેટાનો જન્મ થયો. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૩ સુધીનું આયુષ્ય ભોગવનાર ડોલી થકી ક્લોનિંગ કેવળ થિયરીને બદલે નક્કર વાસ્તવિકતા સાબિત થયું.
ડોલી વિશે સ્કોટલેન્ડના નેશનલ મ્યુઝિયમની લિન્ક: http://goo.gl/A6QFw
