પોતાનામાં ખરેખર જેટલી માનસિક, શારીરિક શક્તિ હોય તે મુજબ વાસ્તવિક ધ્યેયો મેળવાય તો ચોક્કસ સફળતા મળે.
પ્રોફેસર પ્રિયાબહેનનું નિદાન ડિપ્રેશનના દર્દી તરીકે થયું છે. તેઓ જ્યારે મારા ક્લિનિકમાં આવ્યાં ત્યારે એ સમજ સાથે જ આવ્યાં હતાં કે મને હતાશાની બીમારી છે. છતાં પણ કેટલીક સ્પષ્ટતાઓ એમણે માગી. એમના પ્રશ્નો કદાચ આપણામાંથી ઘણા બધાના સવાલો હોઈ શકે.
એમણે પહેલો જ સવાલ કર્યો, ડોક્ટર ડિપ્રેશનનાં લક્ષણો ક્યાં હોય? મેં એમને કોમન લક્ષણોનું લિસ્ટ આપ્યું.
- દુ:ખ અને હતાશાની સતત લાગણી
- ભૂખ ઓછી કે વધારે પડતી લાગવી
- ઊંઘમાં અને સેક્સમાં ખૂબ વધારો કે ખૂબ ઘટાડો થવો
- નાનાં-મોટાં કાર્યોમાંથી રસ ઊડી જવો
- આનંદ ઊપજાવે તેવા પ્રસંગોએ પણ આનંદ ન થવો
- નજીવા પ્રસંગોએ ખૂબ દુ:ખ અનુભવવું
- વાતવાતમાં રડવું આવવું
- ગુસ્સો-અનિયંત્રિત થવો તેમ જ ચીડિયાપણું થવું
- નક્કામાપણાની ભાવના થવી
- ક્યાંક ભાગી જવાના કે આપઘાતના વિચારો આવવા
- સતત એવું લાગવું કે આ દુનિયામાં મારું કોઈ કામ નથી અને કોઈ મારું નથી
- સતત એકલતાનો અનુભવ થવો
- ભૂતકાળની ભૂલો માટે અતિશય અપરાધની ભાવના થવી
- વર્તમાન ચિંતાયુક્ત અથવા વિચારશૂન્ય લાગવું
- ભવિષ્ય અંધકારમય લાગ્યા કરવું
પ્રિયાબહેનનો તરત જ બીજો સવાલ આવ્યો, તો પછી કયાં કયાં કારણોસર ડિપ્રેશન થતું હોય છે? મેં એમને મુખ્ય ચાર કારણો સમજાવ્યાં.
આનુવંશિક કારણો : જે વ્યક્તિની ‘ફેમિલી હિસ્ટ્રી’ પોઝિટિવ હોય અર્થાચ ઘરમાં લોહીની સગાઈવાળા કોઈને પણ પહેલાં ડિપ્રેશનનો રોગ થયો હોય છે તેને ડિપ્રેશન થવાનું જોખમ વધારે હોય છે. એવું પણ નથી કે ફક્ત આ સ્થિતિવાળી જ વ્યક્તિઓને ડિપ્રેશન થઈ શકે.
જૈવ રાસાયણિક કારણો : આપણા શરીરમાં કેટલાંક રસાયણો કે જે ચેતાતંત્રમાં પાયાપ સંદેશાવ્યવહાર, નિયમન અને નિયંત્રણની કામગીરી કરે છે તે ‘ન્યુરો ટ્રાન્સમીટર’ના નામથી ઓળખાય છે. સમગ્ર ચેતાતંત્ર મૂળભૂત રીતે અસંખ્ય ચેતાકોષોનું બનેલું છે. બે ચેતાકોષ વચ્ચે અતિસૂક્ષ્મ ખાલી જગ્યા હોય છે જે ‘સિનેપ્સ’ તરીકે ઓળખાય છે. ન્યુરો ટ્રાન્સમીટરનું આવન-જાવન આ સિનેપ્સના ક્ષેત્રમાં મહત્ત્વનું હોય છે. ખાસ કરીને ‘સિરોટોનીન’ નામના ન્યુરો ટ્રાન્સમીટરની ગતિવિધિમાં અનિયમિતતા કે અવરોધ ડિપ્રેશન માટે જવાબદાર મનાય છે.
વાતાવરણજન્ય કારણો : પ્રિયજનનું મૃત્યુ કે વિયોગ, અન્ય સાથે સતત તણાવભર્યા સંબંધો, રોજિંદા જીવનમાં અચાનક મોટા ફેરફાર, નાણાકીય ચિંતા, શારીરિક માંદગી, સ્ટ્રેસ વગેરે. અરે, ક્યારેક નોકરીમાં બઢતી પણ ડિપ્રેશન જન્માવી શકે. કુદરતી કે માનવસર્જિત હોનારતો જેમ કે ભૂકંપ, યુદ્ધ, પૂર, ત્રાસવાદ, વાવાઝોડું વગેરે નકારાત્મક અસરો પેદા કરે છે.
મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો : કેટલાક લોકો જીવન પ્રત્યે પહેલેથી જ નકારાત્મક અભિગમ ધરાવતા હોય છે. જે વ્યક્તિઓની અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે જેમ અંતર વધારે હોય તેમ અસલામતીની લાગણી વધારે હોય છે.
આજકાલ ફૂટી નીકળેલા કેટલાક ‘જબ્બર સફળ બનાવનાર’ લોકો સમાજને કદાચ આ રીતે ગંભીર હાનિ પહોંચાડે છે.
જોકે આમાં અપવાદ હોઈ શકે, પણ સાવધાની સાથેની પોતાના વ્યક્તિત્વની સાચી સમજ આપણને ડિપ્રેશનની ખાઈમાંથી બચાવી શકે. પોતાનામાં ખરેખર જેટલી માનસિક, શારીરિક શક્તિ હોય તે મુજબ વાસ્તવિક ધ્યેયો મેળવાય તો ચોક્કસ સફળતા મળે. નિરાશાવાદી અભિગમ ધરાવનાર લોકો ઝડપથી હતાશામાં સરી પડે છે. જક્કી વલણ પણ સંઘર્ષોને જન્મ આપે છે જે નિરાશાનું મૂળ બની શકે.
કેટલાક સામાજિક રીતરિવાજો, દેખાદેખી પણ હતાશા જન્માવી શકેે. ‘તમે બીજા કરતાં પાછળ છો’ તેવી સતત સંભળાતી-જોવાતી વાતો અને જાહેરાતો એક પ્રકારનું મનોસામાજિક દબાણ ઊભું કરે છે, જેથી તણાવ સાથે ડિપ્રેશન થઈ શકે છે. પ્રિયાબહેનને પણ એવું હતું કે પોતે મોબાઇલના લેટેસ્ટ એપ્સ યુઝ કરવામાં બીજા કરતાં પાછળ છે. પોતે ઇન્ટરનેટનો યુઝ નથી કરતાં. કમ્પ્યુટર જાણનારા પોતાના કરતાં ઝડપથી સફળ થાય છે.
ચિકિત્સા કેવી રીતે?
ડિપ્રેશનના નિદાન માટે કોઈ ટેસ્ટ નથી. આ માટે સાઇકોલોજિકલ ટેસ્ટ દ્વારા અને ક્લિનિકલ ડાયોગ્નોસિસથી ડિપ્રેશનને ઓળખી શકાય. ડિપ્રેશનની સારવાર જુદી જુદી રીતે શકય છે, જેમાં એન્ટિડિપ્રેસન્ટ દવાઓ, સાઇકોથેરપી, કોગ્નિટીવ થેરપી, બિહેવિયર થેરપી, હિપ્નો થેરપી, ગ્રૂપ થેરપી, ફેમિલી થેરપી વગેરેનો સમાવેશ થાય છે.
મોટા ભાગના કિસ્સામાં દવાઓનું યોગ્ય પ્રમાણ અને સાઇકોથેરપીને સંતુલિત રીતે ચાલુ રાખવામાં આવે તેવો દર્દી ચોક્કસપણે રોગમુક્ત થઈ શકે છે. મનોવૈજ્ઞાનિક સારવાર કે મદદ કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે જરુરી બને છે. મનોચિકિત્સા માટે ક્લિનિકમાં જવાથી કોઈ ગાંડુ કે અસ્થિર મગજનું છે તેવું સાબિત થતું નથી. ક્યારેક કાઉન્સેલિંગ કે સલાહ માટે પણ લોકો જતા હોય છે.
આપણા દેશમાં હવે મનોચિકિત્સા લેનાર પ્રત્યે દૃષ્ટિકોણ ઝડપથી બદલાઈ રહ્યો છે. માનસિક તકલીફ પ્રત્યે આપણે સૌએ પાળેલો ‘સામાજિક સંકોચ’ દૂર કરીશું તો માનવતાના નાતે અનેકને નવજીવનનો આનંદ થશે.
પ્રિયાબહેનને સાયકોથેરાપી સાથે કેટલાંક સૂચનો કરવામાં આવ્યાં :
- નિયમિત અને સંતુલિત આહાર લેવો.
- કેફિન અને ખાંડની માત્રામાં નિયંત્રણ મૂકવું.
- દરરોજ ૨૦-૪૦ મિનિટ સુધી કસરત કરવી અથવા ચાલવું, દોડવું કે સાઇક્લિગં કરવું.
- હંમેશાં સ્વચ્છ અને સારાં કપડાં પહેરવાં, વિવિધ લોકોને મળતા રહેવું.
- રમૂજવૃત્તિ વિકસાવો.
- કોમેડી સિરિયલ્સ, નાટક કે ફિલ્મો જોવી.
- મોબાઇલમાં અવનવી ગેમ્સ રમવાનું સૂચન કરવામાં આવ્યું.
- કોલેજમાં બીજા પ્રોફેસર પાસેથી ઇન્ટરનેટનું જરૂરી જ્ઞાન મેળવીને સાયબરસફરનો અદ્ભુત આનંદ કેવી રીતે મેળવી શકાય તે પ્રિયાબહેન શીખ્યાં.


