આપણા જીવનમાં ઇન્ટરનેટનો પ્રભાવ અને પ્રસાર જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ તેની કાળી બાજુનાં જોખમો પણ વધતાં જાય છે. સાયબર ક્રાઇમ અને આઇટી એક્ટ વિશે કેટલીક પાયાની માહિતી.
પાછલા અંકના ‘હેકર કેવી રીતે બનશો?’ લેખ અંગે આપના ફોન-કોલ્સ અને ઈ-મેઇલ્સ બદલ આપ સહુનો અભાર. આ પાનાંઓ પર આવી માહિતી આપતા રહીશું.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના આધુનિક યુગમાં માહિતીક્ષેત્રે હરણફાળ ભરતા નવા જમાનામાં દર સો વ્યક્તિએ સિત્તેર લોકો કમ્પ્યુટર સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છે અને તેમાંથી મોટા ભાગના લોકો સીધા જ કમ્પ્યુટર સાથે સંકળાયેલા છે, એટલે કે તેમનું કામકાજ સંપૂર્ણ રીતે કમ્પ્યુટર પર આધારિત છે. આપ પોતે પણ આ મેગેઝિન વાંચી રહ્યા છો તો તમે પણ તેમાંના જ એક હાઈટેક વ્યક્તિ છો, ખરું ને?
તો સ્વાભાવિક છે કે અપના માટે કમ્પ્યુટર, નેટવર્ક, સોફ્ટવેર, ડેટા સ્ટોરેજ, ઈ-મેઇલ, વેબસાઇટ… વગેરે શબ્દોથી સારી રીતે પરિચિત હશો. આવા જ શબ્દો અને સંસાધનો (હાર્ડવેર, સોફ્ટવેર, નેટવર્ક ડિવાઇસ વગેરે) કે તેનાથી રચાયેલું વિશ્ર્વ એટલે સાયબર સ્પેસ. સાયબર સ્પેસમાં દરેક માહિતી કે કોઈ પણ સંસાધનોનો યોગ્ય રીતે અને યોગ્ય વ્યક્તિ દ્વારા જ ઉપયોગ થવો જોઈએ.
સાયબર ક્રાઇમ : સરળ ભાષામાં કહીએ તો કમ્પ્યુટરની મદદથી કે કમ્પ્યુટર કે નેટવર્કને ટાર્ગેટ બનાવીને કોઈ પણ ગુનો થાય તેને સાયબર ક્રાઇમ કહેવાય અને આવા ગુનેગારોને સાયબર ક્રિમિનલ્સ કહેવાય છે. ટેક્નોલોજીના વધતા જતા ઉપયોગ સામે તેની સામેનાં જોખમો પણ વધતાં હોય છે. આજથી વર્ષો પહેલા જ્યારે બેંકોમાં, બિઝનેસ માટે, શોપિંગ માટે કે મનોરંજન માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ સાવ મર્યાદિત હતો ત્યારે સામાન્ય માણસ આવાં જોખમોથી સુરક્ષિત હતો. જ્યારે આજે સોશિયલ નેટવર્કિંગના જમાનામાં આપણે ડગલે ને પગલે, જાણતાં-અજાણતાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ જ છીએ અને એટલે જ લોકો ઘણી વાર મોટી મુસીબતમાં મુકાઈ જાય છે.
સાયબર ક્રાઇમ આમ તો ઘણા છે, પણ તેમાંથી મુખ્ય અને સામાન્ય ક્રાઇમ્સનાં નામ અહીં આપેલાં છે.
- ઈ-મેઇલ હેકિંગ
- વેબસાઇટ હેકિંગ
- ઓનલાઇન ચીટિંગ
- પાસવર્ડ હેકિંગ
- ફિશિંગ
- હેરેસમેન્ટ
- કોર્પોરેટ ક્રાઇમ વગેરે (યાદી ઘણી લાંબી છે…)
આવા ઘણા ગુનાઓને રોકવા માટે જ સાયબર લો અસ્તિત્વમાં આવ્યો છે. સાયબર સ્પેસ પર થતા અપરાધોને રોકવા માટે સાયબર લો પર પણ અમુક કાયદાઓ લાદવામાં આવ્યા છે.
સાયબર લો મુખ્યત્વે ચાર પાસાઓ પર આધારિત છે.
- સાયબર ક્રાઇમ : સાયબર ક્રાઇમમાં તો અગાઉ જણાવ્યા પ્રમાણે કમ્પ્યુટરની મદદથી કરવામાં આવતા ગુનાઓ સામેલ છે. આજકાલ ઓનલાઇન શોપિંગ અને ઈ-કોમર્સ સંબંધિત સાયબર ક્રાઇમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
- ઈલેક્ટ્રોનિક કે ડિજિટલ સિગ્નેચર – કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઇસને એક્સેસ કરવા માટે વપરાય છે. જેમ કે બાયોમેટ્રિક ફિંગર એક્સેસ, રેટિના એક્સેસ હાર્ટ સ્કેન, ફેસ સ્કેનિંગ વગેરે. ડિજિટલ સિગ્નેચર એ પોતાની ચોકસાઈ અને વિશ્વસનિયતા લોકપ્રિય છે.
- બૌદ્ધિક સંપત્તિ : કોઈની મૌલિક શોધ કે વિચાર સંબંધિત છે. જેમાં કોઈ સોફ્ટવેર, સોર્સ કોડ, વેબસાઇટ, ડિઝાઇન કે બિઝનેસ સ્ટ્રેટેજી હોઈ શકે. કોઈ હાર્ડવેર કે સોફ્ટવેરની પેટર્ન કે ડોમેઇન નેમ પણ બૌદ્ધિક સંપત્તિ કહી શકાય.
- ડેટા પ્રોટેક્શન અને પ્રાઈવસી: જે કોઈ ડેટા છે તે તેના મૂળ માલિક કે અધિકૃત વ્યક્તિને જ મળે અને તે પણ જ્યારે જોઈએ ત્યારે મળે તે પણ અગત્યનું છે. જેમ કે તમારા બેંક એકાઉન્ટનો પાસવર્ડ, તમારો ઈ-મેઇલ, તમારું ફેસબુક એકાઉન્ટ તમે ગમે ત્યારે એક્સેસ કરી શકવા જોઈએ.
સાયબર ક્રાઇમ વધવાનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે.
- ડેટા સ્ટોરેજ માટે કેટલાંય ટૂલ્સ સરળતાથી મળી શકે છે.જેથી ક્રિમિનલ ક્યાંય પણ ડેટા છુપાવી શકે છે.
- રિમોટ એક્સેસ સુવિધા હોવાને લીધે દુનિયાના કોઈ પણ છેડે બેઠેલી વ્યક્તિ ગમે તેને ક્યાંયથી પણ હેક કરી શકે.
- કમ્પ્યુટરની અમુક પ્રોસેસ અને તેના પ્રોગ્રામ્સ જટિલ હોવાથી તેને વાપરતી વખતે લોકો સાવધાન નથી રહેતા અને પછી ફસાય છે. દા. ત. કોઈ મજાનું ગીત કે ગેમ ડાઉનલોડ કરવા માટે જોયાજાણ્યા વિના જ પોતાનું ઈ-મેઇલ આઈડી (અને કોઈ વાર તો પાસવર્ડ પણ) આપી દે છે. ઓનલાઇન શોપિંગ વખતે ખાસ આવું બનતું હોય છે.
- સાયબર ક્રાઇમ પ્રત્યે થતી ઉપેક્ષા પણ સાયબર ક્રાઇમ વધવાનું એક કારણ છે. (ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું? “છોડને, કોણ પોલીસસ્ટેશન જવાની ને રિપોર્ટ લખવાની મગજમારી કરે? બનાવો બીજું!)
- સાયબર ક્રાઇમ થયા બાદ સહેલાઈથી તેના પુરાવાઓનો નાશ કરી શકાય છે એટલે કોઈ પણ ક્રિમિનલ આમાંથી સહેલાઈથી છટકી શકે છે.
આ ચાર મુખ્ય કારણોસર સાયબર ક્રાઇમ દિવસે દિવસે વધી રહ્યા છે. આ સિવાય વધતા જતા ઇન્ટરનેટના ઉપયોગને લીધે કેટલીક એવી વેબસાઇટ અને વીડિયો પણ મળી શકે છે, જે સાયબર ક્રાઇમને ઉત્તેજન આપે છે.
આજે સમગ્ર વિશ્વમાં થતા મુખ્ય ગુનાઓમાં સાયબર ક્રાઇમ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જેના નિરાકરણ માટે વિશ્વસ્તરે અમુક ચોક્કસ કાયદાઓ ઘડવામાં આવ્યા. અમેરિકામાં ૧૦મી યુનાઇટેડ નેશન્સ ઓફ કોંગ્રેસે “Preservation of crime Treatment of Offenders” નામના વર્કશોપના આયોજનમાં સાયબર લો માટે નીચે મુજબ મુદ્દા નિર્ધારિત કર્યાઃ
- અનધિકૃત એક્સેસ
- કોઈ ડેટા કે પ્રોગ્રામને નુકસાન પહોંચાડવું
- ઓનલાઇન જાસૂસી
- કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી
તે સમયે યુ.એસ.ના બધા વ્યવહારો યુ. કે. સાથે થતા હોવાથી યુ. કે.માં પણ સાયબર લો માટે આ જ પદ્ધતિ લાગુ કરવામાં આવી અને ધીમે ધીમે તો ચીન, સાઉદી અરેબિયા, જાપાન, રશિયા અને અંતે આપણે ત્યાં પણ સાયબર લો માટેના એકસરખા નીતિનિયમો લાગુ પાડવામાં આવ્યા છે. આમ છતાં દરેક દેશ પ્રમાણે કાયદાઓમાં થોડા- ઘણા ફેરફારો છે. જેમ કે યુ.એસ.માં ફેડરલ ક્રિમિનલ કોડની કલમ લાગુ પડે છે, દા.ત. અનધિકૃત રીતે કમ્પ્યુટર ડિવાઇસના એક્સેસ બદલ ૧૮ યુ.એસ. સી. ૧૦૨૯ની કલમ લાગુ પડે છે. બ્રાઝિલમાં ટેક્નોલોજિકલ છેડછાડ બદલ ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે.
અરે હા, બ્રાઝિલ પરથી યાદ આવ્યું કે બ્રાઝિલ એ એકમાત્ર એવો દેશ છે જે ઈ-લીડર તરીકે સન્માનિત છે કેમ કે ત્યાંના ૨૩% લોકો Twitter નો ઉપયોગ કરે છે, ૮૬% લોકો પાસે મોબાઇલ ફોન છે, ઓનલાઇન ટાઉનહોલની પણ સુવિધા છે અને મજાની વાત તો એ છે કે તેમની ૨૦૧૦ની વસ્તીગણતરીનો કાર્યક્રમ ૧૦૦% ઓનલાઇન હતો (ભારતમાં આવું ક્યારે થશે એ વિચારવા જેવું ખરું!).
તો ચાલો હવે છેલ્લે જોઈએ કેટલાક દેશોમાં લાગુ પડતા સાયબર લોની એક ઝલક.
- યુ.કે. : કમ્પ્યુટર માઉસ એક્ટ (૧૯૯૦)
- ભારત : આઈ. ટી. એક્ટ. ૨૦૦૦
- હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડ : ઈલે. ટ્રાન્ઝેક્શન એક્ટ, કોપીરાઇટ લો, ટ્રેડ માર્ક્સ લો
- ફિલિપાઇન્સ : ઈ-કોમર્સ એક્ટ
- ઇટલી, કોરિયા : ડિજિટલ સિગ્નેચર લો, પ્રાઇવસી લો , પેટન્ટ લો.
ભારતમાં સાયબર લો
ભારતમાં નીચે પ્રમાણેના સાયબર લો અમલમાં છે.
- IT act 2000
- Relevant Amended Provisions of Indian Panel
- Code 1860, Evidence Act, 1872, Banker’s Book
- Evidence Act 1891, Reserve Bank of India
- IPR Laws
- Right to Information Act 2005 વગેરે
ઉપર્યુક્ત દર્શાવેલી યાદીમાં મુખ્યત્વે IT act ૨૦૦૦નો સમાવેશ થાય છે. મે, ૨૦૦૦માં સંસદના બંને ગૃહો દ્વારા ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું બિલ પાસ કરવામાં આવ્યું જે ઓગસ્ટ ૨૦૦૦માં રાષ્ટ્રપતિ પાસે પહોચ્યું અને બધા જ સાયબર લો આઈ. ટી. એક્ટ ૨૦૦૦માં આવરી લેવાયા. તેનો હેતુ દેશમાં ઈ-કોમર્સને કાયદેસર અને સુરક્ષિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરો પાડવાનો છે, પરંતુ દુર્ભાગ્ય એ છે કે સાયબર ક્રાઇમ પ્રત્યે સેવાઈ રહેલી ઉપેક્ષાને લીધે કે નજરઅંદાજ કરવાની વૃત્તિને લીધે સામાન્ય માણસ આ ક્ષેત્રથી અજાણ રહે છે અને મુસીબતમાં મુકાય છે, પણ ધીમે ધીમે હવે સ્થિતિ સુધરી રહી છે, લોકો સાયબર ક્રાઇમ પ્રત્યે સજાગ થતા જાય છે.
ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં સાયબર સેલ ખૂલ્યાં છે, જ્યાં પોલીસ અધિકારીઓને આઈ. ટી. સંબંધિત કાયદાઓનું તથા સાયબર ક્રાઇમ કેસની તપાસ કરવા માટે તાલીમ અપાઈ રહી છે.
આઈ. ટી. એક્ટ ૨૦૦૦માં જુદા જુદા કાયદાને આવરી લેતા કુલ ૧૦ જેટલા સેક્શન્સ છે, જેમાં મોટા ભાગના સાયબર ક્રાઇમ્સનો સમાવેશ થાય છે, પરંતુ તેના માટે તો તમારે સાયબર લોનાં પુસ્તકો વાંચવા જ પડે.
બાકી ગૂગલ તો છે જ…!!

