ફોટોએડિટિંગ એક ભારે મજાનો વિષય છે, એમાં ઊંડા ઊતરીને શીખો એટલું ઓછું. પણ, એટલો સમય કે ધીરજ તમારી પાસે ન હોય તો એક વેબસર્વિસની મદદથી તમે ફટાફટ ફોટોગ્રાફને ક્રોપ કે રીસાઇઝ કરીને ફેસબુકનું કવર સજાવી શકો છો!
આગળ શું વાંચશો?
- પિકસલ એટલે શું?
તહેવારના દિવસોમાં પરિવાર કે સ્વજનો સાથે માણેલી ખુશીઓને તમે મોબાઇલ કે ડિજિટલ કેમેરાથી સાચવી તો લેતા જ હશો.
અત્યાર સુધી, સમય મળે ત્યારે આપણા ફોટોગ્રાફ્સને કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરીને, સમય મળે ત્યારે ફરી ફરી જોઈને આપણે સંતોષ માનતા, પણ બદલાતા સમય સાથે ફોટોગ્રાફ વિશેની આપણી જરુરિયાતો પણ બદલાતી જાય છે. જેમ કે હવે આપણે ફોટોઝ મિત્રો, સ્વજનો સાથે જુદી જુદી ઘણી બધી રીતે શેર પણ કરવા હોય છે.
આમાં ક્યારેક કેટલીક મયર્દિા આવે છે. જેમ કે, આપણે કોઈ મસ્ત ફોટોગ્રાફ ફેસબુક પર આપણી પ્રોફાઇલના કવર ફોટો તરીકે મૂકવા માગતા હોઈએ, પણ એમાં તો ચોક્કસ સાઇઝના ફોટોગ્રાફ મૂકી શકાય છે. ફોટોગ્રાફની સાઇઝ બદલવી હોય કે તેને કાપીને આપણી મરજી મુજબનો ભાગ દેખાય તેવું (ક્રોપિંગ) કરવું હોય તો?
ફોટો ક્રોપ કરવા હોય તો ગૂગલ પિકાસા કે આપણા કમ્પ્યુટરમાંના પેઇન્ટ જેવા પ્રોગ્રામ માઉસવગા હોય છે. એમાં ક્રોપિંગ પ્રમાણમાં સહેલું છે, પણ ફોટોને ક્રોપ કરી ચોક્કસ સાઇઝના કરવા હોય તો જરા અઘરું કામ છે. પિક્સેલ, ડીપીઆઇ, રેઝોલ્યુશન વગેેરે શબ્દો બહુ અજાણ્યા ન હોય તો તમે ફોટોશોપ જેવા પેઇડ કે જિમ્પ જેવા ફ્રી ફોટોએડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ પણ કરી શકો. પણ, જો તમારે બીજી કોઈ કડાકૂટમાં ઊતરવું ન હોય અને આપણા ફોટોગ્રાફને આપણને જોઈતી સાઇઝમાં કાપકૂપ કરી લઈને ફટાફટ કામ પતાવવું હોય તો તમારે માટે કામની સર્વિસ છે આ (http://cropp.me/).
ઉપયોગમાં બિલકુલ સરળ એવી આ વેબસાઇટ પર પહોંચો, તમારા કમ્પ્યુટરમાંથી જોઈતો ફોટોગ્રાફ અપલોડ કરો. (થેન્કફુલ્લી, તમારે નવું કોઈ એકાઉન્ટ ક્રિયેટ કરવાની જરુર નથી. હાશ, બચ્યા, કેમ?!)
ફોટોગ્રાફ અપલોડ થતાં, ડાબી તરફ એક ફ્રેમમાં એ ફોટોગ્રાફ દેખાશે. ડિજિટલ કેમેરા કે મોબાઇલથી લીધેલા ફોટોગ્રાફ સામાન્ય રીતે લગભગ ચોરસ જેવા (લંબાઈ કરતાં પહોળાઈ જરા વધુ) હોય છે. જ્યારે ફેસબુક પરના કવરફોટોમાં લંબાઈ કરતાં પહોળાઈ ઘણી વધુ હોય છે. અથવા, માની લો કે તમારે કોઈ ફેમિલી ફોટોગ્રાફમાંથી તમારો પોતાનો મસ્ત ક્લોઝઅપ કાપી લઈને તેને ફેસબુક, ટ્વીટર કે પોતાના બ્લોગમાં અવતાર તરીકે યુઝ કરવો છે, તો તેની સાઇઝ પરફેક્ટ સ્ક્વેર જોઈશે. ફેમિલી ટુર દરમિયાન લીધેલા ફોટોગ્રાફ્સને જરા ધ્યાનથી જોશો તો તેમાં કેટલાય ફોટોગ્રાફ એવા મળી આવશે, જેનું કમ્પોઝિશન કે ડાયમેન્શન્સ જરા સરખાં બદલો તો ફોટોગ્રાફમાં રીતસર જીવ આવી જાય તેમ હોય!
ફોટોગ્રાફની આવી બધી જુદી જુદી જરૂરિયાતનો ક્રોપ.મી પર બિલકુલ સરળ ઉપાય મળી જશે. આગળ કહ્યું તેમ ફોટોગ્રાફ અપલોડ કરતાં, ડાબી તરફ ફ્રેમમાં એ ફોટોગ્રાફ દેખાશે. વચ્ચે જુદી જુદી સાઇઝ દેખાશે (બધી સાઇઝ પિક્સેલમાં છે, એ શું છે એ જાણો સાથેના બોક્સમાં). તમારે પોતાનો અવતાર બનાવવો હોય તો ૫૦ x ૫૦ કે ૭૫ x ૭૫ની સાઇઝ આપો. ફેસબુકનો કવર ફોટો તૈયાર કરવો હોય તો ૮૫૦ x ૩૧૫ની સાઇઝ આપો (તમે ઇચ્છો તો એક જ ફોટોગ્રાફ માટે એકથી વધુ સાઇઝ આપી શકો છો). બસ, હવે નીચે આપેલા ‘ક્રોપ યોર ઇમેજીસ’ બટન પર ક્લિક કરી દો. હવે જમણી તરફ તમે આપેલો ફોટોગ્રાફ પસંદ કરેલી અલગ અલગ સાઇઝમાં ક્રોપ થયેલો જોવા મળશે.
દરેક ઇમેજ પર માઉસ લઈ જતાં, એ ફોટોગ્રાફને તેની અસલ સાઇઝમાં એન્લાર્જ કરી શકાશે. એન્લાર્જ કરીને જોતાં એમ લાગે કે ફોટોગ્રાફમાંથી આપણને જોઈતો ભાગ તો કપાઈ ગયો છે, તો તેને એડિટ કરી લો. આમ તો આ સાઇટ કહે છે કે તેનું સ્માર્ટ સોફ્ટવેર ફોટોગ્રાફના સૌથી મહત્ત્વના હિસ્સા ‘સમજીને’ એ જ રીતે ફોટોગ્રાફ ક્રોપ કરે છે. પણ ફેમિલી ફોટોગ્રાફમાંથી આપણો પોતાનો ક્લોઝ અપ ક્રોપ કરવો હોય તો આપણા માટે એ સૌથી મહત્ત્વનો હિસ્સો સમજવામાં સોફ્ટવેર જરુર થાપ ખાશે!
ટૂંકમાં, જોઈએ તે રીતે ફોટોગ્રાફ ક્રોપ થઈ જાય એટલે ‘ડાઉનલોડ ઓલ ક્રોપ્સ’ પર ક્લિક કરો અને તમે આપેલા એક ફોટોગ્રાફમાંથી જુદી જુદી સાઇઝમાં સર્જાયેલા એકથી વધુ ફોટોગ્રાફ ઝિપ ફોલ્ડર સ્વપે તમારા પીસીમાં ડાઉનલોડ કરી લો! અને હા, તમે એક સાથે પાંચ ફોટોગ્રાફ અપલોડ કરીને, એ બધાને વળી અલગ અલગ સાઇઝમાં, એક સાથે ક્રોપ કરી શકો છો.
ફુરસદે શાંતિથી તપાસવા જેવી વેબસર્વિસ છે! એની ટર્મ્સ ઓફ સર્વિસ પર જરા નજર કરી લેશો.
પિક્સેલ એટલે શું?
અગાઉ, જેમને પ્રિન્ટિંગના કામકાજ સાથે પનારો હતો એવા લોકો માટે જ કામનો એવો આ ‘પિક્સેલ’ શબ્દ ડિજિટલ કેમેરા આવ્યા પછી ઘર ઘરમાં જાણીતો થઈ ગયો છે. એ સાથે, વધુ મેગાપિક્સેલવાળો કેમેરા એટલે વધુ સારી ક્લેરિટીવાળો ફોટોગ્રાફ એવી એક માન્યતા પણ ઘર કરી ગઈ છે. વાસ્તવમાં આ ફક્ત અર્ધસત્ય છે.
તમે સારા લેન્સવાળા ૩ મેગાપિક્સેલના ડિજિટલ કેમેરાથી લીધેલી તસવીરને તમારા મોબાઇલના ૫ મેગાપિક્સેલવાળા કેમેરાથી લીધેલી તસવીર સાથે સરખાવી જોશો તો ડિજિટલ કેમેરાની તસવીર વધુ સારી લાગવાની પૂરી શક્યતા છે, કેમ કે તસવીરની ગુણવત્તાનો મોટો આધાર તેના લેન્સ પર છે.
કોઈ પણ પ્રકારે લેવાયેલી ડિજિટલ તસવીરમાં, ફોટોસેન્સરથી મદદથી દેખાતા દૃશ્યને અસંખ્ય નાનાં-નાનાં ચોરસ ટપકાંમાં ફેરવી નાખવામાં આવે છે. દરેક ટપકાનો ચોક્કસ રંગ હોય છે, જે એકબીજા સાથે મળી સુરેખ, સ્પષ્ટ ચિત્ર ઊભું કરે છે. એક મેગાપિક્સેલ એટલે દસ લાખ પિક્સેલ (પિક્ચર ને એલિમેન્ટ શબ્દમાંથી બન્યો ‘પિક્સેલ’ શબ્દ).
વધુ મેગાપિક્સેલવાળો કેમેરા દૃશ્યને વધુ સંખ્યા ધરાવતા પિક્સેલમાં કેપ્ચર કરે એ સાદું ગણિત છે. તો તેનાથી મળતી તસવીરની ગુણવત્તા સારી જ હોયને એ પણ સાદું ગણિત છે. પણ વાસ્તવમાં વધુ સંખ્યામાં પિક્સેલથી ફક્ત એટલો ફાયદો થાય છે કે વધુ પિક્સેલવાળી તસવીરને આપણે વધુ એન્લાર્જ કરી શકીએ છીએ. તમારે તસવીરો ફક્ત કમ્પ્યુટરના નાના મોનિટર પર જોવી હોય કે ૫ x ૬ જેવી સરેરાશ સાઇઝની પ્રિન્ટ કઢાવવી હોય તો ૩ મેગાપિક્સેલના કેમેરા પણ સારું પરિણામ આપે છે. સરખા મેગાપિક્સેલના પણ, વધતી-ઓછી ગુણવત્તાના લેન્સ ધરાવતા કેમેરાથી સારી કે નબળી ગુણવત્તાની તસવીરો મળશે.
આ જ કારણે, સાદા કોમ્પેક્ટ કેમેરા કરતાં એસએલઆર (સિંગલ લેન્સ રિફ્લેક્સ) કેમેરા વધુ સ્પષ્ટ તસવીરો આપે છે. બંને પ્રકારના કેમેરામાં એક સરખા મેગાપિક્સેલ હોય તો પણ, કેપ્ચર થતા પિક્સેલની મૂળ સાઇઝ જુદી જુદી હોય છે. એસએલઆર કેમેરામાં કોમ્પેક્ટ કેમેરા કરતાં ઘણા વધુ ડિજિટલ સેન્સર એરિયાનો લાભ મળે છે, એટલે કે આવા કેમેરા પ્રમાણમાં ઘણા વધુ મોટા પિક્સેલમાં તસવીર કેપ્ચર કરે છે. વધુ મોટા પિક્સેલમાં વધુ પ્રમાણમાં પ્રકાશ ખેંચાઈ શકે છે, પરિણામે વધુ સ્મૂધ અને વધુ ડિટેઇલ ધરાવતો ફોટોગ્રાફ મળી શકે છે. અત્યારે બજારમાં મળતા મોટા ભાગના એન્ટ્રી લેવલના કોમ્પેક્ટ ડિજિટલ કેમેરા ૧૦થી ૧૨ મેગાપિક્સેલના હોય છે. આ કેમેરાથી લીધેલી તસવીરોની તમે એ૩ (એટલે કે સરેરાશ મેગેઝિનનાં ખૂલ્લાં બે પાનાં જેટલી) સાઇઝની સરસ હાર્ડ કોપી પ્રિન્ટ કરાવી શકો છો, પણ એથી મોટી પ્રિન્ટ કઢાવવા જશો તો ‘તસવીર ફાટતી હોય’ એવું લાગે છે એટલે કે તસવીરમાં ચોરસ પિક્સેલ દેખાવા લાગે છે!
આ થઈ તસવીરની હાર્ડ કોપી કાઢીને જોવાની વાત, પણ જો તમે તેને કમ્પ્યુટર કે મોટા સ્ક્રીનના ટીવી પર જુઓ તો તસવીરની સ્પષ્ટતાનો ઘણો આધાર સ્ક્રીનના રેઝોલ્યુશન પર હોય છે, તેની વિગતવાર વાત કરીશું, આગામી કોઈ અંકમાં!


