તમે ક્યારેય બાળકો સાથે એમનાં રમકડાં જાતે બનાવીને પછી રમવાની મજા માણી છે? ‘આઇડિયા અચ્છા હૈ’ એવું તું હોય તો તમે એક હજારથી વધુ આઇડિયા આપે છે અને વીડિયોની મદદથી સમજાવે છે આ મસ્ત વીડિયો બ્લોગ…
હવે તો મૂળ મેળાની મજા જ ઓસરવા લાગી છે એટલે એમાં જોવા મળતાં દેશી રમકડાંની મજાની તો વાત જ શી કરવી?
પણ, શ્રાવણના તહેવારોમાં તમે કોઈ મેળામાં જઈ ચડ્યા હશો ત્યાં મળતાં રમકડાા બદલાયેલા સ્વરુપે તમારું ચોક્કસ ધ્યાન ખેંચ્યું હશે. યાદ છે? પહેલાં મેળામાં ભમરડા, અંગૂઠો દબાવીને બોલાવી શકાય એવા પતરાનાં દેડકા, સાયકલની ટ્યૂબમાં કાપેલી પાતળી પટ્ટી ને એને છેડે પાણી ભરેલા ફુગ્ગા બાંધીને બનાવેલા દેશી ‘યોયો’… આ બધું તો હજી હમણાં સુધી દેખાતું હતું, પણ એથીય અગાઉના વર્ષો જૂના સમયમાં કૂદકો લગાવીએ તો ત્યારે નારિયેળની કાચલી, પતરાંના કટકા ને સળીઓમાંથી બનાવેલાં ગાડાંના રમકડાં મળતાં (ફિલ્મ ‘દો આંખે બારહ હા’માં એ રમકડું ખાસ્સું લોકપ્રિય થયેલું). બાળક દોરી બાંધીને ખેંચે એટલે ગાડું દોડે ને સળીઓ કાચલીના ગારા પર ટ્…ટ્… બોલાવતી જાય.
આ બધાં રમકડાંની મજા એ હતી કે એ જેટલી મજા રમવામાં મજા આપતાં, એટલી જ મજા એની કારીગરી સમજવામાં આવતી. અત્યારનાં કમ્પ્યુટર એઇડેડ મશીનરી બનાવેલાં ઈમ્પોર્ટેડ ટોય્ઝ અને જૂનાં રમકડાં ને ક્યાંય આંટી દે એવાં હોય છે ને એમાં ઓછી મજા છે એવીય નથી.
મુદ્દો એ છે કે પહેલાંના રમકડાં સાદાં હતાં, પણ એવી સાદી કરામતથી બનાવેલાં હતાં કે દાદા ને છોકરાં ધારે તો જાતેય એવું રમકડું બનાવી શકે. આજના રમકડાંમાં દાદાને તો ગતાગમ જ ન પડે, પણ ભણેલી ગણેલી મમ્મીને પણ આખું રમકડું એની સાથે આપેલી વિઝ્યુઅલ ગાઇડ પ્રમાણે એસેમ્બલ કરતાં આંખે પાણી આવી જાય! રમકડું ગોઠવાતાં જ એટલી વાર લાગે કે છોકરાં ને મમ્મી બેઈની ધીરજ ખૂટી જાય અને રમવાનો વખત આવે ત્યારે કોઈ એકનું મોં ચઢી ગયું હોય. એવું જ રમકડું જાતે બનાવવાની તો વાત જ રહેવા દો.
પરિવારના સભ્યો હાથે ચઢે તે વસ્તુમાંથી સાથે મળીને કંઈક ક્રાફ્ટી વસ્તુઓ બનાવે એ પરંપરા ધીમે ધીમે વિસરાતી જાય છે. હવે તો સ્કૂલમાં બાળકોને આવા પ્રોજેક્ટ આપવામાં આવે તો ચાર્જ લઈને એ પ્રોજેક્ટ બનાવી આપવાનો બિઝનેસ લોકોએ શરુ કર્યો છે અને ઘણાં મમ્મી-પપ્પા એ પ્રોજેક્ટ જાતે કરવાથી બાળક કેટલી મજા ને નખશીખ ગમશે એ વિચાર્યા વિના પ્રોજેક્ટ ‘આઉટસોર્સ’ પણ કરી દે છે!
આ બધા ફક્ત આપણા અનુભવો નથી. પૃથ્વી પર આપણાથી બિલકુલ પેલી તરફના છેડે વસતી અમેરિકન પ્રજા પણ આ પ્રકારના અનુભવોમાંથી પસાર થઈ રહી છે. પરંતુ ત્યાં વસતો એક પરિવાર એવો નીકળ્યો જેણે હાથે બનાવેલાં રમકડાં કે એના જેવી બીજી ચીજવસ્તુઓનો જમાનો હવે વીતી ગયો એવો અફસોસ કરતા બેસી રહેવાને બદલે, બીજા કેટલાય પરિવારોએ પણ આ મજાની પ્રવૃત્તિના રવાડે ચડાવ્યા!
મમ્મી-પપ્પા ને ટબૂકડા દીકરાનો આ નાનકડો પરિવાર ન્યૂયોર્કમાં વસે છે. મમ્મી (નામ એમનું મર્વ) એન્જિીયર એ ગણિતમાં ખાંટુ. પપ્પા (નામ મુરત એસિક્ગોઝ) પણ એન્જિીયર એ ક્રિયેટિવ બાબતોમાં એમનું ભેજું બરાબર દોડાવી જાણે. દીકરો આ વર્ષે, ત્યાંના બીજા ધોરણમાં બેઠો, પણ આઇડિયા દોડાવવાની બાબતમાં એનું મગજ પણ મમ્મી-પપ્પા જેવું ચાલે.
આ પરિવારે મમ્મી અને નાનાં છોકરાં ઘરમાં જ આડેઅવળે ખૂણે મળી જતી ચીજવસ્તુઓની મદદી બનાવી શકાય એવી પાર વગરની ક્રાફ્ટ આઇટેમ્સ બનાવતાં શીખવતી વેબસાઇટ બનાવી છે. નામ આપ્યું છે સિમ્પલ કિડ્ઝ ક્રાફ્ટ (http://www.simplekidscrafts.com)
‘સાયબરસફર’ તરફથી મળેલા ઈ-મેઇલનો હૂંફાળો જવાબ પાઠવતાં આ દંપતિએ જણાવ્યું કે તેઓ બંને આઇડી અને વેબ કન્સ્લટીંગના વ્યવસાયમાં છે, પણ ૨૦૦૮માં એમનો દીકરો ચાર વર્ષનો હતો એ અરસામાં બંને દીકરો મજા પડે એવા એજ્યુકેશનલ, સારી ક્વૉલિટીના આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ વીડિયો ઓનલાઇન શોધી શોધીને તેઓ થાકી ગયા.
આ અનુભવે બંનેએ વિચાર્યું કે પોતાના દીકરા અને તેના જેવાં બીજાં બાળકોે મજા પડે એવી ક્રાફ્ટ આઇટમ બનાવતાં શીખવતા વીડિયો જાતે જ તૈયાર કરીએ. તેમણે પોતાની ઇંગ્લિશ અને સ્પેનિસ વેબસાઇટ્સ તથા યુટ્યૂબની ચેનલ પર ફ્રી ઉપલબ્ધ કરવા.
આ રીતે તૈયાર થયો તમામ ઉંમરનાં બાળકોને રસ પડે એવો આ અનોખો વીડિયો બ્લોગ. આ બ્લોગ એ યુટ્યૂબની તેમની ચેનલ પર એક હજારથી વધુ વીડિયો છે એ દર અઠવાડિયે તેમાં નવા વીડિયો ઉમેરાતા જાય છે.
આ બધા જ વીડિયોમાં મોટા ભાગે રીસાયકલ્ડ અને ઇકો-ફ્રેન્ડલી મટિરિયલ, કાગળ, પૂઠા, કાપડ, સ્ટ્રો, રીબન વગેરે ચીજવસ્તુ અને કાતર, ગુંદરને એડહેસિવ ટેપની મદદથી બનાવી શકાય એવી ક્રાફ્ટ આઇટમ્સ, રમકડાં, ગેમ્સ, નાના નાના પ્રયોગો, વગેરે જાતે બનાવતાં શીખવવામાં આવે છે. એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે આ રીતે બનાવેલી વસ્તુ જોવામાં તો સરસ હોય જ, પણ એમનો કંઈક ઉપયોગ કે હેતુ પણ હોય.
બ્લોગ પર એમિલ ક્રાફ્ટ, બલૂ આર્ટ, કલરિંગ પેજીસ, ડ્રોઇંગ ટ્યુટોરિયલ, ફેશ, ફંક્શ, ગેમ્સ, ગિફ્ટ્સ, હેન્ડમેડ ટોય્ઝ, પેપર એન્ડ ઓરિગામી વગેરે કેટેગરીમાં જુદી જુદી વસ્તુ બનાવતાં શીખવતા વીડિયોઝ છે. વીડિયોઝ બહુ નાના છે એ વાતચીતનું માધ્યમ ઇંગ્લિશ હોવા છતાં, જોઈને પણ સહેલાઈથી શીખી શકાય એવું છે.
પેેપરડીશમાં બનતો ટાઇગર કે આઇસ્ક્રીમી સ્ટીક, પેપરક્રલિપ એક સળી ને લોહચૂંબક, આટલી સામગ્રીમાંથી બનતી પાણીમાં તરતી નાની હોડી, ફોટોફ્રેમ, પેનસ્ટેન્ડ વગેરે વગેરે વીડિયો જોઈને તમે કદાચ એમ પણ થશે કે ‘અરે આમાં શું ધાડ મારી!’ મૂળ મુદ્દો પણ એ જ છે – બધું સાવ સહેલું હોય છે, ફક્ત કાગળ, કાતર, ગૂંદર વગેરે લઈે ટાબરિયાંઓ સાથે મચી પડવાનો સવાલ છે. એમને તો કંઇક નવું કર્યાની મજા પડશે જ, તમે એમને બેવડો આંનદ મળશે!
એ હા, આવો વીડિયો બ્લોગ તમે પણ બનાવી શકો કે નહીં?!

