આગળ શું વાંચશો?
- તમારો મેઈલ બીજું કોઈ વાંચી શકે?
- તારી ક્લિકનો બંધાણી….
- ગૂગલ સર્ચ સમજાવતો વીડિયો
તમારો મેઈલ બીજું કોઈ વાંચી શકે?
હમણાં આવી એડ્સનું પ્રમાણ થોડું ઘટ્યું છે, પણ થોડા સમય પહેલાં હરીફ કંપનીઓ એકબીજાની પ્રોડક્ટસ અને બ્રાન્ડ એમ્બેસેડરી ઠેકડી ઉડાવતી જાહેરાતોના રવાડે ચઢી હતી. કોકા-કોલા કંપનીએ વર્લ્ડ કપ સ્પોન્સર કર્યો અને ચારેતરફ ‘ઓફિશિયલ સ્પોન્સર ઓફ વર્લ્ડ કપ’ની જાહેરાતો ચલાવી ત્યારે પેપ્સીએ ‘નથિંગ ઓફિશિયલ એબાઉટ ઇટ’ સ્લોગનનું તીર ફેંકીને યંગ જનરેશનનું દિલ જીતી લીધું હતું અને સાથોસાથ કોકા-કોલા કંપનીના સઢમાંથી હવા કાઢી નાખી હતી, એ યાદ છેને?
કંઈક આવી જ સ્થિતિ હવે ઇન્ટરનેટ પર પણ જોવા મળે એવી શક્યતા છે. હમણાં ગૂગલે તેની પ્રાઇવસી પોલિસી બદલી અને એ મુદ્દે કંપની ભીંસમાં આવી એનો લાભ લઈને માઇક્રોસોફ્ટ કંપનીએ જીમેઇલ પર જોવા મળતી એડને નિશાન બનાવતો એક વીડિયો રિલીઝ કર્યો છે. મજાની વાત એ છે કે એ વીડિયો પાછો ગૂગલની માલિકીના યુટ્યૂબ પર મુકાયો છે!
વીડિયો તમે અહીં (http://goo.gl/XTtqR) જોઈ લેજો, આપણે તેનું બેકગ્રાઉન્ડ જાણી લઈએ. તમે ગૂગલ સર્ચમાં કંઈક લખીને સર્ચ કરો તો તમે જોયું હશે કે સર્ચ રિઝલ્ટની જમણી બાજુએ ગૂગલ જાહેરાતો આપે છે, જે તમારી સર્ચને અનુરુપ હોય છે (આને કોન્ટેક્ટ્સચ્યુઅલ એડવર્ટાઇઝિંગ કહે છે – અંધારામાં ગોળીબાર જેવી નહીં, પણ ચોક્કસ સંદર્ભ ધરાવતી જાહેરાત). તમે હેલ્થ ક્લબ ઇન અમદાવાદ એવું કંઈક સર્ચ કરો, અને અમદાવાદની કોઈ હેલ્થ ક્લબે ગૂગલની જાહેરાત સેવા ગૂગલ એડવર્ડ્સમાં ખાતું ખોલાવ્યું હોય તો તમારા સર્ચ રિઝલ્ટ પેજ પર એ હેલ્થ ક્લબની જાહેરાત જોવા મળી શકે છે.
આ તો સર્ચની વાત થઈ, પણ તમારા કોઈ મિત્રે તમને મેઇલ મોકલ્યો હોય અને તેમાં હેલ્થને લગતી કંઈક વાત હોય તો તમારા ઇનબોક્સમાં જમણી બાજુએ પેલી હેલ્થ ક્લબની જાહેરાત દેખાઈ શકે છે. સર્ચ પેજ તો જાહેર બાબત છે, પણ તમારું ઇનબોક્સ તો તમે પાસવર્ડ આપ્યા પછી જ ખૂલે છે, એ તો તમારી અંગત બાબત થઈ!
આનો ર્અ એવો થયો કે ગૂગલે તમારા મિત્રે તમને મોકલેલો ઈ-મેઇલ વાંચ્યો, તેને લાગ્યું કે તમને અમદાવાદની હેલ્થ ક્લબ વિશે જાણવામાં રસ હોઈ શકે છે એટલે તરત તેણે એ જાહેરાત બતાવી.
હવે ‘ગૂગલે તમારો ઈ-મેઇલ વાંચ્યો’ એ ખરેખર અડધું સત્ય છે. આપણે મોકલેલા કે આપણને મળેલા ઈમેઇલ ગૂગલની સિસ્ટમ ‘વાંચતી’ હોય છે, કોઈ વ્યક્તિ નહીં, પણ માઇક્રોસોફ્ટે આ અડધું સત્ય પકડીને જીમેઇલ (અને જીમેઇલ વાપરનારા લોકો)ની ઠેકડી ઉડાવતો વીડિયો બનાવ્યો. આ લખાય છે ત્યારે યુટ્યૂબ પર સવા બે લાખ જેટલા લોકોએ આ વીડિયો જોયોે છે અને લાઇક/ડિસલાઇક કરનારા લોકોની સંખ્યા લગભગ સરખી જ છે.
આખી વાતમાં મજાનો ટવિસ્ટ એ છે કે હકીકતમાં ગૂગલની માત્ર સિસ્ટમ નહીં, પણ જીવતાજાગતા એન્જિયિર્સ આપણા મેઇલ વાંચી શકે છે. ગૂગલ એપ્સ સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીએ હમણાં ઇન્ટરનેટ પર ઘટસ્ફોટ કર્યો છે કે જીમેઇલ સંબંધિત બહુ થોડા એન્જિયિર્સ, તેમની જવાબદારી મુજબ સર્વર્સ પરના મેઇલ વાંચી શકે છે, જોકે તેઓ મોટા ભાગે મેઇલને સંબંધિત મેટાડેટા વાંચતા હોય છે, આખો મેઇલ નહીં. બાકીના લોકોએ કોઈ મેઇલ વાંચવો હોય તો લેખિતમાં, ચોક્કસ કારણ સાથે અને યુઝરની પ્રાઇવસીનો ભંગ થવાને લગતો કેસ થાય તો તેની કાયદાકીય જવાબદારી સ્વીકારવાની બાંયધરી સાથે વિનંતી કરવી પડે છે.
ટૂંકમાં વાત એટલી કે કોઈ તમારો મેઇલ વાંચી શકે ખરું!
તારી ક્લિકનો બંધાણી…
અત્યાર સુધી આપણે બજર, તમાકુ, અફીણ, ગાંજો, ચરસ, કોકેન કે હેરોઇન જેવાં ડ્રગ્સ વગેરેને જ બંધાણ કરી દેતી વસ્તુ ગણતા આવ્યા છીએ, હવે આ યાદીમાં એક ઉમેરો થાય તેમ છે – ઇન્ટરનેટનો! કોઈ તમારી પાસે સાદી પેન માગે અને તમે તેને યુએસબી પેન ડ્રાઇવ પકડાવો તો ઇન્ફર્મેશન ટેક્નોલોજી તમારા પર હાવી થઈ રહી છે એ નક્કી જાણજો. વાત ત્યાંથી આગળ વધી ગઈ હોય ત્યારે પોતાનાં લગ્ન થઈ રહ્યાં હોય ત્યારે પણ મોબાઇલ પર ચીટકીને પળે પળની વિગતો ફેસબુક કે ટ્વીટર પર અપડેટ કરતા લોકો આ જગતમાં પડ્યા છે. જો તમને અડધી રાતે ઊંઘ ઊડી જાય ને ‘લાવો ઈ-મેઇલ ચેક કરી લઉં અથવા ફેસબુક પર મારા સ્ટેટ્સને કેટલા લોકોએ લાઇક કર્યું એ જોઈ લઉં’ એવો વિચાર આવી જાય (માત્ર વિચાર આવે એટલું નહીં, મોબાઇલ તો ઠીક, પીસી કે લેપટોપ ઓપન કરીને ઇન્ટરનેટ પર લોગ થવાની કસરત પણ રાતના અઢી વાગ્યે કરવામાં આવે) તો સમજી લેવું કે તમે ઇન્ટરનેટનાં બંધાણી થઈ ગયા છો!
આ માત્ર હસવાની વાત નથી, અમેરિકન એસોસિયેશન સાઇકિયાટ્રિસ્ટ એસોસિયેશન તેના સભ્યો માટે ‘ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટેસ્ટિકલ મેન્યુઅલ ફોર મેન્ટલ ડિસઓર્ડર્સ’ (ડીએસએમ) નામે એક માર્ગદર્શિકા પ્રકાશિત કહે છે. માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ માર્ગદર્શિકા બાઇબલ જેવી ગણાય છે. તેમાં વિવિધ પ્રકારની માનસિક બીમારીઓનું લાંબું લિસ્ટ ને તેને સંબંધિત માહિતી આપવામાં આવે છે. આ માર્ગદર્શિકાની હવે પ્રસિદ્ધ થનારી નવી આવૃત્તિમાં, સત્તાવાર રીતે ઇન્ટરનેટના બંધાણને પણ માનસિક બીમારી તરીકે સ્થાન આપવામાં આવે એવી શક્યતા છે. સાચવજો!
ગૂગલ સર્ચ સમજાવતો વીડિયો
કંઈ પણ સર્ચ કરવું હોય તો આપણે ગૂગલ સર્ચના શરણે જઈએ છીએ એ વાત તો જૂની થઈ ગઈ. એ વાત પણ જૂની થઈ ગઈ કે ગૂગલ સર્ચની ઘણી બધી ખૂબીઓ આપણે પૂરેપૂરી જાણતા નથી (સાયબરસફર કોલમ અને વેબસાઇટમાં આ વિશે આપણે વારંવાર વાંચ્યું છે), નવી વાત એ છે કે ગૂગલ સર્ચની લગભગ બધી ખૂબીઓ સહેલાઈથી જાણવાનો એક સરસ નવો રસ્તો આપણને મળ્યો છે!
ગૂગલ સર્ચની ટીમે સર્ચનાં વિવિધ ફીચર્સ સરસ રીતે (પણ ઇંગ્લિશમાં અને ફટાફટ) સમજાવતો વીડિયો (http://goo.gl/cUcxT) તૈયાર કર્યો છે. ગૂગલનું સર્ચ બોક્સ કેલ્ક્યુલેટર છે, ડિક્શનરી છે, યુનિટ કન્વર્ટર છે, ક્રિકેટનો સ્કોર કે મલ્ટિપ્લેક્સમાં ચાલતી મૂવીઝના શોટાઇમ ફટાફટ બતાવે છે. આ બધું લગભગ તમે જાણતા હશો અને ક્યારેક ને ક્યારેક તેનો ઉપયોગ કર્યો છે. આ વીડિયોમાં તેના ઉપરાંતની ખૂબીઓ પણ બતાવી છે, જેમ કે તમે ડેસ્કટોપ પરની ઇમેજને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ગૂગલ ઇમેજ સર્ચમાં અપલોડ કરીને તેને લગતી સર્ચ કરી શકો છો!

