બોન્ડ, જેમ્સ બોન્ડ: ૧૩ એપ્રિલ, ૧૯૫૩
દુનિયા બચાવવાનાં કાલ્પનિક પરાક્રમોથી દુનિયાભરમાં તહેલકો મચાવનાર બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડના પાત્રની પહેલી નવલકથા કેસિનો રોયાલ પ્રકાશિત થઈ. પત્રકારત્વ અને સૈન્યની કામગીરીનો અનુભવ લઈ ચૂકેલા ઇયાન ફ્લેમિંગે એક પક્ષીશાસ્ત્રીના પુસ્તક બોન્ડ્ઝ બર્ડઝ ઓફ વેસ્ટ ઇન્ડિઝ પરથી પોતાના સિક્રેટ એજન્ટ પાત્રનું નામ રાખ્યું જેમ્સ બોન્ડ.
ફ્લેમિંગે આ શ્રેણીની ૧૨ નવલકથાઓ લખી. તેમની કથાઓ ફિલ્મમાં રૂપાંતરિત થતાં તેની લોકપ્રિયતા આસમાને પહોંચી. અવનવાં ઉપકરણો, વિદેશનાં લોકેશન, હેરતઅંગેઝ પરાક્રમો અને મનોરંજનના મસાલાથી ભરપૂર જેમ્સ બોન્ડની ફિલ્મો સફળતાનો પર્યાય રહી છે.

