ઇન્ટરનેટ પર હવે તો કેટકેટલી જગ્યાએ આપણે ખાતાં ખોલાવીએ છીએ! જેટલી નવી સર્વિસ જાણીએ એટલી વાર નવું ખોલવવાનું અને દરેક જગ્યાએ નવો પાસવર્ડ યાદ રાખવાનો. યાદશક્તિની પછી હદ આવે કે નહીં? એક ભેજાબાજે એનો સરસ ઉપાય શોધી કાઢ્યો. એ દરેક સર્વિસમાં પાસવર્ડ રાખે છે Incorrect જ્યારે પણ એ પાસવર્ડ ભૂલી જાય અને ખોટો પાસવર્ડ લખે ત્યારે તરત સિસ્ટમ જ એને યાદ અપાવે – Your password is incorrect!!
આગળ શું વાંચશો?
- કોન્ફિડન્ટ સોફ્ટવેર ડેવલપર
- સમય કેવો બદલાઈ રહ્યો છે
કોન્ફિડન્ટ સોફ્ટવેર ડેવલપર
એક વાર કમ્પ્યુટરનાં સોફ્ટવેર ડેવલપ કરતા એન્જિનીયર્સની એક કોન્ફરન્સ યોજાઈ. ભારતભરના સોફ્ટવેર ડેવલપર્સ ત્યાં એકઠા થયા. કોન્ફરન્સ દરમિયાન એમને એક વિચિત્ર પ્રશ્ન પૂછવામાં આવ્યો – “ધારો કે તમારે એક પ્લેનમાં મુસાફરી કરવાની છે અને તમે પ્લેનમાં ચઢો છો ત્યાં પાયલટ એનાઉન્સમેન્ટ કરે છે કે છે પ્લેનનાં બધાં સોફ્ટવેર તમારી કંપનીએ જ ડેવલપ કરેલાં છે. તમે ધરપતથી પ્લેનમાં બેઠા રહેશો કે ઉતરી જશો? તમામ ડેવલપર્સે એક સાથે કહ્યું કે “ઉતરી જઈશું! સિવાય એક! બધાએ એને પૂછ્યું કે “તમને પ્લેન ક્રેશ થવાનો ડર ન લાગે? પેલાએ ટાઢકથી કહ્યું, “સોફ્ટવેર અમારી કંપનીએ બનાવ્યાં હોય, તો પ્લેન ઉડી શકે તો પડેને? પછી ડરવાની વાત ક્યાં આવી?
સમય કેવો બદલાઈ ગયો છે…
દસ વર્ષ પહેલાં એપ્લિકેશનનો અર્થ અરજી થતો, પ્રોગ્રામને આપણે ટીવી શો તરીકે જ જાણતા, વિન્ડોનો અર્થ બારી જ થતો, કીબોર્ડ નવરાત્રિમાં વાગતું, મેમરી પરીક્ષા સમયે દગો દેતી બાબત હતી, સીડીનો ઉપયોગ ચઢવા ઉતરવા થતો, જો કોઈ જાહેરમાં દીવાલ પાસે અનઝિપ કરતું તો લોકો નાકનું ટેરવું ચઢાવતા, ડ્રાઇવ શબ્દ ક્રિકેટના મેદાનમાં પહોંચાડી દેતો, માઉસ સાચી પૂંછડીવાળા જ હતા, વેબ કહેતાં કરોળિયાનું જાળું જ યાદ આવતું, વાઇરસથી તાવ આવતા અને પેનમાં શાહીનો જ સંગ્રહ થઈ શકતો!
