‘‘મારા ક્લાસમાં બે બારી છે. એકમાંથી અમને જિનિવાની ઓળખ સમું ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું બિલ્ડિંગ દેખાય છે અને જરા દૂર સુધી નજર નાખીએ તો આલ્પ્સની પર્વતમાળા પણ દેખાય. બીજી બારીમાં નજર નાખીએ તો અમારી નજર દુનિયાના ખૂણેખૂણા સુધી પહોંચે છે…’’
જિનિવાની એક સ્કૂલના ટીચરે લખેલા આ શબ્દો જેવું જ કંઈક આપણે જામખંભાળિયા કે જસદણની શાળાના શિક્ષકના મોંએ પણ સાંભળીએ એ દિવસો લગભગ તો આવી જ ગયા છે, કેમ કે રાજ્ય સરકારના પ્રયાસો થકી ગુજરાતનાં ગામડાંની શાળાઓ સુધી પણ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ તો પહોંચવા લાગ્યાં છે, સવાલ ફક્ત આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય રીતે ચાલતું રહે એ સુનિશ્ર્ચિત કરવાનો અને શિક્ષકો ને વિદ્યાર્થીઓને માઉસની પાંખે આખી દુનિયાના પ્રવાસે નીકળવાનું જોમ ચઢે એવું વાતાવરણ સર્જવાનો છે.
કેમ કે હવે ગૂગલ અર્થ નામની આ બીજી બારી આપણને એવી મળી ગઈ છે કે હવે પૃથ્વીનો લગભગ કોઈ ખૂણો આપણી નજરથી બચી શકે તેમ નથી. ગૂગલ અર્થની મદદથી તમે ઇચ્છો તો પૃથ્વી પરના મહાસાગરોમાં ઊંડા ઊતરી શકો છો, એટલું જ નહીં, આકાશમાં લાંબી છલાંગ લગાવી શકો છો ને ચંદ્ર તથા મંગળ પર પર લટાર લગાવી શકો છો, ઘેરબેઠાં, માત્ર માઉસના હળવા ઇશારે!

તમે પણ ક્યારેક તો ગૂગલ અર્થ કે ગૂગલ મેપની અજમાયશ કરી જ જોઈ હશે અને મોટા ભાગે એમાં તમારું ઘર કે ઓફિસ પણ શોધ્યાં હશે, પણ ગૂગલ અર્થની મજા એટલી મર્યાદિત નથી.
આમ તો સદીઓથી માનવીને આ પૃથ્વીની જાણીઅજાણી ભોમકાઓ ખૂંદવાનું ને નવાં નવાં રહસ્યો જાણવાનું કુતૂહલ રહ્યું છે. પૃથ્વીનો તાગ પામવાની માનવજાતની ઝંખના તો માનવજાતિના ઉદભવ સાથે જ પેદા થઈ હશે, પણ એ માટે નક્શા જેવી કોઈક રચના કરવાનો અને તેનો આવડે તેવો ઉપયોગ કરવાની પ્રવૃત્તિનાં મૂળિયાં પણ ૮,૦૦૦ જેટલાં વર્ષ જૂનાં મનાય છે, એટલે તો જ્યાં પહોંચવું જ મુશ્કેલ હોય એવી ગિરિકંદરાઓ ને ગુફાઓમાં પણ પ્રાચીન નકશાઓનાં ચિત્રો મળી આવ્યાં છે.
સદીઓથી ચાલતી રહેલી આ જ્ઞાનની ખોજ આજે એવા તબક્કે પહોંચી છે કે આપણે ઇચ્છીએ ત્યારે કમ્પ્યુટરના મોનિટર કે મોબાઇલની બારીમાંથી સમગ્ર દુનિયામાં ફરી વળી શકીએ છીએ.
હમણાં આવેલા સમાચાર મુજબ, ઇન્ફર્મેશન ટેક્નોલોજીની બંને ટોચની કંપની ગૂગલ અને એપલ વચ્ચે ડિજિટલ મેપ્સમાં સર્વોપરિતા મેળવવાની હરીફાઈ એટલી તીવ્ર બની છે કે ગૂગલે વિશ્ર્વનાં જુદાં જુદાં શહેરોની એરિયલ ફોટોગ્રાફી કરવા સ્પેશિયલ પ્લેનની ખેપ લગાવવાની શરુઆત કરી દીધી છે અને એપલ કંપનીએ અફઘાનિસ્તાનમાં ત્રાસવાદીઓનાં મથકો શોધી કાઢવા સેટેલાઇટ્સમાં જે ટેક્નોલોજી વપરાય છે એ પોતાની મેપિંગ સર્વિસ માટે કામે લગાડી છે. મતલબ કે હવે કોઈ પોતાના ઘરના વરંડામાં છાપું વાંચતું બેઠું હોય તો એનો ચહેરો સુધ્ધાં સ્પષ્ટ જોઈ શકાય એવી ઇમેજીસ ડિજિટલ મેપ્સ પર જોવા મળશે!
ગૂગલ અને એપલ ઉપરાંત માઇક્રોસોફ્ટ, યાહૂ વગેરે પણ ડિજિટલ મેપિંગ સર્વિસમાં આગળ ધપી રહી છે, જોકે આ લેખમાં આપણે સૌને સુલભ એવી ગૂગલ અર્થ સર્વિસનો વિગતવાર પરિચય મેળવીશું.
આગળ શું વાંચશો?
- ગૂગલ અર્થનો પાયો
- ગૂગલ અર્થ ડાઉનલોડ કરો
- ગૂગલ અર્થની પૂરી મજા કઈ રીતે લૂંટીશું?
- તાજમહાલની સફરઃ સ્ટેપ બાય સ્ટેપ
- હિમાલય દર્શન કરો, તમારા પ્લેનની કોકપીટમાંથી
- પોતે ટૂર ક્રિયેટ કરો અને શેર કરો
ગૂગલ અર્થનો પાયો
વર્ષ ૨૦૦૧માં અમેરિકામાં વીડિયો ગેમ બનાવતી એક કંપનીમાં કામ કરવાનો અનુભવ ધરાવતા કેટલાક પ્રોગ્રામર્સે એક કંપની સ્થાપી, નામ આપ્યું કીહોલ. આ પ્રોગ્રામર્સના લીડરનું નામ જોહ્ન હેન્ક. આ ટીમે સેટેલાઇટ ઇમેજીસ ખરીદીને તેને પોતાની કંપનીનાં સર્વર્સમાં નાખી અને આ પોતાના ગેમ ડિઝાઇનના અનુભવને કામે લગાડીને આ ઇમેજીસની મદદથી એક ઓનલાઇન ૩ડી ગ્લોબ બનાવ્યો. એમણે આ કરામતને નામ આપ્યું અર્થ વ્યૂઅર.
વર્ષ ૨૦૦૩ સુધીમાં આ પ્રોગ્રામ અમેરિકન મિલિટરી અને ઇન્ટેલિજન્સ યુનિટ્સ માટે મેપ્સ અને સેટેલાઇટ ઇમેજીસનો હવાલો સંભાળતી નેશનલ જિયોસ્પેશિયલ ઇન્ટેલિજન્સ એજન્સીની નજરમાં આવી ગયો. એજન્સીના અધિકારીઓને વધુ રસ એટલા માટે પડ્યો કે જે કામ કરતાં તેમને મહિનાઓ કે વર્ષો લાગી જતાં હતાં એ કામ – સેટેલાઇટ ઇમેજીસને એકમેક સાથે સાંકળવાનું અને તેમના પર વિવિધ માહિતીનાં લેયર ઓવરલેપ કરવાનું કામ – આ સોફ્ટવેર કલાકોમાં કરી આપતું હતું!
અર્થ વ્યૂઅરનો ઉપયોગ સામાન્ય લોકો પણ કરી શકતા હતા. એમને કમ્પ્યુટરના સ્ક્રીન પર માઉસના ઇશારે પૃથ્વીના ગોળાને આમતેમ ઘુમાવીને તેમાં પોતાનું શહેર કે ઘર જોવાની મજા પડી ગઈ.
લોકોને રસ લેતા જોઈને કીહોલ કંપનીએ કીહોલ માર્કઅપ લેંગ્વેજ (ટૂંકમાં કેએમએલ, જે વર્ષો પછી ગૂગલ અર્થમાં પણ યથાવત્ વપરાવાની હતી અને જબરજસ્ત હિટ પુરવાર થવાની હતી) વિકસાવી, જેની મદદથી લોકો અર્થ વ્યૂઅર પર પોતાનાં પ્લેસીઝ ઉપરાંત લાઇન, આઇકન, ૩ડી મોડેલ્સ વગેરે પણ મૂકી શકતા હતા.
૨૦૦૪માં ગૂગલના સહસ્થાપક સર્ગેઇ બ્રાઇનની નજરમાં આ સોફ્ટવેર આવ્યું. તેમણે અર્થ વ્યૂઅરની કોપી ડાઉનલોડ કરી અને ગૂગલના ટોપ એક્ઝિક્યુટિવ્સની એક મિટિંગ અધવચ્ચેથી અટકાવીને દરેક એક્ઝિક્યુટિવનું ઘર અર્થ વ્યૂઅરમાં જોયું. સર્ગેઇને આ આખી કરામત એવી જચી ગઈ કે ગૂગલે કીહોલ કંપની જ ખરીદી લીધી (કેટલા ડોલરમાં? એ ક્યારેય જાહેર ન થયું!).
ગૂગલે અર્થ વ્યૂઅરનું નામ બદલીને ગૂગલ અર્થ કર્યુ. જોહ્ન હેન્કની આખી ટીમ ગૂગલના હેડક્વાર્ટરમાં આવી ગઈ, જોહ્ન હેન્ક ગૂગલ અર્થ એન્ડ ગૂગલ મેપ્સ ડિવિઝનના ડિરેક્ટર બન્યા!
સામાન્ય લોકો સુધી ડિજિટલ મેપ્સની શક્તિ પહોંચાડવી એ કોઈ નવો આઇડિયા નહોતો. ગૂગલ અને કીહોલ પહેલાં, ૯૦ના દાયકાની શઆતમાં, નેટસ્કેપ કંપનીએ તેનું પહેલું બ્રાઉઝર લોન્ચ કર્યુ એની પણ પહેલાં ઝેરોક્સ કંપનીએ તેની પહેલી ઓનલાઇન મેપિંગ એપ્લિકેશન લોન્ચ કરી હતી.
પશ્ર્ચિમી દેશોના લોકો જુદી જુદી કંપનીઓ દ્વારા મળતી ઓનલાઇન ડ્રાઇવિંગ ડિરેક્શન્સનો પણ ઉપયોગ કરતા હતા. જોકે જાન્યુઆરી ૨૦૦૫માં ગૂગલ મેપ્સનું પહેલું વર્ઝન લોન્ચ થયું અને તેના પાંચ મહિના પછી ગૂગલ અર્થ સ્વરૂપે દુનિયા ૩ડીમાં કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતી થઈ એ પછી ખરા અર્થમાં ડિજિટલ મેપ્સ અને સેટેલાઇટ ઇમેજીસ ઘર ઘરમાં પહોંચી ગઈ.
જેવું ઇન્ટરનેટના કિસ્સામાં બન્યું હતું એવું જ શઆતમાં ડિજિટલ મેપ્સના કિસ્સામાં બન્યું. શઆતમાં વાત વન-વે ટ્રાફિક જેવી હતી – એક તરફથી સર્વિસ પ્રોવાઇડર કંપની ડિજિટલ મેપ્સની સુવિધા આપે અને બીજી તરફ આપણા જેવા સામાન્ય લોકો પોતાના કમ્પ્યુટર કે મોબાઇલ પર આ મેપ્સ જુએ. આ વન-વે ટ્રાફિક ટુ-વેમાં બદલાય તેની પ્રક્રિયા ગૂગલ મેપ્સ અને અર્થ લોન્ચ થયા પહેલાં જ શરુ થઈ ગઈ હતી.
થયું એવું કે પોલ રેડમેકર નામનો એક એનિમેશન પ્રોગ્રામર પોતાના માટે ઘર શોધતો હતો ત્યારે ઘર લે-વેચની જુદી જુદી ક્રેગલિસ્ટની જાહેરાતો (એટલે કે આપણા છાપાની ટચૂકડી જાહેરાતોનું ઓલાઇ વર્ઝન!) અને ત્યાં સુધી પહોંચવા માટેના જુદા જુદા નકશાઓ લઈને બધે ફરતાં તેને નાકે દમ આવી ગયો (આપણે કોઈનું ઘર શોધતા હોઈએ તો ચાર જણને રસ્તો પૂછી લઈએ પણ વિદેશોમાં લોકો મોટા ભાગે નક્શાનો જ આધાર લે છે). તેને થયું કે એક જ નકશા પર બધી જાહેરાતો જોવા મળી જાય તો કેટલું સારું? ભાઈ પોતે પ્રોગ્રામર એટલે જ્યારે થોડા મહિના પછી ગૂગલ મેપ્સ સર્વિસ લોન્ચ થઈ ત્યારે પોલભાઈએ તેનો ઊંડો અભ્યાસ કર્યો.
બે જ મહિનામાં તેણે પોતે વિકસાવેલા સોફ્ટવેરનો ડેમો તૈયાર કર્યો અને પેલી ટચૂકડી જાહેરાતો આપતી ક્રેગલિસ્ટની સંખ્યાબંધ જાહેરાતોને ગૂગલ મેપ પર ઉમેરી દીધી, સાથે ક્રેગલિસ્ટની સાઇટ પર આ ડેમોની લિંક પણ મૂકી. આ આઇડિયા જબરજસ્ત હિટ ગયો, ત્યાં સુધી કે ફરી ગૂગલ કંપનીએ આ પ્રોગ્રામરને પણ પોતાની ટીમમાં સામેલ કરી દીધો, સાથે કોઈ પણ પ્રોગ્રામર આવી નવી શોધ કરી શકે એ માટે ગૂગલ મેપના કોડ સૌ માટે ખુલ્લા મૂકી દીધા.
ગૂગલ સાથે માઇક્રોસોફ્ટ અને યાહૂ પણ ડિજિટલ મેપ્સ સર્વિસમાં આગળ વધી રહ્યા હતા. આ કંપનીઓ પણ ગૂગલને અનુસરી અને ઇન્ટરનેટ પર ડિજિટલ મેપ્સ સાથે ઇન્ટરનેટ પર અન્યત્ર ઉપલબ્ધ અન્ય ડેટાને (જેમ કે આર્ટિકલ્સ, ફોટો, વીડિયો વગેરે) સાંકળીને માહિતીને જુદા જ સ્વરૂપે રજૂ કરતી અનેક વેબસાઇટ્સ શરૂ થઈ. આને મેશઅપ્સ કહે છે. પછી તો ગૂગલે પોતે જ આવું એક મેશઅપ સોફ્ટવેર તૈયાર કર્યું, માય મેપ્સ, જેની મદદથી આજે આપણે ગૂગલ મેપ પર પોતે ઇચ્છીએ એ રીતે અને ઇચ્છીએ એ વિસ્તારનો મેપ તૈયાર કરીને તેમાં ઇમેજ, ટેક્સ્ટ, વીડિયો વગેરે ઉમેરી શકીએ છીએ.
સમય જતાં ગૂગલે સ્ટ્રીટવ્યૂ સર્વિસ પણ લોન્ચ કરી. જેમાં જુદાં જુદાં શહેરોના રસ્તા પર થયેલી ફોટોગ્રાફીની મદદથી તમે એ શહેરમાં લટાર મારતા હો એવો અનુભવ કરી શકો છો!
ગૂગલ અર્થને કારણે લોકોનું અંગત જીવન જાહેર બનવા લાગ્યું છે કે પરમાણુ મથકો, લશ્કરી કેમ્પસ કે સલામતીની દૃષ્ટિએ સંવેદશીનલ એવાં સ્થળોની વિગતવાર માહિતી ત્રાસવાદીઓને સહેલાઈથી મળી જશે એવો ઊહાપોહ તો સતત તો રહે છે. જોકે ગૂગલની દલીલ છે કે ગૂગલ અર્થ પરની તમામ ઇમેજીસ એકથી ત્રણ વર્ષ જૂની હોય છે એ કોઈ પણ મેળવી શકે એવા ઓપન સોર્સીઝમાંથી તે મેળવવામાં આવે છે.
આ પૂર્વભૂમિકા સાથે લઈને વિવિધ સુવિધાનો ઝીણવટભર્યો પરિચય કેળવતાં પહેલાં કેટલીક પ્રાથમિક બાબતો જાણી લઈએ…
- ગૂગલ અર્થમાં કશું જ લાઇવ હોતું નથી. અર્થમાંની ઇમેજીસ એકથી ત્રણ વર્ષ જૂની હોઈ શકે છે.
- અર્થ પર દરેક જગ્યાની હાઇ-રેઝોલ્યુશન ઇમેજ ઉપલબ્ધ નથી.
- ગૂગલ વિવિધ સ્રોત ાસેી સેટેલાઇટ ઇમેજરી, એરિયલ ઇમેજીસ એ ઇન્ફર્મેશ કલેક્ટ કરે છે અને તેે અર્થમાં વિવિધ લેયર્સ સ્વરુપે, ફીચર્ડ ટૂર રુપે કે ગેલરી સ્વરુપે રજૂ કરે છે.
- ગૂગલી બિઝનેસ સર્વિસમાં આપણે આપણો બિઝનેસ ઉમેર્યો હોય તો તે ગૂગલ અર્થ પર જોઈ શકાય છે, પરંતુ તેનું માર્કિંગ બિલકુલ સચોટ ન પણ હોઈ શકે.
- આપણે અર્થમાં આપણી ઇચ્છા અનુસાર લેવલ, પ્લેસમાર્ક વગેરે ઉમેરી શકીએ છીએ, ને વિવિધ સ્થળ માય પ્લેસીઝ તરીકે સેવ કરી શકીએ છીએ, પણ એ બધું બધાને દેખાતું નથી. ગૂગલ મેપ્સમાં આવી જાણકારી આપણે સૌ ઉપલબ્ધ કરી શકીએ છીએ.
તો આટલી પ્રાથમિક જાણકારી સાથે, હવે વિચારોને આપો પાંખો…
ગૂગલ અર્થ ડાઉનલોડ કરો
http://www.google.com/earth પર જાઓ, ડાઉનલોડ લિંક પર ક્લિક કરી સેટ અપ ફાઈલ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી લો. એ ફાઈલને રન કરો અને ગૂગલ અર્થ ફટાફટ ઈન્સ્ટોલ થઈ જશે. અર્થની સાઈટ પરની જુદી જુદી લિંકસ તપાસવાનું ભૂલશો નહીં. આ સાઈટ પરથી તમને ગૂગલ અર્થને વિવિધ રીતે માણવાની ભરપૂર માહિતી મળશે.
ગૂગલ અર્થની પૂરેપૂરી મજા કઈ રીતે લૂંટીશું?

- ગૂગલ અર્થ પર વિશ્વપ્રવાસનો પ્રારંભ થાય છે અહીંથી. આ સર્ચબોક્સમાં કંઈ પણ લખો અને પૃથ્વીનો ગોળો ઘૂમીને એ સ્થળ પર સ્થિર થશે!
- આ છે અર્થનો મુખ્ય ભાગ – ૩-ડી વ્યૂઅર વિન્ડો.
- આ ટૂલબારમાંના દરેક બટન વિશે બાજુમાં સમજ આપી છે.
- આ નેવિગેશન કંટ્રોલની મદદથી તમે ઝૂમ કરી શકો છો કે ૩-ડી વ્યૂને જુદી જુદી દિશામાં ઘુમાવી શકો, તેમ જ એરિયલ વ્યૂ કે ગ્રાઉન્ડ-લેવલ વ્યૂમાં જઈ શકો છો.
- અહીંથી તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગઇન થઈ શકો છો. એ પછી તમે ગૂગલ અર્થમાં જે જુઓ તે સેવ કરીને ગૂગલ પ્લસમાં શેર કરી શકો છો કે કોઈને ઈ-મેઇલ કરી શકો છો.
- આ લેયર્સ પેનલ છે. ગૂગલ અર્થમાં પ્રોગ્રામ પાર્ટનર્સ દ્વારા જે વિવિધ પ્રકારની માહિતી ઉમેરાય છે તે વિવિધ લેયર્સ સ્વરુપે ઉમેરાય છે. તમે જુદાં જુદાં લેયર ઓન-ઓફ કરીને અલગ અલગ માહિતી જોઈ શકો છો.
- આ પ્લેસીઝ પેનલ છે. અહીં તમે ગૂગલ અર્થ પર તમે પોતે કોઈ પ્લેસમાર્ક મૂકો કે ટૂર રેકોર્ડ કરો તો એ બધું અહીં સેવ થાય છે. તે રીતે બીજાએ રેકોર્ડ કરેલી ટૂર તમે અહીંથી જોઈ શકો છો.
- અહીંથી તમે પ્લેસીઝની અંદર સર્ચ કરી શકો છો.
- અર્થ ગેલરી એ આ પ્રોગ્રામનો કદાચ સૌથી રોમાંચક ભાગ છે. કેમ કે અહીંથી તમે જુદા જુદા લોકોએ ગૂગલ અર્થ પર તૈયાર કરેલું કન્ટેન્ટ ઇમ્પોર્ટ કરીને જોઈ શકો છો. જેમ કે ગેલેરીમાં ટ્રાવેલ સેક્શનમાં જઈને તમે વોલ્ટ ડિઝની વર્લ્ડ માટે વ્યૂ નાઉ પર ક્લિક કરશો તો આખું ડિઝની વર્લ્ડ તેની ૩-ડી ઇમેજીસ સાથે તમને જોવા મળશે!
- આ સ્ટેટસ બાર ૩-ડી વ્યૂઅરમાં દેખાતી ઇમેજરી વિશે માહિતી આપે છે.
- ટોચના મેનુમાં વ્યૂમાં ઓવરવ્યૂ મેપનો ઓપ્શન ઓન કરશો તો અહીં સમગ્ર પૃથ્વીના નકશાના સંદર્ભમાં જે તે સમયે તમે કયો ભાગ જુઓ છો તે જોવા મળશે.

તાજમહાલની સફર : સ્ટેપ બાય સ્ટેપ
- તમે પહેલી વાર ગૂગલ અર્થ ઓપન કરશો એટલે સ્ક્રીન પર પૃથ્વીનો ગોળો ઘૂમીને ભારતને કેન્દ્રમાં લાવીને સ્થિર થશે.
- હવે ડાબી તરફ સૌથી ઉપરના સર્ચ બોક્સમાં Taj Mahal, Agra, Uttar Pradesh લખી સર્ચ કરશો એટલે પૃથ્વીનો ગોળો ફરી જાણે જીવંત થશે અને ઉત્તર પ્રદેશ પર ઝૂમ થઈ સમગ્ર આગ્રા શહેરનો એરિયલ વ્યૂ બતાવતાં સ્થિર થશે. સ્ક્રિન પર કેન્દ્રમાં તાજ, તાજ પાછળ યમુના નદી, તાજની આગળના ભાગમાં આગ્રા શહેર… બધું જ તમે જોઈ શકશો.
- હવે જમણી તરફ ઉપર આપેલી નેવિગેશન પેનલનો ઉપયોગ કરો અથવા માઉસના સ્ક્રોલ બટનની મદદથી તાજમહાલના પરિસર પર ઝૂમ ઇન કરો. નેવિગેશન પેનલનાં બટન્સ પર જરા હાથ અજમાવીને શો ફેરફાર થાય છે તે જોવાનું ભૂલતા નહીં!
- આપણે તાજને આકાશમાંથી તો જોયો, હવે તેને જમીન પરથી નિહાળીએ. એ માટે, નેવિગેશન પેનલમાં એક માણસ જેવી ઇમેજ આપી છે. તેને માઉસથી ડ્રેગ કરીને તાજના પરિસરના બરાબર કેન્દ્રમાં લાવીને મૂકો. તમને મોટા ભાગે બાજુમાં આપેલી ઇમેજ જેવું કંઈક દેખાશે.

- જો તમને જમીન પરથી તાજ દેખાય નહીં તો આ સમય છે ડાબી પેનલમાં નીચે આપેલાં લેયર્સનો ઉપયોગ કરવાનો. લેયર્સમાં ૩ઉ ઇીશહમશક્ષલત ચેકબોક્સમાં ટિક કરશો એટલે સ્ક્રીન પર તાજ જીવંત થશે!
- હવે તાજના પરિસરમાં થોડી લટાર લગાવીએ! માઉસના સ્ક્રોલ બટનને આગળ-પાછળ કરી જુઓ. તમે બરાબર તાજ સામે હશો અને સ્ક્રોલ બટન પાછળ ફેરવશો તો તાજથી દૂર જતાં જતાં સંકુલના મુખ્ય પ્રવેશદ્વારની બહાર નીકળી જશો! ફરી સ્ક્રોલ બટન ફેરવી સંકુલમાં દાખલ થાઓ અને તાજને નજીકથી જુઓ.
- અત્યાર સુધી આપણે ગ્રાઉન્ડ લેવલ વ્યૂમાં હતા. ફરી એરિયલ વ્યૂમાં જવું હોય તો ઉપર જમણે તેનો ઓપ્શન આપ્યો છે. હવે લેયર્સમાં ફોટોઝ પર ટિક કરશો તો તાજના અસંખ્ય ફોટોગ્રાફના આઇકન દેખાશે. આ અર્થના યૂઝર્સે મૂકેલા ફોટોઝ છે. ગમે તેના પર ક્લિક કરો અને ફોટોગ્રાફ માણો.
- ફરી લેયર્સમાં ઝંપલાવો. જુદાં જુદાં લેયર્સને ઓપન કે ક્લોઝ કરો અને તેની સ્ક્રીન પર શી અસર થાય છે તે તપાસો. યુટ્યૂબ કે વિકિપીડિયાનાં લેયર્સ ટિક કરીને સ્ક્રીન પર ઝીણવટભરી નજર દોડાવશો તો તાજની આજુબાજુમાં ક્યાંય વિકિપીડિયાનો આઇકન નજરે ચઢી જશે. બધાં લેયર્સ બંધ કરી માત્ર વિકિપીડિયાનું લેયર ઓપન રાખશો તો આઇકન શોધવો સહેલો બનશે. તેના પર ક્લિક કરો એટલે તાજની અપાર માહિતી તમારી સામે!
હિમાલયદર્શન કરો, તમારા પ્લેનની કોકપીટમાંથી!
આંખો બંધ કરો. (વેઇટ! તો આગળ વાંચશો કેમ?) અસર ઓછી થશે, પણ ખુલ્લી આંખે કલ્પના કરો. તમે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે નં. ૨ પર પ્લેનમાં બેઠા છો. પ્લેન રનવે પર સરકવાનું શરૂ કરે છે. પ્લેન બરાબર ગતિ પકડે છે એટલે તમે (યસ, પાઇલટ તમે જ છો!) થ્રોટલને હળવેકથી નીચેની તરફ ખેંચો છો અને પ્લેન હવામાં તરવા લાગે છે… હવે તમારી આંખો સમક્ષ ખૂલે છે ચોતરફ વિસ્તરતી હિમાલયની બરફાચ્છાદિત પર્વતમાળા…!
ગૂગલ અર્થમાં ફ્લાઇટ સિમ્યુલેટરની મદદથી આ શક્ય છે. ટોચના મેનુમાં ટૂલ્સમાં જાઓ અને તેમાં એન્ટર ફ્લાઇટ સિમ્યુલેટર (અથવા Ctrl+Alt+A)નો વિકલ્પ પસંદ કરો. હવે જે વિન્ડો ખૂલે તેમાં તમારું પ્લેન પસંદ કરો. સિલેક્ટ યોર સ્ટાર્ટ પોઝિશનમાં એરપોર્ટના વિકલ્પમાં જઈને કાઠમંડુ પસંદ કરો. સ્ટાર્ટ ફ્લાઇટ પર ક્લિક કરો ને થઈ જાવ ઊડવા માટે તૈયાર!
જે સ્ક્રીન દેખાય તેના કેન્દ્રમાં માઉસથી ક્લિક કરશો એટલે માઉસના એરોને બદલે પ્લસ જેવી નિશાની થઈ જશે. હવે કીબોર્ડમાં પેજ અપ બટન દબાવી રાખો એટલે તમારું પ્લેન રનવે પર દોડવા લાગશે. થોડી સ્પીડ પકડે એટલે હળવેથી માઉસને પાછળની બાજુ ખેંચશો એટલે તમારું પ્લેન હવામાં તરતું થઈ જશે. પછી તો માઉસને ઉપર-નીચે કે ડાબે-જમણે લઈ જશો તેમ પ્લેન પણ જે તે દિશામાં જશે (પ્રેક્ટિસ થતાં વાર લાગશે કેમ કે પ્લેન માઉસ કરતાં ઊંધી દિશા પકડશે).
શરુઆતમાં ફાવશે નહીં અને પ્લેન નીચે ખાબકશે. એ સ્થિતિમાં તમે ફરી એકડેએકથી શરુઆત કરી શકો છો, પણ જો રિઝ્યુમ ફ્લાઇટનો વિકલ્પ પસંદ કરશો તો પ્લેન આપોઆપ હવામાં તરતું થઈ જશે.
આ બધી પળોજણમાં પડવું ન હોય તો પહેલા કદમ તરીકે, એરપોર્ટને બદલે કરન્ટ વ્યૂનો વિકલ્પ પસંદ કરો. એ માટે પહેલાં, કોઈ ચોક્કસ સ્થળે પહોંચી જાવ, જેમ કે નાયગ્રા ફોલ્સ કે અમદાવાદનું કાંકરિયા. હવે વાયા ટૂલ્સ ફ્લાઇટ સિમ્યુલેટરમાં પહોંચો, કરન્ટ વ્યૂ પસંદ કરો અને સ્ટાર્ટ યોર ફ્લાઇટ!
પ્લેન લેન્ડ કેમ કરવું એ શીખવા માટે (http://goo.gl/JNF76) પેજ પર જાવ અથવા પ્લેનને ક્રેશ થવા દો!
પોતે ટૂર ક્રિયેટ કરો અને શેર કરો
અર્થમાં બીજાએ બનાવેલી ટૂર જોવાની મજા છે, તેના કરતાં તમારી પોતાની ટૂર બનાવવાની મજા વધુ છે! આપણે ભારતીયોમાં કદાચ સૌથી વધુ જાણીતી ચારધામ યાત્રાને ઉદાહરણ તરીકે લઈએ. દેવભૂમિ તરીકે જાણીતા આ પ્રદેશનું કુદરતી સૌંદર્ય કોઈના પણ દિલને સ્પર્શી જાય એવું છે!
- અર્થ નવેસરથી ચાલુ કરો. કેન્દ્રમાં ભારત દેખાશે.
- ટોપ મેનુબારમાં રેકોર્ડર બટન પર ક્લિક કરો.
- ૩-ડી વ્યૂઅરમાં નીચે રેકોર્ડર બટન દેખાશે. તમારા કમ્પ્યુટરમાં વોઇસ રેકોર્ડિંગની સુવિધા હોય તો તમે પ્રવાસનું વર્ણન પણ ઉમેરી શકો છો.
- રેકોર્ડ બટન ઓન કરો અને યાત્રાનો પ્રારંભ હરિદ્વારથી કરવા સર્ચબોક્સમાં હરિદ્વાર, ઉત્તરપ્રદેશ સર્ચ કરો.
- તમે ઊડીને હરિદ્વાર પહોંચશો. લેયર્સ પેનલમાં ૩-ડી બિલ્ડિંગ્સને ઓન રાખજો. અહીં હરકી પૌડી પર ઝૂમ ઇન કરો. ચાહો તો, નેવિગેશનમાં આપેલા માણસને ડ્રેગ કરીને ગ્રાઉન્ડ લેવલ જાઓ.
- જે તે સ્થળે, ટોપ મેનુબારમાંના આઇકનનો ઉપયોગ કરીને તમે પ્લેસમાર્ક, લેબલ, ઇમેજ, વધુ માહિતી માટેની લિંક વગેરે ઉમેરી શકો છો.
- આ રીતે હરિદ્વાર-હૃષિકેષ ઘૂમી વળ્યા પછી, એ જ રીતે યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, રુદ્રપ્રયાગ વગેરે એક પછી એક સર્ચ કરતા જાઓ, ઊડીને એ સ્થળે પહોંચો, ત્યાંનાં નિકટ દર્શન કરો અને આગળ વધો.
- યાત્રા આનંદપૂર્વક સંપન્ન કરીને હરિદ્વારા પરત ફરો અને રેકોર્ડર સ્ટોપ કરો.
- યાત્રા સેવ કરવાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી આ સમગ્ર યાત્રા પ્લેસીઝમાં સેવ થશે.
- યાદ રહે, આ યાત્રા અર્થના બીજા યુઝર્સને દેખાશે નહી, પરંતુ ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થઈ તમે તમારી યાત્રા બીજાને મેઇલ કરી શકો છો કે ગૂગલ પ્લસમાં શેર કરી શકો છો. એ લોકો તમારી યાત્રાને ડાઉનલોડ કરીને અર્થમાં ઓપન કરી જોઈ શકશે!
અવકાશમાં ઉડાન કે મહાસાગરોમાં ડૂબકી
ટોપ મેનુ બારમાંના બટનની મદદથી સ્કાય મોડ પસંદ કરો. હવે ૩-ડી વ્યૂઅરમાં પૃથ્વીના ગોળાને બદલે બ્રહ્માંડ વિસ્તરતું દેખાશે!
હવે અવકાશમાં સીધું ઝંપલાવવાના બદલે ડાબી તરફની પેનલમાં પહોંચો. ત્યાં સૌથી પહેલાં બધાં જ લેયર્સ અનચેક કરો અને એક પછી એક લેયર્સ ઓન કરીને તપાસતા જાવ. અવર સોલર સિસ્ટમમાં તમે બ્રહ્માંડમાં સૂર્ય પણ કેટલો નાનો છે એ જોઈ શકશો. હબ્બલ શોકેસમાં હબ્બલ ટેલિસ્કોપમાંથી લેવાયેલી ઇમેજીસ જોઇ શકશો. દરેક લેયરમાં થોડા થોડા ઊંડા ઊતરતા જશો તો સમય ઓછો પડશે એ નક્કી.
મહાસાગરમાં ડૂબકી લગાવવા બે વાતની ખાતરી કરવી પડશે, ટોચના મેનુમાં વ્યૂમાં વોટર સરફેસ સામે ટિકમાર્ક છે તે જે જોઈ લો ને પછી ટૂલ્સમાં ઓપ્શનમાં શો ટીરેઇન સામેના ચેકબોક્સને યસ કહી દો.
હવે લેયર્સમાં ઓશન મેનુમાં પહોંચો. આ મેનુ એક્સ્પાન્ડ કરી, માત્ર Shipwreck લેયર ઓન કરો. હવે સર્ચ બોક્સમાં Titanic લખીને સર્ચ કરો. પૃથ્વીનો ગોળો ઘૂમશે, અને આપણે મહાસાગરમાં ડૂબકી લગાવીને, સાગરના તળિયે પડેલા ટાઇટેનિક શિપના બે ટુકડા સુધી પહોંચીશું. પછી શિપના ૩ડી મોડેલને અંદર-બહારથી તપાસી શકો છો! ઓશન મેનુનાં જુદાં જુદાં લેયર્સ ઓન કરો અને જામનગરના પરવાળાના ટાપુ પણ જુઓ!
ડગ માંડીએ ચંદ્ર અને મંગળ પર
ટોપમેનુબારમાં મૂનનો ઓપ્શન સિલેક્ટ કરો અને પહોંચો ચંદ્ર પર! એ પછી પહેલું કામ લેયર્સમાં મૂન ગેલરી તપાસવાનું કરો. બધાં લેયર્સ ઓન કરીને એપોલો મિશન્સમાં એપોલો-૧૧ પર ડબલ ક્લિક કરશો એટલે ચંદ્ર પર હરણફાળ ભરતાં તમે જ્યાં ચંદ્ર પર માનવે પહેલવહેલો પગ માંડ્યો એ સ્થળે પહોંચી જશો. ૩-ડી મોડેલ્સનું લેયર ઓન હશે તો ચંદ્રયાનનું મોડેલ પણ જોઈ શકશો. સાથે જે વિન્ડો ખૂલે તેમાં આ યાત્રાની વિગતો મળશે.
ચંદ્ર પર માઉસને જરા અમથું હલાવતાં લાંબા કૂદકા મારતાં આગળ વધશો એ ખાસ નોંધશો!
મંગળ પર પહોંચવા માટે ફરી ટોપ મેનુબારમાં માર્સ સિલેક્ટ કરો. ડાબી તરફના લેયર્સમાં માર્સ ગેલરીનાં જુદાં જુદાં લેયર ઓન કરો અને જે આઇકન દેખાય તેના પર ક્લિક કરીને મળતી માહિતી સમજવાનો પ્રયાસ કરો. શઆતમાં બધાં લેયર્સ બંધ રાખીને મંગળની ધરતીનાં નિકટનાં દર્શન કરો. પછી એક પછી એક લેયર્સ ઓપન કરતા જાવ. લેયર્સમાં ૩-ડી મોડેલ લેયર્સ ઓપન કરશો એટલે મંગળ પર યુએસએએ મોકલેલા માર્સ ફિનિક્સ લેન્ડરનું મોડેલ જોઈ શકશો.
વર્ષો સુધી માનવજાત માટે અજાણ્યા રહેલા ગ્રહ વિશે હવે માનવ કેટલું જાણે છે એ ગૂગલ અર્થ જેવા પ્રોગ્રામની મદદથી હવે આપણે પણ જાણી શકીએ છીએ!

