ઈ-મેઇલની સુવિધા આપણા રોજિંદા કામકાજમાં એટલી હદે વણાઈ ગઈ છે કે હાથેથી પત્રો લખવાની વાત જ ભૂલાવા લાગી છે, તો કબૂતર કે ઘોડેસવારો દ્વારા સંદેશા મોકલવાનો જમાનો તો કેટલો દૂરનો લાગે! આ અંકમાં ઈ-મેઇલ પહેલાંનો સંદેશવ્યવહાર અને ઈ-મેઇલ આવ્યા પછી તેનો મહત્તમ લાભ લેવાની વાત, એ બંને પાસાં આવરી લેવાનો પ્રયાસ કર્યો છે.
યાહૂ, હોટમેઇલ વગેરે ઈ-મેઇલ સર્વિસ વર્ષોથી લોકપ્રિય રહી છે અને જીમેઇલના આવ્યા પછી પણ, ખાસ કરીને યાહૂની લોકપ્રિયતા ખાસ ઘટી હોય એવું લાગતું નથી. પણ, જીમેઇલના આગમનથી ઈ-મેઇલમાં સંખ્યાબંધ નવાં નવાં પરિવર્તનો આવ્યાં અને આ ક્ષેત્રના જૂના જોગીઓને પણ એ રસ્તે ચાલવાની ફરજ પડી. જેમ કે વર્ષોથી યથાવત રહેલા હોટમેઇલને આઉટલૂક નામે નવું સ્વરુપ મળ્યું ત્યારે તેમાં જીમેઇલથી પણ ચઢિયાતી સેવાઓ ઉમેરવામાં આવી. તમે જીમેઇલનો ઉપયોગ કરતા હશો તો આ અંકની કવરસ્ટોરી દેખીતી રીતે ઉપયોગી થશે. અન્ય સર્વિસનો ઉપયોગ કરતા હશો તો આ પ્રકારની ખાસિયતો તેમાં શોધવાની ઇચ્છા જાગશે!
ફેલિક્સ બોમગાર્ટનરના હવે જગવિખ્યાત બનેેલા આકાશી કૂદકા વિશે આ અંકમાં જે અછડતી વાત કરી છે, એ ખાસ નોંધપાત્ર એટલા માટે છે કે વિશ્વસ્તરની આવી કોઈ પણ ઘટના બને તો તેનાં કેટકેટલાંય પાસાંની વિસ્તૃત માહિતી ઇન્ટરનેટ પર હવે ઉપલબ્ધ હોય છે. ફેલિક્સની વેબસાઇટ જોયા પછી, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો અખબારોથી સંતોષ માનવાને બદલે ઇન્ટરનેટ પર વધુ વિગતવાર માહિતી શોધતા થશે એવી આશા છે! ‘સાયબરસફર’નું ધ્યેય ફક્ત માહિતી આપવાનું નથી, જાતે માહિતીની ખોજ માટે પ્રોત્સાહન આપવાનું છે.
આપ સૌના આગ્રહથી ‘સાયબરસફર’માં ઇન્ટરનેટ ઉપરાંત, કમ્પ્યુટરના ઉપયોગને લગતી માહિતી પણ હવે વધુ ને વધુ આવરી લઈએ છીએ. આપના અભિપ્રાયો જરુર જણાવશો!
– હિમાંશુ

