આપણે ઈ-મેઇલ લખ્યો અને મેઇલ મેળવનારે વાંચ્યો – વાત ફક્ત આટલી ટૂંકી છે, પણ આ બે તબક્કા વચ્ચે શું થાય છે?
તમે તમારા કમ્પ્યુટરમાંનો આઉલૂક કે મોઝિલા થંડરબર્ડ જેવો કોઈ ઈ-મેઇલ પ્રોગ્રામ ખોલ્યો અથવા સીધા ઇન્ટરનેટ પર જઈને યાહૂ કે જીમેઇલમાં લોગ-ઇન થયા, કમ્પોઝ મેઇલ પર ક્લિક કરી, તમારા મિત્રનું ઈ-મેઇલ આઇડી લખ્યું, વિષય લખ્યો, કંઈક સંદેશો લખ્યો અને સેન્ડ બટન પર ક્લિક કર્યું. આપણું કામ પૂરું! હવે તમારા મિત્ર તમારી જ ઓફિસમાં બાજુના ટેબલે બેઠા હોય કે પૃથ્વીના બીજા છેડે વસતા હોય, ઘડીના છઠ્ઠા ભાગમાં તમારો ઈ-મેઇલ એમના ઇનબોક્સમાં દેખાશે. તમારા મિત્ર ઓનલાઇન હશે તો ત્યારે જ એ મેઇલ વાંચવાનું શરુ કરશે.
વાત તો આટલી જ છે, આ આખી વિધિમાં તમારા કમ્પ્યુટર અને તમારા મિત્રના કમ્પ્યુટર કે ટેબલેટ કે સ્માર્ટફોન વચ્ચેની ઈ-મેઇલની સફર કેવી રહે છે? તેમાં કેવા કેવા વળાંક અને કેવા કેવા પડાવ આવે છે? ATTSavings.com નામની એક કંપનીએ તૈયાર કરેલા એક ઇન્ફોગ્રાફિકની મદદથી, સાત પગલાંની આ સફર સમજવાનો પ્રયાસ કરીએ :
- તમે એક ઈ-મેઇલ સંદેશના સ્વપમાં ડેટા એન્ટર કરો છો. તમારું કમ્પ્યુટર આ ડેટા ઝડપથી મુસાફરી ખેડી શકે એ માટે તેને જુદાં જુદાં પેકેટ્સમાં વિભાજિત કરી નાખે છે. તમામ પેકેટ વધુ વિભાજિત થાય છે અને અલગ અલગ રસ્તે મૂળ મંઝિલ તરફ આગળ વધે છે. વચ્ચે તે મોડેમ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (આઇએસપી) અને નેટવર્ક હબ જેવા જુદા જુદા તબક્કા વટાવે છે. આ દરેક તબક્કે ડેટાની કોપી થાય છે અને કોપી થયેલો ડેટા આગળ વધે છે, મૂળ ડેટા નહીં.
- તમારું મોડેમ ડેટાને જુદાં જુદાં કમ્પ્યુટરના નેટવર્કથી બનેલા ઇન્ટરનેટ તરફ આગળ ધપાવે છે.
- બાઇટ ડેટા તરીકે ઓળખાતા આ ડેટાની તમારી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની કોપી કરે છે અને ઇન્ટરનેટ પર આગળ ધપાવે છે. એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની દર સેકંડે સેંકડો ગીગાબાઇટ્સની સંખ્યામાં આ રીતે ડેટા આગળ ધપાવતી હોય છે.
- આઇએસપીથી આગળ વધેલો ડેટા સમગ્ર વિશ્ર્વમાં પથરાયેલાં સંખ્યાબંધ નેટવર્ક હબ્સમાંથી પસાર થાય છે. આપણા ઈ-મેઇલનો ડેટા કેટલી ઝડપથી આગળ ધપશે તેનો આધાર આવાં ઇન્ટરનેટ હબ્સ વચ્ચેના ભૌગોલિક અંતર અને આપણા ઈ-મેઇલના ડેટાની સાથે બીજો કેટલો ડેટા સફર કરી રહ્યો છે તેના પર આધાર રાખે છે, પણ આ ડેટા વેબ પર દર સેકંડે ૩૦ કરોડ મીટરની ઝડપે આગળ વધી શકે છે, પ્રકાશની ઝડપ લગભગ આટલી જ છે!
- હવે આપણા ઈ-મેઇલની મંઝિલ નજીક આવી રહી છે. આપણો ડેટા ઈ-મેઇલ મેળવનારના આઇએસપી સુધી પહોચે છે.
- આઇએસપી તરફથી તે ઈ-મેઇલ મેળવનારના મોડેમમાં પહોંચે છે. બીજાથી છઠ્ઠા તબક્કા દરમિયાન, આપણા ઈ-મેઇલની સાથોસાથ બીજા અનેક લોકો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈને ઈ-મેઇલ્સ મોકલતા અને મેળવતા હોય છે અને વેબબ્રાઉઝિંગ કરતા રહેતા હોય છે. આપણો ડેટા આ બધાની વચ્ચેથી માર્ગ કાઢતો આગળ વધે છે.
- ઈ-મેઇલ મેળવનારનું કમ્પ્યુટર તેને મળેલાં ડેટાનાં જુદાં જુદાં પેકેટ્સ એકઠાં કરે છે. આ રીતે તમે મોકલેલો ડેટા ફરી તમે લખેલા ઈ-મેઇલના સ્વરુપમાં ફેરવાય છે અને તમારા મિત્ર એને પોતાના સ્ક્રીન પર વાંચે છે!

