તમારા કમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે – વિન્ડોઝ એક્સપી કે વિન્ડોઝ-૭? જવાબમાં બે શક્યતા છે, કાં તો તમે માથું ખંજવાળશો અથવા કહેશો કે હવે તો વિન્ડોઝ-૮ની વાત કરો!
કમ્પ્યુટરનો ઉપયોગ કરતા લોકો આ બે અંતિમ છેડામાં વહેંચાયેલા છે, એક જે નવો નવો પરિચય કેળવી રહ્યા છે અને બીજા જે લેટેસ્ટ અપડેટ્સથી પરિચિત છે. તમે આ બંનેમાંથી કયા વર્ગમાં છો એ હું નથી જાણતો, પણ ‘સાયબરસફર’માં તમને રસ પડે એવું કંઈક ને કંઈક મળી રહે એવો અમારો સતત પ્રયત્ન રહે છે. આ અંકની કવરસ્ટોરી એવો જ એક પ્રયાસ છે. જેના આધાર પર આપણું કમ્પ્યુટર ચાલે છે એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં પાર વગરની ખૂબીઓ છે, જે મોટા ભાગે આપણાથી અજાણી રહે છે. નવું નવું કમ્પ્યુટર શીખતા હો તો પહેલેથી આ ખૂબીઓ જાણી લો, ખાસ્સો અનુભવ હોય તોય કેટલુંક કામનું મળી રહેશે ને તમારું કામ વધુ ઝડપી અને સરળ બનશે એ નક્કી.
તમને અને તમારા કમ્પ્યુટર કે ઇન્ટરનેટના અનુભવને જરા વધુ સારી રીતે જાણવા માટે જ અમે એક નાનકડા સર્વેક્ષણનું આયોજન કર્યું છે. આપ દસેક મિનિટ જેટલો સમય ફાળવશો અને duplics.cybersafar.in સાઇટ પર જઈને આ સર્વેક્ષણનું ફોર્મ ભરી આપશો તો આપની જરુરિયાત અનુસાર ‘સાયબરસફર’માં યોગ્ય ફેરફારો કરવામાં અમને ઘણી મદદ મળશે.
ગયા અંકની કવર સ્ટોરીના ‘સ્માર્ટ વર્કિંગ’ વિચારને આગળ ધપાવતાં આ અંકમાં તમારા રોજબરોજના કામમાં ઉપયોગી થાય એવી જુદા જુદા પ્રોગ્રામની ખાસિયતો વર્ણવી છે. મેથગુરુ કે સાયન્સ સાઇટ્સ વિદ્યાર્થીઓને ખાસ કામમાં આવશે, કિડ્ઝ ક્રાફ્ટ કે રિવાઇન્ડમાં આપેલી વ્હાય્ઝ જેવી સાઇટની વાત પોતાના સંતાનના ઘડતરમાં ઊંડો રસ લેતાં મા-બાપને ગમશે.
તમારા અભિપ્રાય જરુર જણાવતા રહેશો.
– હિમાંશુ

