સીડી-ડીવીડીનો ઉપયોગ હવે તદ્દન સામાન્ય થઈ પડ્યો છે, પણ તેના વિવિધ પ્રકાર વિશે સામાન્ય રીતે સૌને ઓછી જાણકારી હોય છે. અહીં આપી છે આવી કેટલીક પાયાની માહિતી…
આગળ શું વાંચશો?
- સીડી-આર (કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડર)
- સીડી-આરડબલ્યુ (કોમ્પેક્ટ ડિસ્ક રિરાઈટેબલ)
- ડીવીડી+/ આર (ડિજિટલ વર્સટાઈલ ડિસ્ક)
- ડીવીડી+/આરડબલ્યુ
- ડીવીડી+/આર ડીએલ
- ડીવીડી-આરએએમ
- કમ્પ્યુટર માટે કેવી મલ્ટિમીડિયા ડ્રાઈવ પસંદ કરશો?
- સીડી અને ડીવીડીની પાયાની જાણકારી
- સીડી અને ડીવીડીના સંગ્રહમાં સાવધાની
સીડી-આર (કોમ્પેક્ટ ડિસ્ક-રેકોર્ડર)
સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સીડી. આ સીડીમાં આપણે આપણા કમ્પ્યુટરમાંની માહિતી રેકોર્ડ કરી શકીએ. આ પ્રકારની સીડીમાં આપણે જે માહિતી સ્ટોર કરીએ તે કાયમ માટે સ્ટોર થઈ જાય છે, તેને ભૂંસી શકાતી નથી. સીડી-આરમાં સામાન્ય રીતે ૭૦૦ એમબી જેટલો ડેટા સ્ટોર થઈ શકે છે, એટલે કે તેમાં લગભગ ૮૦ મિનિટનો ઓડિયો, સેંકડો હાઈ-ક્વોલિટી ડિજિટલ ઇમેજ અને નાની વીડિયો ફાઈલ્સ સ્ટોર કરી શકાય છે. બજારમાં મિની સીડી-આર (જેમાં ૧૮૦ એમબી ડેટા સ્ટોર થાય) અને બિઝનેસ કાર્ડ સીડી-આર (જેમાં ૫૦ એમબી ડેટા સ્ટોર થાય) પણ મળે છે.
સીડી-આરડબ્લ્યુ (કોમ્પેક્ટ ડિસ્ક-રિરાઇટેબલ)
આ પ્રકારની સીડી પણ માહિતી સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાય છે, પણ તેમાં તેના નામ પ્રમાણે ડેટા રિરાઇટ કરી શકાય છે, એટલે કે એક વાર તમે માહિતી સ્ટોર કરો, પછી તેને ભૂંસીને તેમાં નવી માહિતી સ્ટોર કરી શકાય છે.
ડીવીડી +/- આર (ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક)
અગાઉ ડિજિટલ વીડિયો ડિસ્ક તરીકે પણ ઓળખાતી આ ડિસ્ક સીડી કરતાં વધુ ડેટા સ્ટોર કરી શકે છે. ડીવીડીમાં મોટા ભાગે ૪.૭ જીબી જેટલો ડેટા સ્ટોર થઈ શકે છે. + આર પ્રકારની ડીવીડી – આર કરતાં ટેક્નોલોજીની રીતે વધુ ચઢિયાતી હોય છે.
ડીવીડી +/- આરડબ્લ્યુ
સીડીની જેમ જ, તેના નામ પ્રમાણે રિરાઇટ કરી શકાતી ડીવીડી. આ પ્રકારની ડીવીડીમાંનો ડેટા ભૂંસીને તેમાં નવો ડેટા સ્ટોર કરી શકાય છે. આ પ્રકારની ડીવીડીમાં લગભગ ૧,૦૦૦ વાર નવો ડેટા ઉમેરી શકાય શકાય છે. જોકે હોમ ડીવીડી પ્લેયર્સમાં આ પ્રકારની ડીવીડી ચલાવવામાં ક્યારેક મુશ્કેલી આવી શકે છે. સામાન્ય રીતે, – આરડબ્લ્યુ પ્રકારની ડીવીડીમાં બધો ડેટા ભૂંસીને નવો ડેટા સ્ટોર કરી શકાય છે, જ્યારે + આરડબ્લ્યુ પ્રકારની ડીવીડીમાં, આખી ડીવીડી ભૂંસ્યા વિના નવો ડેટા ઉમેરી શકાય છે.
ડીવીડી +/- આર ડીએલ
આ ડીવીડી ડ્યુઅલ અથવા તો ડબલ સાઇડેડ ડીવીડી તરીકે ઓળખાય છે. આ ટેક્નોલોજી જૂની છે, પણ બજારમાં આ પ્રકારની ડીવીડી હવે મળતી થઈ છે. ઉપરાંત, આ ડીવીડીની ડબલ લેયર ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે આપણી પાસે તેને કમ્પેટિબલ હોય તેવું ડિસ્ક રાઇટર હોવું જરુરી છે. આમાં ૯ જીબી જેટલો ડેટા સ્ટોર થઈ શકે છે.
ડીવીડી – આરએએમ
આ ૪.૭ જીબીની રેન્ડમ એક્સેસ મેમરી ડિસ્ક છે, જે લગભગ એક લાખ વાર રિરાઇટ થઈ શકે છે અને નિષ્ણાતો કહે છે કે આ ડીવીડી લગભગ ૩૦ વર્ષ સુધી ચાલી શકે છે. આ પ્રકારની ડીવીડી ફક્ત ડીવીડી-આરએએમ પ્લેયર્સમાં જ ચાલી શકે છે.
કમ્પ્યુટર માટે કેવી મલ્ટિમીડિયા ડ્રાઇવ પસંદ કરશો?
તમે નવું કમ્પ્યુટર ખરીદો ત્યારે તેમાં જુદા જુદા ઘણા પ્રકારની મલ્ટિમીડિયા ડ્રાઇવ નાખવાના વિકલ્પો હોય છે. આ વિકલ્પોની થોડી સામાન્ય જાણકારી :
- સીડી-રોમ ડ્રાઇવ : આ સીડી-રોમ ડ્રાઇવ તમામ પ્રકારની સીડી જેમ કે સીડી-રોમ, સીડી-આરડબ્લ્યુ, સીડી-આર અને ઓડિયો સીડી પ્લે કરી શકે છે. જોકે આ ડ્રાઇવમાં રેકોર્ડિંગની ક્ષમતા હોતી નથી.
- સીડી-આરડબ્લ્યુ ડ્રાઇવ : આ ડ્રાઇવ પણ તમામ પ્રકારની સીડી જેમ કે સીડી-રોમ, સીડી-આરડબ્લ્યુ, સીડી-આર અને ઓડિયો સીડી પ્લે કરી શકે છે. ઉપરાંત, તેમાં સીડી-આર અને ડી-આરડબ્લ્યુમાં ડેટા રાઇટ કરવાની સગવગ પણ હોય છે.
- ડીવીડી-રોમ ડ્રાઇવ : આ પ્રકારની ડ્રાઇવ ડીવીડી-રોમ ડિસ્ક અને તમામ પ્રકારની સીડી જેમ કે સીડી-રોમ, સીડી-આરડબ્લ્યુ, સીડી-આર અને ઓડિયો સીડી રીડ કરી શકે છે, પરંતુ તેમાં ડેટા રેકોર્ડ કરવાની ક્ષમતા હોતી નથી.
- સીડી-આરડબ્લ્યુ / ડીવીડી-રોમ કોમ્બિનેશન ડ્રાઇવ : આ પ્રકારની ડ્રાઇવ તમામ પ્રકારની સીડી અને ડીવીડી-રોમ કે ડીવીડી-આર ડિસ્ક રીડ કરી શકે છે, ઉપરાંત સીડી – આર અને સીડી-આરડબ્લ્યુ ડિસ્કમાં ડેટા રેકોર્ડ કરી શકે છે.
- મલ્ટિબર્નર ડ્રાઇવ : નામ પ્રમાણે આ પ્રકારની ડ્રાઇવ તમામ પ્રકારની સીડી અને ડીવીડી રીડ કરી શકે છે તેમ જ વિવિધ પ્રકારની સીડી-ડીવીડીમાં ડેટા રેકોર્ડ પણ કરી શકે છે.
સીડી અને ડીવીડીની પાયાની જાણકારી

- ડિસ્કને હંમેશાં સ્વચ્છ રાખો અને તેના પર ધૂળ, આંગળીના ડાઘ કે આંકા પડે નહીં તેનું ધ્યાન રાખો.
- સીડી/ડીવીડીને તેના મધ્ય ભાગ કે છેવાડાની ધારથી જ ઉપાડો, તેની ચમકતી સપાટી પર આંગળી અડે નહીં તેનું ધ્યાન રાખો.
- પ્લેયર કે ડ્રાઇવમાં સીડી/ડીવીડી મૂકો ત્યારે તેની ચમકતી સપાટી નીચેની તરફ રહે એ રીતે મૂકો.
- સીડી/ડીવીડી પર આંકા પડ્યા હોય કે તિરાડ હોય તો તેવા મીડિયાને પ્લેયર કે ડ્રાઇવમાં નાખશો નહીં.
- પ્લેયર કે ડ્રાઇવની ટ્રેમાં સીડી/ડીવીડી બરાબર ગોઠવાય પછી જ તેને, યોગ્ય બટન પ્રેસ કરીને બંધ કરો.
સીડી અને ડીવીડીના સંગ્રહમાં સાવધાની

- સીડી/ડીવીડીમાં ઇન્ફ્રારેડ લેસરની મદદથી રેકોર્ડિંગ થતું હોય છે એટલે રેકોર્ડેબલ ડિસ્કને સૂર્યપ્રકાશથી બચાવવી જરુરી છે.
- ડિસ્કને વધુ પડતી ગરમી અને ભેજ સામે પણ રક્ષણ આપો. આપણે બજારમાંથી તૈયાર, રેકોર્ડેડ સીડી લઈએ તેની સરખામણીમાં જાતે રેકોર્ડ કરીએ તેવી સીડી વધુ કાળજી માગી લેતી હોય છે.
- ઉપરથી મૂકી કે કાઢી શકાય તેવાં હાર્ડ પ્લાસ્ટિકનાં સીડી કેસ સીડી/ડીવીડીને સાચવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્લાસ્ટિકના કવરવાળાં આલબમમાં સીડી કાઢવા-મૂકતાં જતાં તેમાં આંકા પડવાની શક્યતા રહે છે.
- સીડી/ડીવીડીને ક્યારેય થોડી વાર માટે ટેબલ પર ખુલ્લી મૂકવી પડે તો તેનો લેબલવાળો ભાગ નીચે રહે એ રીતે મૂકો.
- સીડી/ડીવીડી પર ખાસ તેના માટેની માર્કર પેનથી જ, લેબલવાળા ભાગ પર લખો. સોલ્વન્ટ બેઝ્ડ, પરમેનન્ટ માર્કર પેનથી સીડી પરના કોટિંગને નુકસાન થઈ શકે છે.
