કમ્પ્યુટર કે સ્માર્ટફોન પર રોજેરોજ કામ કરનારા લોકોનો સૌથી ફેવરિટ કમાન્ડ કદાચ એક જ છે- કોપી-પેસ્ટ.
જો કે ગૂગલ હવે આપણને આ આદત ભૂલાવી દે તેવી શક્યતા ઊભી થઈ છે, અલબત્ત હાલ પૂરતું ફક્ત એન્ડ્રોઇડ પર. એક સમાચાર મુજબ ગૂગલ એન્ડ્રોઇડ પર કોપી પેસ્ટમાંથી કોપીવાળો ભાગ દૂર કરી નાખવાની મથામણમાં છે. જોકે, કોપી કર્યા વગર કંઇ પણ પેસ્ટ કેવી રીતે થઈ શકે એ વિચાર આવવો સ્વાભાવિક છે.
અહીં આપણો સંદર્ભ સમજવાની ગૂગલની તાકાત કામે લાગશે. અત્યાર સુધી આપણે જ્યારે એન્ડ્રોઇડમાં કોઈ રેસ્ટોરાં વિશે સર્ચ કર્યા પછી તેનું લોકેશન મેપ પર જોવા માટે મેપ્સ એપમાં જઇએ તો ત્યારે એ રેસ્ટોરન્ટનું નામ અગાઉ કોપી કરી મેપ્સના સર્ચમાં પેસ્ટ કરવું પડે.
પરંતુ હવે ગૂગલ માની લેશે કે આપણે એ રેસ્ટોરન્ટની રસ્તો જોવા માગીએ છીએ અને એટલે તે આપોઆપ સર્ચબોક્સમાં એ રેસ્ટોરન્ટનું નામ પેસ્ટ કરી લેશે! મોબાઇલ પર બધી જ બાબતોમાં સંદર્ભ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે અને કોપી પેસ્ટમાંથી કોપીવાળો ભાગ ઉડાડી દેવામાં પણ તેની ભૂમિકા મહત્વની રહેશે તેવું લાગે છે.

