ગયા નવેમ્બર મહિનામાં અણધારી નોટબંધી પછી બેન્કમાંથી રોકડ રકમ મેળવવામાં પડેલી હાલાકી અને ભારત સરકારના અસાધારણ પ્રયાસોને પગલે ભારતમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનને ખાસ્સો વેગ મળ્યો છે.
પ્રારંભિક મહિનાઓમાં ઓનલાઇન લેવડદેવડ ઘણી વધ્યા પછી હવે તેની ગતિ મંદ પડી છે, પણ લોકોને પેટ્રોલ પંપ કે દુકાનોમાં સ્માર્ટફોનથી બારકોડ સ્કેન કરીને ફટાફટ પેમેન્ટ કરવાની પદ્ધતિ કોઠે પડવા લાગી છે.
આ ઉછાળા દરમ્યાન તમે પણ પેટીએમ જેવા મોબાઇલ વોલેટનો ઉપયોગ શરૂ કર્યો હોય તો હવે પેટીએમની પેમેન્ટ્સ બેન્ક શરૂ થઈ જતાં તમારા વોલેટ પર તેની કેવી અસર પડશે તે જાણવું તમારે માટે જરૂરી છે. આમ પણ, પેમેન્ટ્સ બેન્કને પગલે ભારતની બેન્કિંગ વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવી રહ્યું છે એટલે તેનાથી માહિતગાર રહેવું આપણાં જ હિતમાં છે.
ભારતમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશન હજી પણ જોઈતો વેગ પકડી શકતાં નથી તેનું મુખ્ય કારણ છે તેના પર બેન્ક્સ દ્વારા લગાવવામાં આવતો ચાર્જ. પેટીએમ પેમેન્ટ્સ બેન્કનું સૌથી મોટું જમા પાસું એ છે કે તેમાં આઇએમપીએસ, એનઇએફટી, યુપીઆઈ વગેરે દરેક પ્રકારના ઓનલાઇન ટ્રાન્ઝેકશન પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અને તેમાં ઝીરો બેલેન્સ પર બેન્ક ખાતું રાખી શકાશે.
પેટીએમ પેમેન્ટ્સ બેન્કના મહત્વના પાસા પર એક નજર નાખીએ તો…
તમારું પેટીએમ વોલેટ એકાઉન્ટ નવી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક હેઠળ આવરી લેવાશે. પેટીએમ મોબાઇલ વોલેટનો આખો બિઝનેસ પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં સમાવી લેવામાં આવ્યો છે. આની આપણા વોલેટ પર દેખીતી કોઈ અસર થશે નહીં, તેમ છતાં તમે પેમેન્ટ્સ બેન્ક સાથે સંકળાવા ન ઇચ્છતા હો તો help@paytm.com પર જાણ કરી, તમારા બેન્ક એકાઉન્ટની વિગતો આપીને વોલેટમાંનું બેલેન્સ પરત મેળવી શકો છો.
આપણું પેટીએમ વોલેટ અને પેટીએમની પેમેન્ટ્સ બેન્કમાંનું ખાતું બંને અલગ બાબત રહેશે. પેમેન્ટ્સ બેન્ક ખાતામાં ઓનલાઇન પેમેન્ટ પર કોઈ ચાર્જ નથી એ તેનું મોટું જમા પાસું છે.
તમારું વોલેટ એકાઉન્ટ પેટીએમ પેમેન્ટ્સ બેન્કના બેન્ક એકાઉન્ટમાં બદલાશે નહીં. વોલેટ એકાઉન્ટ ઉપરાંત આપણે અલગથી પેમેન્ટ્સ બેન્કમાં સેવિંગ્સ કે કરંટ એકાઉન્ટ ખોલાવી શકીશું. બંને માટે લોગઇન એક જ રહેશે પરંતુ વોલેટ અને બેન્ક એકાઉન્ટ અલગ અલગ ખોલાવવાં પડશે.
પેટીએમ અત્યારે પેમેન્ટ્સ બેન્કનું એકાઉન્ટ માત્ર આમંત્રણના આધારે આપી રહી છે. તમે આ બેન્ક એકાઉન્ટ ખોલાવવા માગતા હો તો પેટીએમ પેમેન્ટ્સ બેન્કની વેબસાઇટ પર જઈને આમંત્રણ માટે વિનંતી મોકલી શકો છે.
પેટીએમ બેન્કના એકાઉન્ટમાં રૂપિયા એક લાખ સુધીની રકમ રાખી શકાશે અને તેમાં વાર્ષિક ૪ ટકાના દરે વ્યાજ મળી શકશે.
બેન્કના એકાઉન્ટસ સાથે ચેકબુક, ડિમાન્ડ ડ્રાફ્ટ અને ડેબિટ કાર્ડની સુવિધા મેળવી શકાશે પરંતુ તેને માટે અન્ય બેન્કની જેમ ચાર્જ ચૂકવવાનો રહેશે.
જો તમે પેટીએમ પેમેન્ટ્સ બેન્કના એકાઉન્ટ્સમાં રૂપિયા પચીસ હજાર કે તેથી વધુ રકમ એક સાથે ટ્રાન્સફર કરો તો તેનો એક ટકા (રૂા. ૨૫,૦૦૦ માટે રૂા. ૨૫૦) કેશબેક મળશે. આવું મહત્તમ ચાર વાર કરી શકાશે.
પેટીએમ બેન્ક રૂપે ડેબિટ કાર્ડ આપશે અને તેના માટે વાર્ષિક ફી તરીકે રૂપિયા ૧૦૦+ ડિલિવરી ચાર્જ લેવામાં આવશે. ૧૦ પાનાની ચેક બૂક માટે પણ રૂપિયા ૧૦૦+ ડિલિવરી ચાર્જ લેવામાં આવશે.
આપણને પેટીએમના એટીએમ જોવા મળશે નહીં પરંતુ તેના ડેબિટ કાર્ડનો કોઈ ચાર્જ વિના મેટ્રો શહેરના એટીએમમાં ત્રણ વાર અને નોન મેટ્રો એટીએમમાં પાંચ વાર ઉપયોગ કરી શકાશે. એ પછી રોકડ રકમ ઉપાડવા પર રૂ. ૨૦ અને બેલેન્સ જાણવા જેવી સુવિધા માટે પાંચ રૂપિયાનો ચાર્જ ચઢશે.
અત્યારે પેટીએમ ઉપરાંત એરટેલની પેમેન્ટ્સ બેન્ક શરૂ થઈ ગઈ છે અને તે વાર્ષિક ૭.૨૫ ટકા વ્યાજ આપી રહી છે. તેમાં આપણે જેટલી રકમ જમા કરીએ એટલી રકમનો ટોકટાઇમ મફત મળે છે તથા રૂપિયા એક લાખનો પર્સનલ એક્સિડન્ટ વીમો પણ મળે છે.
અત્યારે ભારતમાં પેટીએમનો વ્યાપ ઘણો વધી ગયો હોવાથી અને તેના બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશન પર કોઈ ચાર્જ ન હોવાથી લાંબા ગાળે પેટીએમની પેમેન્ટ્સ બેન્ક અન્ય પેમેન્ટ્સ બેંક્સ કરતાં આગળ રહે તેવી શક્યતા છે.

